બાલા હિસ્સારનો કિલ્લો ~ ગંગાથી રાવી સુધી (પાકિસ્તાન પ્રવાસ) (ભાગ: 22 ) ~ પૂર્વી મોદી મલકાણ

ચાલો આજે, અક્ષય કુમારની ‘કેસરી’ મૂવી જોઈએ. કારણ કે આ મૂવીમાં જે કિલ્લાની અને જે માહૌલની વાત કરી છે તે આ જ કિલ્લો છે જેની મુલાકાત લેવા અત્યારે અહીં આપણે આવ્યાં છીએ.

આ કિલ્લો એટલે કે; પેશાવરમાં પ્રવેશતાં કે પેશાવરને છોડતાં જે સામે મળે છે તે બાલા હિસ્સારનો કિલ્લો.

વિજય, પરાજય, યોધ્ધાઓ, કાયરો, વિનાશ, નિર્માણ, આનંદ, પીડા, રૂદન, ઉત્સાહ, શોર, શાંતિ અને સત્તા એમ જીવનના અનેક રૂપ જોનાર આ કિલ્લાનું આ નામ પશ્તૂન-અફઘાની રાજા તૈમૂર શાહઅલી દૂરાનીએ રાખેલું. આ કિલ્લા પર તેની સત્તાનો સમય ૧૭૭૩ – ૧૭૯૩ સુધી હતો.

એ ૧૭મી સદીથી છેક ૧૯મી સદીના પૂર્વાર્ધ સુધી આ કિલ્લા પર અફઘાનો, ઇરાની અને મોંગલ -અફઘાનના મિક્ષ્ડ બ્લડ એવા મુઘલોની જ સત્તા મોટેભાગે રહી. અનેક સમ્રાટોના જય, પરાજય અને વિધ્વંશ વચ્ચે ઝૂલતા આ કિલ્લાનો જીર્ણોધ્ધાર શેરશાહ સૂરી અને મુગલ બાદશાહ હુમાયુએ કરેલો હતો.

૧૫૨૬ પહેલાં આ ફોર્ટની આસપાસના મેદાની ઇલાકામાં મહમ્મદ ગઝની અને રાજા જયપાલ ચાર-ચાર વાર સામસામે ટકરાયાં હતાં જેમાંથી ચોથી લડાઈમાં રાજા જયપાલની અને તેની રાણી કર્માબાઈની હાર થઈ.

૧૮૨૩માં અહીં અફઘાનોનો કબ્જો હતો એ દરમ્યાન હરિસિંઘ નાલ્વાની લીડરશીપ નીચે આ કિલ્લા ઉપર હુમલો કરવામાં આવ્યો. અફઘાનો સાથે ઘણાં વર્ષો સુધી લડ્યા પછી આખરે ૧૮૩૪માં શીખોએ ફતેહ મેળવી ત્યાર પછી તેઓએ આ કિલ્લાની મરમ્મત કરાવી નવું નામ આપ્યું સમિર ગઢ…. પણ આ નામ કેવળ ૬ વર્ષ માટે જ રહ્યું હોઈ આ નામ એટલું પ્રચલિત થયું નહીં. અંતે અંગ્રેજોની જ્યારે હકૂમત ફરી આ પ્રાંતમાં આવી ત્યારે તેમણે આ ફોર્ટને મૂળ નામ પરત આપ્યું.  

અંગ્રેજોએ ભલે મૂળ નામ આપ્યું હોય, પણ આ જગ્યાને માટે સતત લડાઇઓ થતી રહી. ૧૯મી સદીના પૂર્વાર્ધમાં ફરી અહીં અંગ્રેજોએ અને અફઘાનો વચ્ચે ફરી લડાઈ થઈ જેમાં અફઘાનોનો વિજય થયો હોઈ અફઘાન રાજાઓનું શાસન આવ્યું.

આજે ૧૫ એકરમાં ફેલાયેલ આ આખા કિલ્લાને જોતાં લગભગ ૪ કલાક થાય પણ અમારી પાસે એટલો સમય ન હતો અમારે તો બને તેટલી વહેલી તકે ઈસ્લામાબાદ તરફ નીકળવાનું હતું. તેથી અમે ફોર્ટનો એવો ભાગ જોવાનું નક્કી કર્યું જ્યાંથી પેશાવર સિટીનો નઝારો અદ્ભુત દેખાય.

ફોર્ટનાં આ ભાગની દિશા અગાઉ અફઘાનિસ્તાન તરફની ગણાતી કારણ કે અફઘાનભૂમિ પર રહેલાં સૂકા ડુંગરા આ સ્થળેથી જોવા મળતાં. એટલું જ નહીં જો અફઘાનિસ્તાન તરફથી કોઈ આક્રમણખોરો આવતાં હોય તો તેમના દોડતાં ઘોડાઓને કારણે ઉડતી ધૂળની ડમરીઓથી આક્રમણકારીઓ કેટલાં દૂર છે તેની ખબર પડી જતી. જેથી કરી દુશ્મન નજીક આવે તે પહેલા તે રાજાઓને લડાઇની તૈયારી કરવામાં ઘણો સમય મળી જતો હતો.


