ભામલાની સંદૂકમાં યુફાજીયા લોકો ~ ગંગાથી રાવી સુધી (પાકિસ્તાન પ્રવાસ) (ભાગ: 24) ~ પૂર્વી મોદી મલકાણ
ત્રીજી સદીનાં ભામલા સ્તૂપાને છોડી અમે ત્યાં મળેલ તે ગ્રામીણને ઘેર ગયાં, ત્યાં તેમની મહેમાનવાઝીનો લૂફ્ત ઉઠાવી તેમનાં કહ્યાં મુજબ હજુ અમે ધર્મરાજિકા તરફ નીકળી રહ્યાં હતાં પણ આ સ્થળની શાંતિમાંથી હજુ અમે બહાર નહોતા નીકળ્યાં.
થોડા કલાકો પહેલાં ખાધેલાં માલ્ટાની સુગંધ હજુ અમારા કપડાં પર મહેંકી રહી હતી, તો થોડીવાર પહેલાં લીધેલ ચાની ચૂસકીનો સ્વાદેય અમારી જીભ ઉપર રમી રહ્યો હતો. અમારી કારનેય પૂરો ગરમાવોયે ચઢ્યો ન હતો, ત્યાં જ ફરી અમારી સામે ગામનાં બીજાં બે-ત્રણ ગ્રામીણો આવી જતાં અમે ફરી ત્યાં જ રોકાઈ ગયાં. (નામ:- ગુલાન ખાન અને જહાલ જાહો ફતિહ).
(ભામલામાં રહેતાં યુફાજીયા જાતિનાં ગુલાન ખાન અને જહાલ જાહો ફતિહ)
તેઓએ અમને તેમને ઘેર આવવા માટે આમંત્રણ આપ્યું, અમે કહ્યું કે; અમારે ધર્મરાજિકા નીકળવું છે, જેનાં જવાબમાં તેઓએ આકાશ સામે જોયું અને પછી કહે ધર્મરાજિકાનો રસ્તે ચઢતાં જ તમને ટાઈમ થવાનો ને અત્યારે તમારી પાસે એટલો સમય નથી.
તેની વાત સાંભળી અમનેય ખ્યાલ આવ્યો કે સાંજ બહુ દૂર નથી. પણ સાથે સાથે એય ખ્યાલ આવ્યો કે; અભણ દેખાતાં આ લોકોને ઘડિયાળની કોઈ જરૂર નથી, તેથી જ આકાશ સામે જોઈ તેઓ જે બોલ્યાં તેને અમે અમારી પાસે બે -બે ઘડિયાળ હોવા છતાં ભાપી શક્યાં ન હતાં.
તેથી આ ક્ષણમાં પરત આવી, થોડીવાર પરસ્પર ચર્ચાઓ કરી અમે આગળનો પ્રવાસ કેન્સલ કર્યો અને તે ગ્રામીણજનો સાથે તેમનાં આંગણે ગયાં જ્યાં અમુક લોકો સાથે થોડી જનાનીઓ પણ હાજર હતી.
આ જનાનીઓને જોઈ મને બહુ આશ્ચર્ય થયું, કારણ કે ઇસ્લામાબાદથી પેશાવર સુધી જેટલી પણ જનાનીઓ મેં જોઈ હતી તેનાંથી આ જનાનીઓ તદ્દન ભિન્ન હતી.
સામાન્ય રીતે પાકિસ્તાનનાં ગામડાની જનાનીઓ અજાણ્યાં પુરુષોની સામે ઓછું બોલનારી કે સામે ન આવનારી હોય છે, પણ અત્યારે જેમને હું મારી સામે જોઈ રહી છું તેઓએ તો ન તો પોતાનો ચહેરો ઢાંક્યો છે, કે ન અબાયા પહેર્યો છે. તેઓ તો કોઈપણ જાતનાં સકોચ વગર ઘણું જ બોલી રહી હતી, અમને પૂછી રહી હતી અને વાતચીત કરી રહી હતી.
આ જનાનીઓ સાથે અમારી જે વાતચીત થઈ તેમાં મોટાભાગે ભારત, ભારતીયો અને આપણાં ખાનપાન અંગેની જ હતી જેનાં અમે જવાબ આપ્યા. પણ આ બાબતમાં ખાસિયત એ રહી કે; તેમની સાથેની વાતચીત દરમ્યાન મને આ સ્થળનો અને તે લોકોનો ઇતિહાસ જાણવા મળી ગયો જે મારે માટે બહુ અમૂલ્ય હતું.
