નિયતિએ જ મારો જીવનપથ નક્કી કર્યો હતો (પ્રકરણ : 12) ~ આત્મકથા: પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજા

પ્રકરણ : 12

એક દિવસ નવાઈની ઘટના બની. પપ્પા કોઈ નવી વસ્તુ લઈ આવ્યા.

ગૅસનો ચૂલો, સાથે ગૅસનું સિલિન્ડર.

હા, નવાઈની જ ઘટના હતી. ત્યાં સુધી સાદી સમજ એવી હતી કે ગૅસ તો ફૅક્ટરી વગેરે જેવી જગ્યાએ જ હોયને! એ ગૅસનો બાટલો ઘરમાં રસોઈ માટે! એનો સ્ટવ પણ અજીબોગરીબ લાગે. એમાં ન ઘાસલેટ, નહીં કોલસા. પપ્પાએ કહ્યું, આ ખાસ તારા માટે નીલુ. બહુ વરસ ચૂલો ફૂંક્યો, પ્રાઇમસની રામાયણ કરી. હવે કોઈ ઝંઝટ નહીં. ગૅસ ચાલુ કરી, મેચબૉક્સથી પ્રગટાવ્યો. (ગૅસ લાઇટરનાં વર્ષો પછી દર્શન થયાં.) અને ચાનું પાણી મૂક્યું. અરે વાહ! તરત ચા! અમારા ઘરમાં બધાં જ ચાનાં રસિયાં. એમાં પપ્પા તો માત્ર ચા ભેર જ આખો દિવસ લખતા.

અમે બધાં જ ખુશખુશાલ. જોકે તોય વર્ષો સુધી સગડી અને પ્રાઇમસે રસોડાનો કબજો ન છોડ્યો. સિલિન્ડર ખલાસ થાય પછી ઘણા વખતે માંડ બીજું સિલિન્ડર આવે. એક જ સિલિન્ડર મળતું એટલે સાચવીને વાપરવું પડતું. પપ્પાએ બાને કેવી સરસ ગિફ્ટ આપી!

રેડીમેઇડ્સ ફૂડનાં પૅકેટ્સ બજારમાં હજી આવ્યા ન હતા. કમ ઓન, લૅટ્સ ગો ફોર ડિનર એ કહેવાનો સમય પણ નહોતો. આવ્યો. દુનિયાની જાતભાતની વાનગીઓથી અમે સદંતર અજાણ. આપણી ‘દેશી’ વાનગીઓ ઘરે જ બનાવતા અને પોસ્ટકાર્ડ લખી સગાવહાલાં, મિત્રોને ભાવભર્યુ આમંત્રણ આપી ઘરે જમવા બોલાવવાની પરંપરા અકબંધ હતી.

પોસ્ટકાર્ડ વોઝ ધ ઓન્લી કિંગ ઑફ કૉમ્યુનિકેશન્સ. એવાં આમંત્રણ અરસપરસ અમને પણ મળતાં. સાથે મળી દૂધપાક-પૂરી ઝાપટી આખો દિવસ સુખદુઃખની વાતો કરતા.

વૅકેશનમાં બહારગામ સગાંસંબંધીઓને ત્યાં અગાઉથી પોસ્ટકાર્ડ લખી રહેવા જવાનો રિવાજ પણ જળવાયો હતો. ઘર નાનુંમોટું હોય, સગવડોઅભાવો વચ્ચે ભળી જઈને પણ મહેમાનો સુખેથી રહેતા.

ગૂર્જર ગ્રંથરત્ન પ્રકાશનના શંભુકાકા-ગોવિંદકાકા સાથે પપ્પાને વર્ષો જૂનો મૈત્રી સંબંધ. અમે ઘણીવાર એમને ત્યાં વૅકેશનમાં ગયાં છીએ. કાળુપુરમાં એમનો વિશાળ બંગલો, ત્યાં જ પુસ્તકોનું પણ ગોડાઉન. અમને બાળકોને જલસો પડી જતો. ઓહો ઢગલાબંધ પુસ્તકો! કેસરફોઈ અમને બાળકોને કેરી ઘોળવા બેસાડી દેતા. પછી પંગત પડે.

