હું બારણા પાસેથી સાંભળતી હતી (પ્રકરણ : 17) ~ આત્મકથા: પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજા

પ્રકરણ : 17

ફરી મારે માટે પ્રાણપ્રશ્ન, હવે?

મોટાભાઈ શિશીર શાંત અને અંતર્મુખી. એની હોંશિયારીનાં નગારાં કદી ન વગાડે. અમે જ્યારે કપરાકાળમાંથી પસાર થતા હતા ત્યારે આપમેળે તેજસ્વી મેડિકલ કારકિર્દી છોડી સેન્ટ્રલ બૅંકમાં થોડાં વર્ષ નોકરી કરી હતી. બધું સમુંસુતરું થયું ત્યારે કૉમર્સ લઈ બી.કૉમ. સુધી સતત પ્રથમ. ઘાટકોપરના નાના ઘરમાં, રસોડામાં જમીન પર બેસી, કોચિંગ ક્લાસ વિના સી.એ.માં માત્ર ચાર ટકા રીઝલ્ટમાં ભાઈ ભારતભરમાં પ્રથમ આવ્યો, રાષ્ટ્રપતિચંદ્રક મળ્યો, રાષ્ટ્રપતિ ભવનમાં એનાયત થયો. બાને ખાસ સાથે લઈ ગયો હતો.

એ પ્રસંગનો એક પણ ફોટો અમારા કોઈ પાસે નથી. એ સર્ટિફિકેટ ભાઈએ કદી ભીંતે ટીંગાડ્યું નહીં. ફાઇનલ સી.એ.માં માત્ર બે માર્ક્સ માટે ભારતભરમાં એ દ્વિતીય. પ્રથમ હોત તો બંને પરીક્ષામાં પ્રથમ આવનારની સાવ નાનકડી યાદીમાં એનું નામ પણ હોય.

સાઇંઠના દાયકામાં સોશ્યલ મીડિયા નહોતું. મલ્ટીનેશનલ કંપનીઓ તગડો ચૅક લઈ તમારે દ્વારે ઊભી નહોતી.

મનુ સુબેદાર

સસ્તુ સાહિત્યનાં મનુ સુબેદાર ભારત સરકારના અર્થશાસ્ત્રના સલાહકાર. પપ્પાના મિત્ર અને ચાહક. ભાઈ ધારત તો મોટી કંપનીમાં ગોઠવાઈ શકત કે પ્રૅક્ટિસ કરી શકત. પણ ભાઈ સાધુરામ. એને બ્રહ્મજ્ઞાન થયું કે આ લાઇનમાં કાળાધોળા કરવાનો વખત આવશે. આ મુંબઈની તેજ ગતિમાં સતત દોડવું પડશે.

એણે મુંબઈ જ છોડી દીધું. સાદાઈથી લગ્ન કરી એ અમદાવાદ સ્થાયી થયો. એક ટૅક્સટાઇલ મિલમાં નોકરી કરી ત્યારે માલિકોને ખબર ન હતી કે એમની પાસે ખાણમાં બહુમૂલ્ય હીરો છે.

ગાંધીજીની હત્યા થઈ ત્યારના ઇલસ્ટ્રેટેડ વિકલીના કવરપેજ પરનો બાપુનો ફોટો. એનાં અમદાવાદના ઘરની ભીંતે હતો તે છેક 2017 એણે વિદાય લીધી ત્યાં સુધી ન એ.સી., ન કાર. ભીતરમાં જ સમાહીત થઈ સાદું જીવન જીવ્યો.

મુંબઈના ઘરેથી થોડો, તાત્કાલિક જરૂરનો સામાન લઈ, પપ્પા-મમ્મીને પગે લાગી નીકળ્યો હતો. બહુ દિવસ એનો ઝુરાપો રહ્યો. બિંદુબહેન રાજકોટ, ઈલાનાં પણ લગ્ન થયાં, જાણે હું એકલી પડી ગઈ. અમે ભાઈબહેનો જ્યારે પણ ભેગાં થતાં ત્યારે ભાઈને એનાં સાધુપણા માટે એને વઢતા, ટપારતા પણ કદાચ એટલે જ એને અઢળક વહાલ કરતા. વસ્તુઓનો એને અપરિગ્રહ, પ્રેમનો અપરિગ્રહ થોડો હોય!

