હે ઈશ્વર! વિશ્વભરમાં સ્ત્રીઓને સન્માનભેર જીવન પ્રાપ્ત થાઓ (પ્રકરણ : 33) ~ આત્મકથા: પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજા

પ્રકરણ : 33

બ્રિટનની ગુજરાતી સાહિત્ય એકૅડેમીના વિપુલ કલ્યાણી અને બ્રેડફર્ડના ગુજરાતી મિત્રમંડળે ભાષા પરિષદ માટે અમને બે બહેનોને આમંત્રણ આપ્યું હતું.

સાથે અમદાવાદથી પ્રબુદ્ધ સર્જકો ભોળાભાઈ પટેલ અને જયંત પંડ્યા તથા ઈટાલીથી કવિ, ફોટોગ્રાફર પ્રદ્યુમ્ન તન્ના અને રોઝાલ્બાનેય નિમંત્ર્યા હતા. પૂરો એક મહિનો અમારે સાથે રહેવાનું, ફરવાનું અને કાર્યક્રમો કરવાના હતા એ પણ કેવો સુભગ સંયોગ!

વર્ષ તો ક્યાંય વીતી ગયું અને લંડન જવાના બધા પેપર્સ અમને સહુને મળી ગયા. અમે બે બહેનો લંડનથી પાછા ફરતાં જોર્ડન થઈ ઇઝરાયલ-તેલઅવીવ ઈલાની પુત્રી સોનાલીને ત્યાં જવાના હતા. એક વખત લંડનનાં વિઝા-ટિકિટ થઈ જાય પછી અમે ઈઝરાયલનું અમારું બુકિંગ કરવાનાં હતાં.

ભોળાભાઈ અમદાવાદથી મારે ઘરે આવ્યા, હું તેમને ઍમ્બેસી લેવા મૂકવા ગઈ. એમને અને જયંતભાઈને પૂછપરછ વિના બે-ત્રણ કલાકમાં જ વિઝા મળી ગયા હતા. અમારી પાસે પણ એ જ પેપર્સ, અમેય ખુશખુશાલ. સવારના પહોરમાં ઍમ્બેસીમાં કતારમાં ઊભાં રહી ગયાં. હમણાં બે કલાકમાં તો ઘરે અને બીજે દિવસે ઈઝરાયલનાં વિઝા લઈ લેશું. અમે બે બહેનો સાતમે આસમાને.

અમારું નામ બોલાયું, હરખભેર અમે પેપર્સ ધર્યાં, ઑફિસર અમને જોઈ રહ્યો પછી કહે વૅઇટ. વૅઇટ! નવાઈ પામતા અમે બેન્ચ પર બેઠાં. કતાર ફટાફટ ટૂંકી થતી ચાલી અને અમે છેક લંચ સુધી વૅઇટ જ કરતાં રહ્યાં! હવે અમને શંકા પેઠી, વિન્ડો ઑફિસરે અમને ધારીને જોયા હતા, શું અમારા ચહેરા ક્રિમિનલ્સ જેવા હતા! જલ્દી ફૂટપાથ-લંચ લઈ અમે બેન્ચ પર ફરી આશાભર્યા ગોઠવાઈ ગયાં.

ઠેક સાંજ પડવા આવી પણ અમે તો ઠેરના ઠેર. હવે? પપ્પાનો જન્મશતાબ્દી સમારંભ ચૂકી જઈશું! પણ શું કામ? આ જ પેપર્સ પર બન્ને લેખકોને એક પણ પ્રશ્ન પૂછ્યા વિના વિઝા મળી ગયા હતા અને અમારા વિઝા રીજેક્ટ! મન રડું રડું હતું.

કતાર પૂરી થઈ. ઑફિસ બંધ થવાનો ટાઇમ. અમે બે જ બાકી. ત્યાં કૉલ આવ્યો, એક જ વ્યક્તિ અંદર ઑફિસમાં આવો. ઈલા અંદર ગઈ. પ્રશ્નોની ઝડી વરસી કેમ? શું કામ? શેનું ફંક્શન? તમે ત્યાં નક્કી રોકાઈ જવાના છો.

ઈલાની બધી દલીલો નાકામયાબ. અમારે અહીં ઘર, વર, સંતાનો છે, લંડનમાં કોઈ ભોજીયો ય સગો નથી. પારકા દેશમાં અમે ઘૂસીએ શું કામ અને કરીએ શું? પણ એમને તો નન્નો જ. થાકીને ઊઠતાં ઈલા બોલી, અમારી વૃદ્ધ માતા અહીં છે એને છોડીને જવાનું અમે સ્વપ્નેય ન વિચારી શકીએ. અમે વયસ્ક મહિલાઓ ત્યાં કરીએ શું?

રિયલી! તરત જ પાસપોર્ટ લઈ વિઝાની મહોર મારી દીધી. મા શબ્દનો કેવો ચમત્કાર! જાણે બાએ અમને મનોમન આશીર્વાદ આપ્યા અને અમને પપ્પાનાં સ્મૃતિતર્પણ સમારોહમાં લંડન મોકલ્યાં. આવી જનનીની જોડ ક્યાંથી મળે!