પંગતમાં કોણ કોણ હોય! શંભુકાકા-ગોવિંદકાકાની બેલડી તો હોય, પપ્પા, પ્રકાશક આર.આર. શેઠનાં ભગતભાઈના પિતા ભૂરાભાઈ, જયભિખ્ખુ, ધૂમકેતુ, મનુભાઈ જોધાણી…

અમે દોડી દોડીને પીરસીએ. ‘નવભારત’ના ધનજીભાઈ, ભોગીભાઈ એમનો પરિચય પણ અહીંથી જ.

ભોગીભાઈ, પ્રાગજીભાઈ અને ધનજીભાઈ

આ સહુ જમે સાથે વાતોની, હસાહસની પણ જયાફત. હોંસાતોંસી કે વેપારધંધાની વાત જ નહીં! એ લોકોનું ગ્રુપ હતું, ‘ચા-ઘર’. શંભુકાકાની દુકાનને મેડે મળતા, ‘ચંદ્રવિલાસ’ના ફાફડાની ઉજાણી અને જાતભાતની વાતો થાય, એની રોજનીશી પણ લખાઈ હતી અને પુસ્તક પણ પ્રગટ થયું હતું, અમદાવાદમાં મેઘાણી હોય તો એ પણ એમાં સામેલ થતા.

અમે જ્યારે ફરી મુંબઈ, ઘાટકોપર આવ્યા ત્યારે એ કપરાકાળમાં શંભુકાકા પપ્પાની પડખે ઊભા રહ્યા હતા. કેટલી ચોપડી છપાઈ એનો હિસાબકિતાબ નહીં, દર મહિને મનીઑર્ડર આવી જતો. બૅંકિંગનો મહિમા ન હતો. એ સિવાય પપ્પાની કૉલમ, લેખ, રેડિયો વગેરેનાં નાના મનીઑર્ડર આવતા હશે, એમાંથી મમ્મી સાંધજોડ કરી ઘર ચલાવતી હશે.

એક પ્રસંગ બરાબર યાદ છે. સ્કૂલમાંથી કશેક ટ્રીપ જવાની હતી. 25 રૂપિયા ભરવાના હતા. મને ઘરનું અર્થશાસ્ત્ર હજી ખબર નહોતું. મારા ક્લાસમાંથી ઘણી છોકરીઓએ નામ લખાવ્યાં હતાં. પપ્પા બારી પાસે આરામખુરશીમાં બેસી લખવામાં વ્યસ્ત હતા. સ્કૂલે જતાં હું પાસે ગઈ, પપ્પા 25 રૂપિયા આપોને! ટ્રીપનાં ભરવાનાં છે. રસ્તાની પેલે પારથી લોકલ ટ્રેનો ધમાધમ દોડતી હતી. પપ્પા નીચું જોઈ લખતા રહ્યા. ઘણીવાર લખવામાં એવાં પરોવાયેલા હોય કે એમનું ધ્યાન જ ન હોય. મને થયું પપ્પાને ખ્યાલ નથી. મેં ફરી કહ્યું, પપ્પા 25 રૂપિયા આપોને! એમણે ઊંચુ જોયું, મારી સામે નજર કરી, સહજ ડોકું ધુણાવી તરત નીચું જોઈ લખતા રહ્યા. નિઃશબ્દ વ્યવહાર ક્યારેક કેવો બોલકો હોય છે! એ વખતે મને શી લાગણી થઈ હતી યાદ નથી. થોડીવાર ઊભી રહી હું શાળાએ ચાલી ગઈ.

