સ્મશાનવૈરાગ્ય જેવો કોર્ટવૈરાગ્ય શબ્દ કેમ પ્રચલિત નથી! (પ્રકરણ : 35) ~ આત્મકથા: પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજા

પ્રકરણ : 35

રાજકોટમાં બાએ જાતે બાંધેલું અમારું વહાલું ઘર `નવદુર્ગા’ એના કેસ માટે (સ્વજનોની કૃપાથી) મહિનાઓ સુધી કોર્ટનાં પગથિયાં ચડઉતર કર્યાં હતાં. એ સમયે કોર્ટના પ્રાંગણમાં જ આપણી ચિરપરિચિત, આપણી આસપાસ પરમતત્ત્વે રચેલી દુનિયાથી સાવ જ જુદી,

નિયતિનિયતામ્ રહિતા દુનિયાનાં દર્શન કરી હું સ્તબ્ધ થઈ ગઈ હતી. આ મનુષ્ય નિર્મિત દુનિયા હતી. પોતાનાં સ્વાર્થ અને સ્વહસ્તે રચેલી. અહીં ન્યાય માટે વલખાં મારતાં લોકોને જોયા, તો ઘણાં છળકપટ, અસત્યની બ્રીફ લઈ ન્યાયની દેવડી પાસે ઊભાં હતાં.

રૂ. 500નો નિભાવખર્ચ પત્નીને આપવાનો કોર્ટ ઑર્ડર હોય તે પતિ કોર્ટ પર આવે ત્યારે દૂર કાર પાર્ક કરે અને પગે ચાલતો, દયનીય ચહેરે કોર્ટમાં હાથ જોડે. માઈબાપ ક્ષમા કરો. રૂ. 500 આપવાનું ગજું નથી.

પતિને પગે આળોટતી, આક્રંદ કરતી સ્ત્રીને જોઈ, ઍલ્યુમિનિયમનાં ઠીબડાં પાસે ઊભાં રહી પતિપત્નીને લડતાં જોયા તો બાળકનાં કબ્જા માટે બે ટોળાં સામસામે લડી રહ્યાં હતાં અને બાળક ભયથી જડ બની રડવાનુંય ભૂલી ગયું હતું.

કોર્ટનાં આંગણામાં વિવિધ દૃશ્યો જોઈ મને ભર્તૃહરિનું સ્મરણ થતું. `કોઈ જગ્યાએ વિદ્વાનોની ગોષ્ઠિ ચાલતી હોય તો કોઈ જગ્યાએ લોકો દારૂ પીને ઉન્મતાથી ઝઘડતા હોય છે. ક્યાંક વીણાનો અવાજ સાંભળું છું, તો ક્યાંક આક્રંદ, ક્યાંક સુંદર સ્ત્રી જોઉં છું તો ક્યાંક જર્જરિત વૃદ્ધ મનુષ્ય. હું જાણી શકતો નથી કે સંસાર અમૃતમય છે કે વિષમય. न जाने संसारः किममृतमयः किंविषमय ।’

કોર્ટ કેસ માટે દૂરદૂરથી લાંબી થતી, કેડે બાળક લઈ આવતી ઉઘાડપગી મહિલાઓને ભાવનાબહેન હિંમત બંધાવતાં, તો કેટલીયેવાર વાટખર્ચીય હાથમાં મૂકતા. સાંજે એમની ઑફિસમાં સાથે બેસું, ત્યાં તનમન પર જખમ લઈને આવતી સ્ત્રીઓની સમસ્યાનાં, વ્યથાનાં વીતક સાંભળું.

કોર્ટના આંગણામાં ખેલાતી ભવની ભવાઈના ઘણાં પ્રસંગો (નામઠામ બદલી) એ સમયે `ફૂલછાબ’, રાજકોટના અખબારમાં લખ્યા હતા.

એક પ્રસંગ એટલો વિકૃત હતો કે કોઈએ માથે ફટકો માર્યો હોય એમ હું તમ્મર ખાઈ ગઈ હતી. અરેરે! આવું બની શકે! માતા અને પુત્રનો જાતીય સંબંધ!

1997ની આસપાસનો એ સમય.

આજે થાય છે, હા, આવું બની શકે. દેશમાં મોટે પાયે બની રહ્યું છે. રોજ સગાં પિતા, દાદા, કાકા એવા લોહીનાં સ્વજનો પોતાની જ દીકરીઓ સાથે જાતીય દુર્વ્યવહાર કરે છે એના અનેક કિસ્સાઓ રોજ સવારે અખબાર ખોલતાં જ વાંચવા મળે છે.

