જીવનના કેવા અઘરા પાઠ સહજતાથી શીખવા મળે છે! (પ્રકરણ : 23) ~ આત્મકથા: પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજા
પ્રકરણ-23
1969. માધવીના જન્મનો સમય. બધો જ સમય હું લગભગ પથારીવશ. ઘરમાં અમારી કોઈ સપોર્ટ સિસ્ટમ નહોતી. અમે બે જ.
મહેન્દ્ર મારી ઘણી દેખભાળ રાખે. મારી આસપાસ કુશન ગોઠવી લખવાની સુવિધા કરી આપે. ઘણીવાર લોજનું ટિફિન. બા રાજકોટથી શરૂઆતમાં આવી હતી. આ નિમિત્તે બાની સાથે લાંબો સમય રહેવાનું બનતું, તો છો મને પડતી તકલીફો! હું અસ્વસ્થ હતી ત્યારે તો બા આવી હતી નહીં તો રાજકોટનું જાગનાથ મંદિર મૂકી બા નીકળે!
હું સૂતાં સૂતાં બાને જોઈ રહેતી. બાને તો અનેક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતી જ જોઈ હતી ઉત્સવપ્રિય, સરસ શૃંગાર કરતી, અમનેય શણગારતી. પછી બા શણગાર ઉતારતી ગઈ. સાદાં સફેદ વસ્ત્રો અને મધુર હાસ્ય એ જ એ શૃંગાર. બાનું એ ગરવું રૂપ! પપ્પાની વિદાય પછી સ્વબળે આંતરકલ્પ કરી આ જાણે એનો નવો અવતાર. ભક્તિ અને સેવાનાં બીજ તો હતા જ, જે એણે સ્નેહસિંચનથી ફણગાવ્યા હતા.
જીવનમાં હતી છતાં કમલપુષ્પની જેમ અલિપ્ત. એ અહીં હતી છતાં ન હતી. રાજકોટ સ્થાયી થયા પછી બાનો નિયમ. વહેલી સવારે ચાર વાગ્યે જાગનાથ મંદિર જાય, ઘંટનાદથી મહાદેવને જાગૃત કરે, પૂજારીજી બાની પ્રતિક્ષા કરતાં હોય. ગજબની ઠંડી, ગરમી કે વરસાદ. નિયમ એ નિયમ.
પણ ત્યાં પૂજાપાઠ માટે જ જવું એમ નહીં. ગરીબ, એકલી નિરાધાર, કુટુંબવ્યવસ્થામાં હવે અણમાનીતી સ્ત્રીઓનો બા વિસામો, બાએ ભજનમંડળ કર્યું હતું. કોઈનાં નિમંત્રણથી ભજન ગાવા જાય, જે પૈસા ભેગા થાય એમાંથી કોઈને છાનું અનાજ, દવા પહોંચે.
ગામડેથી ગરીબ વિદ્યાર્થીઓ ભણવા આવે એને બા મંદિરની ઓરડીમાં રાખે, બદલામાં મંદિરની સાફસફાઈ, ભજનફંડમાંથી એનાં ચશ્માં, પુસ્તકો અને ફી ભરાય. કેટલા વિદ્યાર્થીઓ વિદ્યા પામ્યા! બપોરે આરામ પછી ફરી શિવચરણમાં.
હું બાને ફરી સંસારમાં ખેંચી લાવી તેથી અમારું મન દુભાતું. મેં બાને રાજકોટ મોકલી. ફરી છેલ્લા બે મહિના બોલાવવી પડી. એ માધવીને નવડાવે, રમાડે, ધીમે અવાજે ભજન ગાતી જાય, ઘરકામમાંય મદદ કરે. મહેન્દ્ર મારા વાળ ધોઈ આપે. અમારું ગાડું ગબડે.