મારે રોલ મૉડલ શોધવા બહાર જવાની કદી જરૂર પડી નથી. પોતાના વિચારો મુજબ જીવી શકવાનું સૌભાગ્યનું વરદાન કેટલાને મળે છે!
* * *
હજી મનમાં શું કરું, શું કરું ચાલ્યા કરતું હતું. મારા સોશિયૉલૉજીના પ્રો. અક્ષુભાઈ. એમનો મને આગ્રહ, મારે પીએચ.ડી. કરવું, વિષય વિચારી પણ રાખેલો, ‘ગુણવંતરાય આચાર્યની નવલકથાઓની સામાજિક પૃષ્ઠભૂમિ’ કંઈક એવું. એક સારી ડિગ્રી જોઈતી હતી, હવે પીએચ.ડી.ને શું કરું? પપ્પા કહે, તારે શું કરવું છે, તું જ નક્કી કર. ઈલાની સલાહ કે સોશિયૉલૉજીનાં લેક્ચરર થવું. એણે એક કૉલેજમાં ઇન્ટરવ્યૂ પણ ગોઠવી આપેલો. પણ મને શિક્ષણ કે અભ્યાસ એમાં રસ નહોતો.

ગોળ ચકરડું ફરીને ત્યાં ફરી વાત અટકી. હવે?

ત્યાં તો સામે ચાલીને ગમતું કામ મળ્યું. તાસક પર. રેડિયો પર તો ડ્રામા આર્ટીસ્ટ તરીકે વર્ષોથી જતી હતી ત્યારે આકાશવાણી પર મુરલી ઠાકુર હતા. મને કહે, કાલથી જ આવી જા, ઍનાઉન્સરની પોસ્ટ માટે. દોડવું હતું અને ઢાળ મળ્યો. જે રેડિયોસ્ટેશન જવા અમે કલાકો ટ્રેન, ટ્રામ અને પદયાત્રા કરતા, એ હવે મારા ઘરની પાછળ જ. ઍનાઉન્સર એટલે ફૂલ ટાઇમ કામ નહીં, ટ્રાન્સમિશનના સમયે જવાનું. પગાર રૂપિયા 150. એક દિવસની રજા લઉં તો પાંચ રૂપિયા કટોતી. પપ્પા હસતા. એમ.એ. થઈ રોજમદારી પર દાડિયા મજૂરનું કામ. ભલે એમ તો એમ. મારું ગમતું કામ.

1961-62ની આસપાસનો સમય. અમે ચાર એનાઉન્સર. એક એક મહિનાનો ડ્યૂટી ચાર્ટ તૈયાર થાય.

ગિજુભાઈ વ્યાસ, વસુબહેન એ લોકોનો મને બહુ આગ્રહ, પપ્પાનેય કહેલું, વર્ષાને સમજાવો, પ્રોગ્રામ ઍક્ઝિક્યુટિવ-પેક્સની પરીક્ષા આપી દે. કાયમી નોકરી, પ્રમોશન, ઇન્ક્રીમૅન્ટ, બધા જ લાભ સાથે મહત્ત્વની પોસ્ટ. આકર્ષક પગાર અને સ્ટેશન ડાયરેકટર સુધીનું પ્રમોશન, આકાશવાણી કેન્દ્રનિયામક, મોઢું ભરાઈ જાય એવું પોસ્ટનું નામ. આમ પણ એ સમયે ટી.વી. નહોતું, રેડિયોની પોસ્ટ ગ્લૅમરસ ગણાતી.

પણ પેક્સ તરીકે ભારતભરનાં શહેરોમાં તમારી બદલી થાય. મારી મુંબઈની ઑફિસમાં હું જોતી દૂર દૂરથી બદલીમાં લોકો આવતા. ઘણાં કેમેય મુંબઈ સાથે મેળ ન પાડી શકતા. મારે ગામેગામનાં પાણી નહોતા પીવા. નાટક અને કુટુંબ બંને છૂટી જાય. હું કૉન્ટ્રેક્ટ પર જ પાંચ વર્ષ રહી. એમાં પગારવધારો કે પ્રમોશન નહીં અને મફતમાં ડ્રામા આર્ટીસ્ટ તરીકે કોઈ ન આવી શકે તો સ્ટેશન ડિરેક્ટર પ્યૂન મોકલી મને બોલાવી લે અને વધારાની ડ્યૂટી કરાવે. એક પણ રૂપિયો આપ્યા વિના. અહીં પણ હું સંકટસમયની સાંકળ.
* * *
હવે મને સરસ ભૂમિકાઓ મળતી હતી. ચંદ્રવદન ભટ્ટ આલા દરજ્જાના દિગ્દર્શક, અભિનેતા. એમની પોતાની નાટ્યસંસ્થા. ‘ચાર્લીઝ આન્ટ’ પરથી ‘મનુની માશી’ એમની સાથે કર્યું.