બહેન ઈલા સાથે

* * *
લંડનમાં અમને છ લેખકોને બબ્બેની જોડીમાં કોઈને ત્યાં રહેવાની ગોઠવણ હતી. અમને બે બહેનોને તન્ના દંપતિએ એમની સાથે રહેવા ખાસ વિપુલભાઈને કહ્યું હતું. ધનજીભાઈ ગાંધીવાદી અને સેવાભાવી પ્રકૃતિના. હંસાબહેનનો પણ મળતાવડો સ્વભાવ. મોટું વિલા અને બન્ને એકલાં. અમારો સરસ સમાસ થઈ ગયો.

ત્યાંના હવામાનથી અનુકૂળ થવા અમે જરા વહેલા ગયા હતા. આરામમાં અને થોડું હરવાફરવામાં સમય વીતી ગયો.

લંડનમાં
ભોળાભાઇ, જયંત પંડ્યા અને રોઝાલ્બા તન્ના સાથે
નિસ્ડનના સ્વામીનારાયણ મંદિરમાં

અને જેની અત્યંત આતુરતાથી પ્રતિક્ષા હતી એ દિવસ પણ આવી ગયો.

બ્રેડફર્ડમાં આ ભવ્ય સમારંભનું આયોજન હતું. ભાષા સાહિત્ય પરિષદનું ત્રિદિવસીય સંમેલન પપ્પાને સમર્પિત હતું અને આવું માન મેળવનાર ગુજરાતી સર્જક એ પ્રથમ જ હતા.

બ્રેડફર્ડના કોન ઍક્સચેન્જના વિશાળ સભાગૃહની બહાર મોટું બેનર હતું, ગુણવંતરાય આચાર્યનગર. અમે હરખાતાં જોયા જ કર્યું.

સ્થળ ખૂબ જ સુંદર. પ્રકૃતિની ગોદમાં જંપેલું શાંત અને રમણીય. સામેથી જ વહી જતી નાની શી સ્વાન નદી અને એમાં જળલહેરો પર સરતાં બતકો. લીલીછમ વનરાજી અને ઝરમર મેઘવર્ષા. આ સમારંભ માટે દૂર દૂરથી અનેક લોકો બ્રેડફર્ડ આવી હોટલોમાં અને મિત્રોને ત્યાં રહ્યા હતા. આખું સભાગૃહ છલોછલ.

કાર્યક્રમનો શુભારંભ પપ્પાની તસ્વીરને પુષ્પહાર અર્પણથી થયો. પપ્પાની તસ્વીરને હાર પહેરાવતાં અમારું હૈયું ભરાઈ આવ્યું.

પપ્પાએ કેટલો સંઘર્ષ કર્યો હતો અને શું શું વેઠ્યું હતું! ઘરો ગુમાવ્યાં. ખાલી મુઠ્ઠી. સ્વાતંત્ર્ય ચળવળ અને વિભાજનની તેજ ફૂંકાતી હવામાં સૂકા પાનની જેમ ફંગોળાયા, અમ સંતાનોને ભાગે પણ ઝઝૂમવાનું આવ્યું. દિવસરાત લખ્યું. અમુક પ્રકાશકે તો માત્ર સો સો રૂપિયામાં સસ્પેન્સ નવલકથાઓ લખાવી. હું અને ઈલા પપ્પાની તસ્વીરને છલકાતી આંખે જોઈ રહ્યાં હતાં.

એક એ સમય હતો. આજે પરદેશની ધરતી પર એમના અસંખ્ય વાચકો સ્ટેન્ડિંગ ઓવેશન આપી રહ્યા હતા. અમને રોજ કેટલાય લોકો ઘેરી વળતા, પપ્પા વિષે જાતજાતના પ્રશ્નો પૂછતા, અમારી સાથે તસ્વીરો ખેંચતા હતા.

મોટાભાગના આ એ ગુજરાતીઓ હતા જે આફ્રિકાથી ઈદી અમીનનાં ત્રાસ અને જુલમથી દેશ છોડી ભાગી નીકળ્યા હતા અને યુ.કે.માં સ્થાયી થયા હતા. અહીં આવીને વિષમ સંજોગોમાં પણ માતૃભાષાની જ્યોત જ્વલંત રાખી હતી. એક સજ્જન બીમાર તો દૂરથી આવેલા, વ્હીલચેરમાં જ હતા, ઓહો! તમે આચાર્યની દીકરીઓ! કહેતાં અમારો હાથ પકડી રડી પડ્યા હતા.

આનંદમાં આનંદ. મારો રૂઈયા કૉલેજકાળનો મિત્ર મેઘનાદ દેસાઈ, જેની સાથે મેં નાટકો કરેલાં તે આ પરિષદના અધ્યક્ષસ્થાને હતા. હવે તો એ લૉર્ડ અને વર્લ્ડ સેલિબ્રિટી.

લૉર્ડ મેઘનાદ દેસાઈ

ઘણાં વર્ષે આ નિમિત્તે મળી શકાયું. ત્રણ દિવસ એવા રંગેચંગે વીત્યા જાણે સાહિત્ય-સંગીતનો આ તો યુ.કે.નો તરણેતરનો મેળો!