હું સૂતાં સૂતાં બાને જોઈ રહેતી. એક સમયે અમે બંને સમયની ખાલી શીશી લઈ બેસી રહ્યા હતા. હું હજી ઝાડી-ઝાંખરામાં અટવાતી હતી. બાએ પોતાનો રસ્તો શોધી લીધો હતો. પણ અત્યારે તો મેં બાને રોકી પાડી હતી! એની કોઈ ફરિયાદ ન હતી. ના. આ ઠીક નથી.
પ્રસૂતિ તો કુદરતી છે. હું તરત જ ઊભી થઈ ગઈ. ઠાગાઠૈયા કરતી એક મહારાષ્ટ્રિયન બાઈ શોધી. હું એને સંભાળું કે એ મને સંભાળે એવી. મેં તરત મારો સંસાર સંભાળી લીધો. બા એની દુનિયામાં ચાલી ગઈ.
જીવનના કેવા અઘરા પાઠ સહજતાથી શીખવા મળે છે!
* * *
બાને તો સંસારમાં સરસો રહે મન મારી પાસ, પણ અમે તો સંસારમાં પૂરેપૂરા સમરસ. માંહી પડ્યા તે મહાસુખ માણે એમ.
ટેલિફોન વિના પાર વિનાની તકલીફો પડતી હતી, પણ વેઇટિંગ લિસ્ટનાં વર્ષો રાતે ન વધે એટલા દિવસે વધે. એ સમયે ટેલિફોન ઍડ્વાઇઝરી કમિટી હતી તે ભલામણ કરે તો છ મહિના માટે ફોન મળે.
કમિટી પર નવીન ખાંડવાલા, મુનશીજીનાં જામાતા અને ‘કાકાની શશી’ના મારા સાથી કલાકાર.
મેં તેમના ઘરે જઈ ધા નાંખી. એ મણે તત્કાળ મારી ધાથી એમણે પોતાની પર જ અરજી લખાવી એમના સૅક્રેટરી પાસે. કવર બનાવ્યું, હવે હમણાં જ પોસ્ટઑફિસ જઈ મને પૉસ્ટ કરી દે.
જન્માષ્ટમીનો દિવસ. બારણું ખોલું ત્યાં કંપનીનાં માણસો કાળું ડબલું લઈ ઊભા હતા.
આવા શુભ દિવસે ફોનનું પ્રાગટ્ય! હરખથી ઘેલી થઈ ગઈ. જે મિત્રોને ઘરે ફોન હતા એમને ફોન નંબર મહેન્દ્રે આપી દીધો. હું સરસ મજાની મોંઘેરી ડાયરી લઈ આવી.
ઘરમાં હરતાંફરતાં ફોનને જોયા કરવાનું મન થાય. દયારામે શ્યામરંગ સમીપે જવાની ભલે ના પાડી હતી, પણ મને તો શ્યામરંગ સમીપ જવાનું મન થયા કરે.
પાછો કાનુડાની જેમ ક્યારેય રિસાય પણ ખરો. ટેલિફોનની કંપનીના માણસોને શોધીને દસથી વીસ રૂપિયાનું દાણ ચૂકવી દઉં એટલે ઘંટડી રણકી ઊઠે. એના વિના કેટલી હાડમારી ભોગવી હતી! રિહર્સલ ન હોય તોય દૂર દૂર ધક્કા ખાધા હતા, મહેન્દ્ર બહારગામ હોય તો કોઈની ઑફિસમાં કલાકો ટ્રંકકૉલની માથાકૂટ કરી હતી.
જોકે એ સમયે એ બધું સ્વાભાવિક જ લાગતું હતું. જન્માષ્ટમીની રાત્રે અમે આઇસક્રીમથી પ્રસંગ ઊજવ્યો.
હવે મને ફ્રીઝની રઢ લાગી. ફ્રીઝ હજી મધ્યમવર્ગનાં ઘરોમાં ભાગ્યે દેખાતું. ગોદરેજ ફૂલ સાઇઝનું ફ્રીઝ અઢીથી ત્રણેક હજારની (અધધધ!) કિંમતે મળતું જ્યારે સોનું 170 રૂપિયે દસ ગ્રામ હતું.