વર્ષો વીત્યાં. લગ્ન કર્યાં. બાળકો થયાં. એક વાર અમારા જીવનમાં પણ ખૂબ નઠારો સમય આવ્યો. ત્યારે અતીતનાં એ ભૂખંડ પર હું સ્તબ્ધ ઊભી રહી હતી અને પપ્પા મારી સામે નજર કરી નીચું જોઈ ગયા હતા એ નજર મને સોંસરવી વીંધી ગઈ હતી.
* * *
જાણે અજાણે મનમાં ઝમીને બધું સંચિત થતું રહે છે, અદૃશ્ય હાથો ટીપી ટીપીને સંસ્કારપિંડ ઘડે છે. ચાકડો અવાજ વિના ઘૂમતો રહે છે.

રાજારાણીનાં ભવ્ય મહાલયોમાં જેની બેઠકઊઠક, વિશાળ ઘર અને શાળામાં અમારી સંતાકૂકડી, સાગસિસમનાં ઢોલિયામાં પોઢણ, શોફર ડ્રીવન કાર, એવા અમે નાના ઘરમાં, રાચરચીલા વિના રહીએ છીએ. આર્થિક ભીંસ તોય આશ્ચર્ય કે શ્વાસ નથી રૂંધાતો! મમ્મી અમારા સહુની ભાવતી વાનગી હોંશથી જમાડે છે.

મમ્મીઓ કયો જાદુમંતર જાણતી હશે!

ઊલટાનું સાંકડમોકડ સાથે રહી અમારા ભાઈ બહેનોની લાગણીગાંઠ વધુ મજબૂત બની હતી. હાથ પકડી હર્ડલ રેસની જેમ અનેક અવરોધો અમે કૂદી ગયા છીએ. પછીથી સહુનો અલગ સંસાર થયો, દૂર રહેવાનું બન્યું. કોઈવાર વિચારધારા પણ અલગ પણ એકમેકનાં જીવનમાં અમે ચંચૂપાત ન કર્યો. ન ટીકા, ન શિખામણ. એકબીજાનાં ઘરે જઈએ, સાથે રહીએ ત્યારે સેલિબ્રેશન ટાઇમ. બિંદુબહેનની મિમિક્રી, ભાઈની જોક્સ. તને સાંભરે રે… બસ જલસા. છુટ્ટા પડીએ ત્યારે રડી પડાય, જાણે ફરી કન્યાવિદાય!

પપ્પાનો વણલખ્યો નિયમ. ઘરનાં બધાં કામ સહિયારા. પપ્પા અને ભાઈ પણ ઘરકામમાં મદદ કરે. પુત્ર-પુત્રીઓ વચ્ચે ઝીણી અદૃશ્ય વાળ જેટલી રેખાનોય ભેદ નહીં. ત્રણ બહેનોનો એક ભાઈ, પણ સહુ સરખાં.

રોજ રાત્રે પથારી પાથરવી, સવારે ગાદલાં-ગોદડાં સરસ રીતે વાળીને ડામચિયો ગોઠવવો એ બહુ મોટું કામ. એ કામનો હવાલો પપ્પા અને ભાઈનો. રાત્રે ઘરમાં રસોડું સમેટાય પછી શરૂ થાય પથારી અભિયાન. મમ્મીની ખાસ સૂચના, ગાદલાં કાળજીથી નીચે મૂકવાના, ખોલવાના, એક પણ કરચલી વિના સફેદ ઓછાડ પાથરવો, ઓઢવાની ચાદરો ગડી કરી પછી ગોઠવવાની, ઓશીકાની ખોળ વારંવાર બદલવી. પછી નીચે ભોંય પર જોડાજોડ સૂતાં સૂતાં બિનાકા ગીતમાલા સાંભળવી, ઓહ! જીવનનો કેવો અપૂર્વ લહાવો! રીવર્સ ગિયરમાં વહેલી સવારે આ બધી ક્રિયા ફરીથી.

અમારા ઘરમાં ફૅમિનીઝમ ચૂપચાપ અમારા જન્મથીયે બહુ વહેલા આવી વસી ગયેલું.
* * *
વિજય ઍસ્ટેટમાં અમને એક બીજો અપૂર્વ લહાવો મળેલો.