જયંતિ પટેલ – રંગલો

જયંતિ પટેલ – રંગલો પણ ભૂમિકા કરે. એ ફૂલફોર્મમાં હોય ત્યારે ઝાલ્યા ન ઝલાય. ખૂબ સતર્ક રહેવું પડતું. એક્સટેમપોર ડાયલૉગ્સ પણ બોલવા માંડે. ભટ્ટ દંપતિ સાથે પ્રાગજી ડોસાનું ‘જેવી છું તેવી’ પણ કર્યું. ઘણા શો કર્યા, ગુજરાતનાં નાનાં મોટાં શહેરોમાં જતા એક પરિવારની જેમ સાથે રહી ખૂબ મજા કરતાં. નિહારિકાબહેન અને ભટ્ટસાહેબ એકદમ ગરવું વ્યક્તિત્વ. કુટુંબ જેવું જ લાગતું.

ભટ્ટસાહેબ પાસે ચિલ્ડ્રન્સ ફિલ્મ સોસાયટી અને જાહેરાતોનાં ગુજરાતીમાં ડબિંગનું કામ હતું. એમના બધા પ્રોજેક્ટમાં અમારી રેગ્યુલર ટીમ હોય. રાજકમલ સ્ટુડિયોના ડબિંગ સ્ટુડિયોમાં અમે ડબિંગ કરતા ત્યારે લૂપ પદ્ધતિ હતી. હવે તો આઉટડેટેડ. લક્સ સાબુની જાહેરાતનું ગુજરાતીમાં ડબિંગ કરવામાં મને લહેર પડતી, મારી સુંદરતાનો રાઝ… લહેકાથી બોલવાનું બહુ ગમતું.

કુમારસેન સમર્થ

અભિનેત્રી નૂતનના પિતા કુમારસેન સમર્થ ખબર નહીં કઈ રીતે સ્ટુડિયો સાથે સંકળાયેલા હશે કે કેમ ખબર નથી, પણ પોતે ડ્રાઇવ કરી લક્ઝરીયસ કારમાં મુંબઈ તરફ જતાં હોય. મને બેત્રણ વાર એમણે લીફ્ટ આપેલી. ઊડીને આંખે વળગે એવું ગૌરવશાળી વ્યક્તિત્વ, અત્યંત શાલીન રીતભાત, એકદમ છટાદાર રીતે સરસ અંગ્રેજી બોલતા.

પહેલીવાર એમની સાથે શાનદાર ગાડીમાં બેઠી અને અંગ્રેજીમાં મારી નાટ્યપ્રવૃત્તિ સાથે વાત કરતા હતા ત્યારે હું ઓઝપાઈ ગયેલ. એ એમના ખ્યાલમાં આવ્યું હશે, એટલે એટલી જ સરસ સફાઈદાર હિંદીમાં પછીથી પપ્પાની નવલકથાઓ વગેરે વિશે મારી સાથે વાત કરતા. મને છેક મારા ઘર સુધી મૂકી જતા હતા.

ભટ્ટસાહેબ ‘જેવી છું તેવી’ પરથી ફિલ્મ બનાવી રહ્યા હતા. પ્રાગજીભાઈ ડોસા ઘરે આવ્યા હતા, આપણો તો પરિવારનો જ માહોલ છે, વર્ષા દીકરી જ છે, સહુની ઇચ્છા છે વર્ષા આ ફિલ્મમાં કામ કરે.

હું બારણા પાસેથી સાંભળતી હતી, પપ્પાએ કહ્યું હતું : `હું ક્યારેય મારાં સંતાનો વતી નિર્ણય લેતો નથી. મેં ફિલ્મની દુનિયા નજીકથી જોઈ છે. વર્ષા એમાં ન જાય તો સારું, છતાં એની ઇચ્છા હશે તો હું કે એની મમ્મી ના નહીં પાડીએ.’

મેં જ પ્રાગજીભાઈને ના પાડી દીધી. પપ્પાએ હંમેશાં અમારી સહુની ઇચ્છાને માન આપ્યું હતું. મારે પણ એમની ઇચ્છાને માન આપવું જોઈએ એવી મારી કાચીપાકી સમજ હશે કે કેમ પણ મને ફિલ્મનું આકર્ષણ જ ન થયું. ત્યાર પછી પણ બેએક વખત તક મળી હતી, પણ મેં એ વિષે ક્યારેય વિચાર્યું જ નહીં, ન એનો અફસોસ રહ્યો.