બ્રેડફર્ડ મિત્રમંડળના સાથીઓ, ગુ.સા.અકાદમીના વિપુલ કલ્યાણી અને પરિષદ અધ્યક્ષ મેઘનાદ દેસાઇ સાથે

* * *
મેઘનાદે એની સાથે અમારો ફરવાનો ખાસ બે દિવસનો પ્લાન કર્યો હતો.

પાર્લામેન્ટ હાઉસ અને એક મૉડર્ન પ્લે જોવાના હતા. પાર્લામેન્ટ હાઉસ એટલું વિશાળ, ભૂલી પડી જવાય એવી ઇમારત.

હાઉસ ઑફ પાર્લામેન્ટ

ચોતરફ અનેક રાજા-રાણીનાં સ્ટેચ્યૂ, ઝળહળતાં ઝુમ્મરો, અદ્ભુત તૈલચિત્રો, ક્વિન્સ રોબિંગ રૂમ, ધ થ્રોન… અનેકાનેક ખંડો જે આમજનતા માટે પ્રતિબંધિત છે પણ મેઘનાદ લૉર્ડનાં ખાસ મહેમાન તરીકે મેઘનાદ અમને બતાવતાં જાય. અમે અવાક્ થઈ જોતાં જ રહ્યા. મેઘનાદને પોતાને એની ભૂગોળથી પરિચિત થતાં ત્રણ મહિનાથી વધુનો સમય લાગ્યો હતો. (ઝાકઝમાળ જોતાં મનમાં થતું હતું કેટકેટલાં દેશોની લૂંટાયેલી સંપત્તિ અહીં હશે! મારા દેશની પણ અઢળક!)

એ બધું જોયું તેનું વર્ણન તો `નભ ઝૂક્યું’માં છે. હું એક વિશેષ રૂપે નાનકડી ઓરડી જોઈ તેની વાત કરવા માગું છું.

આવડી મોટી મહેલાતમાં એક નાની અંધારી ઓરડી!

અમને એક બેઝમૅન્ટ એરિયામાં મેઘનાદ લઈ ગયા. ત્યાં એક ભવ્ય રોયલ ચર્ચ છે, રોયલ ફૅમિલી સિવાય અન્યો માટે સંપૂર્ણ પ્રતિબંધિત પણ અમને જોવા મળ્યું. ગાર્ડે મેઘનાદને ચાવી આપી ખોલ્યું, બત્તી કરી અને આખું જ સોને મઢ્યું હોય એવું ઝગમગ! ચેપલ ઑફ સે. મેરી અન્ડરક્રોફ્ટ.

Chapel of St Mary Undercroft

પણ મેઘનાદે વિશેષ જગ્યા બતાવવા માટે આ ચેપલ ખોલાવ્યું હતું. એ હતી પેલી અંધારી ઓરડી. પગથિયાંઓની નીચે નાના કબાટ જેટલી જ ઓરડી, જ્યાં સાફસફાઈની ચીજો ઝાડુ વગેરે રહે.

આ ઓરડી એક વિશિષ્ટ સ્થળ. એમાં અમે દાખલ થયાં, અમે ત્રણ માંડ સમાયા, મેઘનાદે બારણું બંધ કર્યું. બંધ બારણાંની પાછળ મઢાયેલી છે એક કવિતા.

1911નું વર્ષ. ભંડકિયા જેવી આ ઓરડીમાં મિસ એમિલી વાઇલ્ડિંગ ડેવિડસન 48 કલાક સંતાઈ રહી હતી. એ સમયે સ્ત્રીઓને મતાધિકાર નહોતો. એ ભૂખીતરસી પૂરા 48 કલાક ગોંધાઈ રહી જેથી પાર્લામેન્ટ સેશનમાં, હાઉસ ઑફ કૉમનમાં પ્રવેશીને મતાધિકાર માટે આગઝરતું ભાષણ આપી શકે. બારણાં પાછળ તારીખવાર ઘટનાની તકતી અને છે સરસ કવિતા. કેટલે મોરચે સ્ત્રીઓને લડવું પડ્યું છે!

કવિતા ઉતારી લેવાનો સમય નથી અને ફોટો પાડવાની મનાઈ લખી છે. અહીં અમે ત્રણ જ છીએ, મારી પર્સમાં કૅમેરા છે. મેઘનાદ મારી સામે જોઈ રહે છે, હું ડોકું ધુણાવું છું. મેઘનાદ હસી પડે છે.

`વર્ષા મારી આબરૂ કરતાં ફોટો મહત્ત્વનો તો નથી ને!’

`ના. બિલકુલ નહીં. મનાઈ એટલે મનાઈ. હું અહીં આવી શકી, કોઈને જોવા નથી મળ્યું તે જોઈ શકી. એ જ મારે મન મહત્ત્વની ઘટના. આવી કોટડીમાં અંધારામાં ગોંધાઈ કેવી એને ગૂંગળામણ થઈ હશે! એની હિંમતને સલામ.’