(વિષ્ણુકુમાર વ્યાસ) વિષ્ણુભાઈના ઘરનાં પાછલા ભાગમાં અને અમારા ઘરની સામે જ ખુલ્લું ચોગાન. એમાં નાનાં ઘરો. લગભગ 1957ની આસપાસ સુધી, કોઈ ગામડેથી ભવાઈ આવતી. અસ્સલની ભવાઈ. હા, મુંબઈમાં ભવાઈ અને આ વાડીમાં એના ધામા. પુરુષો સ્ત્રી પાત્ર ભજવે. વહેલાં જમી સહુ ગોઠવાઈ જાય. આ ગ્રુપનો મુખ્ય નાટક પાતળિયો પરમાર, નાચે અને ગાય સારું. અમારી વાડીમાં એક પ્રૌઢ વિધુર યુવાન પુત્રી સાથે રહેતા. ભારે શોખીન. એમણે આ ગ્રુપને અમારા ચોગાનમાં પણ આમંત્રણ આપ્યું અને પેલા પુરુષ નાયિકા પાસે ડાન્સ કરાવવા પૈસા ઉડાવ્યા હતા એટલું યાદ છે.

અત્યાર સુધી વૃક્ષોનો કોઈ પરિચય જ નહીં, જામનગરમાં સોલેરિયમવાળા ઘરમાં કમ્પાઉન્ડમાં બે લીમડાનાં વૃક્ષ અને અહીં સરસ મજાનું એક ઘટાદાર જાંબુડાનું ઝાડ. બરાબર અમારા દસ નં. કોટેજની જ સામે. સાવ નજીક. એની ફરતે સિમેન્ટનો ઓટલો. અમે છોકરીઓ ત્યાં અડ્ડો જમાવીએ. ખુલ્લું કમ્પાઉન્ડ, રાત્રિની નીરવતા અને તારાઓથી ઝગમગતું આકાશ. અમે પાડીએ અંતાક્ષરીનો ખેલ. સૂર-પંખીઓ વૃક્ષમાં કલબલી ઊઠતા. જાંબુડો એટલો વહાલો! બથ ભરવાનું મન થાય.

આ જાંબુડા નીચે વરસમાં બેત્રણ વાર મમ્મી અભેરાઈનાં પિત્તળનાં વાસણો ઉટકવાનો ખાસ કાર્યક્રમ રાખતી. પપ્પા કે ભાઈ વાસણો ઉતારી દેતા જાય, મમ્મી આંબલીથી ઝગમગતાં કરે. અમે બહેનો ધોઈએ, સૂકવીએ ફરી અભેરાઈએ ચડે. રસોડું તો જાણે સોને મઢ્યું!

અહીં જ કલાઈવાળો કોલસાની ભઠ્ઠી કરી, પિત્તળનાં વાસણોને કલાઈ કરે. મમ્મી સામે પગથિયે બેસે. સુખદુઃખની વાતો કરતા વાસણો અંદરથી રૂપાના થાય અને બહારથી કંચનકાયા!

આજે થાય છે, શહેર અને ગામ વચ્ચે ત્યારે મોટી ખાઈ નહોતી. શહેરોમાં પણ કેવું ગ્રામ્યજીવન હતું! પછીથી ગામડામાં શહેરીજીવનનો પ્રવેશ થયો, પણ ત્યારે તો અમારો પગ દહીં અને દૂધમાં.

આ જ જાંબુડાની ડાળીએ શરદપૂર્ણિમાની રાત્રિએ મમ્મી ખડીસાકર પિત્તળનાં કૂંજામાં ભરી ડાળીએ બાંધતી. પૂનમની ચાંદનીનું અમૃત પીને સાકર સંજીવની બની જતી. ઉનાળામાં મમ્મી રાત્રે કાળી દ્રાક્ષ, ધાણા અને આ સાકરનો ગાંગડો નાંખી પાણીમાં પલાળતી. સવારે એનું મીઠું શરબત બની જતું. ભરબપોરે અમે બહાર જતા હોઈએ ત્યારે મમ્મી અમને પિવડાવતી, પછી તો લૂ કેવી ને વાત કેવી!

