હું હજી સમયની ખાલી શીશીમાં રેતી ભરવાની કોશિષ કરતી હતી ~ (પ્રકરણ : 22) ~ આત્મકથા: પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજા

પ્રકરણ : 22

હું સવારે બાના ઘરે જાઉં ત્યારે બા મારી રાહ જોતી હોય. ઘરમાં પ્રવેશતાં જ સૂનકાર તીવ્રતાથી ખૂંચે.

સમયની શીશીમાંથી રેતી સરી ગઈ હતી અને ખાલી શીશીને તાકતા અમે બે મૌન બેસી રહેતાં, જીવનને સામસામે છેડે ઊભેલી અમે બે સ્ત્રીઓ. એકે પોતાના હિસ્સાનું જીવન જીવી લીધું હતું અને બચેલા ટુકડાના નિર્જન વેરાન પટની સરહદે ઊભી હતી. અને હું નવજીવનના ઉંબર પર ઊભા રહી આગળ પગ ક્યાં મૂકવો એની અવઢવમાં હતી.

માતા અને પુત્રી. બે સ્ત્રીઓ.

બંને અલગ અલગ કાળખંડમાં જીવતી. સ્તબ્ધ બની અટકી ગયેલી, સમયની આ ખાલી રેતશીશીનું શું કરવું! બાને થતું, હવે કશું કરવાનું ન હતું, કોઈને માટે જીવવાનું ન હતું, અંદરથી વહેરાતી હતી. પતિનો અહંગડો બાને તાવી રહ્યો હતો.

વર્ષો વીત્યાં. સમય પરિવ્રાજકની જેમ ફરતો ફરતો મારે આંગણે પણ આવીને ઊભો રહ્યો. મહેન્દ્રના અવસાન પછી હું પણ એકલી પડી એ જ ઘરમાં. ત્યારે બા સાથે વિતાવેલો સમય સાંભરતો. ત્યારે એક સત્ય સ્વયંભૂ ઉજાગર થતું હતું આપમેળે, લગ્નજીવનમાં ખોટા નિર્ણયો લેવાઈ જાય, ભૂલો થાય પણ એ બધાથી ઉપર ઊઠીને સ્વીકારની ભૂમિકાએ સખ્ય માણવું એકમેકને દોષ આપ્યા વિના, એ જ સુખની સોનેરી કૂંચી. મમ્મીએ કદી પપ્પાને કહ્યું નહીં, તમે મુંબઈ છોડી જામનગર શા માટે જવાની હા પાડી હતી!

બાએ ફિલૉસૉફીના ગ્રંથો વાંચ્યા નહોતા. કથાઓમાં કદી ગઈ નહોતી, પણ જીવનનાં તોફાની દરિયામાં ઝુકાવી મરજીવાની જેમ શોધી કાઢેલું સત્ય. એથી જ નક્કર અને ટકોરબંધ.

એ સત્ય પછી મારા જીવનનું પણ આધારસ્તંભ બની રહ્યું.
* * *
થોડા મહિના મુંબઈમાં, ઘરમાં માંડ એકલા વિતાવી બા રાજકોટ ‘નવદુર્ગા’ ચાલી ગઈ. તો પણ બા પરિવ્રાજકની જેમ ફરતી રહી, ક્યારેક અમદાવાદ ભાઈને ઘેર. રાજકોટ. બાની ભ્રમણયાત્રા ચાલી. પપ્પા પાછળ શરીર કંતાયું, ઝુરાપો સતત કોરી ખાય.

આખરે એણે નક્કી કર્યું, હું હવે મારે જ ઘરે ‘નવદુર્ગા’માં રાજકોટ રહીશ. મને પત્ર લખ્યો, સહુ પોતાનાં ઘરે છે. તું નાનકડા ભાડાનાં ઘરમાં રહે છે, ‘ગુલબહાર’માં તો આપણી જ ભાડાચિઠ્ઠી છે, મોટું ઘર છે. તમે ત્યાં રહેવા જાઓ.

તો પણ મહેન્દ્રએ મને મનુ સૂબેદારને મળવા મોકલી. તમને વાંધો નથી ને! પાઘડી પણ આપવાની હોય તો… પણ મનુ સૂબેદારે હસીને હાથથી નિશાની કરી.

