ખોળિયાને અજવાળું દીધું ~ શ્રદ્ધાંજલિ: સુરેન ઠાકર ‘મેહુલ’ (૩૦.૭.૧૯૪૨ ~ ૨૭.૭.૨૦૨૨) ~ લેખ સૌજન્ય: ગુજરાતી મિડ-ડે

(વિશેષ નોંધ: લેખને અંતે મુકેલી YouTube Link ક્લિક કરી આપ, ગયા વર્ષે મેહુલભાઈના ૭૯મા જન્મદિન નિમિત્તે તૈયાર થયેલો વિડિયો જોઈ શકશો.) 

વાસંતી વાયરામાં, પંખીના ડાયરામાં
કલરવને વેરતો હું ધોધમાર નીકળ્યો

આ શેર સુરેન્દ્ર ત્રિકમલાલ ઠાકરે લખ્યો છે એવું કહીએ તો ઝટ ખ્યાલ ન આવે, પણ મેહુલ કે મેહુલભાઈ કહીએ એટલે એક ગૌરવવંતું વ્યક્તિત્વ આપણી નજર સમક્ષ ઊપસી આવે.

શાંત ચહેરો, ઓવારી જવાય એવું રમતિયાળ સ્મિત, હોઠેથી ખળખળ વહેતી શબ્દોની સહજ બાની, અનુભવોનું ઓજસ આંજીને બેઠેલી આંખો ને ઉપરથી સદાય સ્નેહ વરસાવતું હૈયું એમની મિલકતમાં હતાં. આ મિલકત આપણે ગુમાવી ચૂક્યા છીએ. આમ તો ઉંમરના પડાવ સાથે, કૅન્સરના પ્રહારની અસરમાં થોડાક મહિનાઓથી મેહુલપણું ઓસરવા જ લાગેલું.

આપણે તારાઓ ખરવાની વાતો વાંચીએ છીએ પણ જ્યારે એમને ખરતા જોઈએ ત્યારે મિશ્ર અનુભૂતિ થાય. એક તરફ કુદરતના વિસ્મયી ચક્રનો અણસાર આવે અને બીજી તરફ કુદરતના સનાતન નિયમનો સ્વીકાર કરવો પડે.

સુરેન ઠાકર `મેહુલ’નો સમાવેશ એક એવા સિતારામાં થાય જે આપણી સામે ઝળહળ્યો, જેણે આપણી ભાષાને મેહુલી કરી, જેણે આપણા સાહિત્યને અછોવાનાં કર્યા, જેણે પોતાની સત્વશીલ પ્રસ્તુતિ અને તરન્નુમથી શિષ્ટ સાહિત્ય અને લોકસાહિત્યને પ્રજા સુધી પહોંચાડવાનું પ્રશંસનીય કાર્ય કર્યું.

અધ્યાપક તરીકે મેહુલભાઈએ વિદ્યાર્થીઓને ભાષાનું તેજ પાયું તો કવિ તરીકે ભીતરનાં તેજ-તિમિરને  ગીત-ગઝલમાં ઢાળ્યાં. સંચાલક તરીકે શ્રોતાઓને મંત્રમુગ્ધ અને મેહુલમુગ્ધ કર્યા. ગીતકાર તરીકે ગુજરાતી ચલચિત્રોમાં ગીતો લખ્યાં તો લેખક તરીકે સુંદર મજાના ઐતિહાસિક નાટકો તખ્તાને આપ્યાં. કલાકારોને ભજવવાની મજા પડે એવી સરસ મજાની એકોક્તિઓ અને નૃત્ય નાટિકાઓ લખી. પોતે  મેઘાણીની ભૂમિકા ભજવી અભિનેતા તરીકેની ક્ષમતા પણ સુપેરે દર્શાવી. કોઈપણ કાર્યક્રમમાં કે બેઠકમાં  મેહુલભાઈ મેઘાણીની વાતોએ ચડે પછી તો મેઘ અને મેહુલો બંને પારાવાર વરસ્યા વગર રહે જ નહીં.

પોતાના સર્જનપ્રક્રિયા વિશે વાત કરતાં મેહુલભાઈ નોંધે છેઃ
`પિતા કર્મકાંડી બ્રાહ્મણ અને શબ્દના સ્વામી, ગિર્વાણ ગિરાના ઉપાસક અને લોકસાહિત્યના જાણતલ, તેથી તેમની આંગળી પકડતાં-પકડતાં મેં શબ્દની આંગળી પકડી.’

એમની આંગળી પકડી અનેક કાર્યક્રમો કરવાનો લહાવો અમારી પેઢીના કવિઓને મળ્યો છે. એમની સાથે હોઈએ ત્યારે કોઈ મોટા સર્જકનો ભાર ના વર્તાય. એમ જ લાગે આ તો આપણો બાપ આપણી સાથે છે જે આપણને લટાર મરાવી રહ્યો છે. જેમણે મેહુલભાઈનાં મોટા ભાગના નાટકોનું દિગ્દર્શન કર્યું એ નાટ્યદિગ્દર્શક કમલેશ મોતા મેહુલભાઈ માટે આત્મીયતાપૂર્વક બાપાનું સંબોધન કરતા.