પછીથી નાન્હાલાલનાં કાવ્યો ભણતાં મને આ કાવ્ય ખૂબ ગમતું :
ચંદ્રીએ અમૃત મોકલ્યા રે બેન
ફૂલડાં કટોરી ગૂંથી લાવ
જગમાલણી રે બેન
અમૃત અંજલિમાં નહીં ઝીલું રે લોલ.

આજે પણ શરદપૂર્ણિમાએ મમ્મીની એ અમૃતકટોરી યાદ આવે છે. જીવનમાં નાની નાની વાતો પણ આપણાં લાગણીતંત્રને કેવું રણઝણતું કરી મૂકે છે!
* * *
હતા તો અમે ઘાટકોપર પાંચેક વર્ષ પણ એ રહેવાસે અમને જીવનભરનું ભાથું બંધાવી આપ્યું હતું, અમે ભાઈબહેનો તપ્યાં, ટિપાયાં, ઘડાયા. આકાર મળ્યો. કાશ્મીરથી કન્યાકુમારી જેટલું અંતર અમે અનેક વાર ચાલતા કાપ્યું. અમારી લાઇફલાઇન લોકલ.

એક દિવસ કોઈ કામસર પપ્પા ભરબપોરે મુંબઈ જવા નીકળ્યા. સ્ટેશને ટિકિટ લીધી. લોકલ આવી. એમાં પગ મૂક્યો કે ચાલુ થઈ ગઈ.

હજી આજે પણ આ રીતે લોકલમાં ખૂબ અકસ્માતો થાય છે, રોજનો મૃત્યુઆંક પ્રગટ થાય છે. કોઈ ઘવાય, કોઈ અપંગ બની જાય.

પપ્પા લોકલ અને પ્લૅટફૉર્મની વચ્ચેનાં ગાળામાં સરકી પડીને… પછી શું થયું હોત એ કલ્પના જ અસહ્ય છે. પણ ક્ષણાર્ધમાં પપ્પાએ દાંડાને લાત મારી, દાંડો છોડી દીધો અને પ્લૅટફૉર્મ પર ફંગોળાઈ ગયા જાતે જ અને ટ્રેન ચાલી ગઈ.

આ બીજી મૃત્યુઘાત.

ખભેથી માંસનો લોચો નીકળી આવ્યો અને ઝબ્બો લોહીથી રંગાયો. પછડાટનો મૂઢ માર પણ હશે. ખરે બપોરે એવી સ્થિતિમાં, સ્ટેશનથી ચાલતા ઘરે આવ્યા. એક ઊંહકારોય નહીં, એવા જ ટટ્ટાર. મમ્મી રડી પડી. અમે હેબતાઈ ગયાં. મેં ડ્રેસિંગ કર્યું. (બિંદુબહેને મારું નામ સર્વિસ પાડેલું.)

મમ્મી કેટલી ના પાડે પણ પપ્પા માને! ના. નીલુ, હું ડરીને આજે ઘરે બેસી જઈશ તો મનમાં કાયમ ભય રહી જશે. હું કાયર બની, પોચી છાતીએ કેમ જીવી શકું! તું ઓળખે છે ને મને! ઝબ્બો બદલ્યો અને પપ્પા તો સડસડાટ ચાલ્યા. સૂઝી ગયેલો પાટો બાંધેલો હાથ, પગે પણ વાગેલું અને ભરબપોરે સ્ટેશનનો લાંબો રસ્તો કાપી લોકલમાં મુંબઈ ગયા તે છેક સાંજે પાછા ફર્યા.