રંગભૂમિ નાના પાયે અવેતનમાંથી વેતન બની રહી હતી, સરસ જુદા જુદા નાટકોમાં સામેથી ભૂમિકા મળતી હતી. નાનકડી નોકરી હતી. આનાથી વિશેષ જીવનમાં કંઈ હોવું એવી કોઈ ખોટ નહોતી.
* * *
અમે બંને બહેનો હવે અમારી કેરિયરમાં સ્થિર હતાં, હું એનાઉન્સર અને બહેન ઈલા રૂઇયા કૉલેજમાં લેક્ચરર.

અમારા માટે લગ્નની પ્રપોઝલ આવતી હતી. હવે પપ્પા પૂછતાં, આ વાતમાં રસ છે તો જ આગળ વધીએ, નહીં તો તરત ના પાડી દેતા. મમ્મી-પપ્પા પહેલેથી સ્પષ્ટ હતાં., મારી દીકરીઓને ઘરે જોવા આવે (એ સમયે એવી પ્રથા આજે પણ પ્રચલિત. જોકે હવે રેસ્ટોરન્ટ, ક્લબમાં મળવાનું ગોઠવાય છે.) એ તે કેમ ચાલે! જોકે અમે બંને બહેનો જાહેર કાર્યક્રમોમાં ભાગ લેતા એટલે ‘જોવાનું’ ફૅક્ટર ખાસ નહીં. પપ્પાએ અમને કહી રાખેલું, તમને કોઈ વ્યક્તિ ગમે તો એને ઓળખવા હળજોમળજો. પછી પણ ના પાડવાની છૂટ. બી હન્ડ્રેડ પર્સન્ટ શ્યોર. લગ્ન ન કરવા હોય તો પણ તમે સ્વતંત્ર.

એક પ્રખ્યાત કલાકારની તેમના એન્જિનિયર પુત્રનું મારી સાથે ગોઠવાય એવી બહુ ઇચ્છા. જાણીતું ખાનદાન કુટુંબ. પપ્પાએ અમને બંને બહેનોને કહ્યું, તમે બે એકલાં જ જાઓ, ઘર જુઓ. પિતાપુત્રને મળો. વર્ષાને ઇચ્છા થાય તો બહાર બંને મળે. જો વર્ષાની પસંદગી હોય તો જ પછી બંને કુટુંબ મળશું. અમને લેવા કાર આવી. અમે બે જ બહેનો ગયાં. જૂહુમાં સરસ બંગલો, અત્યંત કલાત્મક રીતે ફર્નિશ્ડ, એવો જ ભદ્ર શાલીનપૂર્ણ વ્યવહાર. મને ગિફ્ટ્સ આપી. કાર ઘરે મૂકી ગઈ. સાથે જ એમનો જવાબ, અમારી ઇચ્છા તો છે જ, તમારા જવાબની આતુરતાથી પ્રતિક્ષા.

ના પાડવાનું કે હળવામળવા ન જવાનું કોઈ કારણ નહીં (ઊંડે ઊંડે મનમાં એન.એસ.ડી.માં જવાની ઇચ્છા કદાચ સળવળ થતી હશે!) પણ મન થયું જ નહીં. પપ્પાને મેં કહ્યું, મને તો પિતા વધુ ગમ્યા પણ એને થોડું પરણાય? અમે બંને હસી પડ્યાં. પપ્પા-મમ્મી એમ માને કે મન કહે તે કરવાનું અને ના કહેવડાવી. આજે કોઈને માતાપિતાની આ વર્તણૂક કદાચ ન સમજાય (ભટ્ટસાહેબ દ્વારા આ સંદેશો આવેલો. એમને પણ આશ્ચર્ય થયું હતું.) સમૃદ્ધ અને સંસ્કારી પરિવારને ના પાડવાની! પણ મેં ના પાડી પછી ઘરમાં એ વાત પર પૂર્ણવિરામ. કોઈ આગ્રહ નહીં તો દબાવ તો હોય જ શાનો! પરંતુ એ વ્યક્તિનાં મનમાંય જરાય કડવાશ નહીં, મારાં નાટકો જોતાં અને બેકસ્ટેજમાં પુત્રીવત્ મળતાં.

આજે તો ચિત્ર સમૂળગું નહીં તોય ઘણું બદલાયું છે. કેટલાં માતાપિતા પુત્રીના આવા ગંભીર વિષયના નિર્ણયને ખુલ્લા દિલથી સ્વીકારતા હશે!
* * *
અમારો પરિવાર પ્રવાસી.