1958માં, અમે ઘાટકોપરથી અહીં ‘ગુલબહાર’ રહેવા આવ્યાં હતાં ત્યારે એ પિતાનું ઘર હતું અને ભાઈબહેનોએ સાથે કિલ્લોલતો સમય વિતાવ્યો હતો અને અહીંથી સહુ પોતપોતાને ઘરે, પોતાની જિંદગીનું પગેરું શોધતા ગયા હતા.

‘ગુલબહાર’: મારું સરનામું

અને હું જિંદગીનું પગેરું શોધતી અહીં આવી હતી. 1966માં અમે અનેક સ્મરણોથી ભર્યા ભર્યા ઘરમાં ફરી સ્વયં ગૃહપ્રવેશ કર્યો. ઘરે મને પિતાની જેમ સ્નેહથી બાથમાં લીધી.

ફરી એક યોગાનુયોગ! મારા જીવનનો નવો અધ્યાય અહીંથી શરૂ થવાનો હતો, પણ મને એની ખબર નહોતી. બસ, એક હાશકારો થયો હતો.
* * *
હું મારા ઘરે આવી હતી, અહીં એટલી શાંતિ અને એકાંત! ઘરની પાછળના કબ્રસ્તાનનાં બગીચાનાં અસંખ્ય વૃક્ષોએ, પવનમાં ઝૂલતી ડાળીઓથી અમારું સ્વાગત કર્યું, વૅલકમ હોમ.

ઘરની નીચેના બગીચામાં (૧૯૨૦-૨૧)

પરંતુ ઘર ખોલતાં જ અંદર પુરાયેલો ભૂતકાળ મુખોમુખ ઉંબર પર ઊભો હતો. અંદર જવા પગ જ ન ઊપડે! બાપપ્પાનાં તીવ્ર સ્મરણથી આંખો છલકાઈ ગઈ. બારી પાસે આરામખુરશીમાં ગોઠણ પર પેડ મૂકી સતત લખતા, પપ્પાનું દૃશ્ય તાદૃશ્ય થઈ ગયું. કૉલેજનાં, નાટકનાં, બા સાથે ફિલ્મ જોવા જતાં તૈયાર થતાં, ભાઈબહેનો સાથે મસ્તીતોફાનો યાદ આવી ગયાં.

ઘરની બાલ્કનીમાં (૧૯૨૦-૨૧)

બધા અહીંથી ચાલી ગયાં હતાં. પણ સાથે વિતાવેલો સમય અહીં જ રહી ગયો હતો. ભૂતકાળ કેવો ચમત્કારિક જાદુગર છે! એ વીતી ગયો છે છતાં અહીં જ છે! મૃત્યુ પામ્યો છે તો પણ સંજીવની વિના ગમે ત્યારે જીવંત થઈ જાય છે.

બા આ ઉંબર પર ઢળી પડી હતી. હું એવી જ સ્થિતિમાં ઉંબર પર અને છલોછલ આંખ. મહેન્દ્રએ મને સંભાળી લીધી.

ધીમે ધીમે સામાન ગોઠવાતો જાય છે અને અમે પણ. ટેલિફોન માટે ખૂબ આંટાફેરા કર્યા પછી પણ અમારે ઘરે ઘંટડી ન રણકી. સાતથી આઠ વર્ષનું વેઇટિંગ લિસ્ટ. ચલો, યે હી સહી. પત્રધારા અમને તૃપ્ત કરતી રહી.

ભાઈને મળવાનું નિયમિત બનતું એટલે કુટુંબથી કપાઈ ગયાની લાગણી થોડી ઓછી થઈ. ભાઈને કંપનીને કામે દર મહિને મુંબઈ આવવાનું થતું, કંપનીનું ગેસ્ટહાઉસ મારા ઘરની પાસે એટલે સાંજે ઘરે આવે. મહેન્દ્ર અને ભાઈ અચ્છા દોસ્ત. અમારી ગપ્પાગોષ્ઠી પછી નવું નવું ટીવી જોતા ભોજન. (અન્નપૂર્ણાદેવીની આરાધના પછી એમણે તથાસ્તુ કહેલું.)