ફ્રોસ્ટફ્રીની શોધ નહોતી થઈ એટલે અઠવાડિયું થતાંમાં તો ફ્રીઝમાં પુષ્કળ બરફ જામતો. સ્વિચઑફ કરી છીણીથી બરફ ખોદવો પડે. રવિવારની સવારનો આ મહાન કાર્યક્રમ!
બાળકોને વહેલું મોડું દૂધ જોઈએ એટલે ફ્રીઝ તો જોઈતું હતું પણ પરવડે એમ નહોતું. ફ્રીઝ કેવી રેર જણસ હશે કે બૅંક ફ્રીઝ માટે લોન આપતી હતી! પણ મ્યુનિસિપાલિટી ફ્રીઝ ભાડે પણ આપતી. અહીં ફ્રીઝ શબ્દ માનાર્થે છે કારણ કે મ્યુનિસિપાલિટીનું ફ્રીઝ ઉપટી ગયેલા બ્લ્યુ રંગનો એક ખાનાનો નાનો કબાટ, હું એને ઈગલુ કહેતી. મહિને 35 રૂપિયા ભાડું.
ફ્રીઝ અને ફોન. હું મને શેઠાણી માનવા લાગી, પણ વરસ પછી અમે ફ્રીઝ ખરીદી લીધું ત્યારે લાગ્યું, લ્યો, જીવનની બધી જરૂરિયાતો પૂરી થઈ ગઈ.
આજે પલકવારમાં ઑનલાઇન કે સ્ટોરમાંથી મોંઘા મોબાઇલ, ટી.વી., માઇક્રોવેવ એવાં મોંઘા ઉપરકરણો ખરીદી લેતી આજની પેઢીને કલ્પના પણ નહીં આવે કે આ સાધનો વિના પણ લોકો શાંતિથી જીવતા હતા! ગૃહપ્રવેશ થતો ત્યારે કેટલો હરખ થતો!
હજી અમારી બે ઘોડાની બગીવિક્ટોરિયાનો યુગ તપતો હતો. એક તરફ ત્રણ, સામે બે સીટ અને ઉપર ખુલ્લું હૂડ. મુંબઈગરાનો રાજાશાહી રથ. બાળકોને લઈ નરીમાન પોઇન્ટ, દરિયાકિનારે કિનારે ખુશનુમા હવામાન કે ધોધમાર વરસાદમાં અમે નીકળી પડતાં.
અમારી જીવનયાત્રાનો રથ પણ ઝીણી મંજુલ ઘૂઘરીઓ રણકાવતો બાદશાહી ઠાઠથી જઈ રહ્યો હતો.
* * *
જન્મભૂમિ ગ્રુપે મહિલા સાપ્તાહિક ‘સુધા’ શરૂ કર્યું હતું, વેણીભાઈ પુરોહિત તંત્રી, નગેન્દ્ર વિજય સહાયક.
મેં દોઢેક વર્ષ પછી બ્યુટીકૉલમ બંધ કરી હતી અને ‘સુધા’માં ‘દીદીની ડાયરી’ કૉલમ શરૂ કરી હતી. સોશિયૉલૉજી ભણતાં જે વિમેન્સ રેસક્યુ હૉમ્સ, શૅલ્ટર્સ વગેરે સંસ્થાઓમાં ગઈ હતી ત્યાં હું ફરી ગઈ.
ગૃહમાતા વયસ્ક મહારાષ્ટ્રિયન મહિલા હતાં, વત્સલ અને માતા સરીખા. એમણે મહિલાઓની આપવીતીનો આખો ચોપડો જ ખુલ્લો મૂકી દીધો. એ સત્યઘટનાઓને કલ્પનાથી ઘાટ આપી એ કથાઓ લગભગ વરસેક લખી હશે.