પુત્રી પર બળાત્કાર કરનાર પિતાએ કોર્ટમાં કહ્યું કે, આ મારી દીકરી છે, એનો ભોગવટો તો હું જ કરું ને! ઘણીવાર કહેવાતા નેતા, રાજકારણીઓ એવી અભદ્ર ટિપ્પણીઓ કરે છે તેની તો લાંબી યાદી થઈ શકે.

આપણે ભારતીય સંસ્કૃતિનાં ગાણાં ક્યાં સુધી ગાઈશું! કાગડાનો રંગ કોઈ પણ દેશમાં કાળો જ હોય ને!

જેમાં કોઈ હક્કદાવો જ ન હોય એવો અમારા પર પ્રોપર્ટીનો કેસ અને કોર્ટનાં પ્રાંગણમાં ખેલાતાં ખેલ પરથી જીવનનો અઘરો પાઠ હું શીખી. જેમ જેમ કોર્ટનાં પગથિયાં ઉપર ચડો તેમ તેમ માનવતાનું એક એક પગથિયું નીચે ઊતરતા લોકો જોયા. એથી નીચે ભૂંડ આળોટે એવો નર્યો કાદવકીચડ અને છેલ્લે ભમ્મરિયો કૂવો. એમાં ડૂબ્યા તો ડૂબ્યા.

એક વરિષ્ઠ વકીલને મળી જે એક કેસ 58 વર્ષથી, પૂરા અઠ્ઠાવન વર્ષથી લડી રહ્યા હતા, બે ભાઈઓ વચ્ચે પ્રોપર્ટીની વહેંચણીનો. ખેતરો વેચ્યાં, ખૂનખરાબા થયા અને ત્રીજી પેઢી હવે મેદાનમાં હતી.

5000 વર્ષ પહેલાંનો ગીતાનો સંદેશ, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, તૃષ્ણા એમાં ઉમેરાયેલી આજના સમયની કંઈક કુટિલ નીતિ અહીં ચરિતાર્થ!
* * *
બી.એ. પછી શું કરું, શું કરુંની મૂંઝવણ હતી. ભણવામાં બહુ રસ હતો નહીં, ડિગ્રી જોઈતી હતી અને કૉલેજ જવું હતું. નિશ્ચિત દિશા નહોતી. મારી એક બહેનપણીએ લૉ કૉલેજનું ફૉર્મ ભર્યું, મને થયું, ગૂડ આઇડિયા હુંય વકીલ થઈ જાઉં. હું તરંગી અને અવ્યવહારુ. મનની મોજ. પણ ઈલાએ ઘસીને ના પાડી, કહે:

પેરીમેસન વાંચી વાંચીને તને કોર્ટરૂમ ગજાવવાના ધખારા થયા છે. પણ તને ખબર છે મહિલા વકીલો સિનિયર વકીલોની પાછળ બ્રીફ લઈને ચાલતી હોય છે! એમને મામૂલી, મધ્યમવર્ગનાં લોકોનાં કેસ માંડ મળે છે. મોટા ગજાનાં કેસોમાં અસીલોને મહિલા વકીલો પર ભરોસો બેસતો નથી. ઉપર સુધી બહુ ઓછી મહિલા વકીલો પહોંચી શકે છે.

હાઉ ટ્રુ! આ 1961ની વાત.

5 સપ્ટેમ્બર, 2021. આ લખી રહી છું ત્યારે `હિંદુસ્તાન ટાઇમ્સ’માં સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિસનો ખાસ લેખ છે, એન. વી. રામન્ના લખે છે,

એન. વી. રામન્ના

`Few women make it at the top. After 75 years of independence one would expect at Least 50% representation at all levels. With great difficulty we have now achieved a mere 11% representation of women on the bench of Supreme Court.’

એ લેખમાં મહિલા વકીલોને કોર્ટ રૂમમાં ભોગવવી પડતી હાડમારી, સુવિધાઓનો અભાવ વિષે ઘણી મહિલા વકીલોએ ફરિયાદ કરી છે.

સારું છે આ કોર્ટના અનુભવ પછી મને થયું આ મારું કામ નહીં.

એક વાતનું આશ્ચર્ય છે. સ્મશાનવૈરાગ્ય જેવો કોર્ટવૈરાગ્ય શબ્દ કેમ પ્રચલિત નથી! સુરેશ જોષી કહે છે તેમ, માનવી પૃથ્વીને અસાવધ ક્ષણે આવેલું એક દુઃસ્વપ્ન. સાચી વાતને!

સુરેશ જોષી

* * *
રેડિયો પર નાટકોમાં તો વર્ષોથી હું અને ઈલા આર્ટિસ્ટ તરીકે ભાગ લેતાં હતાં ત્યારે રેડિયોનું ગ્લેમર હતું. ઘરેઘર અવાજ ગુંજતો.