Emily Davison wearing her hunger strike medal

પછી ખાસ લૉર્ડ્ઝ માટેની જ રેસ્ટોરન્ટમાં મસ્ત યુરોપિયન ચા પીવા મળી અને મેઘનાદે કેટલીયે સેલિબ્રિટીઝ સાથે પરિચય કરાવ્યો એ ખાસ સંભારણું અને નજરાણું પણ.

આ લખું છું ત્યારે મેઘાણીની 125મી જન્મજયંતિનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે.

પણ 2000માં વેસ્ટમિનિસ્ટર એબીમાં ફરતાં અમે મેઘાણીને યાદ કર્યાં હતાં. આ લિવિંગ ચર્ચ છે, અહીં બ્રિટનનાં રાજારાણીઓ ચિરનિદ્રામાં પોઢ્યાં છે. ઇંગ્લૅન્ડ તેનાં સર્જકોને કદી ભૂલતું નથી. સમ્રાટોની સાથે અહીં સાહિત્યકારો, કવિઓ અને સંગીતકારોમાંથી પણ ઘણાં અહીં પોઢ્યા છે.

બહાર નીકળતાં આપોઆપ થોભી જવાયું, તાજાં લાલ ગુલાબનાં ફૂલોનાં ગુચ્છની વચ્ચે કબરમાં એક અજાણ્યો સૈનિક પોઢ્યો છે. ત્યાંથી પસાર થતાં સૌનાં પગલાં ત્યાં ઘડીક થંભી મૂક અંજલિ આપતા હતા. અમે પણ ઊભાં હતાં અને મનમાં મેઘાણીનું કોઈનો લાડકવાયો ગુંજતું હતું.

`સનસેટ બુલેવાર્ડ’ નાટક જોવું હતું પણ કેટલાં વર્ષથી હાઉસફૂલ શો, એની ટિકિટો ક્યાંથી મળે! બીજે દિવસે થાઇ રેસ્ટોરન્ટમાં ડિનર અને મેઘનાદે અમને મૉડર્ન પ્લે બતાવ્યું. નાટકની વાત તો લાંબી છે. છેલ્લા દૃશ્યની જ વાત કરું.

નાયિકા અંગ્રેજી પ્રોફેસર છે. મૃત્યુશૈયા પર છે. કવિ ડોનના હોલી સોનેટ્સમાંનું સોનેટ પ્રિય કાવ્ય છે, Death do not be proud… જીવનભર જે કાવ્ય ગણગણતી હતી તે અંત સમયે ચરિતાર્થ કરવા, એનો અહં ઓગળે છે, જીવનરક્ષક સાધનો ફગાવી દે છે અને છેલ્લે શરીરનું–જીવનનું પણ અંતિમ આવરણ વસ્ત્ર ફેંકી દઈ એ સંપૂર્ણ નિર્વસ્ત્ર અનાવૃત્ત ઊભી રહે છે.

પ્રેક્ષકોએ સ્ટેન્ડિંગ ઑવેશન આપ્યું. સામે જ સંપૂર્ણ નિર્વસ્ત્ર સ્ત્રી હતી અને કલાકારની પૂરી ગરિમા જળવાય એવું પ્રેક્ષકોનું વર્તન. નાનો અશ્લીલ ઇશારો, ગણગણાટ સુધ્ધાં નહીં.

સ્ટેજ પરનું અને નાટ્યગૃહનું બન્ને દૃશ્ય અત્યંત યાદગાર.
* * *
સાહિત્યના કાર્યક્રમોમાં, હરવાફરવામાં એક મહિનો ક્યાં વીતી ગયો! ત્યાં દરેક એરિયાની કોર્નર લાઇબ્રેરીમાં અમારા પ્રવચનો ગોઠવાતા, સાનંદાશ્ચર્ય એ હતું કે દરેક લાઇબ્રેરીમાં અમારાં પુસ્તકો હતાં. પ્રદ્યુમ્ન તન્નાનાં અદ્ભુત ફોટોગ્રાફ્સનું પ્રેઝન્ટેશન અને એમનાં કાવ્યસંગ્રહનું લોકાર્પણ પણ હતું.

કોઇ અજાણી જગ્યાના નાના ઝરણા પાસે પ્રદ્યુમ્ન તન્ના, રોઝાલ્બા સાથે

અમે બધાંએ સાથે પ્રવાસ કર્યો, જુદાં જુદાં ગુજરાતી પરિવારોને ત્યાં રહ્યાં, એમનાં સંઘર્ષની વાતો સાંભળી. ગુજરાતી ભાષાના વર્ગો ચાલતા હતા એ જોયા, લગ્ન પણ માણ્યા.

લેક ડિસ્ટ્રિક્ટ નેશનલ પાર્ક બ્રિટનનું અત્યંત ખૂબસૂરત સ્થળ. જમીનદારોની ભવ્ય ઇમારતો, ઇન્દ્રપુરી જેવા બાગબગીચાઓ, અડાબીડ લીલાછમ વન.

