હિંદુકુશનાં હિન્દુઓ, ઈરાનીઓની મિશ્ર જાતિ એટલે હિંદકો લોકો ~ ગંગાથી રાવી સુધી (પાકિસ્તાન પ્રવાસ) (ભાગ: 20) ~ પૂર્વી મોદી મલકાણ
(ભાગ: 20)
મને લાગે છે કે; આ સંસારમાં કેવળ માનવો જ છે કે તે પોતે નથી ચૂપ રહેતાં કે નથી આજુબાજુના વાતાવરણને પણ ચૂપ રહેવા દેતા નથી. આથી તેઓ પોતાના આ સ્વભાવને કારણે કાળના સંક્રમણમાં ખોવાયેલ અનેક સંસ્કૃતિઓ શોધી તેમાંથી જીવન જીવવાની કલા શીખવા પ્રયત્ન કરતો રહેતો હોય છે તે બાબત હું ગોર ખત્રીના ઐતિહાસિક સ્થળમાં અનુભવી રહી હતી.
પણ હવે આ સ્થળમાં જેમ જેમ જાણીતા લોકોનો મેળો વધતો જતો હતો તેમ તેમ અમે આ વિસ્તાર માટે અજાણ્યાં બની રહ્યાં હતાં તેથી અમે ઇસ્લામાબાદ તરફ પરત ફરવાનું નક્કી કર્યું તે સમયે ઉસ્માનભાઈએ આગ્રહ કરીને કહ્યું કે મારા અબ્બાજાન આપને મળવા માંગે છે, તેથી અમે અમારી કારના વ્હીલ તેમનાં ઘર તરફ વાળ્યાં.
ઉસ્માનભાઈને ઘેર અમે તેમના અબ્બાજાન નૂમાનભાઈને મળ્યાં જેઓ હકીમ હતાં. નૂમાનભાઈ સાથે વાતચીત કરતાં જાણવાં મળ્યું કે તેમનો પરિવાર એક સમયે હિન્દુ હતો અને જેઓ હિન્દુકુશના માઉન્ટન પાસેના ગામડામાં રહેતાં હતાં અને તેમની મૂળ ભાષા પશ્તુ કે ઉર્દૂ ભાષા નહીં પણ હિંદકો હતી.
હિન્દ, હિન્દુ શબ્દને મળતાં શબ્દથી મને આશ્ચર્ય થયું જેથી આ વિષે પૂછતાં હિંદુકુશની પહાડીઓમાં બનેલાં એક અદ્ભુત ઇતિહાસને જાણવા મળ્યો અને સાથે એય જાણવા મળ્યું કે; હિન્દુકોષની પહાડીઓમાં વસેલાં હિન્દુઓને મારવાનું કામ ચાલું હતું ત્યારે તેઓએ ધર્મપરિવર્તન કર્યું હતું.
હિંદુકુશની પહાડીનો ઈતિહાસ:-
આ હિન્દુકોષ પર્વતનું મૂળ નામ તો “પરિયાત્ર પર્વત”. હિંદુસ્તાન જીતવા જ્યારે સિકંદરની સેના ગ્રીક એટલે કે યૂનાનથી નીકળી ત્યારે તેમણે પરિયાત્ર પર્વતની દિશા તરફથી હિંદુસ્તાન એટલે કે આજનાં પેશાવરમાં પ્રવેશવાનું નક્કી કરેલું.
પરિયાત્ર પર્વતને તેઓએ પોતાની ભાષામાં “ઈન્દીકોષ”ને નામે ઓળખવું શરૂ કર્યું. સમયાંતરે આ ઈન્દીકોષ શબ્દનું અપભ્રંશ થઈ “હિન્દુકોષ, હિન્દુકોહ” થયું. (કોષ અને કોહ એટલે પર્વત). આ કોષ અને કોહ શબ્દનુંયે અપભ્રંશ જ્યારે થઈ રહ્યું હતું તે સમયે, ૧૩૩૩માં ઇબ્ન બતૂતા ત્યાં આવ્યો અને તેણે કુહ શબ્દનો ઉપયોગ કર્યો.
ઇબ્ન બતૂતા એ વિશ્વ પ્રવાસી હતો.
આ સમયે હિન્દુકોષની પરિસ્થિતિ ખૂબ બગડી ગઈ હતી. એનું કારણ હતું કે, ગ્રીક સિવાય પણ જે કોઈ પ્રજાને હિંદુસ્તાન સર કરવું હતું તે અથવા હિંદુસ્તાન પહોંચવું હતું તે બધી જ પ્રજા અહીંથી નીકળી, જેઓ થોડા થોડા મિક્સ થયાં, અને થોડો તેઓએ સંહાર કર્યો. મારામારી અને કાપાકાપી વચ્ચે હિન્દુઓની શાંતિ હણાઈ ગઈ જેથી કરી વાતાવરણ બગડી ગયું હતું. આથી ઇબ્ન બતૂતાએ કુહ શબ્દનો પ્રયોગ કર્યો.