બપોરે બાર વાગે કે અમારી ઘાટકોપરની ગુજરાતી કૉલોનીનાં બધાં જ ઘરમાં `મહિલામંડળ’ને એક સાથે અવાજ જોરદાર ગુંજી ઊઠતો, નમસ્તે બહેનો.

હું એનાઉન્સર બની પછી મારો અવાજ પણ અનેક ઘરોમાં ગુંજતો, એક જબરજસ્ત ફીલિંગ આવતી. યુવાનીના એ દિવસો!

હું લખતી થઈ, પછી બરકત વિરાણી, આપણા લોકપ્રિય ગઝલકાર.

બરકત વિરાણી

રેડિયો પર નાટ્યવિભાગ સંભાળે, એ મારી પાસે નાટકો લખાવતાં. ત્યારે 15, 30 અને 1 કલાકનો નાટકનો સ્લોટ અને નાટકો શ્રોતાઓમાં ખૂબ જ લોકપ્રિય. મારી વાર્તાઓ, નવલકથાનાં પ્રસંગો પરથી ઘણાં રેડિયો પ્લેઝ લખ્યા. કોઈ સ્ક્રીપ્ટ મારી પાસે નથી.

હમણાં 2019માં `અણસાર’ નવલકથાનો તેર ભાગમાં રેડિયો સિરિયલનો કૉન્ટ્રેક્ટ અચાનક મળ્યો. `અણસાર’ બે વાર કથાવાંચનમાં રેડિયો પર વંચાઈ ચૂકી છે, હવે સિરિયલ યુ ટ્યૂબ પર ઉપલબ્ધ છે.

1972માં મુંબઈમાં દૂરદર્શન શરૂ થતાં લેખનમાં એક નવી તરાહનો ફણગો ફૂટ્યો. દૂરદર્શન શરૂ થયું પણ કન્ટેન્ટ, કાર્યક્રમો ન હતા. પૂરતા સાધનો અને સ્ટાફનો પણ અભાવ. ખાસ સુવિધાઓ વિનાનું નાનું મકાન. એક જ સ્ટુડિયો ફ્લોર. જ્યાં એક તરફ સાંજે લાઇવ ન્યૂઝથી ટી.વી. શરૂ થાય. બીજી તરફ નાટક, વાર્તાલાપ વગેરે કાર્યક્રમમાં ભાગ લેનારાઓ બેસી રહે. ન્યૂઝ પૂરા થાય અને કૅમેરો એ તરફ ફરે અને એ પ્રોગ્રામ લાઇવ થાય. રેકોર્ડિંગની સગવડો આરંભમાં ઓછી હતી. રેડિયોની ગ્લેમર પછી ધીમે ધીમે દૂરદર્શનની આભા બની રહ્યું.

દૂરદર્શન માટે કેમ લખાય તેની ખબર ક્યાંથી હોય! નવું જ માધ્યમ. જ્યારે મને કહ્યું ટી.વી. પ્લે લખી આપો ત્યારે પૂછ્યું હતું એ કેમ લખાય? દિલ્હી દૂરદર્શનનું એક ટેલિપ્લે બતાવ્યું. મેં મારી નવલિકા `મુક્ત કારાગાર’ પરથી ટેલિપ્લે લખી આપ્યું જેમાં વિજય દત્તે મુખ્ય ભૂમિકા કરી હતી.

વિજય દત્ત

એ જ રીતે `મારે પણ એક ઘર હોય’ પરથી સિરિયલ લખવાનું કહ્યું ત્યારે પણ એ જ પ્રશ્ન, સિરિયલ કેમ લખાય? રાત્રે કોણ ટી.વી. જોવાનું હતું!

બટ, રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. દર્શકોને સિરિયલોમાં એવો રસ પડ્યો કે રસના ચટકા હોય, કૂંડા ન હોય એ કહેવત તરત જ ખોટી પડી ગઈ. દર્શકો રસનાં કૂંડેકૂંડા આકંઠ પી રહ્યા છે અને આજે ઓટીટી પ્લૅટફૉર્મ પર રસના મહાસાગર લહેરાઈ રહ્યા છે.

ટેલિપ્લે, સિરિયલ, પટકથા-સંવાદ ટ્રાયલ ઍન્ડ એરર મૅથડથી, સેલ્ફ વર્કશૉપમાં લખતાં શીખી, અન્ય લેખકો પણ એમ જ શીખ્યા. ત્યારે કોઈ વર્કશૉપ નહોતી કે જાતભાતની લેખન સ્પર્ધાઓમાં હજારોનાં ઇનામો તો સપનામાંય નહીં. દૂરદર્શન પર અન્ય લેખકોની કૃતિઓ પરથી પણ પટકથા-સંવાદનું કામ મને સોંપાતું હતું. પન્નાલાલ, મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, કુંદનિકા કાપડિયાની કૃતિઓ પરથી ટેલિફિલ્મ, પ્લે, સિરિયલ્સ લખ્યાં.