લેક ડિસ્ટ્રિક્ટ

આ સૌંદર્યનો આકંઠ આસવ પીતા કવિઓએ ઉત્તમ સાહિત્યસર્જન કર્યું,

એનાં દક્ષિણ વિસ્તારમાં છે સરોવર વીન્ડમિયર. અહીં ઇતિહાસ, કલા અને પ્રકૃતિનો છે ત્રિવેણીસંગમ. વિવિધરંગી પર્ણોથી શોભતા વૃક્ષવેલીની ગોદમાં છે પ્રસિદ્ધ કવિ જોન રસ્કીનનું કૉટેજ અને ગ્રાસમિયરમાં છે ડોવ કૉટેજ. વિશ્વવિખ્યાત કવિ વિલિયમ વર્ડ્ઝવર્થનું ઘર.

Dove Cottage

કવિ કોલરીજનું પણ અહીં જ નિવાસસ્થાન, ટેનીસનને પણ કાવ્ય સર્જવાની પ્રેરણા અહીંથી મળી હતી.

વર્ડ્ઝવર્થનાં લાકડાનાં કૉટેજમાં ફરવાનો, ફોટા પાડવાનો અનોખો રોમાંચ હતો. ખળખળ વહેતાં ઝરણાં પર જ કૉટેજ. પાટિયું ખસેડીને જોયું. નીચે કાચ જેવું નિર્મળ કલકલ નિનાદે વહેતું નાનકડું રમતિયાળ ઝરણું. (કવિ એમાં બિયર બૉટલ રાખતા.)

ગ્રાસમિયરનાં કમ્પાઉન્ડનાં ટી હાઉસમાં મસ્ત યુરોપિયન ચા પીને અમે થાક ઉતાર્યો. આ સાહિત્યયાત્રામાં ભોળાભાઈ અને જયંતભાઈ જેવા સાથીદાર. અમે એક વૃક્ષ નીચે જમાવ્યું. ભોળાભાઈએ એમનાં ઘૂંટાયેલા સ્વરમાં ઉમાશંકરની ગ્રાસમિયર પરની કવિતા સંભળાવી.

અમારી સાહિત્યયાત્રા વણથંભી ચાલી. સ્ટ્રેટફોર્ડ અપોન એવોન. શેક્સપિયરની તો એ જન્મભૂમિ. નાટ્યકલાનું પિયર. ગામમાં પ્રવેશતાં જ ગામ પર શેક્સપિયરની છાપ ઈંચેઈંચ ભૂમિ પર વરતાય. દુનિયાભરનાં લોકોની બારેય મહિના આવનજાવન.

શેક્સપિયરના ઘરમાં ફરતાં કેટલો રોમાંચ! એની કેટલી બધી વસ્તુઓ સુપેરે સચવાઈ છે. ઘરની વચ્ચોવચ્ચ છત ફાડીને ઊંચું વધેલું વૃક્ષ પણ યથાતથ! ઘરમાંથી બહાર નીકળ્યાં જાણે પંદરમી સદીમાંથી 2000માં પ્રવેશ. બબ્બે કાળખંડ અડખેપડખે. સાહિત્યને કદી કાળનો ડાઘ નથી લાગતો.

શેક્સપિયરનું ઘર – રેખાચિત્ર
શેક્સપિયરનું ઘર – તસવીર

બહાર નીકળતા ભોળાભાઈ દોડ્યા. નવાઈ પામતા અમે પાછળ ઓહો! શેક્સપિયરનાં ઘરની બરાબર સામે જ આપણા રવિ ઠાકુરનું સ્ટેચ્યૂ! નીચે લખ્યું છે, ધ વૉઇસ ઑફ ઇન્ડિયા. ટાગોરની કવિતા પણ લખેલી છે. ઘણાં પ્રવાસીઓ કવિતા વાંચી રહ્યાં હતાં. એમને જોતા આનંદ અને ગૌરવ અનુભવું છું.

શેક્સપિયરના રોયલ થિયેટર પર અમે પહોંચ્યાં, શું સરસ ભવ્ય ઇમારત!

મનોમન પ્રાર્થના થઈ. હે નાટ્યદેવતા, આવતે ભવ અહીં નાટક કરવા મળે એવું કાંઈ કરજો. ધારો કે તથાસ્તુ કહ્યું હોય તો ય એની ખબર તો આવતે ભવ જ પડે ને! થિયેટરની દીવાલોને સ્પર્શ કરી એ પુનિત સ્પર્શ મારામાં સંચિત કરી લીધો. (પછીનાં વર્ષોમાં અહીં ગ્લોબ થિયેટરમાં ગુજરાતી નાટક ‘મારો પિયુ ગયો રંગૂન’ ભજવાયું હતું).

‘મારો પિયુ ગયો રંગૂન’

મેં અને ઈલાએ નક્કી કર્યું હતું, એ અહીંના ગુજરાતીઓની સંઘર્ષકથા પર નવલકથા લખશે અને હું લખીશ ભ્રમણવૃત્ત. ઈલાએ લખી નવલકથા `ન્યૂ લાઇફ’ અને મેં લખ્યું `નભ ઝૂક્યું.’

મહિનામાં તો અમે અઢળક આનંદ અને અનુભવોની ફાંટ ભરી યુ.કે.થી નીકળ્યા. ગૂડબાય લંડન. હવે શોલોમ તેલઅવીવ. શોલોમ જેરૂસલેમ.
* * *
તેલઅવીવમાં તો સોનાલીનું ઘર હતું એટલે નિરાંત હતી. રોજ એની જીપમાં કંઈ કેટલીયે જગ્યાએ લઈ જતી. આખા શહેરનો, યહૂદી સંસ્કૃતિનો પણ અમને પરિચય કરાવ્યો.

