પાંચ ગઝલ ~ નિકુંજ ભટ્ટ (ભરૂચ) ~ (વતન: સોનગઢ ગામ, સિહોર, ભાવનગર)
નિકુંજ ભટ્ટ
પાંચ ગઝલ
૧) બાજુમાં છે
સમયના થર નદીની બાજુમાં છે;
નર્યા ઉત્તર નદીની બાજુમાં છે.
ચિતારા ગામ તું એવું ચિતરજે,
કે જ્યાં પાદર નદીની બાજુમાં છે.
હવે પગ તો કદાપી આવશે નહિ,
વધ્યાં ઝાંઝર નદીની બાજુમાં છે.
કશે ડુંગર, કશે સરવર હશે પણ-
અહીં અક્ષર નદીની બાજુમાં છે!
બધા કંકર ગુલાબી થઈ ગયા છે;
રૂડો અવસર નદીની બાજુમાં છે.
બે કાંઠે થાય તો હૈયાં વલોવાય;
ઘણાં અંતર નદીની બાજુમાં છે.
યુગોથી એ શું નું શું કોતરે છે!
જે કારીગર નદીની બાજુમાં છે.
બે-માંથી કોઈ ત્યાં બેઠું નથી પણ!
હજી પથ્થર નદીની બાજુમાં છે.
અમારાં પગલાં પળભર પણ રહ્યાં નહિ!
તમારું ઘર નદીની બાજુમાં છે;
૨) પથ્થર
પોઢી ગઈ છે પીડા, એને ન માર પથ્થર;
હું પ્રેમથી કહું છું, છોડી દે યાર પથ્થર.
પોતાની આબરૂને લોહીલુહાણ કરવાં,
ભેગા કર્યા છે કોણે આ ધારદાર પથ્થર?
વાગી ગયા એ તમને એમાં ગુનો શું એનો?
કરતા નથી એ પોતે ક્યારેય વાર પથ્થર.
અભરાઈ, ચિત્ર, બારી એમાંનું કંઇ નથી દોસ્ત;
ઊભા છે માત્ર ઘરમાં, તકલાદી ચાર પથ્થર.
સંસારને ટકોરા મારે છે દર કલાકે;
ઘડિયાળમાં જડેલા આ બારે-બાર પથ્થર
કારીગરી છે કપરી! બે દિલને એક કરવા;
કરવા પડે છે પથ્થરની આરપાર પથ્થર.
તેથી તો ગાલ માફક એ જીર્ણ થઈ ગયા છે,
પીધા કરે છે આખા દરિયાનો ક્ષાર પથ્થર.
૩) સાધુ
હોંશે હોંશે પોંખ્યો સાધુ;
અંતરનો મુંઝારો સાધુ.
ધીરે ધીરે સમજણનો પણ,
રંગ થયો છે ઝાંખો સાધુ!
એકય રીતે નથી સમજાતી,
એ આંખોની વાતો સાધુ.
દિવસને ઊભો કરવામાં,
રાત કરે છે ટેકો સાધુ.
ક્ષિતિજનો જો અર્થ કરો તો,
દૃષ્ટિનો સરવાળો સાધુ.
વાદળિયાંથી ભાત્યું પાડે,
આ કેવો રંગારો સાધુ!
હુંય ગયો છું મારી લગોલગ;
મેંય પીધો છે ગાંજો સાધુ.
હૈયામાંથી દડદડ વહેતો,
કર્મોનો પસ્તાવો સાધુ.
તાક્યા કરતો કેમ મને આ?
તૂટેલો દરવાજો સાધુ!
૪) જોયાં કરતો
પાંપણ પડખે ભેગું થઈને અટકેલું જળ જોયાં કરતો,
દર્પણ સામે ઊભા રહીને આંખોનું બળ જોયાં કરતો.
જ્યારે જ્યારે કાનના પડદે ભણકારાઓ વાગ્યા કરતા,
ત્યારે ત્યારે ઘેલો થઈને આગળ પાછળ જોયાં કરતો.
શેઢે ઊભેલા વૃક્ષોનું કો’કે કાસળ કાઢી નાખ્યું,
જેની ડાળે ફૂટતી કૂંપળ પરની ઝાકળ જોયાં કરતો.
નરી પ્રતીક્ષાનો એક પથ્થર મારા શ્વાસેશ્વાસ વલોવે,
પાછો હું પણ વિહવળ બેસી ખળખળ ખળખળ જોયાં કરતો.
ક્યારેક તો આ ઘેરાયેલાં વાદળ દેખી મન મુંઝાતું,
ક્યાંય પછી મન લાગે નહિ તો કાળાં વાદળ જોયાં કરતો.
એ બાજુનાં રસ્તે બીજું કંઇ જ જોવાં મળતું નહોતું,
બસ એના દરવાજે ટળવળતી એક સાંકળ જોયાં કરતો.
૫) એનું શું થયું?
આગ દરિયાની વચ્ચે કશે લાગવાની હતી એનું શું થયું?
ને પછી દાવ પર આબરૂ ખારવાની હતી એનું શું થયું?
પૂછવાનું છે સ્વપ્નો મળે તો આ ઈચ્છા અને વેદના વિશે,
એક મંડપમાં બે જાન પરણાવવાની હતી એનું શું થયું?
આજનું છાપું વાંચીને સીધો ગયો પૂછવા હું એ ભીંતને,
વાત છૂપાવીને જે બધી રાખવાની હતી એનું શું થયું?
લાસ્ટ મેસેજમાં તે કહ્યું એ પ્રમાણે હજી રાહ જોઉં છું;
ઝાંઝરી જે તું પાછી મને આપવાની હતી એનું શું થયું?
હું, અગાસી અને તારી તસવીર જાગ્યા હશું એ તો ઠીક પણ,
જેની સાથે તું રાતભર જાગવાની હતી એનું શું થયું?
~ નિકુંજ ભટ્ટ
bhatt.nikunj2411@gmail.com
ખૂબ સરસ.
મજાની ગઝલો
વાહ વાહ
મજાની ગઝલો ખૂબ શુભેચ્છાઓ નિકુંજ
આભાર હિતેનભાઇ
વાહ.. અદ્ભુત નિકુંજભાઈ