ત્રણ ગઝલ ~ નીરવ વ્યાસ ~ (૧) શું છે? (૨) દગો દઇ જશે તને (૩) કરી જોયો

1.  શું છે?

તાજ શું છે ને તખત શું છે?
હું ય જાણું છું જગત શું છે.

પ્રેમ આપી પ્રેમ ચાહું છું,
એમ પણ અહીંયા મફત શું છે?

વેંતછેટી રહી ગઇ મંઝિલ,
મારી સાથે દરવખત શું છે?

આંખ મીંચી બસ ગઝલ ચાહી,
ક્યાં વિચાર્યું છે, મળત શું છે?

જીવ ગુમાવીને હવે “નીરવ”,
જાણવું છે કે લડત શું છે?

2. દગો દઇ જશે તને

બીજા બધા મુકામ દગો દઇ જશે તને,
તારું સ્વયંનું નામ દગો દઇ જશે તને.

એની ગલીમાં બેસ, વિતાવી દે જિંદગી,
ભમવું આ ગામેગામ દગો દઇ જશે તને.

એવું નથી કે એક કે બે -ત્રણ સુધી સીમિત,
સાથે છે એ તમામ દગો દઇ જશે તને.

દુનિયાની નમ્ર વાત અને તું, કે ખેર હો!,
વંદન અને પ્રણામ, દગો દઇ જશે તને!.

મહેંદીમાં જેનું નામ છુપાવીને તું ફરે,
“નીરવ”, એ નેક નામ દગો દઇ જશે તને.

3. કરી જોયો

ત્રાંસો કરી જોયો, કદી સરખો કરી જોયો,
મેં આયના સાથે પછી ઝઘડો કરી જોયો.

એકાદ પળ માટે તને અળગો કરી જોયો,
મેં લોહીમાં પોટાશથી ભડકો કરી જોયો.

બે દાંતની વચ્ચે સમયને કચકચાવીને,
જાણે બરફ તોડી અમે ટુકડો કરી જોયો.

સાબિત થયું બસ તે પછી, કે કંઈ નથી ભીતર,
અમથી લગાવી હાક, ને પડઘો કરી જોયો.

સર્વસ્વ એની ચાહમાં મૂકી દીધું “નીરવ”,
ત્યાગ્યું બધું ને ભોગવી જલસો કરી જોયો.

~ નીરવ વ્યાસ 

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. ત્રણેય ગઝલ ખુબજ સુંદર છે. વાંચીને આનંદ થયો.
    અપ્રતિમ શબ્દોનું સૌંદર્ય વ્યક્ત કર્યું છે.
    “પ્રેમ આપી પ્રેમ ચાહું છું
    એમ પણ અહીંયા મફત શું છે?”
    અપ્રતિમ.
    ધન્યવાદ નીરવ વ્યાસજી 🙏💐

  2. નિરવ વ્યાસની સરળ બનીની ગઝલો ગમી,
    પહેલી ગઝલમાં મળત કાફીયા નાં સ્થાને મમત કેમ રહે?
    રાજીપો….