બીજી માન્યતા એ છે કે; ગ્રીકો પછી આ સ્થળ ઉપર તુર્કી અને અરબ લોકોએ કબ્જો કર્યો તે પછી તેઓ અહીંના હિન્દુઓને ગુલામ તરીકે પકડી જતાં તેથી કરી કુહ શબ્દ આવ્યો. જેનો અર્થ હિન્દુઓના જીવનને બગાડ્યું તેવો થતો હતો. જ્યારે “કુશ” શબ્દનો અર્થ “સૂકી લાકડી” થાય. પણ કુશ શબ્દ આ વિસ્તાર માટે યોગ્ય હતો કે નહીં તે વિષે આજેય પખ્તૂન્વા આર્કિયોલોજિકલ સાઇટ તરફથી વિવાદ ચાલે છે.
પખ્તૂન્વા આર્કિયોલોજિસ્ટ્સ કહે છે કે; કુશ શબ્દ એ કુહ શબ્દનું જ અપભ્રંશ છે. અહીં વસતી હિન્દુ પ્રજા વારંવાર થતાં હુમલાઓને કારણે રસકસ વગરની સૂકા લાકડા જેવી થઈ ગઈ તે કારણે કુશ શબ્દ અસ્તિત્ત્વમાં આવ્યો.
સમય બદલાતો રહ્યો, અત્યંત કાપાકાપી થઈ હોવા છતાં પરિયાત્ર, ઈન્દી કોષ પર્વત પર બચેલા હિન્દુઓ આ સ્થળેથી ક્યાંય ન ગયાં તેઓએ પોતાનું રહેઠાણ આ હિંદુકુશની પહાડીઓમાં જ રાખ્યું. જ્યારે મધ્ય એશિયાથી ઈરાનીઓ તેમના ધર્મગુરુ અષો જરથુષ્ટ્ર સાથે આ સ્થળે આવ્યાં ત્યારે તેમણે આ સ્થળને “આર્યાનુમ્ર વ્રીજો” તરીકે ઓળખ્યું.
ધર્મગુરુ અષો જરથુષ્ટ્ર તો અહીંથી પાછા ચાલ્યાં ગયાં પણ આ નામ ચાલું રહ્યું. પોતાનાં ગુરુ આ સ્થળે આવ્યાં હોવાથી વર્ષો સુધી આ સ્થળમાં ઈરાનીઓનું આવાગમન થતું રહ્યું.
આ ઈરાનીઓમાં એક જૂથ એવું પણ આવ્યું જે હિંદુસ્તાન જવા ઇચ્છતું હતું. આ લોકો હિંદુસ્તાનમાં સરળતાથી પ્રવેશ કરી શકે તે માટે તેઓ ત્યાં રહેલાં હિન્દુઓ પાસેથી તે સમયની હિન્દુ ભાષા શીખ્યાં. પણ થયું એવું કે તેઓ હિંદુસ્તાન પહોંચવાનાં ઇરાદાને બદલીને આજ પહાડીઓમાં રહી ગયાં. આ લોકોની બોલી હિન્દુઓની એ બોલી સાથે એવી રીતે ભળી ગઈ જેથી કરીને એક નવી ભાષાનો ઉદ્ભવ થયો તે બની હિંદકો ભાષા.
બીજી માન્યતા એ છે કે સિંધુ ઘાટીના પહાડોમાં હિન્દી, પંજાબી અને ઉર્દૂ એમ ત્રણ ભાષાના મિશ્રણવાળી “ઇંડીકો” બોલી બોલવામાં આવતી હતી. તુર્કીઓએ આવીને આ ઇંડીકોનું “હિન્દીકો” કર્યું, પણ સમયાંતરે આ શબ્દ અપભ્રંશ થતાં “હિંદકો” શબ્દનું અસ્તિત્ત્વ બન્યું અને ઉસ્માનભાઈનાં ઘરમાં આ જ ભાષા બોલાય છે.
અગર જાતિ વિષયક વાત કરવામાં આવે તો આજે ઉસ્માનભાઈનાં પરિવાર સહિત જે પ્રજા પેશાવરનાં અંતમાં અને હિંદુકુશની પહાડીઓમાં જોવા મળે છે તેઓ ક્યારેક હિન્દુ હતાં, પણ, આજે તેમનાંમાં ઈરાનીઓ, ગ્રીક્સ, તુર્કી, અરબ અને અફઘાન લોહી મળેલાં છે.
© પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ
purvimalkan@yahoo.com