હરપ્પા સંસ્કૃતિમાં પરિવર્તન ~ ગંગાથી રાવી સુધી (પાકિસ્તાન પ્રવાસ) (ભાગ – 9 ) ~ પૂર્વી મોદી મલકાણ

હરપ્પાનું જનજીવન દર્શાવતો આ ફોટો હરપ્પા મ્યુઝિયમમાંથી અમે મેળવેલો

હરપ્પાની આ સંસ્કૃતિમાં ફરતાં ફરતાં અમે અમારા સમયને પાછળ છોડી તે અતીતમાં એવા ખોવાઈ ગયાં હતાં કે અમે જ્યાં જે દિશામાં જોતાં હતાં ત્યાં તે પુરાણો જ સમય બોલતો હતો અને અમારી આસપાસ રહેલાં અવશેષો પોતાનાં સત્યની ખાતરી પુરાવતાં હતાં.

આ સત્ય બોલતાં અવશેષોમાં અમને લિંગ યોનિ જોવા મળ્યાં, જેના પર ભેંસ અથવા વૃષભ (બળદ),  હાથી,  હરણ,  વાઘ, માછલી, ગેંડો વગેરે એવી આકૃતિઓ કોતરાયેલી હતી.

આ લિંગ અને આકૃતિ જોઈ મને લાગ્યું કે હર્પ્પિયન લોકો ભગવાન શિવને ચોક્કસ માનતાં હશે અને તે કોતરાયેલ આકૃતિ જોઈને પહેલાં લાગ્યું કે કદાચ એ સમયમાં પણ ભગવાન શિવનાં પશુપતિ રૂપમાં પૂજનને માન્ય કરવામાં આવ્યું હોય પણ લોકલ લોકો સાથે વાતો કરતાં ખ્યાલ આવ્યો કે આ સમય સ્ત્રી સંસ્કૃતિનો હતો તેથી પશુપતિ તરીકે નાથ નહીં, પણ સ્વામિની એટ્લે કે સ્ત્રી છે.

પશુપતિ સ્વામિની

આજ લિંગમાં કોતરાયેલ પ્રાણીઓથી એ ખ્યાલ આવ્યો કે આ લોકોની આસપાસનાં જીવનમાંયે આ પ્રાણીઓનું અસ્તિત્ત્વ ચોક્કસ હતું.

આ પ્રાણીઓની સાથે અમને તાવીજ આકારનાં બીબા પણ જોવા મળ્યાં, આ બીબા જોઈને ત્રીજો ખ્યાલ એ આવ્યો કે આ સંસ્કૃતિનાં લોકો ભૂત, જીન કે અન્ય નેગેટિવ એનર્જીમાં માનતાં હતાં.

એક સીલ એવી અમારા જોવામાં જેની પર એક ભેંસ ઉપર સવાર સ્ત્રીની મૂરત બનાવવામાં આવેલ હતી, આ ચિત્ર જોઈ મને મહિષાસૂર મર્દીની દુર્ગાની યાદ આવી ગઈ.

આ વિસ્તારમાં અમને ઘણાં જૂના વૃક્ષો જોવામાં જેનાં થડ બિલકુલ પોલા હોય પણ જેમ વૃક્ષ ઉપર જાય તેમ હરિયાળું થતું જાય. આ ઉપરાંત એક બ્લોક્સમાંથી એક પથ્થર બની ગયેલ વૃક્ષ (Petrified wood પેટ્રીફાઇડ બની ગયેલ વૃક્ષો) પણ મળી આવેલાં જેના થડ આજેય જમીનમાં ખૂંપેલ છે. પણ હાથ ફેરવતાં જ તે કાળની થપાટમાં કેટલું બદલાઈ ગયું છે તેનો અમને ખ્યાલ આવી ગયો.

પેટ્રીફ્રાઈડ થયેલા વૃક્ષો

આ બ્લોક્સથી આગળ વધતાં વધતાં અમે રાવી નદીનાં પટ્ટ પર આવી પહોંચ્યાં. એ સમયે અહીં રાવી નદી ખૂબ વિશાળ હતી, ઉપરાંત અન્ય નાની મોટી નદીઓ આવીને રાવીનાં પાણીમાં અને ક્ષેત્રમાં વધારો કરતી હોય અહીં ઘઉં, કપાસ, કલિંગર, તલ, રાઈ, લીમડો, લીંબુ વગેરેની ખેતી થતી હતી. આ ખેતીમાં યે ઘઉં અને કપાસની ખેતીનું પ્રમાણ અમને વિશેષ લાગ્યું. કારણ કે મ્યુઝિયમમાં અમને આ બંને ધાન કોતરેલી અનેક સીલ જોવામાં આવેલી.

