|

મુશ્કેલીમાં મહોરવું (લલિત નિબંધ) ~ રશ્મિ જાગીરદાર (અમેરિકા)

મેં બારણું ખોલ્યું અને અધખૂલા બારણાંમાથી આભલાએ અંદર ડોકિયું કર્યું. સાથે જ મધ્યાહ્ને તપ્ત સૂરજે, પૃથ્વી પર પાથરેલાં આકરા તડકાનાં પાથરણાંએ, મારી આંખોને દઝાડી. ઊના ઊના વાયરાય પાછળ કોઈ પડ્યું હોય એમ અંદર ધસી આવ્યા. આવા ગ્રીષ્મના વાયરા મને ગમતા! ખરેખર, આ વાયરા ગમતા હતા કે પછી…?

ખુલ્લાં બારણાંમાથી હું બહાર ગેલેરીમાં નીકળી અને બસ, મારે જે જોવું હતું તે નજર સમક્ષ હતું! આવા જ માહોલમાં એની મઝા રહેતી, કારણ કે આવા તડકામાં જ મને કોડિયામાં પ્રગટાવીને મૂકેલા અનેક દીવડાંઓનાં દર્શન થતાં. એના ફૂલડાં તમે ધ્યાનથી જોયાં છે?

બરાબર માટીના કોડિયાનાં માપનાં ફૂલો, એનો કેસરી રંગ જાણે માટીનાં કોડિયા! અને પીળો રંગ તેમાં ઝગમગી ઊઠેલી જ્યોત! આવામાં મંદ ગતિએ વાતા ગ્રીષ્મના વાયરાને લીધે, સામટાં બધાં પુષ્પો, દીવડાં બનીને ઝૂલવા લાગે અને એક સાથે સઘળી પીળી જ્યોત ટમટમવા લાગે! જાણે ટમટમતા તારલા ભર્યું નાનકડું નભ મારે આંગણે આવ્યું! મને મળવા સ્તો!

આવું મનોહર દૃશ્ય માણવા મારે ઉપર ગેલેરીમાં જ જવું પડે. લગભગ સત્તરેક ફૂટ ઊંચા ગુલમહોરમાં, નીચેના ભાગમાં તો માત્ર જાડું થડ જ દેખાય. ઝીણાં ઝીણાં લીલેરાં પાંદડાં અને કેસરીયા ફૂલોનો વૈભવ તો બધો ઉપર જ હોય. એને માણવા મારે પણ ઉપલા માળે જવું પડે. અને એ જોઈને મનમાં કોઈ મધુર સ્વરે પેલું ગીત ગણગણવા લાગે!

‘લાખ લાખ દીવડાંની આરતી ઉતારીયે, લાખ લાખ તોરણ બંધાય, આજ મારે આંગણિયે અવસર આનંદનો!’

જ્યારે બીજા વૃક્ષો ગ્રીષ્મની ગરમીમાં, ૪૫ની આસપાસનાં તાપમાનમાં, પોતાનો રંગ અને સુંદરતા ખોઈને હતાશ, હારેલા યોદ્ધા જેવા, ઊંધુ ઘાલીને ઉભા હોય, ત્યારે આ ગુલમહોર, તડકાની તો ઐસી તૈસી કરીને સોળે કળાએ ખીલી રહે છે. કોમળ વેલ, છોડ કે ફૂલો જ્યારે ઉનાળાના આકરા તડકામાં અસ્તિત્વ ખોવા મજબુર બને છે, ત્યારે ગુલમહોર, કાળઝાળ ઉનાળાની આગ ઓકતી ગરમીમાં પણ અડીખમ રહીને, પોતાના સુંદર, કેસરી અને પીળો રંગ ધરાવતા પુષ્પોના વૈભવને  વેરતો, જાણે ખુશીની લ્હાણી કરે છે. એ શું કહે છે?

એ સૂરજને કહે છે,
‘તારું કામ તપવાનું છે, તો મારું કામ ખીલવાનું છે. 
તારું કામ બળતો કેર વર્તાવવાનું છે, તો મારું કામ રંગીન સુંદરતા વેરવાનું છે.’ 