ધીરુબહેન પટેલે તંત્રીપદ સંભાળ્યું ત્યારે એ સાચા અર્થમાં મિત્રગુરુ બની રહ્યાં. લેખન કે પત્રકારત્વનો સહેજે અનુભવ હોય કે ન હોય એવી અનેક મહિલાઓને જુદાં જુદાં સાહિત્યસ્વરૂપોમાં લખવાં માટે પ્રેરતાં. લેખનસ્પર્ધાઓ યોજતાં. (આટલાં વર્ષો પછી આજે પણ એકલપંડે સ્વખર્ચે સ્પર્ધાઓ યોજે છે.)
એ સમયે અત્યારનાં જેવી સ્પર્ધા, તેય ખાસ મહિલાઓ માટે ન હતી તો વળી ધરખમ ઇનામો તાસકમાં લઈ કોઈ જ ઊભું ન હતું.
એમણે ‘સુધા’માં નવલિકા સ્પર્ધા યોજી હતી, નવલિકા મને હજી હાથવગી ન હતી. મેં તો લાંબી લાંબી સત્યઘટના જેમની તેમ લખી.
સ્વિટ્ઝરલૅન્ડનાં બર્ફીલા પહાડો પર વિમાન તૂટી પડે છે, જે બેચાર મુસાફરો બચે છે તે મૃત મુસાફરોનું માંસ ખાઈ શી રીતે જીવ્યા હતા એ એક સનસની સત્ય ઘટનાનું યથાતથ વર્ણન. ઈનામ તો ક્યાંથી મળે!
ધીરુબહેને મને બોલાવી, પૂરો એક કલાક વાર્તાસ્વરૂપનો પાઠ એક નવીસવી લેખિકાને ધીરજથી ભણાવ્યો હતો.
‘સુધા’ એ રીતે પાઠશાળા હતી. ધીરુબહેન બહેનોને સામેથી અવનવા કામ સોંપે. મને જે ચીંધે તે ખૂબ ઉત્સાહથી કરું. મારું ઘર ‘જન્મભૂમિ’થી સાવ જ પાસે, ચાલતી જઈ શકું, એ પણ મોટું પ્લસપૉઇન્ટ. બપોરે માધવીને સૂવડાવી, બાઈને પાસે બેસાડીને ભાગું. એકવાર મને કામ આપ્યું, સરકસ આવ્યું છે, તેમાં કામ કરતી છોકરીઓને મળી આવ.
ભલે. ધોમધખતા મે વૅકેશનમાં મહિમની ખાડીમાં સરકસનાં તંબુ તાણેલા. હું ઊપડી, ટૅક્સી ડ્રાઇવરે દૂર ટૅક્સી ઊભી રાખી, મી ખાડીમધી નાહી જાણાર. ભાઈ, પણ મારે તો જવું પડશે ને! શો શરૂ થતાં પહેલાં બપોરે એકનો સમય, સૂરજ ધગધગે એમાં સાડીમાં ખાડીમાં ચાલવાનું. (ત્યારે હજી અમારા જીવનમાં જિન્સ કે પંજાબી ડ્રેસે પ્રવેશી અમને મોકળાશ નહોતી આપી.)
બધાં જમી રહ્યાં હતાં. છોકરીઓએ પંગતમાં એમની બાજુમાં મનેય પરાણે બેસાડી. કોળિયો મોંમાં મૂક્યો કે કોઈ બોલ્યું, ફિશ કરી કૈસી હૈ? ફીશ? માડી રે! હું બહાર દોડી ગઈ અને મને જે ઊલટી થઈ છે! હું પ્રશ્નો તો ઊલટસૂલટ પૂછ્યા કરું, છોકરીઓનાં સ્મિતસહ એકસરખા જવાબ! હું સમજી, મૅનેજર ત્યાં જ આંટા મારી રહ્યો હતો.