કપાસને હર્પ્પિયન લોકોની શોધ માનવામાં આવી હોય યૂનાની લોકોએ આ પ્રદેશને “સિડોન એટ્લે કે અત્યંત કોમળ પ્રદેશ” ને નામે ઓળખવું શરૂ કર્યું. આ નદીનાં પાણીમાં શંખ, કોડી વગેરે થતાં નહીં.

મ્યુઝિયમમાં ફરતાં અમે કોડી-શંખ -છીપનાં બનેલાં અનેક આભૂષણો અમને જોવામાં આવેલાં. આથી એ વાતનો ખ્યાલ આવ્યો કે આ સંસ્કૃતિનાં લોકો સામુદ્રિક ધનનો ઉપયોગ કરતાં તો હતાં, પણ આ ધન સૌરાષ્ટ્ર અને કરાંચી (હાલ સિંધ)નાં પ્રાંતમાંથી આવતાં હશે. અમે જ્યાં સુધી તે સાઇટ પર રહ્યાં ત્યાં સુધીમાં ૫ થી ૬ રૂમ બ્લોક જોયાં જ્યાં ત્યારે ખોદાઈકામ ચાલુ હતું.

જોવાનું એ કે આ ખોદકામમાં બુદ્ધયુગનાં કોઈ અવશેષ મળ્યાં નથી, હા પ્રત્યેક રૂમની ખોદાઈ એક નવા ઇતિહાસનું પાનું ચોક્કસ ખોલી આપતું હતી. જેને કારણે એય જાણવા મળ્યું કે, હર્પ્પિયન લોકો ખેતીકાર્ય માટે લાકડા અને કાંસ્યમાંથી બનાવેલ ઓજારોનો ઉપયોગ કરતાં હતાં.

પાછળથી અહીં કાંસ્ય, તાંબું મિક્સ કરી તેની વસ્તુઓ બનાવવા માટે ફેક્ટરી પણ નખાઈ હતી. આ તાંબું રાજસ્થાન અને અફઘાનિસ્તાનથી મંગાવવામાં આવતું હતું. અમે પહોંચ્યાં ત્યારે અન્ય રૂમો સાથે આ ફેકટરી ઉપર સિમેન્ટનું પોતું લગાવાઈ રહ્યું હતું, જેથી કરીને આ જૂની ઇમારતોનું વધુ ધોવાણ થતું અટકી જાય.

સિમેન્ટનાં પોતાથી સુરક્ષિત કરવામાં આવેલ અવશેષો
વ્યાપાર વાણિજ્ય:
મ્યુઝિયમમાં અમને જોવા મળેલ પથ્થર અને રત્નો પરથી જાણવા મળ્યું કે હરપ્પાઇ લોકો નદી કિનારા અને પર્વતીય પ્રદેશમાંથી મળી આવતાં પથ્થર, ધાતુ કે રત્નોનો વ્યાપાર કરતાં હતાં, પણ તાંબું, ચાંદી, સોનું કે અન્ય ધાતુઓ અહીંથી મળી આવતી નહીં હોય તેથી આ વસ્તુઓ ભારત, અફઘાનિસ્તાનનાં અન્ય પ્રાંતોમાંથી આયાત કરવામાં આવતી હતી. રાવીનદીનાં પટ્ટની રેતીને અમે અમારા પગની નીચે ધમરોળી રહ્યાં હતાં ત્યારે વહાણોનાં કામમાં આવતી અમુક વસ્તુઓનાં અવશેષો જોવા મળ્યાં. આ અવશેષો જણાવતાં હતાં કે આ લોકો વ્યાપારિક વાણિજ્ય માટે બાહ્ય દેશો સાથે સંપર્કમાં રહેતાં હતાં.
મનોરંજન:

મનોરંજન માટે આ લોકો માછલી પકડાતાં હતાં, આપસમાં કૂકડાં, કપોત, બકરા વગેરે લડાવતાં હતાં, ચૌપડ પાસા ખેલતાં હતાં, કે શિકાર કરતાં હતાં. આ બધી વાતો કેવળ મનોરંજન સુધી જ હતી તેથી વિશેષ કશું જ ન હોય સમાજમાં મોટી લડાઈ થઈ હોય તેવા કોઈ શસ્ત્રો કે યુદ્ધ આધારિત વસ્તુઓ અમારા જોવામાં આવી નહીં.

