ગંગાથી રાવી સુધી (પાકિસ્તાન પ્રવાસ) (ભાગ – 4) ~ ઔકાત ~ પૂર્વી મોદી મલકાણ
શું કોઈએ તમને તમારી ઔકાત યાદ અપાવી છે? કે ક્યારેય ઔકાત કેટલી છે તે વિષે પૂછ્યું છે? આ ઔકાતની વાત આવે છે માણસોનાં અભિમાની કે નિરાભિમાની સ્વભાવ ઉપરથી. કારણ છે કે, કોઈ વ્યક્તિ કેટલો નિરાભિમાની હોય તે વિષે કેવી રીતે જાણવું?
સાચું કહું તો આ બહુ મુશ્કેલ કાર્ય છે આ. પણ એમ કહેવાય છે કે, તમે મોટા માણસો, કે ધનિક માણસો, કે કોઈ હોદ્દા પર બેસેલાં વ્યક્તિને એપોઈંટમેંટ વગર મળો, અથવા તેમની પાસેથી કોઈક અપેક્ષા રાખો, અથવા તેની સાથે સંબંધ રાખવા ઈચ્છો છો તો તે સમયે તેનાં વાણી, વ્યવહાર અને વર્તનથી જ ખ્યાલ આવી જાય છે કે, એ વ્યક્તિ અભિમાની છે કે નિરાભિમાની છે. આ બાબતે મને જે અનુભવ થયો તે થોડો અલગ જ હતો.
ત્રણ વર્ષ પહેલાં મારી પાકિસ્તાનની બીજી ટૂર થયેલી. ઇસ્લામાબાદની મેરિયેટ હોટેલમાં અમે ઉતરેલા હતાં.
તે સમયે ઇસ્લામાબાદમાં અહીં Multination ECO summit Conference ચાલી રહી હતી, જેને અટેન્ડ કરવાં મધ્ય એશિયાનાં વિવિધ દેશોમાંથી ઘણાં લોકો આવેલાં. હોટેલ અને હોટેલ લિફ્ટ માણસોનાં ટોળાંથી ઉભરાઇ હતી.
એક સમયે નીચે જવા માટે હું મારા ફ્લોર ઉપર લિફ્ટની રાહ જોઈ રહી હતી. બે-ત્રણવાર લિફ્ટ જવા દીધી કારણ કે ફૂલ હતી. ત્યારપછીની જે લિફ્ટ આવી તે પણ ઓલમોસ્ટ ફૂલ હતી, આથી વિચાર્યું કે આને ય જવા દઉં ને દાદરા વાટે નીચે ઉતરી જાઉં, પણ ત્યાં જ લિફ્ટમાં રહેલ એક ગેસ્ટે પોતાની આજુબાજુ જોયું કશીક ન સમજાય તેવી વાતો કરી, તે સાથે જ બે -પળમાં એક વ્યક્તિ તે લિફ્ટમાંથી બહાર આવી ગયો તે સાથે જ એક જગ્યા મારે માટે પણ થઈ ગઈ. કદાચ આવું થવું સહજ હતું તેમ મને પહેલાં લાગ્યું, પણ બીજા ટર્નમાં તે નીચે આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે, તે જગ્યા તેણે મારે માટે ખાલી કરેલી.
બ્રેકફાસ્ટ લઈ હું મારા રૂમ ઉપર જવા નીકળી ત્યારે તે વ્યક્તિ સાથે ફરી મેળાપ થયો જેની સાથે હું નીચે આવી હતી. આમ પાંચ-છ વાર અમે લિફ્ટમાં મળ્યાં તે દરમ્યાન તેમની સાથે એમનાં એકાદ -બે સાથી હોય, અન્ય લોકો હોય અને હું હોઉં.
