ચૂંટેલા શેર ~ ગઝલસંગ્રહઃ આ શેઢે ગરમાળો ~ તનસુખ શાહ ‘સ્વપ્નિલ’ ~ (વાલોડ, જિ. તાપી)

આંખમાં તું આંખ નાખી વાત કર
એટલી સદ્ધર તું તારી જાત કર
*
બે હાથ પકડી ફેર ફરતાં, ઓસરી-આંગણ મળે
ખોવાઈ’તી એ ઝાંઝરી, ન હાથના કંકણ મળે
*
કદી ફાગણ, કદી શ્રાવણ, કદી મલ્હાર કે તોડી
અમે ગાતા રહ્યાં હરદમ, સિતારી રણઝણાવીને
*
એ જ ગોધણ-ગોધૂલિ ને ગોપ-ગોપી-રાધિકા
એ જ યમુના-વાંસળી, પણ ક્યાંય ગિરધારી નથી
*
વાદળું આવ્યું દદડતું, ડુંગરાની ધાર પરથી
થાય કે ઢોળાવ પરથી, ખીણમાં ઢોળાઈ જઈએ
*
શ્હેરમાં તારા ફરી આવી ચડ્યો
પણ હવે તારી ગલી મળતી નથી
*
પાંપણોના દ્વાર તો, હમણાં જ લ્યો ખોલી દઉં
શું હજુ પણ ઉંબરે, વીતેલ ક્ષણ ઊભી હશે?
*
યાદ તારી આંખમાં તરતી રહી છે
જેમ સરતી કોઈ કેડી ઘાસ વચ્ચે
*
આવી શકે તો આવ, છું તારા જ ખયાલમાં
રંગોભરી આ સાંજને, દરિયો ગળી જશે
*
સાવ સૂક્કું છે સરોવર તે છતાં
પી ગયો છું પ્યાસ, ગભરાયા વગર
*
અર્ઘ્ય તારી યાદનો અર્પું પછી
મન સતત મારું રહે કરતું હવન
*
શક્યતા ઊભી હશે, ફરકાવતી પાલવ
સ્હેજ ગરદન ફેરવી, પાછું ફરી તો જો
*
આ નદી, આખ્ખી જ આપી દઉં તને હમણાં જ લે
પણ તરસ જો આપવાનું મન થશે તો શું થશે?
*
ના ફરે લીલાશ પાછી પાંદડામાં
પાનખરની આંગળીઓ ન્હોર થાશે
*
છે દિલે શ્રદ્ધા તો તું ‘યા હોમ’ કર
ક્યાં લખ્યું છે શ્રી સવા શ્રીફળ ઉપર?

~ તનસુખ શાહ ‘સ્વપ્નિલ’
ફોનઃ +91 99793 45866

~ ગઝલસંગ્રહઃ આ શેઢે ગરમાળો
પ્રકાશકઃ
પાર્શ્વ પબ્લિકેશન
102, નંદન કૉમ્પલેક્સ,
મીઠાખળી, અમદાવાદ – 380 006.
પ્ર. આ. 2021, મૂલ્ય રૂ. 150

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. બંધા જ અપ્રતિમ ને હ્રદય સ્પર્શી શેર છે.

    યાદ તારી આંખમાં તરતી રહી છે
    જેમ સરતી કોઈ કેડી ઘાસ વચ્ચે

    બહુંજ સુંદર પંક્તિઓ છે.
    ધન્યવાદ 🙏💐