તેલઅવીવ-ઇઝરાયલ

ઊંચીનીચી ટેકરીઓ પર પથરાયેલું જેરૂસલેમ સુંદર શહેર. વિશ્વના પ્રાચીનતમ શહેરમાં ફરી શકાયું તેથી તો હું ખૂબ ઉત્સાહિત. વિસ્મય તો એ કે યહૂદી, ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મનાં સ્થાનક જોડાજોડ! જાણે હજારો વર્ષનો ઇતિહાસ અહીં દરબાર ભરીને બેઠો હતો.

યહૂદીઓના સોલોમનના મંદિરને રોમનોએ ધ્વંસ કરીને અમાપ ધનસંપત્તિ લૂંટી પણ એક દીવાલ બચી ગઈ, વિલાપ કરતી દીવાલ વેઇલિંગ વૉલ.

જેરુસલામની પ્રખ્યાત વેઇલિંગ વોલ-રુદન કરતી દિવાલ

એનાં પથ્થર જડેલા ચોકમાં અસંખ્ય પ્રવાસીઓ ફરી રહ્યા હતા. અમારી સાડી તો જાણે આકર્ષણનું કેન્દ્ર!

અહીં આવી શકી એનો આનંદ તો છે જ પણ સ્ત્રી તરીકે વિશેષ. અગિયાર અગિયાર વર્ષની લાંબી સામાજિક, ધાર્મિક અને કાયદાની લડત બાદ સ્ત્રીઓને વેઇલિંગ વૉલ પાસે પ્રાર્થના કરવાનો અધિકાર, અમારા આવ્યાના અઠવાડિયા પહેલાં જ આપેલો. ત્યાર પછી પણ પુરુષો પ્રાર્થના કરતી સ્ત્રીઓને ખૂબ હેરાન કરતા. આખરે સ્ત્રીઓ કોર્ટમાં ગઈ અને જીતી.

મેં એ જ દિવસનું અખબાર `જેરૂસલેમ પોસ્ટ’ ખાસ વાંચ્યું હતું, પહેલે જ પાને તસ્વીર, એક સ્ત્રી તોરાહ (યહૂદીનો ધાર્મિક ગ્રંથ) પકડી વૅઇલિંગ વૉલ પાસે ખુશખુશાલ ઊભી હતી. સ્ત્રીઓની જીત, શેર લોહી ન ચડે તો જ નવાઈ! પરંપરા છે કે તમારી ઇચ્છા ચિઠ્ઠીમાં લખી વૅઇલિંગ વૉલમાં ભેરવી દો તો એ ઇચ્છા અવશ્ય પૂરી થાય છે. અમે ત્યાં બેસી ચિઠ્ઠીઓ લખી, મેં લખ્યું, હે ઈશ્વર! વિશ્વભરમાં સ્ત્રીઓને સન્માનભેર જીવન પ્રાપ્ત થાઓ.

વિશ્વના બધા દેશોમાં સ્ત્રીઓને કોઈ ને કોઈ અધિકાર માટે લડત લડવી પડે છે. આપણા ભારતમાં પણ કેટલાય ધર્મસ્થળોમાં સ્ત્રીઓને પ્રવેશાધિકાર નિષિદ્ધ છે. શું મનુષ્ય હોવાને નાતે સ્ત્રીઓને અધિકાર જ ન મળે!

એક દિવસ હતો અમારો ડેડ સી ખાતે. ડેડ સી નામ પણ દરિયો મરેલો નથી. દુનિયાનાં સહુથી નીચા ભાગમાં છે એટલે ગુરુત્વાકર્ષણ નથી. આરામથી ફ્લોટ કરો, ડૂબવાનો ભય જ નહીં ને! એનાં પાણીમાં પુષ્કળ ખનિજદ્રવ્યો એટલે એની મેડિસીનલ વેલ્યૂ છે. ઇઝરાયેલ તેની નિકાસ કરી કમાણી કરે છે. એની બ્યુટી પ્રોડક્ટ્સનો ધીખતો ધંધો છે.

એક હેલ્થ સ્પામાં જઈ પૈસા ભર્યા અને દરિયામાં ઝુકાવ્યું, મતલબ તર્યા, કેટલાક રશિયનો બીચ પર ગોળ કુંડાળે ફરતા ઈચકદાના ગાઈ રહ્યા હતા. મને જોતાં કહે, ઇન્ડિયન? પ્લીઝ સીંગ ફોર અસ. અમે હાથ પકડી ખૂબ નાચ્યા, હું ગવડાવું ઈચકદાના એ લોકો અષ્ટમપષ્ટમ્ ગાય. અમે મડબાથમાં માટીથી ખરડાયેલા ભૂત. જય હો રાજ કપૂર!