આ પળો પછી જેટલી વાર અલપઝલપ હું તે મહાનુભાવને મળી, કે અમે એકબીજાને જોતાં, કે તેઓની નજર દૂરથી યે મારા પર પડતી ત્યારે તેઓ હાથ ઊંચો કરતાં….કે મંદ હસતાં…અને બદલામાં મારો પણ હાથ ઊંચો થતો કે થોડા જાણીતા ચહેરાનું હાસ્ય મારા મુખ ઉપર આવતું.
વારંવાર તેમની સાથે મળવાને કારણે અમારી આંખની ઓળખાણ એક પરિચય દેવા -આપવા સુધી પહોંચી. જેમાં અમારા બંનેની ભાષા અજાણી હતી, અને અમારી વાણીને કોમન ભાષામાં ફેરવવા માટે એક ઇન્ટરપ્રેટર ત્યાં હાજર હતો જે તેમનો સાથી હતો ને તેની સાથે રહી અમે એકબીજાને સમજવા પ્રયત્ન કરી રહ્યાં હતાં.
એક દિવસ તો અમારા બંનેની વિવિધ સફરનો થાક ઓછો કરવા અમે હોટેલનાં પૉર્ચ પર મૂકેલાં સ્મોલ ટેબલ ઉપર અમે ટી પાર્ટી કરી લીધી, જેમાં અમે બંને થોડા સમય માટે કોમન વિષય ઉપર વાત કરતાં રહ્યાં અને અંતે છૂટા પડ્યાં.
આ મુલાકાતમાં ખાસિયત એ હતી કે, તેમણે મને તેમનું નામ તો બતાવ્યું, તેઓ કોઈક મોટા માણસ હતાં તેનો ય મને સમય અનુસાર ખ્યાલ આવી ગયેલો પણ તેઓનો હોદ્દો કેટલો મોટો છે તે વિષે ઉલ્લેખ કરેલો ન હતો. ઘરે આવી બેગ ખાલી કરતી વખતે જે ચિઠ્ઠી પર તેમનું નામ લખ્યું હતું, તે હાથમાં આવી. તે સમયે સર્ચ કરતાં જાણ થઈ કે તેઓ ઉઝબેકિસ્તાન Uzbekistanનાં પ્રેસિડન્ટ હતાં અને તેમનું નામ હતું “Shavkat Miromonovich Mirziyoyev”

આજે ઉઝબેકિસ્તાનનાં પ્રેસીડન્ટને મળ્યાંનાં ત્રણ વર્ષ પછીની સાંજે રિપબ્લિક ભારત ન્યૂઝ જોઈ રહી છું, ન્યૂઝમાં બતાવી રહ્યાં છે કે, સમાજવાદી પાર્ટીનાં સાંસદ શ્રીમતી જયા બચ્ચન વોટ માંગવા ગયેલાં તે સમયે તેમને મળવા અને તેમની સાથે સેલ્ફી લેવા આવેલ એક વ્યક્તિને તેમણે ધક્કો મારી નીચે પછાડી દીધો…
હું આશ્ચર્યથી જોઈ રહી…ને વિચારવા લાગી કે ક્યાં પેલો એ વ્યક્તિ જેની સાથે કેવળ લિફ્ટમાં જતાં આવતા મારી ઓળખાણ થઈ હતી, વાતચીત કરી હતી અરે, ટી પાર્ટીયે કરી હતી અને તેય એકદમ સરળતાથી ને, આજે ક્યાં આ વ્યક્તિ જે આમ જનતા પાસેથી વોટ માંગવા તો ગઈ છે પણ તેનું વર્તન….
ને સાથે જ મારા મનમાં અમિતાભ બચ્ચનનાં થોડા દિવસ પહેલાં જ ટ્વિટર પર મૂકાયેલ બે ટ્વિટ્સ ગુંજી ગયાં (૧) ”लोग जिस तरह से हमारे साथ बिहेव करते है उसी से हमे पता चल जाता है की उसकी औकात क्या है।“, (૨) “वही लोग हमारे पास आते है जिसकी हमे छूने की औकात नहीं होती” ।।
© પૂર્વી મોદી મલકાણ. યુ.એસ. એ
purvimalkan@yahoo.com