એક દિવસ મુંબઈના પ્રમુખ અને એશિયાના પ્રથમ અખબાર ‘મુંબઈ સમાચાર’માંથી મને મળવા બોલાવી.

રવિવારે કૉલમ લખવાનું આમંત્રણ મળ્યું. મુંબઈ સમાચાર ઘરની પાસે. તરત જ હા પાડી અને મેં ફેશન કૉલમ શરૂ કરી ‘સૌંદર્યનો શણગાર’.

હજી પણ બ્યુટી પ્રોડક્સનું અબજોનું સામ્રાજ્ય ખૂલ્યું નહોતું. બ્યુટીપાલર્સ ભાગ્યે નજરે ચડે. પત્રો પરથી લાગતું કે કૉલમના વાચકો હતા.

એથી મને પણ ઉત્સાહ હતો. નવા નવા વિષયો, એની આધુનિક માહિતી શોધતાં શોધતાં હું પહેલી જ વાર કુતૂહલવશ એશિયાટિક લાઇબ્રેરીનાં ભવ્ય પગથિયાં ચડી.

સંકોચથી, ઊંચી કમાનોવાળા પ્રવેશદ્વારમાંથી અંદર ગઈ અને જોતી જ રહી ગઈ. લાઇબ્રેરીનું સ્થાપત્ય જોઉં કે છેક સિલિંગ સુધી પુસ્તકોથી ભરેલા કબાટો! એક ખંડમાં દેશપરદેશનાં અસંખ્ય સામયિકો! બેઠકની સરસ વ્યવસ્થા. વિશાળ બારીઓમાંથી ખંડ ઉજાસભર્યા અને શીતળ. એ મૅગેઝિન્સમાંથી મને હાઉસહોલ્ડ ટીપ્સ પણ મળતી (ગુલાબના છોડને કેવી રીતે ઉછેરશો?).

મુંબઈ સમાચારમાં જતી ત્યારે દારૂવાલાસાહેબને અચૂક મળતી. મિલનસાર, હસમુખા અને વિદ્વાન. પપ્પાની સાગરકથાઓનાં ચાહક.

દારૂવાલાસાહેબ

મુંબઈ સમાચારમાં દર રવિવારે નવલિકા પ્રગટ થતી, મને પણ આમંત્રણ નવલિકા લખો! કંઈ જુદું કરવાનાં ઉત્સાહમાં મેં વાર્તા લખી, ‘ચમન’.

કિશનસિંહ ચાવડાનું ‘અમાસના તારા’ કૉલેજમાં ભણી હતી. મને ખૂબ પ્રિય. ચાવડાની રંગદર્શી શૈલીમાં કોઈ વાર્તા લખી હતી જે પ્રગટ થઈ. ‘અમાસના તારા’માં ‘અમૃતા’ મારી મનગમતી વાર્તા. ત્યારે એક વાત સમજાઈ હતી, હૃદયને સીધું સ્પર્શે એવું સર્જન હોવું જોઈએ.

છૂટીછવાઈ ચારપાંચ વાર્તાઓ લખી, હું હજી સમયની ખાલી શીશીમાં રેતી ભરવાની કોશિષ કરતી હતી.

‘અખંડઆનંદ’ માટે વાર્તા લખી અને સૂબેદારસાહેબને આપવા ગઈ. અત્યંત વ્યસ્ત તોય મને અંદર બોલાવી, ત્યારે જ નજર ફેરવી કહે, ઓકે. રાત્રે હોંશભેર મહેન્દ્રને કહ્યું. એમણે કહ્યું, વાર્તા સીધી તંત્રીને મોકલવી જોઈએ. પછી બીજી ત્રણચાર પણ ત્યાં જ છપાઈ.

એક બપોરે કશું કરવાનું નહોતું. કંટાળી ગઈ. હું ‘ખૂની ખોપરી’ કે ‘ભેદી સંદૂક’ પ્રકારનું કશુંક વાંચી રહી હતી. એકદમ સામાન્ય સ્તરની નૉવેલ, કોણ જાણે હાથમાં આવી ચડી હતી! મેં પુસ્તક ફેંક્યું એ ક્ષણે (દિગ્દર્શકની ક્યુની જેમ મહેન્દ્રની એન્ટ્રી) મહેન્દ્રે દાખલ થતાં કહ્યું, આજે મિજાજ બરખિલાફ!