બાલા હિસ્સાર ફોર્ટ જ્યારે બનેલો ત્યારે વસ્તી આ કિલ્લાથી દૂર હતી. આથી જ્યારે જ્યારે રાજાઓને વસ્તી જોવાનું મન થતું ત્યારે તેઓ કિલ્લાના આ ભાગ પર ચડી વસ્તીને જોઈ લેતાં. પણ હવે પરિસ્થિતિ અલગ છે.

હવે આ ફોર્ટની આસપાસ લોકો આવી વસી ગયાં છે તેથી ચારે બાજુથી લોકો હવે આ ફોર્ટના અનેક હિસ્સાઓને જોઈ શકે છે જેને કારણે ગઇકાલનાં કિલ્લાનું એકાંત આજના પેશાવરમાં ક્યાંય જોવા મળતું નથી.ત્યાં લખેલાં ઇતિહાસ મુજબ ૧૯૩૩ પહેલા તો દૂર દૂર રહેલ અફઘાન બોર્ડર પણ જોઈ શકાતી હતી પણ ધીરે ધીરે એ એકાંત સમયની દોડાદોડીમાં ખોવાઈ ગયું.

ઇસ્માલીયા કોલેજ (પેશાવર)ના પ્રો. સાબિર હુસ્સેન નિદાનીએ નોંધ્યું છે કે આ કિલ્લા પાસેથી ‘બારા’ નદી વહેતી હતી અને આ નદીના પાણીનો ઉપયોગ ૮૦ એકરની ઝમીમાં સમાયેલ શાલીમાર ગાર્ડનમાં થતો હતો.

આ નદીને કારણે આ ગાર્ડન એટલું સુંદર લાગતું હતું કે આ સૂકી સરઝમીની શોભા કોઈક અલગ જ ઝમીનો અહેસાસ કરાવતી હતી.પ્રો. નિદાનીના મુજબ આ ગાર્ડનની રચના મોગલ બાદશાહ હુમાયુ દ્વારા થયેલી. આજે આ શાલીમાર શબ્દનું અપભ્રંશ થઈ શાહી-માર શબ્દ અસ્તિત્ત્વમાં આવ્યો છે. પણ નામને બાદ કરીએ તો આજનું ચિત્ર અલગ જ છે.

આજે ફોર્ટ અને ગાર્ડનની જમીનનો તમામ હિસ્સો ૧૫ એકર જમીનમાં સમાઈ ગયો છે અને આ કિલ્લાની આજુબાજુ તો શું દૂર દૂર સુધી બારા નદીનું કોઈ જ અસ્તિત્વ નથી. બારા નદી ક્યાં ચાલી ગઈ તે તો પેશાવરવાસીઓ જ જાણે.

બીજી બાજુ આપણાં મેટ્રો સિટીની જેમ આજના વધતાં પેશાવરે પણ આ ગાર્ડનના અમુક ભાગને પચાવી પાડ્યો છે.


ફોર્ટના આ ઉપરના હિસ્સામાંથી આજુબાજુ નજર કરતાં મારી નજર ફોર્ટના બીજી તરફ થઈ રહેલ સમારકામ પર પડી. તેથી આ બાબત વિષે પૂછતાં જાણવાં મળ્યું કે ૨૭ ઓકટોબર ૨૦૧૫ના થયેલાં ધરતીકંપમાં આ કિલ્લાના એક ભાગને નુકશાન થયેલું. એ પછી ચાલુ થયેલું સમારકામ હજુ એ ધીમું ધીમું ચાલતું હતું.
આ ફોર્ટ પર રહેલ એક લેખિત બોર્ડ પરથી અમને એય જાણવા મળ્યું કે જેમ પેશાવરમાં આ જ નામનો એક અન્ય ફોર્ટ અફઘાનિસ્તાનના કાબુલમાં પણ રહેલો છે. આ કિલ્લો આજે કેવો દેખાય છે તે વિષે અહીં કોઈ માહિતી તેઓએ જણાવેલી નહીં પણ બ્રિટિશ ઈન્ડિયાના સમયમાં આ કિલ્લો કેવો હતો તેનાં ફોટાઓ જરૂર જોવા મળ્યાં.
અમે જોયેલા આ ફોર્ટનો નાનકડા પણ મહત્તમ હિસ્સાએ અમને પોતાના ઇતિહાસનો ઘણોબધો ભાગ બતાવી દીધો હોઈ હવે ત્યાં ઊભા રહી ફોર્ટના અતીતમાં ઝાંકવાનો કોઈ અર્થ ન હતો. તેથી એ શૂરવીર યોધ્ધા જેવા હિસ્સાર ફોર્ટની વિદાય લઈ અમે ઇસ્લામાબાદ તરફ જતાં NH 5 G.T ઉપર નીકળી પડ્યાં.

તે સમયે હાઇવે ઘણો જ બિઝી હતો. ખાસ કરીને ઇસ્લામાબાદથી પેશાવર અને અફઘાન તરફ જતી  રંગબેરંગી ટ્રકોની ઘણી જ કતારો હતી. રાત પડવા આવી હતી, તેમાં હાઇવે પર આ રંગબેરંગી ટ્રકો આગિયાની જેમ ચમકી રહી હતી. આખા દિવસનાં થાકેલાં અમે ચૂપ થઈ અમારી આંખોની પાંખોને ખોલબંધ કરી રહ્યાં હતાં.


© 
પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ
purvimalkan@yahoo.com

આપનો પ્રતિભાવ આપો..