બે ગઝલ ~ (૧) પ્રેમ-સગાઈ (૨) અમે છીએ ~ સુધીર પટેલ (અમેરિકા)
(૧) પ્રેમ–સગાઈ
સબ સે ઊંચી પ્રેમ-સગાઈ,
થઇ હો એને ખૂબ વધાઈ!
પ્રેમ સતત રહે વીંટળાઈ,
જ્યમ વડ ફરતી હો વડવાઈ!
નજર વગર પણ દેખી પાડે,
આંખોની છે એ જ ખરાઈ!
છે એ જ વડો ગોવાળિયો,
ફોગટ તું ના માર બડાઈ!
રાત-દિવસને વેઠી લઉં જો_
મળી જાય એક સાંજ સવાઈ!
એક મિસરો જો લાગે સાચો,
માનું થૈ ગૈ ગોદ-ભરાઈ!
ખરચું પણ ખૂટે નહિ ‘સુધીર’,
શબદ સમી હો આપ-કમાઈ!
(*પુણ્ય-સ્મરણઃ સંત કવિ સૂરદાસ)
(૨) અમે છીએ
ના કોઈ નાતમાં અમે છીએ,
પોતીકી જાતમાં અમે છીએ!
એ ભલે પારકા ગણે અમને,
એમની વાતમાં અમે છીએ!
કઇ રીતે કાઢશો હવે અમને?
એની હર ભાતમાં અમે છીએ!
જ્યાં સમય ચાલવાનું ભૂલી ગ્યો,
એ મુલાકાતમાં અમે છીએ!
ભીડમાં શોધશો નહીં અમને,
પાંચ કે સાતમાં અમે છીએ!
શબ્દની ઘાત એમને સોંપી,
મૌન-આઘાતમાં અમે છીએ!
છોને ચમકે દિવસના એ ‘સુધીર’,
ઘોરઘન રાતમાં અમે છીએ!
~ સુધીર પટેલ (અમેરિકા)
Thank you for posting and nice responses
1) ” છે એ જ વડો ગોવાળિયો,
ફોગટ તું ના માર બડાઈ!”
2)”ના કોઈ નાતમાં અમે છીએ,
પોતીકી જાતમાં અમે છીએ!”
“ભીડમાં શોધશો નહીં અમને,
પાંચ કે સાતમાં અમે છીએ!”
Thanks
સુંદર કવિતાઓ!