રાત્રે ત્રણ વાગ્યે ઊઠી લેખ લખ્યો અને ફોટા સાથે ધીરુબહેન પાસે બપોરે તો હું હાજર. તરત જ ઍસાઇન્મૅન્ટ પૂરું કરવા માટે શાબાશી મળી. કેટલાય દિવસ ફિશકરીનાં ઊબકાં સતાવતાં રહ્યાં.
આ ઘટનાને તો વર્ષો વીતી ગયાં. ભારતનાં સત્યાર્થને એમની સામાજિક સેવા માટે મૅગ્સેસે ઍવૉર્ડ મળ્યો ત્યારે ટી.વી. પર હું એમના પરની ડૉક્યુમૅન્ટરી જોતી હતી. એક દૃશ્ય હતું સરકસની બાળાઓને છોડાવવાનું જેમાં એ છોકરીઓ આંસુ સારતા એમની સાથે થતાં જાતીય દુર્વવ્યહારની કથની કહી રહી હતી. ત્યારે મને અમારા પર ઝળુંબતા સરકસનાં મૅનેજરની વર્તણૂક યાદ આવી ગઈ.
ધીરુબહેન સતત કંઈક નવું નવું વિચારે. એક દિવસ કહે, ચાલ, આપણે ‘સુધા’ને છેલ્લે પાને રહસ્ય ચિત્રકથા આપીએ. તું લખ. હું તો તૈયાર. શું લખું! હા, આપણું તો મહિલા મૅગેઝિન, હું હીરાના હારની ચોરી કરાવું.
વહેલી સવારે ઊઠી અને પહેલું પ્રકરણ લખવા માંડ્યું. એક સરસ હસીખુશીની પાર્ટી ચાલી રહી છે અને કોઈના ગળામાંથી હીરાનો હાર અદૃશ્ય! કોણે, કેવી રીતે ચોરી કરી, હાર ક્યાં છુપાવ્યો, એ હું ક્યાંથી જાણું? હું રોજ મને પ્રશ્ન પૂછું, જવાબ શોધું અને લખતી જાઉં. મને હતું નવલકથા પણ લખતી જાઉં, પ્રકરણમાંથી સંવાદો કાઢીને ધીરુબહેનને આપું, રૂપમ્ ચિત્રો દોરે અને આમ અમારી ચિત્રકથા તો ખૂબ લોકપ્રિય થઈ.
એ દરમ્યાન હું ખૂબ અસ્વસ્થ રહેતી. બીજી પ્રેગ્નેન્સીમાં પથારીવશ જેવી સ્થિતિ પણ લખતાં લખતાં, પ્રશ્નોનો ઉકેલ શોધતાં હું છેવાડે પહોંચવામાં હતી અને વહેલું મેટરનિટીહોમ જવું પડ્યું. અંતિમ રહસ્યોદઘાટનનાં બેત્રણ હપ્તા બાકી અને શિવાનીનો જન્મ. ધીરુબહેનને સંદેશો આપ્યો મહેન્દ્રે. એ અને રૂપમ નર્સિંગહોમ આવ્યા, મહેન્દ્ર ઘરેથી મેં લખેલાં પ્રકરણો શોધી લાવ્યા અને મેં એમાંથી ખાટલે સૂતા સંવાદો લખાવ્યા.
અમારી ચિત્રકથાનાં પ્રયોગોને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. ઘરે આવી મેં નવલકથાનો બીજો ડ્રાફ્ટ લખ્યો, ‘છેવટનું છેવટ’. મારું આપેલું શીર્ષક. સિત્તેરના દાયકામાં લખેલી નવલકથાની આજે પણ આવૃત્તિ થાય છે ત્યારે એ રંગબેરંગી પતંગિયા જેવા રૂપાળા મુગ્ધતાના દિવસો યાદ આવી જાય છે.
કહે છે જેનું સહુ સારું જેનું ‘છેવટ’નું સારું.
* * *
અમારો એક પ્રયોગ સફળ થયો. હવે નવું બીજું કામ, જોકે મારે માટે તો એ પણ એક પ્રયોગ, લર્નિંગ પ્રોસેસ જ હતી.