પપ્પા – મમ્મી મસુરીમાં

પહેલાં પણ અમે જામનગર-રાજકોટ હતાં ત્યારે ગુજરાતમાં ઘણી જગ્યાઓએ નાનામોટા પ્રવાસો કર્યા હતા. ત્યારે તો સુવિધાઓનો અભાવ! પણ એ અગવડો સ્વાભાવિક લાગતી.

અમે કૉલેજમાં હતાં ત્યારે પણ પપ્પામમ્મી એકલાં અલ્હાબાદ અને બનારસ ગયાં હતાં. પણ અમે બે બહેનોએ કૉલેજનાં ચક્રવ્યૂહનો કોઠો ભેદ્યો, મારું એમ.એ.નું વર્ષ પૂરું થયું કે પપ્પાનું એલાન, ચાલો ઉત્તરાખંડમાં મનમોજી ફરવા ઊપડીએ. ત્યારે આવવા જવાની ટિકિટોનાં બુકિંગની લાંબી વિધિ હતી, પપ્પાએ ધક્કા ખાઈને ટિકિટો અંકે કરી.

તો ચલો, અમે ઊપડ્યાં હોંશભેર, મહિના પછીની રિટર્ન ટિકિટ. હોટલ બુકિંગ તો હતું નહીં. પહેલો જ મુકામ મથુરા. ધર્મશાળા ગેસ્ટ હાઉસ જેવી હતી.

ધર્મશાળાની અગાસીમાં

સ્વચ્છ અને સગવડવાળી. જમુનાકાંઠે જ હતી. યમુનાસ્નાન, પાઠપૂજા એનું પપ્પાને મન ખાસ નહીં. એક વૃક્ષ નીચે આસન જમાવી જલદર્શન પ્રકૃતિ માણવામાં મસ્ત. અમે ઝટ સ્નાન પતાવીએ પછી આસપાસનાં ઐતિહાસિક સ્થળો પૂછતાં, શોધતાં ફરવાનું અને મ્યુઝિયમ.

મથુરામાં ખૂબ સરસ મ્યુઝિયમ. પ્રાચીન મૂર્તિઓ બતાવતાં પપ્પા એ સમયનો રાજ્યકાળ અને સંસ્કૃતિનો ઇતિહાસ અમને રસપૂર્વક કહેતા જાય. (બધું તરત જ મોઢે જ હોય!) કે અમારી આસપાસ ટોળું ભેગું થઈ જાય. રોજ સાંજે નૌકાવિહાર કરતાં.

યમુનામાં નૌકાવિહાર

બા સાથે અમે ગરબાગીતો ગાઈએ અને પપ્પા પાસે અનેક સંસ્કૃત શ્લોકોનો ખજાનો! પૂરી નૌકાના પૈસા પપ્પા આપી દેતા એટલે અમે જ હોઈએ. નાવિક તો એટલો ખુશ!

ગોકુળ, વૃંદાવન ખૂબ ફર્યાં. ફરતાં ફરતાં હરદ્વાર આવ્યાં. અહીં મન ઠર્યું. પપ્પામમ્મીએ નદીકાંઠા નજીક ભાડે ઘર લીધું અને ઘર માંડીને અમે મહિનો રહ્યા. રોજ ઢળતી બપોરે ગંગાકાંઠે પહોંચી જઈએ. આરતી પછી આસપાસની જગ્યાઓમાં ફરવાનું. પપ્પા હોય ત્યાં પગ વાળીને બેસવાનું કેવું?

ઋષિકેશ વગેરેનાં આસપાસનાં જંગલોમાં નિજાનંદે ફરવાનું.

જંગલોમાં ઘૂમતા…
ઋષિકેશમાં

પાછાં ફરતાં મમ્મી રબડીની કૂલડી ખરીદે. (ત્યારે સ્વાદિષ્ટ અને શુદ્ધ) મમ્મી ગરમ ફૂલકાં ઉતારે અને અમે તૂટી પડીએ. ફાઇવ સ્ટાર હોટલ એટલે વળી શું!

રોજ થેલામાં ફ્રૂટ, કૂંજો લઈ નીકળી પડીએ. વ્હોટ અ બ્યુટીફૂલ આઉટવર્ડ એન્ડ ઇનવર્ડ જર્ની! એક દિવસ દહેરાદૂન ઊપડી ગયાં.