મેં રિસામણી ઢબે કહ્યું : `એકદમ બેકાર પુસ્તક છે.’

`તો તું સરસ નૉવેલ લખ ને!’

હું નવાઈ પામી ગઈ. વ્હોટ અ જોક!

પણ મહેન્દ્ર ગંભીર હતા, ઑફિસેથી સાંજે ઘરે આવતા એ ફૂલસ્કેપની થપ્પી લઈ આવેલા અને પારકર પેન, ખડિયો.

`તું ખરેખર સારું લખી શકીશ. જસ્ટ ટ્રાય.’

ફરી બીજે દિવસે બપોર મોં ફાડીને ઊભી રહી. કોરા કાગળ લોભામણા લાગતા હતા. મહેન્દ્ર કહે છે, જસ્ટ ટ્રાય. તો વ્હાય નોટ! હાથમાં પેન લીધી, શું લખું? નવલકથા કેમ લખાય? એક પ્લોટ જોઈએ. લાંબી વાર્તાનો પ્લોટ કેવી રીતે સૂઝે?

કૉલેજકાળમાં પપ્પાએ અંગ્રેજી સુધારવા પેરીમેસન, આગાથા વાંચતા કરેલા તો મર્ડર મિસ્ટરી લખું. પણ એ માટે ખૂન થવું જરૂરી છે, પણ કોનું, ક્યાં, કોણ, કેવી રીતે એમાંથી કોઈ પ્રશ્નોના જવાબ મને ખબર ન હતા. મુંબઈથી દિલ્હી દહેરાદૂન એક્સ્પ્રેસનાં ફર્સ્ટક્લાસ કમ્પાર્ટમેન્ટમાં મારો ડિટેક્ટિવ વિશ્વનાથ મુસાફરી કરે છે, (ઑફકૉર્સ ટોલ, ડાર્ક ઍન્ડ હૅન્ડસમ.) એની સાથે બીજા પાંચ મુસાફરો છે. રહસ્ય ઘેરું કરવા એમાંથી એકનું ખૂન થાય છે.

રોજ લખવા બેસું અને આગળ વાર્તાની ઘડ કેમ બેસાડવી? રોજ એક પ્રકરણ લખું, જવાબો શોધતી જાઉં. પેરીમેસન જેવો એક કોર્ટરૂમ ડ્રામા છેલ્લે.

Perry Mason : TV Series 1957–1966

પેન બંધ કરતાં, કાગળની થપ્પી જોઈ ખુશ. પણ શીર્ષક કેમ અપાય એની સમજ ન પડી.

વેણીભાઈ પુરોહિત

‘જન્મભૂમિ’માં વેણીભાઈ પાસે ગઈ. નવલકથા લખી છે જાણી રાજી થતાં પૂછ્યું : `શું શીર્ષક?’ મેં કહ્યું : `તમે કહો તે.’ એમણે આંખ બંધ કરી, `થોડો પ્લોટ કહી જા.’

મેં કહ્યું : `છ મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે, એકનું ખૂન થાય છે પછી…’

એમણે તરત આંખ ખોલી, `આ રહ્યું તારું શીર્ષક, ‘પાંચને એક પાંચ’. છ હતા એમાંથી એકનું મૃત્યુ એટલે આ શીર્ષક.’ પાછું શીર્ષકમાં પણ રહસ્ય.

ધનજીભાઈ શાહ

તરત ‘નવભારત સાહિત્ય મંદિર’માં ધનજીભાઈ પાસે ગઈ. શૈશવથી એમને ઓળખું. અમે અમદાવાદ ગૂર્જર પ્રકાશનના શંભુકાકા-ગોવિંદકાકાને ત્યાં જતાં ધનજીભાઈ-ભોગીભાઈ એમના કુટુંબી. અમારે પણ એવો જ સંબંધ બંધાયો. એમણે મુંબઈમાં પ્રકાશન વ્યવસાય શરૂ કર્યો, તેમને મળવા જતી, અમે અડધી અડધી ચા પીતા. એમને મેં મેટર આપ્યું, એમણે કહ્યું, સામાજિક નવલકથા લખો તો સારું.