અડધી રાત્રે મારું રસોડું મારો રાઇટિંગ સ્ટુડિયો અને ગૅસનો ચૂલો મારું રાઇટિંગ ટેબલ. નવલકથા, ટૂંકી વાર્તા, પટકથા સંવાદ, રેડિયો પ્લે, કૉલમ… રોજ જ. ઘરેથી કામ કરતી વ્યક્તિને ખૂબ શિસ્ત જાળવવી પડે. દૂરદર્શન કેન્દ્ર છેક વર્લી પર. મારા ઘરથી દૂર. દૂરદર્શનને ઉતાવળે સ્ક્રીપ્ટ જોઈએ. ઝેરોક્સ હતું નહીં. લખો અને મારતી બસે આપવા જાઓ.

ઘરે પહોંચતા સંસાર આશ્લેષમાં લેવા તત્પર હોય. બાળકો સ્કૂલેથી આવ્યા હોય, તેમનો નાસ્તો, તેમની વાતો સાંભળવી, હોમવર્ક, સાંજની રસોઈ… ત્યારે ઘણીવાર મનમાં વાર્તા સળવળ થતી હોય, કે નવલકથાનાં ચેપ્ટરનો વિચાર ઘોળાતો હોય. બહુ વખત પછી સાંજની રસોઈના મહારાજ મળ્યા અને માંડ હાશકારો થયો.
* * *
દૂરદર્શન સિરિયલનાં બે અનુભવો વિશિષ્ટ અને યાદગાર છે.

અમદાવાદ દૂરદર્શન પર કુંદનિકાબહેનની `સાત પગલાં આકાશમાં’ સિરિયલને સુશીલા ભાટિયાનાં નિર્માણમાં છવ્વીસ ઍપિસોડની મંજૂરી મળી હતી.

કુંદનિકા કાપડિયા

સિરિયલનું શીર્ષક ગીત (Audio)

હની છાયાનું દિગ્દર્શન. કુંદનિકાબહેનનો આગ્રહ એમની નારીવાદી કૃતિનાં પટકથા સંવાદ કોઈ મહિલા જ લખે. વર્ષા અડાલજા પાસે લખાવજો. મેં અને સુશીલાબહેને પહેલાં પણ સાથે કામ કર્યું હતું.

પણ સાત પગલાંનું કામ અઘરું હતું, દળદાર નવલકથામાં વાર્તાનો પ્રવાહ મંદ હતો, પ્રસંગો છૂટાછવાયા અને નારીવાદી વિચારધારાનાં લાંબા લેખ જેવા લખાણો, એમાંથી વાર્તાનો તંતુ શોધતા જઈ, પ્રસંગોને રસપ્રદ રીતે સળંગસૂત્રતામાં ગૂંથતા જવાનું હતું. નિબંધ જેવા લખાણ, વર્ણનો, વિચારોમાંથી પ્રસંગો બનાવવાના. આ કામ ખાસ્સો પરિશ્રમ અને કલ્પનાશીલતા માગી લે.

કુંદનિકાબહેનની બીજી ખાસ માગણી એ કે, હું સ્ક્રીપ્ટ લખું. અમે બે તેમને વંચાવવા નંદિગ્રામ જઈએ પછી જ શૂટિંગ થાય. આ વાત મને કઠતી હતી. પણ એ નિમિત્તે નંદિગ્રામ જવાય અને મકરંદભાઈ-કુંદનિકાબહેનને અવારનવાર મળી શકવાનો લોભ અને લાભ હતો.

મેં ઉમળકાથી હા પાડી. સારું. તો કરીએ કંકુના. બેએક ઍપિસોડ મેં લખ્યા અને હું અને સુશીલાબહેન ઊપડ્યા વલસાડ. મુંબઈથી નજીક અને ઘણી ગાડી જાય, એટલે રિઝર્વેશન વિના અમારી સવારી ઊપડી.

એક કમ્પાર્ટમેન્ટમાં ચડ્યા અને હજી બેસીએ ત્યાં તો ડબ્બામાંના મુસાફરોએ બૂમાબૂમ કરી અમને ઘેરી લીધા. એકદમ યુદ્ધનું વાતાવરણ! અમે હમણાં વલસાડ ઊતરી જઈશું એ વાત સાંભળે જ કોણ!