દહેરાદૂનની પહાડીઓમાં

દહેરાદૂનમાં ‘સહસ્રધારા’ ગંધકની ઊંડી ખીણો છે. એમાં ચોતરફથી ધોધ પડે અને ખડકો. પપ્પા કહે, ચલો અંદર ઊતરીએ. અમે ખીણમાં ઠેઠ નીચે ઊતર્યાં અને ખડક પર આસન જમાવ્યું. જળધોધનો ઘૂઘવાટ અને ઠંડી લહેર પર સવાર ગંધકની માદક સુગંધ. નીરવ એકાંતમાં માત્ર અમે ચાર. ખીણમાં જઈને કોણ બેસે! દૂર સુધી હિમાચ્છાદિત શિખરોની ટોચ પર ઝળહળતો સૂર્ય, વૃક્ષોની સૂર્યાન્મુખ ટોચ ઉપર ઝળુંબતું આકાશ!

ગમી ગયું તો માત્ર થેલાભેર બે દિવસ રહ્યા, અને બંને દિવસ એ જ નજારો! એ જ રીતે મસૂરી ગયાં, હોટલમાં બે દિવસ રહ્યાં. લાલ ટીંબા પરથી હિમાલય દર્શન મનભરીને કર્યું. ‘હિમાલયનો પ્રવાસ’ ભણ્યાં હતાં, પણ હિમાલયનું જુદી જુદી રીતે અભૂતપૂર્વ પ્રથમ દર્શન માતાપિતાએ કરાવ્યું.

માતાપિતા સંતાનોને સંપત્તિનો વારસો તો આપે છે, પણ બીજું પણ શું શું આપી શકે છે! કેવું ધન! ન કભી ખૂટે, ન લૂંટાય.

અમે હરદ્વાર રહી આમ આસપાસ ફરતાં રહેતાં. એક દિવસ બસસ્ટોપ ગયાં. બસ જોઈ, કહાં જાયેગી ભૈયા? પહેલા સ્ટોપ? દેવપ્રયાગ? બઢીયા હૈ! અમે બસસવાર થઈ ગયાં. ચાલો, દેવપ્રયાગ ફરી આવીએ.

પર્વતની ધારે ધારે બસ ગોળ ઘૂમતી ચઢી રહી હતી. પહાડી સાંકડા રસ્તાઓ. અવનવા સૌંદર્યસ્થાનો એક વિશાળ, ફીંડલું વાળેલા કેનવાસની જેમ ધીમે ધીમે ખૂલતા ગયા. આ યાત્રા નહીં પ્રકૃતિયાત્રા હતી. મા બાળકને પારણે ઝુલાવતી મધુર હલકે ગાતી જાય એમ દૂરથી નજીકથી ગંગામૈયાનો કલકલ નિનાદ મનને ભરી દેતો હતો. પહેલી જ વાર જોયું પ્રકૃતિનું આ મનહર રૂપ!

બસ ઊભી રહી, બૂમ સંભળાઈ, દેવપ્રયાગ! અમે તો થેલો ખભે ભેરવતા ઊતરી પડ્યા. બસ ચાલી ગઈ. ઊતરનારા અમે ચાર જ! ત્યાં તો હિમધવલ પહાડો પાછળ સૂરજ વહેલો ઊતરવા માંડ્યો. અમે હરખાઈને આસપાસ જોઈએ ત્યાં અંધારું ઘોર! આસપાસ કે દૂરદૂર કશું નહીં, કોઈ જ નહીં!

અસૂઝ ભયથી અમે કંપી ઊઠ્યા. ગોળાકારે આગળ પાછળ નિર્જન રસ્તો. ગામ તો જાણે હતું જ નહીં. ન ક્યાંય દીવા ટમટમે. સમ ખાવા માણસનો અણસાર પણ નહીં. બે નદીઓનો અહીં સંગમ. તોફાની અલકનંદા અને શાંત ભાગીરથી. હેતે વળગતી બે ભગિનીઓનો હરખનો જોરથી ગાજતો ઘૂઘવાટ પડઘાતો હતો અને દૂરથી દેખાતી ઊંચે ઊડતી છોળ.

કોઈ હૈ? મેં અને ઈલાએ બૂમો પાડી પડઘાતો અવાજ પાછો વળ્યો. કાળમીંઢ અંધકારની ગુફામાં અમે કેદ અને ચંદ્ર પણ વાદળો પાછળ પહાડોમાં. સાંજે તો બસ હોય નહીં, હવે તો બીજે દિવસે સવારે. અમારી સામે અજાણ્યા સ્થળે, રસ્તા પર આખી રાત ધરાયેલા અજગર જેવી લાંબી થઈને પડી હતી. અમે બે બહેનો ડરથી મમ્મીને વળગીને ઊભાં હતાં. મમ્મીના હોઠ ફફડતા હતા. નક્કી ગબ્બરવાળીને સાદ પાડ્યો હશે. પણ આવી ઠંડી રાત્રે દેવીદેવતાઓ પણ સુખશૈયામાં પોઢ્યાં હશે ને!