ફરી એક નવું કામ. ચૅલેન્જ. ફરી પ્રશ્ન. સામાજિક કથામાં શું લખવું? કેવી વાર્તા હોય? એ પણ લાંબી લેખણે લખવાની. લખવા બેઠી, મથામણમાં યાદ આવ્યું, બા સાથે જૈમિની વગેરે સ્ટુડિયોની દક્ષિણ ભારતની ફિલ્મો જોયેલી ‘ઘરસંસાર’ ટાઇપની. મેં શેઠાણી, મુનીમજીની દીકરી પુત્રવધૂ બને, સહુની સેવા કરે, સુધારે… અદ્દલ અત્યારની ટી.વી. સિરિયલ!

શીર્ષક માટે ફરી અટકી. હસ્તપ્રત લઈ ધનજીભાઈ પાસે ગઈ. એમણે કહ્યું, શીર્ષક વિનાની નવલકથા? ‘નવભારત’માં મડિયાની બેઠક. એમણે મારા હાથમાંથી હસ્તપ્રત લઈ, તરત પહેલે પાને લખ્યું, ‘શ્રાવણ તારાં સરવડાં’. લે, આ તારું શીર્ષક.

હું તો છક્ક! ઇન્સટન્ટ કૉફીની જેમ ઇન્સટન્ટ ટાઇટલ! એમણે સોનેરી શીખ આપી, જ્યારે શીર્ષક ન સૂઝે ત્યારે એક જનરલ ટાઇટલ એવું આપી દેવું જે વાર્તામાં ચપોચપ બેસી જાય. અમે ખડખડાટ હસી પડ્યાં.

લેખક તરીકે આ મારી પહેલી જ નવલકથા અને એની પર મડિયાના હસ્તાક્ષરની મહોર! પપ્પા તો ત્યારે ન હતા, પણ પિતાતુલ્ય પ્રતિષ્ઠિત સર્જકના આ આશીર્વાદ.

અનેક પ્રસંગોની જેમ આ પણ યોગાનુયોગ.

* * *
આમ તો મડિયા સાથે જુદો જ સંબંધ બંધાયો હતો. મડિયા એકદમ દિલદાર અને હસમુખા.

ચુનીલાલ મડિયા

એ સમયમાં યુવા વાર્તાકારોનું એક જૂથ હતું. મડિયા તેમના મિત્રગુરુ. રાહબર. નવોદિતો વચ્ચે સર્જકતાનો મુગટ પહેરે નહીં.

એ સમયે મુશાયરાઓનો દોર. ગદ્યસાહિત્યના કાર્યક્રમ લગભગ નહીંવત્. કોઈ જ્ઞાતિ કે મંડળ, સંસ્થામાં ડીબેટ જેવો પ્રોગ્રામ ગોઠવાતો. તરફેણ અને વિરુદ્ધમાં શીઘ્રવક્તાઓ જોરદાર દલીલો કરે, લડે એવો તખ્તો ગોઠવાતો. મનોરંજનનો આમ તો મામલો. કવરની જગ્યાએ ચાનાસ્તો અને ભરપૂર આનંદ.

ચંદુલાલ સેલારકા

આ ડીબેટમાં મડિયા મને સામેલ કરતા. મહિલા હું રોકડી એક. લેખિકા તો નહીં, પણ નાટક જેવો જોરદાર પર્ફોર્મન્સ પછી ચંદુલાલ સેલારકાને ત્યાં લાડુની જયાફત. એટલે મડિયાએ મારી પહેલી નવલકથા હાથમાં લીધી ત્યારે ખૂબ ખુશ હતા.

ધનજીભાઈએ મેટર તો લીધું, પણ અમારાં બંને પાસે પ્રકાશનના પૈસા નહીં. એમનો નવો જ વ્યવસાય અને અમારો ઝીરો બૅંક બૅલેન્સ સાથે નવો સંસાર. પણ મહેન્દ્ર કૃતનિશ્ચય. એણે મિત્રો પાસેથી જાહેરખબર લીધી અને 1000 રૂપિયા રોકડા ધનજીભાઈને આપ્યા. મારી પ્રથમ આવૃત્તિ પાછળ જાહેરખબર સાથે છપાઈ. મારું પ્રથમ પુસ્તક મહેન્દ્રએ મને આપેલી સુંદર ભેટ.