ઈચકદાના ગીત

જાણું છું આ પ્રવાસવર્ણનનું પુસ્તક નથી પણ યાદેવાશમ્ વિષે લખવાનું ખૂબ મન છે. હોલોકોસ્ટ, યાદેવાશેમ. હિટલરે કરેલા નિઘૃણ હત્યાકાંડમાં અત્યંત ક્રૂર રીતે મૃત્યુ પામેલા યહૂદીઓનું સ્મારકસ્થળ. વિશ્વનું સૌથી મોટું મેમોરિયલ.

ત્યાં તો અમારે જવું જ હતું. સેકન્ડ વર્લ્ડ વૉરની અનેક ફિલ્મ્સ જોઈ હતી, હૉલૉકોસ્ટની ડૉક્યુમૅન્ટરી જોતાં થથરી જવાયું હતું.

તેલઅવીવથી દૂર ઊંચી ટેકરી પર શાંત વાતાવરણમાં, મરુભૂમિમાં રચ્યો છે જાણે હરિયાળો દ્વીપ. અમારે ટૂરિસ્ટ બસમાં નહોતું જવું, અમે પ્રાઇવેટ ટૅક્સી કરી.

માનવ ઇતિહાસની સહુથી ઘૃણાસ્પદ અને અત્યંત શરમજનક ઘટનાને દફનાવી દેવાને બદલે સ્મારક રચ્યું છે, જેથી દુનિયાને પદાર્થપાક મળે કે આવું ફરી ન બને.

વિશાળ મકાન પાસે અમે પહોંચ્યાં. કબરના આકારનું કાળા પથ્થરોથી ચણાયેલું. અમે અંદર એક પછી એક ખંડમાં ફરીએ છીએ. અનેક પ્રવાસીઓ છે પણ ઘેરી ચૂપકીદી છે.

એક ખંડમાં છે માત્ર લાંબા કાળા પથ્થરો. જે જે દેશમાં યહૂદીઓની કતલ થઈ તેનો મૃત્યુઆંક લખેલો છે. 1939થી 1945 સુધીમાં વિશ્વનાં 31 દેશોમાં 60 લાખ યહૂદીઓને રહેંસી નાખ્યાં હતાં. આંકડાઓનાં નાના ટપકામાં વેદનાનો મહાસાગર ઘૂઘવતો હતો.

અહીં કોઈ વિશાળ પ્રકાશિત ખંડમાં હૉલૉકોસ્ટની સામગ્રી મૂકી નથી. આપણે ચાલતા રહીએ અને બન્ને તરફ આ ભયંકર માનવસંહારની અસંખ્ય છબીઓ, પત્રો, અખબારનાં પાનાં, પુસ્તકો, હિટલરનાં આગ ઝરતાં ભાષણો, ફાટેલાં લોહિયાળ કપડાં, તૂટેલી બૅગ… જુદી જુદી રીતે વર્ષ તારીખવાર ગોઠવાયેલું છે.

લાગે છે માનવ ઇતિહાસની લાંબી અંધારી ગલીમાં ચાલી રહી છું. બ્લેક ઍન્ડ વ્હાઇટમાં આ સઘળી સામગ્રી. પ્રકાશ આયોજન પણ અંધકારને ઘેરો બનાવે છે. ઘણાં લોકો અહીં છે પણ માત્ર શ્વાસોશ્વાસ સંભળાય એવી ઘેરી ચુપકીદી. માત્ર પદરવ. ક્યાંક દબાયેલું ધ્રુસકું. ઘેરો નિઃશ્વાસ તો કોઈની આંખમાંથી વહી જતાં આંસુ.

એક અત્યંત વિશાળ ખંડ. ઉપર આકાશનો ભાસ કરાવે એવો ભૂરો, તારાખચિત ઘુમ્મટ. 60 લાખમાંથી તો 15 લાખ ભૂલકાં નાઝીનાં ખપ્પરમાં હોમાયા તેનો આ સ્મૃતિખંડ છે. ઝગમગતા તારા તે બાળકો છે અને નીચે કાચ જડેલો પથ. તેની નીચે ટમટમતી મીણબત્તી. જેનાં અસંખ્ય પ્રતિબિંબો ગુંબજમાં ટમટમી ઊઠે છે. ઇલેક્ટ્રિક ફરનાન્સમાં ભૂંજાયેલા લોકોની રાખ પણ અહીં છે.

મનોમન પ્રાર્થના કરી અમે નીકળ્યાં. બહારનાં રસ્તાનું નામ છે બિનયહૂદી ધર્મપુરુષોનો પથ. આ કરુણાંતિકા જેમ હત્યાકાંડની છે તેમ માનવતાની પણ છે.

યહૂદીઓનાં રક્ષણ માટે જે બિનયહૂદીઓએ જીવ ખોયા તેમાંથી જેનાં નામ મળ્યાં તેની સ્મૃતિમાં એક એક વૃક્ષ વાવ્યું છે. અમે ચોગાનમાં આવ્યાં. એક વૃક્ષ નીચે બે મહિલા રેંકડીમાં હૉલૉકોસ્ટ સાહિત્ય વેચી રહી છે. આવું પ્રકાશન પછી ક્યાં મળે! યાદેવાશેમે પ્રગટ કરેલું `ધ હૉલૉકોસ્ટ’ તસવીરોથી ભરેલું પુસ્તક મેં ખરીદી લીધું.

