ત્રણ ગઝલ ~ કૌશલ શેઠ (રાજકોટ)

(કૌશલ શેઠ: અભ્યાસે એન્જિનીયર અને વ્યવસાયે ઓપ્ટીશિયન, રાજકોટ)

૧. મને આપો

કહું છું ક્યાં કદી હું કે વધારે બળ મને આપો,
સપાટી રાખવી હો તો, તમે આ તળ મને આપો.

છે સઘળું ઝાંઝવા જેવું જગતમાં આ કહો કે તે,
ઠરેલી આગ લઈ લો ને સળગતું જળ મને આપો.

સીમાડે જિંદગીના હું ઊભો છું મોજથી મિત્રો,
તમે આંબા બધાં રાખો અને બાવળ મને આપો.

મને દુષ્કાળની આદત હવે સારી સદી ગઈ છે,
તમે વરસાદ રાખી લો પછી વાદળ મને આપો.

કદી કોઈ કને માંગ્યું નથી હકથી વધારે પણ,
છે મારા ભાગ્યમાં બસ એટલું કેવળ મને આપો.

નથી મળતાં ઉકેલો જેમના એ પ્રશ્ન લખવા છે,
બને તો એટલું કરજો કલમ-કાગળ મને આપો.

નથી આશા કોઈ આ ‘સ્તબ્ધ’ને કર્મોની બાબતમાં,
તમે મીઠાં બધાં રાખો ને કડવાં ફળ મને આપો.

૨. ચોકીદાર છે

હું અને આ રાત જાગે, ચંદ્ર ચોકીદાર છે,
હું લખું વિચાર મારા શબ્દ ચોકીદાર છે.

કોણ સમજે છે મને એ જાણતો પણ હું નથી,
હું અહીં આરંભ છું ને અંત ચોકીદાર છે.

કોણ સાથે લઈ ગયું છે જે કમાયું છે અહીં,
જાતની મિલ્કતના અહીંયા સર્વ ચોકીદાર છે.

જીવ તો કાલે જવાનો નાસમજ નાદાન છે,
આજ તો આ ખોળિયાનો કર્મ ચોકીદાર છે.

કેટલાં ઈશ્વર અહીં ને કેટલાં પંથો અહીં ,
આ બધાએ નાટકોનો ધર્મ ચોકીદાર છે.

પાંચ લીટીમાં ઘણો સંદેશ છોડી જાય છે,
‘સ્તબ્ધ’ તારી આ ગઝલનો મર્મ ચોકીદાર છે.

૩. ફૂરસદ મળે તો

જરા શ્વાસ લેવાની ફૂરસદ મળે તો,
કશું ખાસ કહેવાની ફૂરસદ મળે તો.

શરૂઆત કરવી છે આજે નવી, પણ
શરુઆત કરવાની ફૂરસદ મળે તો.

ઘણું મૌન રાખ્યું હવે બોલવું છે,
મને વાત કરવાની ફૂરસદ મળે તો.

ફરી યાદ કરવા છે દિવસો એ જૂનાં,
ફરી યાદ કરવાની ફૂરસદ મળે તો.

બની ‘સ્તબ્ધ’ બેઠો છું એ જિંદગી જો,
તને સાદ કરવાની ફૂરસદ મળે તો

~ કૌશલ શેઠ
+91 94299 79522

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. સુંદર ગઝલત્રયી. કૌશલભાઈનું કૌશલ્ય દેખાય છે.

  2. સરસ. દરેક રચના ગમી…
    વિશેષ…જીવ તો કાલે જવાનો નાસમજ નાદાન છે,
    આજ તો આ ખોળિયાનો કર્મ ચોકીદાર છે.
    સરયૂ પરીખ