ગુજરાતનાં કોઈ અખબારે શ્રાવણ… માટે બે સારા અક્ષર લખ્યા, ધનજીભાઈએ વેચાણથી થોડા રૂપિયા આપ્યા. હિંમત આવી.

‘પાંચને એક પાંચ’ લઈ આર. આર. શેઠ પ્રકાશનના ભગતભાઈને મળી.

ભગતભાઈ શેઠ

પપ્પાના પ્રકાશક તરીકે એમના પિતા અને ભગતભાઈને ઓળખું. એમને હસ્તપ્રત આપી, એમણે રસ દાખવ્યો, બે દિવસમાં જવાબ આપ્યો.

ચા પીતાં મેં સહજભાવે પૂછ્યું, હમણાં શું નવું છે – એવા મતલબનું કશુંક. એમણે થોડા યુવા વાર્તાકારોનાં નામ કહ્યા, બારેક જેટલા. એમની સાથે કૉન્ટ્રેક્ટ કર્યો છે. હું નવાઈ પામતી બોલી, આમાં એક પણ લેખિકાનું નામ નથી? એમનો જવાબ, મને કોઈ લેખિકા ખાસ દેખાતી નથી.

લો, હું સામે બેઠી છું ને! એક નવલકથા જમા ખાતે, બીજી તમારા હાથમાં છે. વ્હોટ ડુ યુ હેવ ટુ સે?

એમણે એક કૉન્ટ્રેક્ટ મારા હાથમાં મૂક્યો. (આજે પણ મારી પાસે છે.) એમાં વર્ષમાં એક નવલકથા આપવાની અને છાપેલા પાના દીઠ એક રૂપિયો એ બે મુખ્ય વાત હતી. એમણે કહ્યું, આ કૉન્ટ્રેક્ટ બધા સાથે કર્યો છે. તમે વિચારજો.

મેં નજર ફેરવી ત્યાં જ સહી કરી આપી. ઈલા માટે પણ એક કૉન્ટ્રેક્ટ લઈ લીધો. એણે પપ્પાની અધૂરી નવલકથા પૂરી કરી હતી અને ‘નવનીત’ માટે અનુવાદ વગેરે કરતી હતી. તેને મેં સરપ્રાઇઝ ગિફ્ટ આપી.

મેં ફુલાતાં ફુલાતાં મહેન્દ્રને કૉન્ટ્રેક્ટ આપ્યો. એણે કહ્યું, તારે વર્ષમાં એક નવલકથા આપવાની. આ તો બહુ સરસ. અમે બંને એ ખુશીમાં, બાજુમાં જ ખૂલેલી સાઉથ ઇન્ડિયન રેસ્ટોરામાં ગયાં. હજી ઇડલી-ઢોંસા નવી વાનગી હતી. ઉપર મઘઈ જોડી પાનનું સેલિબ્રેશન.

હવે એક નવી નવલકથા. પણ શું લખું? સસ્પેન્સ સ્ટોરી તો નહીં, તો? અચાનક વિચાર આવ્યો, અપરાધી તો કઠેડામાં ઊભો રહે છે, પણ ન્યાયાધીશ, સહુનો ન્યાય કરનાર સ્વયં કઠેડામાં ઊભો રહે ત્યારે? આખરે એ પણ છે તો છે હાડચામનો માણસ જ ને!

આ વિચાર મનમાં ઘૂંટાતો રહ્યો અને લખવા બેસતાં પૂણીમાંનાં તારની જેમ કંતાતો ગયો. રોજ વાર્તા લખાતી ગઈ. ક્યાંક અટકું, બીજે દિવસે આપોઆપ પેન ચાલે.

નવલકથાના ડ્રાફ્ટ વિશે કશી સમજણ ન હતી. ઘણી વાંચી હતી, પણ વાંચવું અને લખવું બે અલગ જ વાત છે. પણ એટલું સમજાયું હતું, વાર્તારસ જળવાવો જોઈએ અને નાટકમાં જેમ પરકાયા પ્રવેશથી પાત્રોનાં વિવિધ ભાવો અનુભવતી હતી એમ પાત્રોનાં મનોજગતમાં પણ ડોકિયું કરવું જોઈએ.