કલમની કમાલ અને વાણીના વ્હાલથી શોભતી તેમની જીવનસફરમાં પીડાના અનેક પડાવો આવ્યા. અમાસના અંધારાએ મેહુલભાઈ પાસે નિયમિત ખંડણીઓ ઉઘરાવી. અંગત સ્વજનોની માંદગી, વિદાયથી લઈને શ્રદ્ધા બટકણી થઈ જાય એવા આઘાતો એમની કફનીમાં પરોવાઈ ગયેલા. એટલે જ તેમણે લખ્યું:

`ઓઢવાને સુખનો સમય ઝાઝો નથી મળ્યો, મને દુઃખના કામળાએ જ હૂંફ આપી છે. જીવનનો દાવ દિલથી રમ્યો છું. અન્યના સુખને કાજે સમાધાનો કર્યાં છે. આ મારી કમળપૂજા. આ કમળપૂજામાં માથું ધડથી જુદું કરવાનું નથી હોતું. વેદનાની વેદી પ્રગટાવી એમાં સપનાં હોમવાનાં  હોય છે.’

એમના સંચાલનના વિશેષ પ્રદાનને ધ્યાનમાં રાખી પ્રસિદ્ધ કવિ સુરેશ દલાલે કહ્યું હતું:
`મેહુલ પાસે અનેક પ્રકારનાં દૃષ્ટાંતો, સહજ હાસ્યસૂઝ, દંતકથા જેવી સ્મૃતિ અને અભિજાત અભિવ્યક્તિ છે. સંચાલક તરીકે એ ચાલક પણ છે અને ચાલાક પણ છે. આ ચાલાકી કોઈને આંજવા માટે નહીં પણ એમાં દંભ વિનાની ચતુરાઈ અને હાજરજવાબીપણું છે.’

આ `છે’ હવે `નથી’ થઈ ગયો એનો રંજ બધા મેહુલપ્રેમીઓને લાગવાનો. ભવાઈના જનક અસાહિત ઠાકરના વંશજ મેહુલની વિદાય કારમી જરૂર છે પણ તેમનું સ્મરણ તેમના ભાવકોમાં કાયમી રહેશે.

મેહુલભાઈનો ઝોક પહેલેથી ભીતર તરફનો હતો. એટલે જ એમણે `ફલક’ પુસ્તકની કેફિયતમાં લખેલું:
`જીવતરની જાતરામાં અનુભવોની એવી ગોઠડી બાંધી કે માત્ર પ્રસિદ્ધિનો જ નહીં, મોહ માત્ર ઓગળવા લાગ્યો અને મારા શબ્દ પર ગેરુઓ રંગ ચઢવા લાગ્યો.’

આ ગેરુઆ રંગે જ એમની કલમેથી આવી પંક્તિઓ સર્જાવી હશેઃ

હે જી વ્હાલા અભરે ભર્યા છે
મારા ઓરડા
ટોડલે ટહુકે છે તેજજી
નેજવાં ધરેલાં મારાં નેણલાં
એમાં અંકલાશી ભેજજી
*
પિંડને પરમ પદારથ જડ્યો
સુરતાના સોગઠડે રમતાં
અનહદમાં જઈ ચડ્યો
*
પ્હેલા ઉઘાડનો ટહુકો વેચીને અમે
ખોળિયાને અજવાળું દીધું
*
સાહેબ મારાં મેલાં કપડાં ધૂએ
તરવેણીને તીર ઊભો ઈ
આજુબાજુ ના જુએ
*
એ જી વ્હાલા ધખશું
ધૂણીના ધખધખ તાપમાં
એ જી મનખો એળે નહીં જાય
તમને દેખીશું તેજલ આપમાં

***
લેખ:
~ હિતેન આનંદપરા
~ ગુજરાતી મિડ-ડે
~ તા. ૨૮.૭.૨૦૨૨
***
YouTube Link of Video dt. 30.7.2021
સુરેન ઠાકર મેહુલે તા. ૩૦ જુલાઈ ૨૦૨૧ના દિવસે ૭૯મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો ત્યારે સાહિત્યરસિકો અને મેહુલપ્રેમીઓ માટે મેહુલ મિત્ર વર્તુળ દ્વારા આ દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિ તૈયાર કરવામાં આવી હતી.

 

આપનો પ્રતિભાવ આપો..

5 Comments

  1. મેહુલ ભાઈ

    બહુજ અંગત મિત્ર
    કક્ષાએ રહ્યા
    દિલ થી જોડાઈ રહ્યાં
    તેમાંના ” ટહુકા ” ભૂલ્યા નહીં ભુલાઈ.

  2. મેહુલભાઈના આત્માને પ્રભુ શાંતિ અર્પે . 🕉શાંતિ

  3. મેહુલભાઈને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ હદય ભીંજવી ગઈ.