પ્રભાવી ગુર્જરી છે (વિશ્વ ગુજરાતી ભાષા દિવસ) ~ કટાર: અર્ઝ કિયા હૈ ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે (રવિવાર)
કવિ નર્મદનો જન્મદિન (૨૪ ઑગસ્ટ) વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઊજવાય છે.
ગુજરાતમાં ગુજરાતી ભાષાનું ઑક્સિજન લેવલ ૯૫-૯૮ વચ્ચે ઠરીઠામ છે, જ્યારે મુંબઈમાં ગુજરાતીનું ઑક્સિજન લેવલ ૯૦ની નીચે છે. ૧૯૯૦ની આસપાસ ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ થવાની શરૂઆત થઈ ત્યારથી આ નર્વસ નાઇન્ટી ચાલે છે. નિષ્ણાત ડૉક્ટરોએ તો ક્યારની નળી ભરાવી આપી છે જેથી શ્વાસ ચાલુ રહે. ખેર, મોકાણની વાત છોડીને પહેલાં મહત્તાની વાત કરીએ. રક્ષા શાહ શ્રદ્ધાથી કહે છે…
માતૃભાષા તું વધારે
એટલે સૌને ગમે
શબ્દનો આરંભ જો
‘મા’ શબ્દથી અહીં થાય છે
મા, માતૃભાષા અને માતૃભૂમિનું ઋણ ક્યારેય ફેડી ન શકાય. આપણે નાના હોઈએ ત્યારે મા આપણને સાચવે. માની શક્તિ ઓસરતી જાય પછી આપણે તેને સાચવવાની હોય. આ વાત માતૃભાષાના સંદર્ભે પણ લાગુ પડે કે નહીં? જગદીશ જે. પરમાર માતૃવંદના કરે છે…
ગૂજરાતી ગુંજતી છે
નભતણા નર્મદ-હૃદયમાં
ઓળખાતી આજ
ગાંધીચરખા જેવી માતૃભાષા
બ્રહ્મને પણ વશ કરે
તેવી પ્રભાવી ગુર્જરી છે
સ્વપ્નમાં અંગત પળોમાં
કાંતા જેવી માતૃભાષા
વસ્તુ જ્યારે ન હોય ત્યારે એની કિંમત સમજાય. વિદેશમાં વસતાં અનેક માબાપ પોતાનું સંતાન પ્રાથમિક ગુજરાતી શીખે એ માટે પુરુષાર્થ કરતાં હોય છે. મહદંશે આ સદ્કાર્ય ધાર્મિક સંસ્થાનો દ્વારા કરવામાં આવે છે જે ખરેખર પ્રશંસનીય છે. માનો પાલવ પકડીને બાળક ચાલતું હોય છે. એ જ રીતે માતૃભાષા સાથે સંસ્કાર પણ જોડાયેલા છે અને સંસ્કૃતિ પણ. તમે થેપલાંનો કામચલાઉ પર્યાય લાવી શકો, રિપ્લેસમેન્ટ-ફેરબદલ નહીં. મીતા ગોર મેવાડા આપણી સ્વાદ – ઐયાશીને આલેખે છે…
છૂંદા ને થેપલાંની,
ગાંઠિયા ને ખાખરાની
કરતા રહે ઉજાણી
ચોક્કસ એ ગુજરાતી
સોરઠનો દરિયાકાંઠો
કે રણભૂમિ હો કચ્છની
લે જિંદગી જે માણી
ચોક્કસ એ ગુજરાતી
દરેક ભાષા પોતાની રીતે મહાન છે, પણ માતૃભાષાને વેંત ઊંચું સ્થાન મળે અને મળવું પણ જોઈએ. બે પેઢી વચ્ચેના સંવાદમાં માતૃભાષાની ઊણપ એક કારણ હોઈ શકે. મૂળ આપણને કુળ સાથે જોડાયેલા રાખે. અત્યારે મોટી-મોટી કંપનીઓમાં સીઈઓ તરીકે કામ કરતા અનેક વ્યાવસાયિકો પોતપોતાની માતૃભાષામાં ભણેલા છે. ડૉ. સેજલ દેસાઈ મક્કમ વાત કરે છે…
માત્ર બીજાના ઇશારે ના કશું
શીખવાનું, પણ પરાણે ના કશું
વિશ્વની ભાષા જરૂરી શીખવી
માતૃભાષાથી વધારે ના કશું
સતત એક દલીલ એવી થાય છે કે સ્નાતક-અનુસ્નાતક કક્ષાએ અને ઉચ્ચ શિક્ષણમાં અંગ્રેજીનું ચલણ વિશ્વભરમાં પ્રવર્તે છે તેથી શાળામાં અંગ્રેજી માધ્યમ જ હોવું જોઈએ, નહીંતર છોકરું પાછળ રહી જાય. સામે પક્ષે જપાન, જર્મની, ચીન જેવા દેશોએ પોતાની માતૃભાષાને ટકાવીને હરણફાળ ભરી છે.