ઘણીવાર પારોઠનાં પગલાં એ કાયરતાની નહીં પણ ઉદારતાની નિશાની છે. જાઓ, તમારી જગ્યા તમને આપી દીધી, વિચારતાં અમે તત્ક્ષણ સાડીનો કછોટો મારતાં પ્લૅટફૉર્મ પર છલાંગ મારી ભૂસકો માર્યો અને અમારી વીરતાનું અભૂતપૂર્વ પ્રદર્શન કર્યું, અને હિંમતપૂર્વક અનરિઝર્વ્ડ ડબ્બાની ગિર્દીમાં ઘૂસી, કુશળતાથી જગ્યા પણ બનાવી લીધી. ત્યાં ગાડી ઊપડી. મારા નાટકનાં દિવસો દરમ્યાન મેં આ વિદ્યા હસ્તગત કરેલી તે ખરે ટાંકણે કામ આવી.

એક અનુભવ તો એકદમ અવિસ્મરણીય. બેત્રણ ઍપિસોડ મેં તૈયાર કર્યા અને અમે ઊપડ્યાં નંદિગ્રામ સાંજની ગાડીમાં. કોઈ કારણસર ગાડી વલસાડ મોડી પડી. અંધારું ઘેઘૂર. રિક્ષાય માંડ મળી. ધરમપુર હાઇવે પર રિક્ષા સડસડાટ ભાગી. અમને નંદિગ્રામને દરવાજે ઉતારી એ ગયો. નંદિગ્રામને દરવાજે અમે બાઘાંની જેમ સ્તબ્ધ ઊભાં હતાં.

ત્યારે નંદિગ્રામનો આરંભ. થોડાં લોકોનો જ વસવાટ. સગવડો ઓછી. લોકો કરતાં મચ્છરો, જીવજંતુ અને સાપની વસ્તી વધુ. આઠ-નવ વાગતામાં તો સહુ નિદ્રાધીન અને અંદર સોપો પડી જાય. અંધારું ઘેરાયું અને નિર્જન હાઇવે. હજી એ તરફ વસ્તી બહુ નહીં. ચોરને કાંધ મારવાને ટાણે રાત્રે હાઇવે પર કોઈ ખાસ કામ વિના નીકળેય કોણ!

અમે કેટલી બૂમો પાડી ગળું બેસાડી દીધું, દરવાજો ખટખટાવ્યો. ઠંડીમાં સહુ પોતપોતાના કૉટેજમાં નિદ્રાદેવીને ખોળે, અમારો અવાજ ક્યાં પહોંચે!

હવે! એકદમ હિંદી હોરર ફિલ્મનું વાતાવરણ. ઘેરાતી રાત, સન્નાટો, નિર્જન હાઇવે અને ટુ ડેમસેલ ઇન ડીસ્ટ્રેસ. નળને અંગૂઠામાંથી કળી પેઠો એમ અમને ભય પેઠો. આખી રાત હાઈવે પર પડ્યા થોડું રહેવાય!

અમે ભવ્ય નિર્ણય કર્યો, ઇતિહાસમાં ભલે નોંધ ન લેવાય, આપણે વીરતાનું કાર્ય કરવું. હિંદી ફિલ્મનાં ઍક્શન હીરોની જેમ આ દરવાજાની ઉપર ચડી પેલી બાજુ ભૂસકો મારવો. ઍક્શન હીરોની જેમ એટલા માટે ત્યારે હજી હિંદી ફિલ્મની હીરોઇન સ્ટંટ કરતી નહીં, બિચારી બાપડી જ રહેતી.

અમે ઊંચો કૂદકો મારી થેલો અંદર ફેંક્યો. લોખંડનો દરવાજો ખાસ્સો ઊંચો. સાડીનો કછોટો માર્યો. ગઢ ચડતાં સૈનિકનાં જુસ્સાથી અમે દરવાજે ચડ્યા અને બમ ભોલે બોલતા અંદર માર્યો ભૂસકો. કાંકરાવાળી ધૂળમાં ભફાંગ. કોણી છોલાઈ, પગમાં વાગ્યું પણ અમે ઍક્શન સીન બરાબર કર્યો. અમે બે લંગડાતે પગલે ચાલ્યા.

ત્યારે નંદિગ્રામ આટલું વિકસિત ન હતું. તારોડિયાનાં આછા ઉજાસમાં કુંદનિકાબહેનનું કૉટેજ શોધી સામે જ કાથીનો ખાટલો ઢાળી મેં લંબાવ્યું. અલપઝલપ ઊંઘમાં એમના કૉટેજ સામે જોતી રહું, બત્તી થઈ કે નહીં. ત્યારે એ વહેલા ઊઠતાં. ત્યાં કૉટેજમાં બત્તી થઈ, તરત સ્ક્રીપ્ટ લઈ હું ત્યાં પગથિયે બેસી ગઈ. થોડીવારે બહાર આવતાં મને જોઈ સ્મિતથી સ્વાગત.