ધીરુબહેને નવલકથા લખવાનું કહ્યું, પણ તે નાની સાત-આઠ પ્રકરણની જ હોવી જોઈએ. ત્યારે લઘુનવલ વિશે કશી ખબર નહોતી.
તરત જ હા પાડી, મેટર લઈને આવું છું કહી દીધું, પણ મનમાં વાત ઘોળાતી રહે, આ નવલિકા નથી, નવલકથા છે એટલે એક જ પ્રસંગ તો હોય નહીં. થયું, આઠ પ્રકરણોમાં આખા જીવનનો કે અમુક વર્ષોનાં સમયગાળાનો ગ્રાફ આવી જવો જોઈએ.
એ જ દિવસે ચાલો શુભારંભ કરું. મહેન્દ્ર કલકત્તા. 1971ની આસપાસનો સમય. કશોક તહેવાર એટલે બાઈ પણ ગેરહાજર. રિદ્ધિસિદ્ધિ જેવી બે નાની દીકરીઓ પડખામાં. લખવાનો સમય અને શાંતિ…?
ના ના. એ પણ મળશે. સાંજ ઢળી ગઈ હતી, બંનેને સૂવડાવી પલંગ પાસે પેડ-પેન લઈ બેઠી. લખ્યું પ્રકરણ નંબર એક. હવે આગળ? ‘સરસ’ લખવું હતું પણ ‘સરસ’ની વ્યાખ્યા શી!
‘યારાના’, ‘દોસ્તાના’ એ પ્રકારની જોયેલી ફિલ્મો યાદ આવી, જેમાં હંમેશાં બે ભાઈઓ-દોસ્તોની પ્યાર, મહોબ્બત, ત્યાગ વગેરેની વાર્તા હોય. ઘણી ફિલ્મોમાં બે દોસ્તો વચ્ચે હીરોઇન શટલકોકની જેમ ફંગોળાતી રહે.
મને થયું બે બહેનોનાં પ્રેમ અને ધિક્કાર, સંજોગો અને નિયતિની વાત શા માટે નહીં! કદાચ સ્ત્રીઓનાં દૃષ્ટિકોણથી આવી વાર્તા લખાઈ જ નથી. અને તરત મેં કથા લખી, બે બહેનોની. લીના અને સુરેખાની.
સ્કિઝોફ્રેનિક નાનીબહેન સુરેખા માટે સતત ત્યાગ કરતી મોટીબહેન લીના. એક દિવસ બંને બહેનો સામસામે બે છેડે ઊભી રહી જાય છે. ના હવે ત્યાગ નહીં અને સમર્પણ તો નહીં જ.
રોજ રાત પડે એક એક પ્રકરણ લખાતું જાય. વર્કિંગ વુમનમધરને નડતા બધા અવરોધ મને નડતા હતા. (જ્યોર્જ ફર્નાન્ડિસના આદેશથી મુંબઈ જડબેસલાક બંધ. દૂધનું ટીપુંય ન મળે અને બેય દીકરીઓ ભૂખી!) આ બાજુ લીના – સુરેખા મને સાદ પાડી બોલાવે. ઇટ વોઝ અ હર્ડલ રેસ.
બરાબર આઠમે દિવસે આઠ દિવસમાં નવલકથા પૂરી કરી. આઠ જ પ્રકરણોમાં બંને બહેનોનાં જીવનનો ચડાવ ઉતાર આલેખ્યો. નાટ્યાત્મક પ્રસંગો, સંવાદો, બંને બહેનોની આંતરિક મથામણો બધું આપોઆપ કથામાં ગૂંથાતું ચાલ્યું. મોકળાશભર્યા વાતાવરણમાં આજ સુધી જીવતી હતી. ફૅમિનીઝમનાં પગલાં હજી દૂર સંભળાતાં હતાં. ત્યારે અનાયાસે બે બહેનોની, બે સ્ત્રીઓની કથા મેં લખી.
