ગીત: “ખુશ્બુની છોકરીને સત્તરમું બેઠું” ~ તાજા કલામને સલામ (6) ~ કાવ્યનો આસ્વાદ ~ કવયિત્રી: પારુલ બારોટ ~ આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

ગીત: “ખુશ્બુની છોકરીને સત્તરમું બેઠું” 

ખુશ્બુની છોકરીને સત્તરમું બેઠું તે
મહેંકાવી ગલીઓને ઘુમતી
…….એ તો ઊડીને આભલાને ચૂમતી

સપનાની હવેલી ઉઘડીને બંધ થાય
અંતરના બારણાંઓ ખખડીને હરખાય
ખંજનના ખાડામાં ઓળઘોળ વ્હાલ ભરી
ઝરમર વરસાદ થઈ ઝૂમતી
    …….એ તો ઊડીને આભલાને ચૂમતી

નજરોથી નજરોની વાર્તાઓ વધતી
ગામ અને સીમાડે ચર્ચાઓ ફરતી
માવઠાની માફક આ છોરી તો
ભીંજવીને મોજીલા મનડાને લૂંટતી
…….એ તો ઊડીને આભલાને ચૂમતી

~ કવયિત્રી: પારુલ બારોટ
~
આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

પારૂલબેન બારોટનું આ ગીત એક મજાનો લય અને તાલ લઈને આવે છે, જે વાંચનારના હ્રદયની સરગમ સાથે અનાયસે જ સાયુજ્ય સાધી લે છે. આજના સમયમાં રમેશ પારેખના ગીત જેવું, -એટલે કે દેખીતી રીતે તો એક “Feel Good” ગીત પણ એની અંદર, ઊર્મિના તરંગોમાં સ્નાન કરી રહેલા શબ્દોમાં, પ્રણયના ખાસ સમયનો મહિમા કરેલો હોય- એવું ગીત આટલી સરળતાથી લખી જવું એ “કાબિલે તારિફ” છે.

આવા ખાસ ઉંમર કે સમયના ગાળામાંથી ગુજરનાર દરેકેદરેક વ્યક્તિ ઓછાવત્તા અંશે આ પ્રેમસુધાને માણી શકી હોય છે. કવિના શબ્દો અને એનાં અર્થો ત્યાર પછી Universal બની જાય છે.

દેખીતી નજરે આમ તો આ ગીત છે, “I am sixteen, going on seventeen!”ના ઉંમરના તકાજાનું!

આ તકાજામાં તરસ પણ છે, તડપ પણ છે અને મીઠી કસક પણ છે. જે પણ છે, પણ આ સમય કેટલો મધુર છે, મીઠો છે! પહેલી પંક્તિ વાંચતાં અનાયસે “વાહ” નીકળી ગઈ. “ખુશ્બુની છોકરીને સત્તરમું બેઠું…!”        

છોકરીને સત્તરમું વરસ બેસે એટલે મુગ્ધ છોકરીમાંથી મુગ્ધ સુંદરી બનવા ઉપર મ્હોર લાગી જાય છે. આ મુગ્ધતાની સુવાસની છોળોનું ઉદગમ પણ સુવાસિત ફૂલ જ હોય..! સત્તરમું વરસ એટલે છોકરી અને મા વચ્ચેનાં સખીપણાંની શરૂઆત થાય છે.

ખુશ્બુની છોકરી કહીને માતૃત્વ અને દીકરીનાં હેતનો ઉત્સવ ઉજવીને કવયિત્રી ગીતનો ઉઘાડ કરે છે.

સુગંધને કોઈ વાડામાં કે સરહદમાં ક્યાંથી બાંધી શકાય? આ સુંદરીના ખીલી રહેલા મોસમી યૌવનની ફોરમ તો હવાના ઉડનખટોલા પર સવાર થઈને એય… તે ઘર-ઘર, ગલી, નગર, અરે ઠેઠ આભમાંય મેધધનુષી રંગો બનીને વેરાય છે!

છોકરીનાં સપનાંમાં સુખ નામના પ્રદેશનું દ્વાર ઉઘડે છે  અને  વ્હાલથી છલોછલ આવનારાં દિવસોની હવેલીમાં એનો ગૃહપ્રવેશ થાય છે અને બસ, પછી તો

“એનાં હોઠોના હિંચકે નામ થઈ હું ઝૂલી…!           
કે, વ્હાલમની વાતમાં એવી તો થઈ હું ઘેલી..!”

અને હસુહસુ થતાં હોઠો લાજ આવવા છતાં સ્મિતને રોકી નથી શકતાં અને શરમથી રાતા થયેલાં ગાલોનાં ખંજન સપનામાં માણેલા અભિસારની ન કહેલી બધી જ કહાનીઓ કહી જાય છે!

સ્નેહની સરવણીઓ અંતરમાંથી સતત ફૂટતી હોય, જુવાની છલોછલ અંગેઅંગની ધરતી પર વરસતી હોય અને પહેલા વરસાદી ફોરમ સમી એની સુગંધ ઊડી, તે એવી ઊડી કે દૂર, પરદેશ સુધી પહોંચી જાય છે! આવાં શમણાંમાં આ છોકરી “એક રાણી હતી ને એક રાજા હતો”ની જિંદગી જીવી લે છે!

છોકરીની બેઉ કાંઠે ઊભરાતી યુવાનીની તો ચર્ચા પછી ઘર-ઘર, ગલી-ગલી અને નગર-નગર થાય. સત્તર વરસની એ રૂપાળી “ખુશ્બુની છોકરી”ની વાતો બધે ફેલાય નહીં તો જ નવાઈ! કારણ અહી માત્ર ઉચ્છૃંખલતા જ નથી પણ એક સુંદર માતાના (મા  સુવાસ છે તો, મા શાશ્વત, સનાતન સુંદરતા જ હોય!) સુસંસ્કારની હેલીમાં પલળીને ઉછરેલી છોકરીની સહજ સભાનતાની છે કે મનનાં માનેલાંને પણ અધિકૃતતા પામ્યાં વિના માત્ર માવઠું બનીને ભીંજવીને એના મોજીલા મનડાને હરી શકાય!  અધિકાર પામ્યા વિના અના પર ઓળઘોળ થઈને વરસી ન પડાય! આ વાતને કોઈ જાતનાં Morality – નિતિમત્તાંના વાઘા પહેરાવ્યા વિના સહજતાથી કવયિત્રી કહી જાય છે અને સાદી શૄંગાર ને અભિસારની વાત ‘સોનપરી’ બની જાય છે. ગીતનો આ છેલ્લો બંધ આ વાતને સાદગી અને તાજગીથી ઉજાગર કરે છે. આખું ગીત અહીં મંદારપુષ્પ બનીને હસતાં હસતાં ખીલી ઊઠે છે.

“નજરોથી નજરોની વાર્તાઓ વધતી
ગામ અને સીમાડે ચર્ચાઓ  ફરતી
માવઠાની માફક આ છોરી તો
ભીંજવીને મોજીલા મનડાને લૂંટતી
એ તો ઉડીને આભલાને ચૂમતી !”

બહેન પારૂલ બારોટને એ જ  ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે એમની કલમ આવા સુંદર સર્જનો થકી સતત વિકાસ પામતી રહે.
***

આપનો પ્રતિભાવ આપો..

One Comment