કુંદનિકાબહેન પણ પગથિયે બેસી ગયાં. મેં સ્ક્રીપ્ટ આપી. એમણે ધ્યાનથી વાંચવા માંડી. પહેલી જ વાર મેં પહેલા બે ઍપિસોડ વાંચવા આપ્યા હતા ત્યારે એમણે મને સૂચનો કર્યાં હતાં. મેં એમને સમજાવેલું કે લેખિત શબ્દ અને દેખાતો-ભજવાતો શબ્દ બન્નેમાં ઘણો ફેર છે. લેખક લખી લે પછી એ સ્ક્રીપ્ટને પહેલાં દિગ્દર્શક પછી અભિનેતા આગળ લઈ જાય છે. પછી એમાં મૂવમૅન્ટ, કૅમેરા, એંગલ, લાઇટમૅન બધાની નાનીમોટી ભૂમિકા હોય છે એક દૃશ્યને જીવંત કરવામાં.

મુંબઈ દૂરદર્શન પર મેં તેમની જાણીતી નવલિકા `પ્રેમનાં આંસુ’ અને બીજી કોઈ નવલિકા પરથી ટેલિફિલ્મ લખેલી જે તેમને એ સમયે ગમેલી, એટલે વિશ્વાસ તો હતો પણ સ્ક્રીપ્ટ પર નજર ફેરવી જવાનો તેમનો આગ્રહ.

અમે વાત કરતા હતા ત્યાં મકરંદભાઈ એમના કૉટેજમાંથી બહાર નીકળ્યા. ઊઘડતા સોનેરી ઉજાસમાં એકદમ ઓલિયા ફકીર જેવા લાગે. એ ચાલવા નીકળ્યા, એમની રજા લઈ હું સાથે થઈ ગઈ. હું થોડી લંગડાઉં. મકરંદભાઈનો સહજ, શિશુ જેવો સ્વભાવ. એકબે રમૂજ કહી, અમે બન્ને હસી પડ્યાં. મેં લંગડાતા પગનું રહસ્ય કહ્યું, આગલી રાત્રે અમે દરવાજો કૂદીને અંદર ઝંપલાવ્યું હતું, તેનો આ પ્રસાદ.

એ ખડખડાટ હસી પડ્યાં. ઊભાં રહી સહજતાથી કહે, કાલે તમે દરવાજો કૂદીને આવ્યાં, હવે આવો ત્યારે ભોગળો ભાંગીને પ્રવેશ કરજો.

હું સ્તબ્ધ ઊભી રહી ગઈ. એમની પૂરી ઉંચાઈ, વિખરાયેલા વાળ, હસું હસું ચહેરો અને એમની પાછળ ઊગતા સૂરજની આછી ગુલાબી સોનેરી આભા. એમણે સહજ હાથ ઊંચો કર્યો. ખુલ્લો લીલોછમ્મ પટ અને આશીર્વાદની મુદ્રામાં સહજ ભાવે ઊંચો થયેલો હાથ.

એ દૃશ્ય. શાંત સોનેરી પ્રભાત અને ભોગળો ભાંગવાની આપેલી શીખ મારી સ્મરણમંજૂષામાં ઝગમગતાં તેજકિરણો છે.

નંદિગ્રામ જવાનું બૉનસ આમ મળતું રહેતું. મકરંદભાઈ પ્રભાતે ઊઠી, ચાદર લપેટી, કૉટેજની પોર્ચમાં બેફિકર અદામાં બેસે. એ વખતે નંદિગ્રામમાં જે હાજર હોય એ સામે નીચે બેસી જાય. (કોઈના હાથમાં માળા પણ હોય). વસવાટ ઓછો એટલે થોડા લોકો જ હોય. હુંય પ્રભાતસભામાં સામેલ. મકરંદભાઈ અસ્ખલિત બાનીમાં કોઈ ગૂઢ રહસ્યની ગઠરીની ગાંઠ ખોલે. સહુ ચિત્રવત્. ભારેખમ પ્રવચન નહીં ઉપદેશ કે શિખામણો નહીં.

એમની વાતો સાંભળવી, એમની સાથે હિંચકે બેસી એમના પ્રિય ગાંઠિયા અને લાડુ ભજિયાની વાતો રમૂજી લહેકામાં સાંભળી ખડખડાટ હસવું એ સાત પગલાં સિરિયલની ઉપલબ્ધિ.