જોકે એવી સભાનતા ન હતી, પણ લખતાં લખતાં પાત્રોનાં મનોભાવ આવતા ગયા. કથાસંઘર્ષ સાથે સંવાદો પણ ગૂંથાતા આવે અને નાટકની જેમ દૃશ્ય રચાતું આવે.

એક મહિનામાં તો નવલકથા લખી અને મડિયાની સ્ટાઇલમાં પહેલે પાને મેં જ શીર્ષક લખ્યું, ‘તિમિરના પડછાયા’. ક્યારેક એક ભૂલનો પડછાયો સમગ્ર જીવન પર કેવો લંબાતો હોય છે!

હું હજી લખતાં લહિયો થઈ રહી હતી, પણ મારી અંતિમ ઓળખ એક સર્જકની હશે એની મને હજી કલ્પના ન હતી. 1969માં ‘પાંચને એક પાંચ’ અને તરત જ ‘તિમિરના પડછાયા’ પ્રકાશિત થઈ હતી. મેં ઉત્કૃષ્ટ નવલકથાઓનું નાટ્યરૂપ ભજવ્યું હતું, તે માટે નવલકથાઓ વારંવાર વાંચી હતી જેથી સમગ્ર કૃતિનો માહોલ આત્મસાત્ કરી એમાં પાત્રનું સ્થાન શું છે તે સમજી શકું તે ઉપરથી મને એવું સમજાયું કે આ નવલકથામાં સર્જકતાનો ઉન્મેષ હું કંઈક અંશે પ્રગટાવી શકી છું.

મારા આશ્ચર્ય વચ્ચે એક ગુજરાતી નિર્માતા અમદાવાદથી મારું ઘર શોધતા આવ્યા, ‘તિમિરના પડછાયા’ પરથી ગુજરાતી ફિલ્મનો કૉન્ટ્રેક્ટ લઈને. સહી કરતાં એમણે 5000 રૂપિયાનો ચેક મારા હાથમાં મૂક્યો. આટલી રકમ એકસામટી પહેલીવાર હાથમાં કોઈએ મૂકી! મારી પાસે હજી એ કૉન્ટ્રેક્ટ છે, પણ એમાં ફિલ્મનું નામ નથી, મેં જોઈ પણ નથી.

પછી તો એ નવલકથા પોતાની કેડી સ્વયં કંડારતી ચાલી. મુંબઈમાં પદ્મારાણીની મુખ્ય ભૂમિકામાં ‘આતમદીપનાં અજવાળાં’ને નામે તેનાં ઘણાં શો થયાં.

પદ્મારાણી

દૂરદર્શન પર પણ રજૂ થયું, અરવિંદ જોષીનું દિગ્દર્શન. દેશમાં પણ તેનાં જુદાં જુદાં શહેરોમાં શો થયા. વસ્તુ એવું સર્વકાલીન કે પદ્માબહેને 1970માં ભજવ્યું અને 1998-99ની આસપાસ ફરી ‘ધર્મયુદ્ધ’ નામે એના લંડનમાં શો કર્યા.

2022માં પણ સ્વબળે એ ટી.વી. સિરિયલ અને હવે વેબસિરિઝની સર્કિટમાં ઘૂમી રહી છે અને આવૃત્તિઓ થતી રહે છે.
* * *
ક્યારેક ને ક્યારેક મને પ્રશ્ન પુછાતો રહે છે, તમે રંગમંચ કેમ છોડી દીધો?

મુશ્કેલ પ્રશ્ન છે. વિચારપૂર્વક જીવનનો નકશો દોરી એની રેખાએ રેખાએ ચાલતા રહેવું બહુધા શક્ય નથી હોતું. નિયતિ આંગળી પકડી તમને બીજા જીવનપથ પર દોરી જતી હોય છે અને હા, જીવન પણ કેલિડોસ્કોપની જેમ કેટલી અવનવી મોહક આકૃતિઓ સર્જતું રહે છે!

સમયની રૂખ બદલાતી હતી, સાથે રંગભૂમિનો ચહેરો પણ. મેં જે સંસ્થામાં સુંદર અને ક્લાસિક નાટકો ભજવ્યાં હતાં એ સંસ્થા પર ધીમે ધીમે પડદો પડી ગયો હતો, અનેક નાટ્યજૂથો ધમધમી ઊઠ્યાં હતાં. નાટક હવે પ્રૉફેશન બની રહ્યું હતું.