તેમણે અંગ્રેજી સાથે હસ્તધૂનન જરૂર કર્યું છે, પણ ગળે વળગાડી નથી. આપણે આંગળીએ વળગેલી માતૃભાષાને હડસેલીને અંગ્રેજીને ગળે વળગાડી છે. સંજુ વાળાની પંક્તિઓમાં છલકાતી ભાષાસમૃદ્ધિ નવી પેઢી સમજી શકશે?
બાળાશંકર, સાગર-શયદા,
મરીઝ-ઘાયલ, આદિલ
મનોજ, મોદી, શ્યામ, સરૂપા
ભવ્ય ગઝલ ગુજરાતી
અર્થા, વ્યર્થા, સદ્ય સમર્થા,
તું રમ્યા, તું રંભા
તું મારી ભાષામાં ભૂપા
ભવ્ય ગઝલ ગુજરાતી
જે ભાષા સ્વાભિમાન ગુમાવે, આર્થિક મહત્ત્વ ગુમાવે એ આખરે ક્ષીણ થતી જાય. વ્યવહારમાં મહત્ત્વ ન રહે તો આભા ઝાંખી પડતી જાય. તહેવારમાં મહત્ત્વ ન રહે તો શોભા ઝાંખી પડતી જાય. માતૃભાષાના પ્રહરી ન થઈ શકીએ તો કંઈ નહીં, પ્રતિનિધિ તરીકે તો ટકી રહેવું ઘટે. ભાષાની અસ્મિતા, ખુમારી, દૈવત, કૌવતનો આપણે પણ નાનકડો હિસ્સો છીએ. વતન છોડીને પરદેશ સ્થાયી થયેલી વરિષ્ઠ પેઢી કિલ્લોલ પંડ્યાની વાત સાથે જરૂર સંમત થશે…
જ્યાં જશે ગુજરાતી
સાથે લઈ જશે ગુજરાતને
હાડ, લોહી, ચામની
ભીતર કશું બીજું નથી
જિંદગીના મંચ પર
સૌના અલગ છે વેશ ત્યાં
વેશ છે ગુજરાતી ને
પાતર કશું બીજું નથી

લાસ્ટ લાઇન
માતૃભાષાનું ગીત
માતૃભાષા થઈ પાડું છું બૂમ!
ખોટા જાદુગર છો,
આપે કરી મને
પરદેશી ટોપીમાં ગુમ…
દાદીના ઓરડામાં
ફુદરડી ફરતી’તી
મધમીઠી પીપરમીટ
બચ્ચાંને ધરતી’તી
રોતા’તાં બાળ ત્યારે
હાલરડાં કરતી’તી
ગળચટ્ટા શબ્દો લઈ
ડગલાં હું ભરતી’તી
વચ્ચે બેસાડીને અંગ્રેજી શબ્દોની
ચારે-કોર ફોડી લ્યા લૂમ!
મારું તો ઠીક,
ઝૂરે ઝૂલણાઓ પ્હોરમાં
સૂનકારો પેઠો,
મિયાં-ફુસકી-બકોરમાં!
સૂનું સાવ
સોના-દાંતરડું બપ્પોરમાં
પાંચ-પાંચ આંગળીએ
ધ્રૂજે છે ગોરમા
કક્કો જ્યાં રૂંધાતો હોય
પછી કરવા શું
સ્માર્ટ-બોર્ડ, એસીના રૂમ?
~ ધાર્મિક પરમાર

વાહ! બહુ ગમ્યો આ લેખ…હર્ષ,ગૌરવ અને વંદન છે!
વાહ. ગર્વ છે કે હું ગુજરાતી છું..👍💐💐