ચૂંટેલા શેર ~ ચેતન શુક્લ ‘ચેનમ’ (અમદાવાદ) ~ ગઝલસંગ્રહઃ પથ્થરની નાવ

ચૂંટેલા શેર

સ્થિર છું દર્પણમાં હું, નક્શાની જેમ જ કેદ છું
ધ્યાનથી ક્યારેક એને વાંચ, આખો વેદ છું
*
કોઈ તો વગદાર છે કે સૂર્યના દરબારમાં
આગ સળગાવી પછી નાસી છૂટેલું હોય છે
*
તરફ એક હું, ચોતરફ લાખ જણ છે
છતાં આંખ મારી કશાથી ડરી નઈ
*
હવે તો ભરબજારે પણ ખબરઅંતર પૂછે લોકો
ઉઝરડા મ્યાનમાં રાખી શકું એવો નથી આ ઘા
*
સમયને પણ સમય મારે, સમય સાચ્ચે વિઘાતક છે
દિવસ, મહિનો, વરસ એ સાવ તારીખોની બાબત છે
*
કારમો છે ઘા! અરીસો તોય પણ અકબંધ છે
કંઈક તૂટ્યું છે અહીં, એ કાચ પર સરસાઈ છે
*
થોકડો ચિઠ્ઠી અને થીજી ગયેલા શબ્દમાં
સાવ ઝાંખું નામ મારું, ને ઉપર લીટી હતી
*
આ જ લોકો ત્યાં ઘડાવે એક સાંકળ; એ પછી
ભીંતને પણ બારણું ગણવા તને સમજાવશે
*
દરવખત ધોખો મજાનો આપવા
એક દસ્તાવેજ સમજી લે મને
*
પ્રતીક્ષાની પૂછો ઉંમર, પછી શંકાય કરવી નહીં
જુઓ જર્જર હવેલીનો ઝરૂખો બસ સલામત છે
*
જૂની સંદૂકમાંથી લઈ ભલે આવ્યા ખજાનો પણ
ક્ષણોની ઝૂંપડીમાં એ બધું હું સાચવું ક્યાંથી?
*
ક્યાંક ઘટના, ક્યાંક કિસ્સો, ક્યાંક ક્ષણ
આમ તો આ જિંદગી આખી નથી
*
અવનવા સંબોધનો વાંચી ગઝલમાં ખુશ થયો
પણ ખબર મોડી મળી કે હું નથી સંદર્ભમાં
*
તારો અને મારો અરીસો એકસરખો છે છતાં
તું લાગતી ભરચક તને, હું શૂન્યતામાં તરબતર
*
જે રીતે તેં વાતને ધરબી હતી વરસો સુધી
એટલા વરસો હવે આ જિંદગી થંભાવી દઉં?

~ ચેતન શુક્લ ચેનમ (અમદાવાદ)
Email: chenamshukal@gmail.com
M) 9824043311

ગઝલસંગ્રહઃ “પથ્થરની નાવ”
ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગરની આર્થિક સહાયથી પ્રકાશિત

મુખ્ય વિક્રેતાઃ આર. આર. શેઠ ઍન્ડ કંપની પ્રા. લિ.
દ્વારકેશ, રોયલ ઍપાર્ટમેન્ટની પાસે, ખાનપુર
અમદાવાદ – 380 001.
પ્ર. આ. 2021, મૂલ્યઃ રૂ. 150

 

આપનો પ્રતિભાવ આપો..

3 Comments