અને એ આપણને કહે છે:
‘આપણે મુશ્કેલીઓ વચ્ચે પણ અડગ રહેવાનું છે. બલ્કે, એ મુશ્કેલીને જ પ્રગતિનો પંથ બનાવવાની ક્ષમતા કેળવવાની છે.’ 

કવિઓ આ વાત સારી રીતે સમજી અને સમજાવી શકે છે એટલે જ કોઈ કવિએ કહ્યું છે કે,
‘ગુલમહોર શો ખીલી શકું,
એટલે જિંદગીભરનો ઉનાળો દીધો તેં?’

આવતી આફતોને આવકારવાનો (!) આ કેવો અનોખો અભિગમ! આ વાત સમજવા આપણે એક ઉદાહરણ જોઈશું તો સરળ થઈ પડશે. કોઈ બે કન્યાઓ છે. બંનેને સંગીતનો શોખ છે. શીખવાની ધૂન છે. આવડત પણ છે. અને એ ક્ષેત્રે ગજબનું કામ કરીને મહાન બનવાનું સ્વપ્ન પણ છે. આમાંની એક દીકરીને સંગીત શીખવા માટે, બધાં સાધનો ઉપલબ્ધ છે. ગુરુ પણ છે. સમય પણ છે. સપોર્ટ પણ સો ટકા છે. જ્યારે બીજી દીકરી જે એટલી જ કાબેલ છે પણ એને ન તો સંગીત શીખવાની રજા છે, ના કોઈ સાધનો ઉપલબ્ધ છે કે, ન કોઈ ગુરુ છે અને જ્યાં શીખવા માટેની રજા જ નથી તો સપોર્ટ તો હોય જ ક્યાંથી?

આ સંજોગોમાં દેખીતી રીતે જ લાગે કે, પહેલી છોકરી ખુબ આગળ આવી જશે, નામ કમાઈ લેશે. કિન્તુ, બધી વિપરીત પરિસ્થિતિને પાર કરીને, સંઘર્ષની સારણીથી શાર્પ બનતી જઈને, જો બીજી કન્યા પોતાનું સ્વપ્ન સિદ્ધ કરવા સુધી પહોંચે, તો તે એક આગવી રીતે ખીલી ઉઠશે. વિશ્વભરમાં છવાઈ જશે. એના માટે જોઈએ તો બસ, ઊંડી ઈચ્છા, તેને પૂર્ણ કરવાનું સ્વપ્ન, સંપૂર્ણ સમર્પિત થઈને કરેલા પ્રયાસો અને કામનું પેશન! પણ આ ઉપરાંત, એક અતિ આવશ્યક પરિબળ એટલે મુશ્કેલ પરિસ્થિતિને પરાસ્ત કરવાનું સાહસ! આટલું હોય પછી એને ખીલતાં કોણ રોકી શકે? ગરમીનો પારો ભલે ૪૫ બતાવે કે ૪૭, શું એ ગરમીની એટલી હેસિયત ખરી કે, એ ગુલમહોરને ખીલતાં રોકી શકે? બસ એવું જ.

સુરજદાદાને પરાસ્ત કરવાનો શ્રેય જો કોઈને આપવો હોય તો ગુલમહોરને જ અપાય. આવા ગુલમહોરને ગુરુપદે સ્થાપીને, જેમણે મુશ્કેલ માર્ગને, ફૂલોની સેજમાં પરિવર્તિત કરીને, પ્રગતિનો પંથ કંડાર્યો છે, તેવા વિરલાઓ આપણી આસપાસ જ છે. અને તે સૌ પણ ગુલમહોરની જેમ જ આપણને મુશ્કેલીમાં મહોરવાની હામ આપે છે.

~ રશ્મિ જાગીરદાર (અમેરિકા)

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. બહુ જ સરસ વાત કરી,રશ્મિબહેન…અભાવોની વચ્ચે નાની નાની તક મળે તો પણ વ્યક્તિ પોતાની પૂરી શક્તિ કામે લગાડે છે અને આગળ વધે છે…સરસ મુદ્દો લીધો તમે…