ત્યારે મને ખબર ન હતી નિયતિ પણ મારા જીવનનો આલેખ લખી રહી હતી, એ બહુ મોડેથી સમજાયું.
શીર્ષક વિનાનું મેટર લઈ આઠમે દિવસે ધીરુબહેન પાસે ઑફિસમાં પહોંચી હોંશથી મેટર આપ્યું, સૉરી શીર્ષક સૂઝતું નથી. કંઈ વાંધો નહીં કહેતા હસ્તપ્રતનાં પાનાં ફેરવતાં હતાં કે એમણે કહ્યું, આ રહ્યું શીર્ષક, ‘મારે પણ એક ઘર હોય’.
એકદમ સાદું સરળ વાક્ય. લીનાનું સ્વપ્ન અને નવલકથાનું કથાવસ્તુ. આમ તો કોઈ પણ સ્ત્રીનું એ સ્વપ્ન હોઈ શકે.
‘સુધા’માં હપ્તાવાર પ્રગટ થતાં જ અત્યંત લોકપ્રિય થઈ. ઘણાં પત્રો આવતા.
આર. આર. શેઠે તરત પુસ્તક પ્રગટ કર્યું. ધીરુબહેને લખેલો આમુખ અને કુંદનિકાબહેને લખેલો પત્ર પણ પ્રગટ થયા.
નવલકથા કુંડળીમાં શું ગ્રહો લઈને જન્મી કે એની લોકપ્રિયતા વટાવી ખાવા ફિલ્મ પ્રચારક તારકનાથ ગાંધીએ એક નિષ્ફળ મરાઠી નાટકનાં ગુજરાતી રૂપાંતરને નામ આપી દીધું, ‘મારે પણ એક ઘર હોય’. શોને આગલે જ દિવસે જાહેરાત કરી. હું તેમને ઓળખું. ‘જન્મભૂમિ’માં મારી ભલામણથી એમને પ્રવેશ મળ્યો હતો.
મેં ફોન કરી મારું શીર્ષક વાપરવા અંગે પૂછ્યું તો એમણે હુંકાર કર્યો, `શીર્ષક ગમ્યું તે લઈ લીધું, જાઓ થાય તે કરી લો.’
તોય મેં કહ્યું : `પ્રેક્ષકો તો એમ જ સમજે કે આ મારી નવલકથાનું નાટ્યરૂપ છે અને નીકળે કંઈ બીજું જ!’
એમણે મોટી ગર્જના કરી. આઇએનટી નાટ્યસંસ્થા જેવો જ લોગો બનાવી અખબારમાં અમારા બંને માટે જાહેરખબર મૂકી, આખા પાનાની. હાથી પર તારકનાથ સવાર અને પાછળ કૂતરા ભસે. આ તો અત્યંત અપમાનજનક!
મહેન્દ્રનો વકીલ-આત્મા કકળી ઊઠ્યો. અમે કોર્ટમાં ગયાં. લાંબી વાત ટૂંકમાં, જજે અમારી તરફેણમાં ચુકાદો આપ્યો, આ શીર્ષક લેખિકાની આઇડેન્ટિટી છે. પ્રબોધ જોષી, સેલારકાએ કોર્ટમાં જુબાની આપી કે હું લેખિકા છું, ત્યારે દૂરદર્શન પર ટી.વી. શ્રેણી પણ આવી ગયેલી એમનું પણ સર્ટિફિકેટ.
નાટક બંધ પડી ગયું. બીજે દિવસે એ નાટક કરનારા નિર્માતા વગેરે મારે ઘરે આવ્યા, માફી માગી અને નાટક કરવા દેવાની પરવાનગી માગી. હું સ્તબ્ધ થઈ ગઈ. એ લોકો કોઈ નહીં અને ‘રંગમંચ’ સંસ્થાના!
