અમે વિભાજન પહેલાનો સમય સૂંઘી લીધો ~ ગંગાથી રાવી સુધી (પાકિસ્તાન પ્રવાસ) (ભાગ: 14) ~ પૂર્વી મોદી મલકાણ

પેશાવર મ્યુઝિયમમાં થોડો સમય પસાર કરી અમે બહાર નીકળ્યાં અને જૂના પેશાવરની ગલીઓમાં ખોવાવાં લાગ્યાં હતાં.

બજારોથી તદ્દન ભિન્ન દેખાતી આ ગલીઓ હિલ સ્ટેશનમાં હોય તે રીતે ઊંચા-નીચા ઢોળાવો પર વસેલી હતી અને તેની આરપાર જવા માટે પર્વતીય વિસ્તારના ટેરેસ લેન્ડ હોય તે રીતે પગથિયાંઓનો ઉપયોગ કરાયો હતો જેને કારણે આ જૂની ગલીઓ પણ એક વિશિષ્ટ ડિઝાઇનમાં ફેરવાઇ જતી હતી.

આ ગલીઓમાં ફરતાં બીજી વાત એય ધ્યાનમાં આવી કે અમે પાકિસ્તાનના અત્યાર સુધી જોયેલ જગ્યાઓની જેમ આ સિટી પણ અમને પ્રમાણમાં ઘણું જ ચોખ્ખું લાગ્યું.

આ ગલીઓમાંથી આમતેમ જતાં અમે કિસ્સા ખ્વાની વિસ્તારમાં આવેલી આખરે એ જૂની ગલીઓ તરફ વળ્યાં જ્યાં ગઈકાલે આપણાં સુપરસ્ટારોના ઘરો હતાં. આ સુપરસ્ટારના ઘરોમાં અમે સૌથી પહેલાં જોયું યુસુફખાન – દિલીપકુમારનું ઘર જે બહુ જર્જરિત અવસ્થામાં હતું.

દિલીપકુમારનું ઘર (તસવીર-૧)
દિલીપકુમારનું ઘર (તસવીર-૨)
દિલીપકુમારનું ઘર (તસવીર-૩)

ત્યાર પછી જોયું શાહરૂખ ખાનનાં પૂર્વજોનું ઘર, જ્યાં હાલમાં તેમનાં સંબંધીઓ રહેતાં હતાં.

શાહરૂખ ખાનનાં પૂર્વજોનું ઘર

ત્યાર પછી અમે વિનોદ ખન્નાના ઘર તરફ વળ્યાં. વિનોદ ખન્નાના ઘરમાં મેઇન સ્ટ્રક્ચરનો પાયો એમ જ રાખી બાકીના આખા ઘરને તોડીને તેનું રિનોવેશન કરી નવું બનાવી દેવામાં આવેલું, પણ તેમના ઘરની ગલીની એજ ચડતાં ઉતરતા પગથિયાંવાળી હતી.

વિનોદ ખન્નાનાં ઘર તરફ

અંતે અમે પહોંચ્યાં પૃથ્વીરાજ કપૂરના ઘરે. દિલીપકુમાર, એસઆરકે અને વિનોદ ખન્નાના ઘરની સરખામણીમાં પૃથ્વીરાજજીનું ઘર સૌથી વિશાળ હોઈ તેને હવેલી ગણી શકાય.

કપૂર હવેલી

પૃથ્વીરાજ કપૂરના પિતા લાલા બસેશ્વરનાથ કપૂરે આ પાંચ મંઝિલા હવેલી ૧૯૧૮થી ૧૯૨૨ની વચ્ચે બનાવેલી, જેમાં ૪૦ રૂમ હતાં.

કપૂર હવેલીની બહાર

વિભાજન દરમ્યાન પૃથ્વીરાજ કપૂરે ત્યજયા બાદ આ હવેલી બે વાર વેચાઈ, પણ બંને વારના માલિકો આ હવેલી તરફ ધ્યાન આપી શક્યા નહીં, જેને કારણે આજે આ હવેલી લગભગ ખખડધ્વજ બની ગઈ છે.

આ હવેલીનાં બીજા માલિક ૨૦૧૨ સુધી હેરિટેજ સીન સિનેરી, શાદી-બ્યાહ અને મૂવી માટે આ હવેલીને રેન્ટલ આપતાં હતાં પણ અંતે એય બંધ થઈ ગયું.

હીરા ખાન સાથે કપૂર હવેલીનાં દરવાજે ટકોરા

બીજા માલિકે કોઈ બિલ્ડરને આ હવેલી વેચી દેવાની તૈયારી કરેલી ત્યારે પેશાવર હેરિટેજ કમ્યુનિટીએ આ હવેલી તોડવા પર સ્ટે લગાવી દીધો. જેને કારણે આજેય આ હવેલી તેના ભવ્ય ભૂતકાળને યાદ કરતી ત્યાં ઊભી છે.

બારીમાંથી કપૂર હવેલીમાં તાકજાક

અમે આ હવેલી પાસે પહોંચ્યાં ત્યારે આ હવેલીની ગલી નિસ્તેજ અને સુમસામ લાગતી હતી. હવેલીનાં મુખ્ય દરવાજે જૂનું કાટ ખાયેલું તાળું હતું, પણ કદાચ ગલીઓમાં રમવા ગયેલાં નાના નાના છોકરાઓરૂપી ભવ્ય અતીત ચોરપગલે પાછા આવશે તે આશાએ હવેલીની અમુક બારીઓ ખુલ્લી હતી. ખાલી પડેલા ઘરની એ કેવળ નિર્રથક આશા હતી.

એ ગલી અને હવેલી પાસે થોડીવાર માટે અમે રહી વિભાજન પહેલાનો સમય સૂંઘી લીધો. એ જ ઘરની તૂટેલી-ફૂટેલી બારીમાંથી દાદા બસેશ્વરનાથ સાથે નાનકડા રાજ કપૂરને ઘરમાં ફરતાં જોઈ લીધાં પછી તે સમયમાંથી અમેય બહાર નીકળી અમારે રસ્તે ચાલી નીકળ્યાં. આમેય જેમનાં મૂળ ત્યાં હતાં તે પંખેરૂઓએ (કે કપૂરોએ) પોતાનો કોઈ અધિકાર ત્યાં જાળવ્યો ન હતો તો અમે તો કોણ? અમે તો પ્રવાસી હતાં કેવળ પ્રવાસી.

© પૂર્વી મોદી મલકાણ (યુ. એસ. એ.)
purvimalkan@yahoo.com

આપનો પ્રતિભાવ આપો..