સિરિયલ ખૂબ લોકપ્રિય થઈ, વધારામાં બીજા તેર હપ્તા મળ્યા. કુંદનિકાબહેનને મારી સ્ક્રીપ્ટમાં વિશ્વાસ હતો પણ એ નિમિત્તે ત્યાં જવું તેમને મળવું ગમતું,…

…નહીં તો સંસારમાં અટવાતા આટલી વાર જવાયું ન હોત. વળી ખુલ્લામાં તારાખચિત આકાશ નીચે (મચ્છરોનાં મધુર ગુંજન સાથે) મુંબઈમાં સૂવાનો લહાવો ક્યાં મળે!

સિરિયલ પૂરી થઈ. મારે મન વાત પૂરી. પણ ના. કદાચ શરૂ થઈ. એક અકળ રહસ્યમય ઘટનાનો સીલસીલાબંધ આરંભ.

એ સમયે બીજી ચૅનલો હતી નહીં એટલે દૂરદર્શન ખૂબ લોકપ્રિય અને તેનો વિશાળ દર્શકગણ. કોણ જાણે કયા નિયમને આધારે લોકહૈયે એક વાત એવી વસી ગઈ કે `સાત પગલાં…’ની લેખિકા હું છું. આ ભ્રમનો વ્યાપક પ્રમાણમાં શી રીતે ફેલાવો થયો એ આજેય કોયડો છે.

ગુજરાતમાં કોઈ પણ કાર્યક્રમમાં જાઉં, શાળાઓમાં કે સંસ્થામાં, લિટરલી ગ્રુપમાં મારી ઓળખાણ સાત પગલાંની લેખિકા તરીકે જ અપાય. રમૂજ અને દુઃખ સાથે હું ના પાડ્યા કરું! કોઈ તો એમ કહે, મેં તમારી સાત પગલાં નવલકથા વાંચી, મને બહુ ગમી. અરે ભલા માણસ, આવી દળદાર નવલકથા વાંચી તો પહેલે પાને લેખિકાનું નામ જ ન વાંચ્યું! કોને કોને, કેટકેટલી વાર કહો!

વર્ષોથી આ વાયરો ફૂંકાતો જ રહ્યો છે તેનું પ્રત્યક્ષ ઉદાહરણ.

1972માં દૂરદર્શન શરૂ થયું. 74-75ના પછીના કોઈ અરસામાં એ સિરિયલ લખી હશે. કેટલાંય વહાણાં વાઈ ગયાં, વાચકોની પેઢી બદલાઈ.

વર્ષ 2019. અમદાવાદ લિટરલી ફૅસ્ટિવલની એક સેશનમાં હું અને વીનેશ અંતાણી સ્ટેજ પર અને યુવા લેખક રામ મોરી અમારી સાથે પ્રશ્નોત્તરી કરે.

ગુજરાત લિટરેચર ફેસ્ટીવલમાં વિનેશ અંતાંણી સાથે

મંડપ શ્રોતાઓથી ભરચક્ક. કાર્યક્રમ સરસ થયો, પૂરો થયો. અમે બન્ને સ્ટેજ પરથી ઊતરી મંડપ બહાર નીકળ્યાં ત્યાં એક સજ્જન અમારો ઑટોગ્રાફ લેવા આવ્યા. એ સાહિત્યપ્રેમી સજ્જને ભાવભીના અવાજે કહ્યું, `વર્ષાબહેન તમારી `સાત પગલાં આકાશમાં’ મારી ગમતી નવલકથા છે, મેં બે વાર વાંચી છે.’

હું અને વીનેશભાઈ એકમેકને જોઈ રહ્યાં પછી એટલા જોરથી ખડખડાટ હસી પડ્યાં કે એ ભાઈ ડઘાઈને અમને જોઈ રહ્યા. આમાં હસવા જેવું શું છે!

આ પ્રસંગના દમદાર સાક્ષી છે વીનેશભાઈ. કોને ખબર આ દંતકથા  હજી ક્યાં સુધી ચાલશે!
* * *
અમદાવાદ દૂરદર્શન માટે નારીપ્રધાન વાર્તાઓ પરથી સિરિયલ બની રહી હતી. વાર્તાઓ શોધવાની, લેખકો સાથે પત્રવ્યવહાર કરી પરમિશન લેવાની અને પટકથા-સંવાદની જવાબદારી મારી જ હતી. મહેન્દ્રએ શ્રેણીનું શીર્ષક આપ્યું હતું `જ્યોતિ’. નિર્માણ-દિગ્દર્શન જાણીતી અભિનેત્રી આશા પારેખનું.