ઘાટકોપરમાં મેં જે સંસ્થાનો કિશોરવયે કુંભ મૂકી સ્થાપના કરી, પપ્પા અને વિષ્ણુભાઈએ સખત પરિશ્રમ અને નિષ્ઠાથી સંસ્થાને પગભર કરી, કલાકારો તૈયાર કર્યા, કલા સાથે ચારિત્ર્યનિર્માણ કર્યું એ જ આ લોકો હતા! બીજું કોઈ હોત તો હું હા પાડી દેત પણ મારું મન ખૂબ દુભાયું હતું. કોર્ટે તેમને જાહેરમાં માફી માગી, અન્ય શીર્ષક સાથે નાટક કરવાની પરવાનગી તો આપી જ હતી, પણ એ લોકોએ નાટક પર પડદો જ પાડી દીધો.
* * *
ત્યારે સોશિયલ મીડિયા દૂરની પણ સંભાવના ન હતી ત્યારે ખબર નહીં કેમ ‘મારે પણ એક ઘર હોય’નાં કોર્ટકેસનાં પડઘા દૂર સુધી કઈ રીતે પડ્યા તે એક રહસ્ય છે.
એક દિવસ હિંદીનાં પ્રખ્યાત લેખિકા કૃષ્ણા સોબતીનો મારી ઉપર પત્ર આવ્યો. કૃષ્ણાજી અને અમૃતા પ્રિતમ વચ્ચે ‘જિંદગીકા સફરનામા’ એ શીર્ષક માટે કોર્ટબૅટલ ચાલી રહી હતી. એ સમાચાર મેં વાંચેલા.
કૃષ્ણાજીએ મને પૂછ્યું હતું કે તમે નવલકથાનાં શીર્ષક માટે કાયદાની કઈ કલમનો ઉપયોગ કર્યો, વકીલે કેસમાં શી દલીલો કરી તેનો વિગતવાર પત્ર લખવાની કૃપા કરો.
હું નવીસવી લેખિકા અને કૃષ્ણા સોબતીનો પત્ર! હું રોમાંચિત હતી, તરત જ મારા વડીલ અને વકીલમિત્ર ગિરીશ દેસાઈ પાસે કેસની વિગતો સાથે કૃષ્ણાજીને પત્ર લખ્યો. મેં વળતા જવાબની ખૂબ રાહ જોઈ, ફરી પત્ર લખ્યો પણ પત્રવ્યવહાર ત્યાં જ અટક્યો. બહુ વર્ષો એ કોર્ટબૅટલ ચાલેલી એવો ખ્યાલ છે.
યોગાનુયોગ એવો કે વર્ષો પછી નૅશનલ બુક ટ્રસ્ટનાં વર્ષા દાસે કૃષ્ણા સોબતીની પ્રખ્યાત નવલકથાનો મારી પાસે અનુવાદ કરાવ્યો હતો.
‘મારે પણ એક ઘર હોય’ નવલકથા મારાથી અજાણપણે પોતાની કેડી કંડારી રહી હતી. ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી એક દિવસ પત્ર મળ્યો, આ નવલકથાને ગુજરાતી સાહિત્ય પરિષદનું 1972નું, શ્રી મોટા પ્રેરિત વર્ષના શ્રેષ્ઠ પુસ્તકનું પારિતોષિક મળે છે. (આ પારિતોષિક લેખિકાઓ માટે હોય છે.)
હું હરખભેર એ પત્ર ફરી ફરી વાંચતી જ રહી. મને જીવનમાં પહેલીવાર લીલાંછમ્મ ઘેઘૂર વૃક્ષની ઘટામાંથી નાનકડા પક્ષીની આંખ દેખાઈ રહી હતી.
(ક્રમશ:)
સો સો સલામ! સિદ્ધિ તેને જઇ વરે જે પરસેવે ન્હાય – એ સિદ્ધ કર્યુ.
ખટમીઠાં અનુભવોનો આ રસથાળ વર્ષાબેન સરસ પીરસે છે.