મૃત્યુ વિધિ:
હર્પ્પિયન સંસ્કૃતિનાં લોકો મૃત્યુને ય માનતા હોય તેમ અમને લાગ્યું. આ બ્લોક્સ જોતાં જોતાં અમે આગળ વધતાં હતાં ત્યારે બશીરજીએ કહ્યું કે એક બ્લોક્સમાંથી ઘણી બધી રાખ અસ્થિઓ સમેત મળી આવેલ છે.

આ બ્લોક્સ પર અમે પહોંચ્યાં ત્યારે બ્લોક્સનાં એક ખૂણામાં જમીનમાં અડધા દટાયેલાં એક હાડપિંજરનાં અમુક અવશેષો જોવામાં આવ્યાં. આ જોતાં અમને મૃત્યુ વિષે અમુક બાબતો ખ્યાલમાં આવી. કાં તો આખા શબ ને જમીનમાં દાટી દેતાં હશે, અથવા પારસીઓની જેમ શબનાં આખા કે અડધા ભાગનો ઉપયોગ પશુ-પ્રાણીઓનાં ખાદ્ય તરીકે કરી બાકીના અંશભાગને જમીનમાં દાટી દેવામાં આવતો હશે અથવા તો દેહનો પૂર્ણ દાહસંસ્કાર કરી તે રાખ અને અસ્થિઓને દાટી દેવામાં આવતાં હશે.

અંત:
“કોઈ સંસ્કૃતિ કાયમ નથી રહેતી તેનો ક્યારેક ને ક્યારેક અંત આવે જ છે.” જે સંસ્કૃતિ નદી કિનારે વિકસિત થયેલી, તે સંસ્કૃતિનો અંત પણ આ નદીઓને કારણે જ આવ્યો.

માન્યતા છે કે ધરતીકંપને કારણે રાવી નદીનો પ્રવાહ બદલાઈ ગયો તેથી જે વેપાર વાણિજ્ય નદીને કારણે ચાલતાં હતાં તે પડી ભાંગ્યા.

નદી પ્રવાહને અવગણીને જ્યારે આ નગર ઊભું થવા પ્રયત્ન કરી રહ્યું હતું ત્યારે અહીં રોગચાળો ફાટી નીકળ્યો, આ રોગચાળામાંથી બહાર નીકળ્યું ત્યારે અન્ય આક્રમણકારોએ નગરને તહસનહસ કરી નાખ્યું, આ આક્રમણનો સામનો કરીને લોકો ઊભા થયાં ત્યાં આગ ફાટી નીકળી.

આમ આ નગરનો અંત થવા માટે ઘણાં બધાં કારણો જવાબદાર બન્યા. આ નગરનાં અંતની બીજી માન્યતા રાવી નદીના પૂરપ્રકોપ સાથે રહેલ છે. આ માન્યતા કહે છે કે પૂરપ્રકોપ થયાં પછી રોગચાળો ફાટી નીકળ્યો. આ રોગચાળામાં અનાજ-વનવનસ્પતિ પણ પકડાયા. ત્યાર પછી ખાદ્યસામગ્રી માટે લૂટફાટ થઈ અને અંતે આગ અને મારામારી અને મહામારીનો સમય પણ આવ્યો જેનાં કારણે ય કદાચ આ સંસ્કૃતિનો નાશ થયો હોવો જોઈએ.

કારણ કોઈપણ હોય પણ એમ કહી શકાય કે જે સંસ્કૃતિ ૧૪૦૦ વર્ષ સુધી ફલિત રહી તે સંસ્કૃતિ ઇ.સ ૧૯૦૦ પૂર્વે સુધીમાં નાશ પામી અને જે લોકો બચી ગયાં તેઓ આ જમીનને શાપિત માનવાં લાગ્યાં હતાં તેથી તેઓએ આ ભૂમિ છોડી દીધી અને બીજી ભૂમિ પર વસી પોતાની બીજી નવી સંસ્કૃતિનું નિર્માણ કર્યું.

હર્પ્પિયન સંસ્કૃતિનો અંત શી રીતે આવ્યો જાણી અમને થોડું દુઃખ ચોક્કસ થયું, પણ “દરેક સંસ્કૃતિ ક્યારેક ને ક્યારેક પરિવર્તન ચોક્કસ માંગે છે.” તેથી આ સંસ્કૃતિમાં પણ જે પરિવર્તન થયું છે તેની ઉપર ભવિષ્યમાં અન્ય ઘણી સંસ્કૃતિ જન્મ લેવાની હતી તેથી આ સંસ્કૃતિનાં ભવ્ય યુગ વિશે વાતો કરતાં કરતાં અમે પણ લાહોર તરફ નીકળી પડ્યાં.

©પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ

purvimalkan@yahoo.com

આપનો પ્રતિભાવ આપો..