સ્ત્રીની વિવિધ અવસ્થાને નિરૂપતા ત્રણ ગીત ~ કવિ: પરબતકુમાર નાયી

૧. પ્રૌઢાનું ગીત

આયખાની અધવચ્ચે આવીને જોયું
તો દર્પણનો દેશ સાવ જૂઠો.

દર્પણને દેશ હતાં ગાલમાં ગુલાબ,
હતી કાચીકચ ઉંમરને પાંખો.
આંખોમાં આજ ભલે કાજળનું વ્હાલ
છતાં બીંબનો દેખાવ થ્યો ઝાંખો.
દર્પણમાં સવળું એ જીવતરમાં અવળું !
હવે રૂઠો તો કોનાથી રૂઠો?

એકવાર દર્પણ સૌ આઘાં ઠેલીને
અમે જળમાં જોયાનું સુખ ચાખ્યું.
ગમતા એક છોકરાએ ડહોળ્યું એ જળ
હજુ પાંપણમાં સાચવીને રાખ્યું.

જળમાં કે જીવતરમાં ભેદ નથી ઝાઝો,
લે, કરીએ કાગળમાં અંગૂઠો.

૨. છોકરીનું ફાગણગીત

અડધો ફાગણ અમે આંખોમાં આંજ્યો
ને અડધાને પાનીમાં પેર્યો.
વરણાગી વાયરાએ આપ્યો જે કોલ,
એને કમખાની કોરમાં ઊછેર્યો.

મોરપીંછ સુંઘીએ તો ફૂલ બની જાતું
ને પાણીને અડીએ તો અત્તર.
આભલાંની સામે પણ બેસવુંય કેમ કરી?
સોળ વાનાં માગે આ સત્તર! 

અડધો અણસાર કર્યો પાંપણની પલકારે
અડધાને  હોઠ વડે વેર્યો.

ફાગણમાં ફૂલોથી છેટો રહી રહી,
છેલ છલકે તો છલક્યો શા કામનો ?
ગાલ ને ગુલાલ વચ્ચે બાંધે શું વાડ!
અરે આવો  મીંઢો તે કયા ગામનો?

અડધો ખોબો લઈ તું ઉંબર ઊભો,
અમે કેસૂડો ફળિયે ખંખેર્યો.

૩. સોણલું આ સોળમા વરસનું

સખી, સોણલું આ સોળમા વરસનું,
સખી પાંપણથી વેઠ્યું ન જાય.

સખી, સોણલે સલુણાં રૂપ ઉઘડ્યાં,
સખી, સોણલામાં ઉઘડ્યા કંઇ રંગ.
સખી, ફૂલનીય ઠેસ જરા વાગે તો,
મારાં આછેરાં ધ્રુજે સૌ અંગ.

સખી, અમથું અમથુંય કોઈ શેરીમાં મલકે
તો ગાલ મારા ગુલાબી થાય.

સખી, બારસાખે બેસી મોર બોલતો,
સખી હૈડું વીંધે છે એની ગ્હેંક.
સખી, બારી પછવાડે ખીલ્યો મોગરો,
એની મધરાતે પજવે બહું મ્હેંક !

સખી, કમખામાં વેલ-બુટ્ટા ટાંકું
તો સોય મને ટેરવાંમાં આવી ભોંકાય.

~ પરબતકુમાર નાયી

પરબતકુમાર નાયી

 

આપનો પ્રતિભાવ આપો..

35 Comments

 1. ખૂબ સુંદર ગીતો. મજા આવી ગઈ.

  સોળ વાનાં માંગે આ સત્તર….. અદ્ભુત 👌👌👌👌

 2. ખૂબજ સુંદર રચનાઓ. આદ્રભૂત આલોકન.

 3. બહું સુંદર, બનાસકાંઠાની કોયલ ટહુકે ટહુકે સુંદર શબ્દ સરે

 4. ખરેખર ખૂબ જ સુંદર રચના…. આવી જ રીતે જીવનમાં આગળ વધતા રહો તેવી શુભકામનાઓ.

 5. સ્ત્રી અવસ્થાઓનું ખૂબ સુંદર વર્ણન

  1. ત્રણે ગીતો લાજવાબ પણ પ્રૌઢાનું ગીત શ્રેષ્ઠ.

 6. ત્રણેય ગીતો ખૂબ જ સુંદર..
  ખૂબ શુભેચ્છાઓ.. કવિ..

 7. જીવનનાં પ્રવાહને સરળતાથી આલેખતા સુંદર રચના .. વિચરતા કરી મૂકે એ રીતે આલેખેલા છે, ખૂબજ સુંદર રચનાઓ.

 8. સોનલું આ સોળમાં વરસનું….વાહ…લાજવાબ…મસ્ત ગીતો

 9. દોસ્ત… પરબત…. તારા ગીતોમાં આ ધરતીનું મીઠું ગુંજન છે. તારા ગીતો એના લય અને ભાવના દરિયામાં હલેસાં લેતા ગુંજતા રહેતા હોય છે. અને એને વાંચીને આનંદની ભીનાશ પથરાઈ જાય છે… અભિનંદન દોસ્ત..

 10. तीनो गीत तीनो प्रकार के उत्तम हैं।
  भाव एवं ताल भी दिखता हैं।
  बहोत खूब सूरत सर्जन किया हैं।

 11. ત્રણેય ગીતો ખૂબ ગમ્યા કવિ…
  ખૂબ ખૂબ અભિનંદન…

 12. ત્રણે ત્રણ ગીત સુંદર બન્યા છે.