આ જનાનીઓનાં કહ્યાં મુજબ તેઓ યુફાજીયા જાતિનાં હતાં. આ “યુફાજીયા” આ શબ્દ યે મારે માટે નવો હતો; કારણ કે અત્યાર સુધી તો મને શિયા અને સુન્ની વિષે ખ્યાલ હતો. તેથી આ યુફાજિયા વિષે પૂછતાં જે જાણવા મળ્યું તે મારે માટે તો ખરેખર અદ્ભુત જ હતું.
સહજ વાતચીતથી મળી આવેલ ભામલાની આ સંદૂક એ મૌર્ય રાજા અશોક પાસે ખૂલતી હતી. સમ્રાટ અશોકે બૌધ્ધ ધર્મનાં પ્રસાર -પ્રચાર રૂપે અહીં બૌધ્ધ ધર્મનાં અનેક સ્તૂપો અને નાની નાની વિદ્યાપીઠો બનાવી હતી જેથી કરી અહીં ઘણાં બૌધ્ધ સાધુઓ અને વિદ્યાર્થીઓ રહેતાં હતાં. (ગ્રામવાસીઓનાં કહ્યાં મુજબ આજે પણ બૌધ્ધ સાધુઓની સંગતિ ત્યાં ભરાય છે, તે દરમ્યાન ત્યાં ઘણા સાધુઓ ભેગા થાય છે.)
લગભગ ૧૧મી સદીમાં અફઘાનોએ ઇન્ડ્સ અને કાબુલ નદીની આસપાસના પ્રાંત પર પોતાનો કબ્જો જમાવ્યો તે વખતે તેમણે અહીં રહેતાં બૌધ્ધ સાધુઓ અને તેની સંસ્કૃતિને માન આપ્યું અને તેમણે અહીં રહેલ આ સંસ્કૃતિની તોડફોડ કરી નહીં. જેથી કરીને વધુ થોડા વર્ષો આ સ્થાપત્યોની રક્ષા થઈ પણ આ સદી દરમ્યાન જ તુર્કીથી ગઝની અહીં આવ્યો.
ગઝનીએ અહીં રહેલાં અફઘાનોને હરાવી આ જગ્યાએ રહેલ બૌધ્ધ ઇતિહાસ અને ઇમારતોનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો. ગઝનીનું માનવું હતું કે મૂર્તિઓનાં મસ્તકમાં જે તે દેશ-ધર્મનું અભિમાન હોય છે આ મસ્તક ઉડાડી મૂકો તો તે દેશ-ધર્મનું અપમાન જ થયું કહેવાય.
આ ન્યાયે તેણે અને તેનાં સૈન્યએ બૌધ્ધ મૂરતોનાં મસ્તક ધડથી અલગ કર્યા. ગઝનીની આ વાત મને ઘણે અંશે સાચી લાગી. કારણ કે અત્યાર સુધી (૨૦૦૭, ૨૦૧૧ અને હાલમાં) હિન્દુ બૌધ્ધનો અમે જે જે ઇતિહાસ જોયો હતો તેમાં મૂર્તિઓને મસ્તકથી જ ખંડિત કરવામાં આવેલી.
આ વાતને સમજીએ તો એક અન્ય વાત ધ્યાનમાં આવી કે અવારનવાર આપણે સીમા યુધ્ધ વિષે સાંભળીએ છીએ ત્યારે જાણીએ છીએ કે પાકિસ્તાની સૈનિકો આપણાં સૈનિકોના મસ્તક કાપીને લઈ ગયાં.
કહેવાનું તાત્પર્ય એ કે પાકિસ્તાની સૈનિકોએ આ ક્રિયા એ ગઝની પાસેથી લીધેલી છે અને પાક ઇતિહાસ મુજબ આ માર્ગથી ગઝની લગભગ વીસેક વાર પસાર થયો, જેમાંથી લગભગ સત્તર વાર તો તે હિંદુસ્તાન તરફ ગયો હતો તે દરમ્યાન તેને જ્યાં જ્યાં હિન્દુ કે બૌધ્ધ પ્રજા મળી તેમની તેણે કતલ કરી અને તેમની સમસ્ત ઇમારતો જેવા કે; વિદ્યાપીઠો, સ્તૂપા, મંદિરો, ગૃહો, હવેલીઓ વગેરેને પણ ખંડિત કર્યા.