દર્શકે ઇઝરાયલના પ્રવાસ દરમ્યાન હિબ્રૂ યુનિવર્સિટીના પ્રોફેસરને પ્રશ્ન પૂછ્યો હતો, `યહૂદીધર્મમાં એવું કયું રહસ્ય છે કે અનેક યંત્રણાઓ વચ્ચે આ પ્રજા બે હજાર વર્ષથી પોતાનું ખમીર ટકાવી શકી છે?’

એમનો જવાબ હતો,

`અમે માનીએ છીએ અમે ઈશ્વરનાં સંતાનો છીએ. અમારા વડવાઓએ ઈશ્વર સાથે કરાર કર્યો છે, એ કરારથી ઊંધું વર્તી જ ન શકાય. અમારી સહનશક્તિનું આ કારણ છે.’

2009માં લિટરલી એકૅડમી ઑફ નોર્થ અમેરિકાનાં આમંત્રણથી હું અમેરિકા ગઈ હતી ત્યારે અશોક મેઘાણી સાથે વૉશિંગ્ટન ડી.સી.માં હૉલૉકોસ્ટ મ્યુઝિયમ જોવા હું અને માધવી ગયાં હતાં.

Holocaust Museum at Washington DC

અમે અમેરિકન યુવતીની પેડલ રિક્ષામાં સવાર અને અશોકભાઈ મૅરેથૉન વૉકર. પણ મ્યુઝિયમ ત્યારે લગભગ ખાલી જ હતું.

કોરોનાનાં લૉકડાઉન દરમ્યાન `હન્ટર્સ’ નામની વૅબસિરીઝ જોઈ.

હૉલૉકોસ્ટ પછી શું? જે જર્મન ઑફિસરો હત્યાકાંડમાં સામેલ હતા એમને શોધી શોધીને કોર્ટ ટ્રાયલ, સજા કરી એ બધું તો ખરું જ પણ `હન્ટર્સ’ સિરીઝથી એક બીજું સત્ય ઉજાગર થતું હતું.

અમેરિકા અને રશિયા આ ક્રૂર હત્યાકાંડ આચરનારા, ટૅક્નિકલ ઍક્સપર્ટ્સ નાઝી ઑફિસરોને દુનિયાની નજરથી બચાવી, છાવરીને પોતાના દેશમાં લઈ ગયા. તેમને નવી આઇડેન્ટિટી આપી. અત્યંત સમૃદ્ધ જીવનની સોગાત પણ આપી. તેમના ટૅક્નિકલ જ્ઞાનનો લાભ લેવા. તેમણે કરેલી નિર્ઘૃણ હત્યાનો હતો આ સુંદર સરપાવ.

કૉન્સન્ટ્રેશન કૅમ્પમાંથી બચી ગયેલા કેટલાક યહૂદીઓ અમેરિકામાં અન્ડરગ્રાઉન્ડ સંગઠન બનાવે છે અને એક એક ઑફિસરને ખત્મ કરે છે. એની રૂંવાડાં ખડાં કરી દેતી આ સત્યઘટનાત્મક વૅબસિરીઝ છે.

શક્તિશાળી દેશો પોતાના સ્વાર્થ માટે ભલભલા હત્યારાઓને પણ ક્ષમા કરી તેમની કેવી આરતી ઉતારે છે એનું આ વરવું ચિત્ર છે.

પ્રવાસમાં જવા નીકળીએ ત્યારે જે સાથે લઈને ગયા હોઈએ એનાથી અનેકગણું વધારે પાછા ફરતાં આપણી સાથે હોય છે, પ્રવાસનો આનંદ અને અનુભવોને ઇમીગ્રેશન થોડું હોય!

ઘણે સમયે ઘરે પાછી ફરી ત્યારે પિતાની જન્મશતાબ્દીનો ઝાકઝમાળ સમારંભ, યુ.કે.માં વિતાવેલા ખુશનુમા દિવસો અને હૉલૉકોસ્ટ, યાદે વાશેમનાં વિષાદનો મન પર ગોરંભો. એ મનઃસ્થિતિમાં મેં લખ્યું પુસ્તક `નભ ઝૂક્યું’. એને પરિષદનું કાકાસાહેબ કાલેલકર પ્રવાસ પારિતોષિક મળ્યું.

કોઈ વાર થાય છે, મારા દેશની ધરતી પર સ્વાતંત્ર્યસંગ્રામ, સશસ્ત્ર અને અહિંસક ક્રાંતિના વીરયુવાનો, વિભાજન, ગાંધીનો સંદેશ… આવું બધું જ ચરિતાર્થ કરતું એવું એક વિશાળ મ્યુઝિયમ કેમ ન હોય! આઝાદીને વર્ષો વીતી ગયાં આવું સપનું પણ કોઈ નેતાને આવ્યું જાણ્યું નથી.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. પ્રવાસની વાતો અત્યંત રોમાંચક,ઘણું જાણવા મળ્યું અને ફોટા દ્વારે જોયું પણ……અંતે જે મ્યુઝિયમની કલ્પના તમે રજૂ કરી છે તે યોગ્ય છે…