રંગમંચ પણ કરવટ બદલી રહ્યું હતું. નાટકનું ક્લેવર, અર્થશાસ્ત્ર અને પ્રેક્ષકોની રુચિમાં પણ ઘણું પરિવર્તન આવ્યું હતું. દરેક યુગની સમાપ્તિ સાથે નવા યુગનું પ્રભાત ઉદય પામે છે. થિયેટર અવેતનમાંથી સવેતન બન્યું હતું. નાનામોટા કવર મળતા હતા, છતાં દિવસે વ્યવસાય કે નોકરી અને મોટે ભાગે સાંજે રિહર્સલ્સ.

એ દરમ્યાન હું લખી રહી હતી. મારાં પુસ્તકો પ્રગટ થતાં વેંત ફિલ્મ અને નાટકો બની રહ્યાં હતાં, પ્રશંસા પામ્યાં હતાં. 1969માં માધવી અને 1970માં શિવાનીનો જન્મ. માતૃત્વ અને સંસારની જવાબદારી હતી.

મુંબઈ દૂરદર્શન શરૂ થયું હતું, ત્યાં પણ કામ કરતી હતી. મારી નવલકથાઓનું ટી.વી. પ્લે અન્ય લેખકોની કૃતિનાં પટકથા-સંવાદોનું કામ સામે ચાલીને, આગ્રહથી મળતું હતું. નવા માધ્યમમાં કામ કરવાની તક મળતી હતી.

મેં તો મારા જીવનનો નકશો દોર્યો હતો પણ નિયતિએ મને દિલ્હી ડેલે હાથ દઈ અને પાછી વાળી હતી. મારા હાથમાં અચાનક પેન મૂકી હતી.

હવે હું પાત્રોનું સર્જન કરતી હતી. તખ્તા પરથી ઊતરી હું ઘૂઘવતાં માનવમહેરામણમાં ભળી ગઈ હતી. પ્રવાસો કરતી હતી, અનેક કાર્યક્રમોમાં જતી હતી. લેખન એક એવું કામ હતું જે હું ઘરે રહીને કરી શકતી હતી અને છતાં વર્કિંગવુમન હતી. નાટક પ્રૉફેશનલ થતા હતા, મુંબઈ અને બહારગામનાં શો થતા હતા. તેનાં સ્થળ સમય તો નિશ્ચિત જ હોય ને! એ બધા સાથે હું કદમ મિલાવી ન શકી હોત.

હા, કોઈ સરસ ફિલ્મ કે નાટક જોઉં ત્યારે ક્યારેક મનમાં ઊંડે ઊંડે ઝીણી ફાંસ ક્યાંક ચૂભતી, પણ વહેલી સવારે લખવા બેસું ત્યારે નવા નવા વિષયો વિશે વિચારું અને કોરા શ્વેત કાગળો પર અક્ષરો ઊઠે, કાગળનો સ્પર્શ, ફરફરાટ મારી આંગળીને ટેરવે ફૂટે એ મેજિક અને થ્રીલ મને સ્પેલબાઉન્ડ કરી દે.

આજે પણ એ ક્ષણ યાદ છે, પપ્પાના મૃત્યુ પછી અચાનક સામે ચાલીને તરત મને લખવાનું કહેણ મળ્યું. પિતાએ અગોચર ભૂમિમાંથી આશીર્વાદ મોકલ્યા અને મારા હાથમાં પેન મૂકી!

આજે પણ એનો જવાબ ખબર નથી.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

4 Comments

  1. ” સ્વીકારની ભૂમિકાએ સખ્ય માણવું એકમેકને દોષ આપ્યા વિના, એ જ સુખની સોનેરી કૂંચી.”✔

  2. વર્ષાબેન પોતાના જીવનના રંગમંચ પર બદલાતાં દ્રશ્યો ત્રીજી વ્યકિત બનીને તટસ્થ રહીને રજૂ કરી રહ્યા છે.

  3. એક ખાલીપા પછી લેખન હાથમાં આવ્યું તેની વાત ખૂબ ગમી..પ્રેરણા આપે એવી વાત છે…