ત્યાં એક ગરીબ પહાડી માણસ ઠંડીમાં ધ્રૂજતો સામે આવી ઊભો રહ્યો. ચીંથરે હાલ પણ ત્યારે તો દેવદૂત! ધરમશાળા ચલોગે? અમે તો હોંકારો ભણી હાશકારો કરતા એની સાથે ચાલવા માંડ્યાં. ઠેબા ખાતાં બૅટરીનાં નાના ચકરડાને અજવાળે ખાસ્સું ચાલ્યા કે ઊભો રહ્યો, યે ધરમશાળા.

પપ્પાએ સામે બૅટરી ધરી તો અમે હબક ખાઈ ગયા. વર્ષો પહેલાંનું ખંડેર. કાળદેવતાએ ગ્રસેલું, વિશાળકાય ઉંદરોનું ધામ અને ઈંટોનાં ઢગલામાંથી ફેણ ચડાવી નવાગંતુકોને નીરખી રહેલો સાપ! પહાડીજનને થયું હશે નક્કી અમે સાગમટે સંસારની મોહમાયા છોડી સાધુ થવા નીકળી પડ્યાં હતાં. જ્યારે પગદંડીના રસ્તે લોકો ચારધામ જતા હશે ત્યારે કમલીવાલા બાબાએ આવી ધર્મશાળાઓ બનાવેલી.

એના હાથમાં પપ્પાએ નોટ મૂકી, અમને ફરી રસ્તા પર મૂકી જા. અમે ફરી હતા ત્યાં ને ત્યાં. મમ્મી રડું રડું થઈ ગઈ. નિર્જન ભેંકાર જગ્યાએ બે યુવાન દીકરીઓને લઈ રસ્તા પર રાત કેમ વિતાવવી! મનમૌજી ફરવા અમે ટેવાયાં હતાં, આ પહેલો જ અનુભવ!

પપ્પા શાંત હતા. મંદિરે જતા નહીં, પણ ઈશ્વર પર દૃઢ આસ્થા. જ્યારે જ્યારે એમણે આરતભર્યો સાદ પાડ્યો છે, ઉપરવાળાએ હોંકારો ભણ્યો છે. પપ્પાએ એક ખડક પર ધ્યાનમુદ્રામાં બેસીને ચંડીપાઠનું ગાન શરૂ કર્યું, સ્તબ્ધ અંધકારઘેરી રાતમાં નદીગાન અને સ્તુતિગાન એકમેકમાં ભળી ગયાં. પપ્પાનો ઘેરો સ્વર યજ્ઞવેદીમાંથી ઊઠતી ધૂમ્રસેર જેમ ઊંચે ને ઊંચે ઊઠીને ફેલાતો ગયો. થોડાં વાદળ હટતાં ચંદ્રએ ડોકિયું કર્યું. દૂર દૂર સમાધિસ્થ પર્વતો સુધી સ્વર વિશાળકાય ગરુડની જેમ પાંખો પ્રસારી ઊડતો રહ્યો.

પછી જે બન્યું તે અવિસ્મરણીય.

દૂર દૂર અંધકારની જવનિકા પર પ્રકાશનું એક ટપકું ઝગમગી ઊઠ્યું. ચિત્રોમાં દોરેલી રેખાઓની જેમ અમે સ્થિર, સ્તબ્ધ. એ ટપકું ઝૂલતું, ઝૂલતું પાસે આવવા લાગ્યું. આ શું હશે! સાઈઠના દાયકાનું ગામ અંધારપછેડો ઓઢી ઘેરી નિદ્રામાં ત્યાં અંધકારમાં આકાર કળાયો, હાથમાં ફાનસ લઈ એ આવતો હતો. પપ્પાએ છેલ્લો શ્લોક બોલી નારાયણી નમોસ્તુતે કહેતાં આંખો ખોલી તો સામે જર્જરિત શાલ ઓઢી બ્રાહ્મણ ઊભો હતો.

`નમસ્કાર યજમાનજી મૈં બ્રાહ્મીનોંકા ગોર હૂં. મૈં સો ગયા થા, લેકિન ઐસા લગા લાસ્ટ બસમેં કોઈ પધારે હોગે, વો રાતકો કહાં જાઓગે? તો મૈં દેખને કો આયા, કોઈ પ્રતિક્ષા કરતા હૈ ક્યા.’

શું બોલવું! ઠંડીમાં સૂઈ ગયેલો માણસ આટલે દૂર ઊંઘમાંથી ઊઠી આ બ્રહ્મદેવ કઈ પ્રેરણાથી અમને ખોળતા આવ્યા હશે!

