|

એ ઓરડીને પાણિયારાવાળી ઓરડી કહેતા (લલિત નિબંધ) ~ જયશ્રી પટેલ

પાણિયારું 

મારા ઘરમાં પાણિયારું એવું શોભતું કે તેને જોઈ મને ખૂબ જ આનંદ થતો. નાની હતી ને ગલીમાં રમતાં રમતાં થાકતી કે દોડતી ભાઈના ઘરે. જઈને ઠંડું પાણી પી પાછી રમતે વળગતી. મારા બા (દાદીમા) ગુસ્સે થતાં: તું કેમ ત્યાં જાય છે?  આપણું ઘર નથી દેખાતું?

પાણિયારાં બન્ને ઘરે શોભતાં. શોભતાં એટલે કહું છું કે તેની પરનાં પિત્તળ ને જર્મનનાં ઘડાઓ ચમક ચમક થતાં.

નાના મોટા ઘડાની હેલ બનાવી બા, માતા અને અમારાં લલીફોઈ (ઘરમાં કામ કરતાં, પણ અમારા ઘરમાં તેમને માનથી જ બોલાવાનો રિવાજ) પાણિયારાંની શોભા અનેરી કલાથી દિપાવી દેતાં. રોજ સવારે તેની પર દીવો થતો. તે સમયે ઘરનું વાતાવરણ પવિત્ર ભાસતું.

પાણિયારા સાથે એક અજબ નાતો હતો.. નાનપણથી મોસાળ જતી તો નાનું માટલું ઊંચકી તેમાં પાણી ભરી પિત્તળનાં ઘડાં ભરતી. માંજીને સોના જેવા કરતી. અમે બેનો માટે તે ઘરનો એક હિસ્સો હતું. તેની સાથે એક સુંદર ડોયો ખીલી પર લટકતો. તેના વડે જ માટલાંનું ઠંડું પાણી પિત્તળ કે ચાંદીના પ્યાલામાં પીવાતું.

દરેક ઘડા પર સરસ ભાતવાળું બુઝારું (ઢાંકણું) શોભતું. માટલાં પર પણ સરસ પાતળું ગરણું વિંટાળેલું રહેતું ને ઠંડું પાણી મળતું. તેનું બુઝારું એકદમ સુંદર ઘાટવાળું માટીનું બનેલું રહેતું. સાંજ સવાર ત્યાં દીવાબત્તી થતી. અરે! ત્યાં સુધી કે એ ઓરડીને પાણિયારાવાળી ઓરડી કહેતા.

આ પાણિયારાને પિતાજી એમની પીંછીઓથી સરસ ચિત્રિત કરતાં. દર દિવાળીએ ભાત બદલાતી. એની પર જાતજાતની અઢોણી પણ બનાવેલી. ફ્લોરીસિંગ રંગો તો હમણાં આવ્યાં, પિતાજી તો ત્યારે ગેરુ પર સફેદ રંગની વારકરી ભાતથી દિપાવી દેતા.

સમય જતાં હું પણ સરસ ભાત પાડતી થઈ ગઈ હતી. એક વાર મારી સખીની દીકરીનાં લગ્નમાં મેં એના દરવાજા બહાર ભાત પડી હતી. ત્યારે પિતાજીને યાદ કરી આંસુ પાંપણો પર જામી ગયા હતાં.

આજે એ પાણિયારા ક્યાં જોવા મળે છે! ક્યાં એ ઘડાઓની સુંદર સજાવટ! આજની પેઢી તો ફ્રિજનાં પાણી પીએ છે. માટલાંને તો ઓળખતી પણ નથી. સાથે ઘરમાં આવતાં પાણીની સગવડ પર વિશ્વાસ ન મૂકાય તેથી એક્વા ગાર્ડે પણિયારાની જગ્યા લઈ લીધી. ત્રણ માટલાંનાં ફિલ્ટર ને ગરણાં તો સ્વપ્ન બની ગયાં. ડોયો તો માળિયાનાં જૂના વાસણો ભેગો રડી રહ્યો છે. માટીનાં માટલાંને પણ નળ લાગી ગયાં તો ફેન્સી પવાલી પાણિયારે સ્થાન પામી ગઈ.

ઘરની શોભામાં સુંદર જગ્યા પામતું પણિયારું હવે જૂની ફેશન ગણાતું થઈ ગયું. મારે તો આજે પણ પાણિયારા વગરનાં ઘરમાં રહેવાનું આવે તો દુ:ખ જ દુ:ખ.

મુંબઈમાં તો સરસ કાળા ગ્રેનાઈટનું પાણિયારું બનાવડાવેલું. જ્યાં દિવસ-રાત દીવો-અગરબત્તી થાય ને એ મહેકથી પવિત્ર ને હકારાત્મક વાતાવરણ ઊભું થાય. પાણિયારે ઠંડક જ લાગે. ઘરનાં ટાંકામાંથી એક માટલું ભરાતું. તો શ્રમ કરી માટલા કૂવેથી ભરાતા તેની મીઠાશ ક્યાં? એક્વા ગાર્ડનાં પાણીથી શરીર તૂટી પડે છે ત્યારે સ્મરણમાં પેલું માટલું યાદ આવે જેમાંથી ડોયો બોળીને પ્યાલો ભરાતો..

દૂર દૂર નદીએ કૂવેથી માથે બેડું લઈ ચાલી આવતી પાણિયારણની સુંદરતા મિઠાશ ફેલાવતી હતી. શું હવે જોવા મળશે એ પાણિયારામાં !

~ જયશ્રી પટેલ

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. ડેલીએ ઊભી હું નજરુ નાખુ લાંબી નજરુ પહોંચી ઓસરીમાં ત્યાં તરસ છીપાણી પાણિયારે

  2. મારા ઘરે આજે પણ પાણિયારું છે, જ્યાં રોજ દિવો પણ થાય છે. હું કાયમ માટલાનું જ પાણી પીવું છું