ગઝની પછી આ વિસ્તારમાં વિવિધ આક્રમણકારીઓ આવતાં રહ્યાં. ૧૫૦૫માં જ્યારે મુઘલ બાદશાહ બાબરનું રાજ્ય આવ્યું ત્યારે અહીંનાં મોટાભાગના લોકો મિક્સ બ્લડનાં થઈ ગયેલાં.
બાબરે હિંદુસ્તાનની રાહ પકડી પછી મોંગોલિયાથી આવેલાં યુફાઝીયા ટ્રાઈબનાં આ પ્રાંતમાં આવીને નિવાસ કર્યો અને પોતાનો હક જમાવ્યો. ૧૫૧૯માં બાબરે ફરી આ વિસ્તાર પર હુમલો કર્યો અને યુફાઝીયા ગુર્જર સરદારને હરાવી આ પ્રાંતને ફરી પોતાના તાબા નીચે લોધો. આ સમય દરમ્યાન તેણે યુફાઝીયા સરદારની ૧૮ વર્ષની દીકરી મુબારકાને જોઈ શાદી માટે પૈગામ મોકલ્યો.
ત્યારે મુબારકાએ શરત મૂકી કે આ વિસ્તારની ઉપર તેના પિતાની સરદારી રહેશે તો તે બાબર સાથે શાદી કરશે. મુબારકાની આ વાત બાબરે માન્ય રાખી. આમ મુબારકા બાબરની સાતમા નંબરની બેગમ બની. ( બાબરને દસ બેગમ હતી આ બધી જ બેગમોમાં હુમાયુની માતા આયેશા સુલતાના બેગમ પહેલા નંબરની બેગમ હતી.)
આ મુબારકાનાં દીકરાનું નામ બૈરમખાન હતું, જેની શાદી મહામંગા સાથે થયેલી. આ મહામંગાથી બૈરમખાનને જે દીકરો થયો તે આદમખાન હતો. આમ આદમખાનની દાદી એટ્લે કે; યુફાજીયા જાતિનાં સરદારની દીકરી તે મુબારકા.
મહામંગાના દીકરા આદમખાનનું માનવું હતું કે તે પણ બાબરના વંશનો જ છે તેથી દીલ્હી ગાદી પર જેટલો અધિકાર અકબરનો છે તેટલો જ અધિકાર તેનો પણ છે માટે ગાદી માટે તેનો સંઘર્ષ હંમેશા અકબર સાથે રહ્યો. મોગલો પછી આ વિસ્તાર અફઘાન, પશ્તુ પઠાણો, શીખ અને હિન્દુઓ અને અંતે બ્રિટિશરોનાં હાથ નીચે ગયો. પણ શીખ સરદાર રણજીતસિંહે આ બ્રિટિશરોને હરાવીને ફરી અહીં શીખ સામ્રાજ્ય સ્થાપ્યું હતું જે તેમનાં મૃત્યુ સુધી રહ્યું (લગભગ ૧૯૨૦ સુધી) અને અંતે ફરી આ વિસ્તાર અંગ્રેજોના હાથમાં ગયો.
આમ જોઈએ તો આ સ્થળનો આ ઇતિહાસ ઘણો જ અટપટો હતો, પણ હું યે ઇતિહાસની જ યાત્રી છું તેથી આ સ્થળનો ઇતિહાસ જાણવાનો જેટલો આનંદ થયો, તેટલો જ આનંદ અમને તેમની સાથેનાં બીજીવારનાં ચા-પાણીનોય થયો.
સતત ઉછળી રહેલ વાતચીતની વચ્ચે અમે પણ જ્યારે આકાશ તરફ નજર નાખી ત્યારે અમે એક દુલ્હનને ભામાલાને આંગણે આવવા ઉતાવળી થતી જોઈ. આ દુલ્હનને જોઈ અમે બે પળને માટે ચોંકી ઊઠ્યાં. જે જોઈ જહાલ જાહો ફતિહજીએ અમને ભામલાને આંગણે આવી રહેલી આ નવી નવી માખામ-માહામને નજીકથી જોઇ આગળ જવા માટે કહ્યું. અંતે ભામલા અને ભામલાવાસીઓની રજા લઈ અમે પણ માખામ-માહામને મળવા કાબુલરોનાં દરિયા તરફ નીકળી પડ્યાં.
© પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ
purvimalkan@yahoo.com