`નદી કે સંગમ પર મેરા છોટા સા કમરા હૈ આપ ચલો

હાશકારાની લાગણી કરતાં કોઈ અનન્ય ભાવથી અમારું હૃદય તરબતર થઈ ગયું. પપ્પા ઊભા થયા, માત્ર કહ્યું : ધન્યવાદ. ચલિયે. એનાં ફાનસની પ્રકાશની પગદંડીએ અમે ચૂપચાપ ચાલ્યાં. અરે! કેડી તો અહીં જ હતી! નજર સામે હોય અને ન દેખાય એનું નામ સંસાર. મોં ફાડીને ઊભેલા મહાકાય મગરો જેવા નદીનાં કોતરો વચ્ચેથી ગૃહિણીનાં કાળાભમ્મર કેશકલાપમાંની સેંથી જેવી કેડી પરથી અમે ગામ નજીક પહોંચી ગયાં.

હા, ભૂદેવની વાત સાચી. સંગમની ભેખડ પર જ એમનું એક ઓરડાનું સ્વચ્છ ઘર. જાજમ પર બે રજાઈ. ઓશીકું. સંગમ પર પડતી બારી એમણે ખોલી, સ્વર્ગદર્શન કરતાં હોઈએ એમ રૂંવેરૂંવે હરખ થયો.

ખરેખર કેવું સ્વર્ગીય દૃશ્ય!

એક તરફ તોફાની ધમમસતી અલ્લડ અલકનંદા અને આ તરફ શાંત ભગીરથી. બંને પ્રવાહો અથડાતા ભયંકર ઘૂઘવાટ સાથે આકાશને આંબતી શ્વેત ફીણવંતી છોળ! અમને અહીં બારી સુધી એનાં અમીછાંટણાનાં વધામણાં. હિમાલય પુત્રી જાણે કર જોડી શિવને પ્રસન્ન કરવા આરાધતી હતી.

એ ક્ષણે પહાડો પાછળથી ચંદ્ર ઊંચે ચડતા પર્વતોને શિખરે હતો, જાણે સમાધિસ્થ મહાદેવની જટાસ્થિત ચંદ્રબિંબ!

આ ધન્ય દૃશ્યનાં એકમેવ દ્રષ્ટા બનવાનાં સૌભાગ્યનું વરદાન ઈશ્વરે કયા પુણ્યને આધારે આપ્યું હશે તેની ખબર નહોતી. હાથ જોડી છલછલ નેત્રે અમે ઊભા હતા. બ્રાહ્મણગોર ગરમ ચા આપી ગયા. અમે ઝરૂખે બેસી ગયા. હવે નીંદર કેવી?

પપ્પા બુલંદ સ્વરે ગંગાલહરી ગાઈ રહ્યા હતા.

`समृद्धं सौभाग्यं सकलवसुधाया किमाप तनमहेश्वर्य लीलाजनतिजगतः खंडपरशो

સમસ્ત પૃથ્વીનું અવર્ણનીય, સમૃદ્ધ, સૌભાગ્ય, ભગવાન વિષ્ણુએ સરળતાથી નિર્મેલા જગતનું મહેશ્વર્ય, દેવોનું મૂર્ત પુણ્ય અમારા અકલ્યાણને દૂર કરે.

વર્ષો વીતી ગયાં.

ઘન અંધકારમાં ભેખડ પર બેસી ચંડીપાઠનું ગાન કરતી પપ્પાની ધ્યાનસ્થ મુદ્રા આજે પણ આંખો બંધ કરું છું અને જોઈ શકું છું. જાન્હવીનો પ્રવાહ મારી ભીતર વહેવા લાગે છે, સંગમનાં અમીછાંટણાં મને ભીંજવે છે.

મારા જીવનમાં જ્યારે જ્યારે નિરાશાજનક પરિસ્થિતિ આવી ત્યારે અલકનંદા ભાગીરથીનાં સંગમગાન સાથે મારા પિતાનો ચંડીપાઠ ગાતો સ્વર મારા મનમાં ગુંજી ઊઠે છે અને હું ચેતનાનો સંચાર અનુભવું છું.

ઈશ્વર તો અઢળક આપે જ છે, પણ પૂર્ણ શ્રદ્ધાથી આપણે ખોબો ધરી ક્યાં ઊભા રહીએ છીએ!

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. અદ્ભુત. અવર્ણનીય. અનિર્વચનીય. આ પ્રકરણ વિશે કંઈ પણ કહેવા માટે ભાષા નથી મારી પાસે.