આશા પારેખ

નારીપ્રધાન વાર્તાઓ શોધી, તેને જુદી જુદી રીતે મઠારી, પટકથા-સંવાદ સાથે, ગુજરાતી સાહિત્યની જાણીતી લેખિકાઓની વાર્તા પરથી ઍપિસોડ તૈયાર કર્યા.

બે વિદુષી મહિલાઓ – કુંદનિકાબહેન અને ધીરુબહેન
“અભિલાષા – એક અસ્તિત્વની” સિરીયલની શ્રેષ્ઠ કથા માટે ટ્રોફી

સિરિયલ ખૂબ લોકપ્રિય થઈ એટલે લેખકોની વાર્તા પરથી તેર ઍપિસોડની મંજૂરી મળી. પુરુષ સર્જકોએ પણ સ્ત્રીનાં મનોભાવો, તેમનું શોષણ અને સ્ત્રીમુક્તિની કલાત્મક સરસ વાર્તાઓ લખી છે.

સુંદરમ્‌ની `માને ખોળે’ કરવાની મને બહુ ઇચ્છા હતી પણ આર્થિક રીતે શૂટિંગ ન પરવડે. ઉમાશંકરનું `સાપના ભારા’ 1932માં લખાયેલું નાટક પણ આજેય કેટલું રિલેવન્ટ! ટૅક્નિકલ સ્ટાફ તો ગુજરાતી ન હતો, છતાં શૂટિંગ વખતે એ લોકોની આંખ ભીની થઈ ગઈ હતી.

`જ્યોતિ’ અમદાવાદ, મુંબઈથી લઈ અનેક શહેરોમાં ટેલિકાસ્ટ થઈ. એ સમયે ગુજરાતી સિરિયલોમાં આર્થિક વળતર ન હતું (આજે પણ ખાસ નહીં) પણ સરસ કથાસાહિત્ય પરથી ટેલિફિલ્મ સિરિયલ બનતી હતી.

સિરિયલ લખતાં નિર્મોહી અને સાવધાન રહેવું પડે. વિવિધ કારણોસર ગમે ત્યારે સ્ક્રીન પરથી અદૃશ્ય થઈ જાય, તમારી રોયલ્ટી પણ ડૂબી જાય. સૌથી પહેલો દંડાય લેખક. પ્રોડ્યુસર હોંશભેર તમારી પાસે વાર્તા લખાવીને જાય ચૅનલ પાસે. કોઈવાર તેને ઍપૉઇન્ટમૅન્ટ જ ન મળે, મળે તો એને કંઈ બીજું જોઈએ એટલે પ્રોડ્યુસર અદૃશ્ય થઈ જાય અને તમારી મહેનત પાણીમાં.

વર્ષો પહેલાં ઈટીવી. ચૅનલ શરૂ થયેલી. ચૅનલે પ્રોડ્યુસરને મારે ત્યાં મોકલી સામેથી નારીપ્રધાન વાર્તા માગી. ચૅનલ વચ્ચે હતી એટલે મેં મજૂરી કરી, નામ `અપરાજિતા’. સિરિયલ સરસ ચાલી, નિયમિત પૈસા મળ્યા. થોડા ઍપિસોડ સુધી બધું ઠીકઠાક પછી પ્રોડ્યુસર ચૅનલ પાસેથી પૈસા લઈ આવે પણ જાદુઈ વિદ્યાથી પૈસા વચ્ચેથી અદૃશ્ય! કોઈને ન મળે. આખી ટીમે દેખાવો કર્યા, ઝઘડા કર્યા પણ અમારા સહુના પૈસા લઈ સિરિયલ અગાધ સાગરમાં ડૂબી ગઈ. ચૅનલ પણ બંધ પડી.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. વર્ષાબહેન! આપની સર્જનલીલાને શત શત વંદન!આ વખતે સિરિયલનું શીર્ષક ગીત સાંભળીને ભૂતકાળમાં સરી જવાયું. અભિલાષા – એક અસ્તિત્વની મને બહુ જ ગમતી હતી. પણ વચ્ચે જ બંધ! દર્શક દુખી થાય તો માત્ર આંખ ને મનને નુક્સાન,પણ લેખકનું શું? એનું પણ શીર્ષક ગીત (ખેવના રચિત) બહુ જ સરસ ્હતુ.

  2. મકરંદભાઇએ કહેલું વાકય-“ભોગળો ભાંગીને આવજો” -અનેક અર્થસંકેતો થી ભરપૂર છે. વર્ષાબેનના જીવનમાં એ સાર્થક થયેલું દેખાય છે.

  3. સાદી ભાષામાં આપના મનની વાત વાંચવાની મજા આવેછે.