ત્યાં સુધી મમ્મી ઉચાટ જીવે. મમ્મી અને ભાઈ પપ્પાને સાંજે ડૉક્ટરને ત્યાં લઈ ગયા. ડૉક્ટર તો પપ્પાને ઓળખે, હસીને કહ્યું : સારું થયું પકડી લાવ્યા. આચાર્યસાહેબ આવત નહીં. પપ્પાનું લખવાનું, ‘રંગમંચ’, ‘રંગભૂમિ’ લોકલ સફર કશું જ અટક્યું નહીં.

એક જાંબાઝ પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટનો એવો જ હિંમતબાજ પુત્ર જે નાની વયે ઘન જંગલમાં ડાકુઓનાં ધિંગાણામાં સામેલ હોય તેને માટે અકસ્માતની શી વિસાત!
* * *
જ્યારે સામાનનાં ઢગલાં વચ્ચે ઊભા રહીને, ગ્લેમર વિહોણું અને અગવડોવાળું ઘાટકોપર અને આ વિજય ઍસ્ટેટ કૉલોની જોઈ હતી ત્યારે પ્રથમ દર્શને જ અમે બહેનો ખરેખર ખૂબ નિરાશ થઈ હતી.

પણ એ જ ઘરે, ધીમે ધીમે અમારા દૂઝતા જખમો પર શીતળ લેપ કર્યો. ગાઢ ધુમ્મસમાં જ્યારે દિશાઓ વિલીન થઈ હતી ત્યારે દીવો ધરી અમને નવજીવનની કેડી ચીંધી હતી. આમ પણ અમે સગાંવહાલાં વિના મોટા થયા હતા એવે વખતે એ ઘરે અમને સ્વજન જેવી હૂંફ આપી હતી.

ઘાટકોપર અને વિજય ઍસ્ટેટ બંનેએ અમને ખૂબ પરિશ્રમ કરાવ્યો. ક્યારેક થાકીને લોથ થઈને છેક છેવાડેનાં ઘરે પહોંચીયે ત્યારે ઢગલો થઈ જઈએ. કોથમીરનું પૂંખડું કે બાવળનું દાતણ લેવા એવરેસ્ટ આરોહણ જેવા પાઇપલાઇનનાં પગથિયાં ચઢો પછી લાંબી ગલીઓ વટાવો ત્યારે બજાર આવે.

મમ્મીએ ઘરકામ, રસોઈ, બજાર, મહિલામંડળ એ બધો વેંત શી રીતે ઉતાર્યો હશે! થેલાઓ ઊંચકીને કેટલું ચાલી અને ચઢઊતર કરી હશે! અમે સહુ અમારી દોડાદોડમાં એટલે અમનેય સાચવ્યા. જનનીની જોડ અમે ગાઈએ ત્યારે એ હસી પડતી.
* * *
બાપુશાહી ગાડીમાં હું માંડ મેટ્રિક-અગ્યાર ધોરણ સુધી પહોંચી જ ગઈ. પણ મારી નાટકની ગાડી પંજાબ મેલ! ફાસ્ટ ટ્રેક પર.

શાળાના છેલ્લા વર્ષમાં આવી શ્વાસ હેઠે મૂક્યો. ભૂમિતિ, એલ્જીબ્રા વગેરે એના સાથીઓને લઈ ગણિતે મારા સિલેબસમાંથી માનભરી વિદાય લીધી. ભલું થજો એ સમયની શિક્ષણપ્રથાનું કે ગણિતનાં વિકલ્પે સિવિક્સ ઍડ્‌મિનિસ્ટ્રેશન હતું. શાળામાં ફિઝિક્સ કૅમિસ્ટ્રી વિષય જ નહોતા એટલે ભણવાનું સરળ.

પણ એક મોટી તકલીફ, અંગ્રેજી બહુ કવરાવે. જામનગર, રાજકોટ સંપૂર્ણ ગુજરાતીભાષી. બોલચાલમાં અને અભ્યાસમાં પણ અંગ્રેજી તો કાનેય ક્યાંથી પડે! જ્યારે અહીં અભ્યાસમાં અંગ્રેજી, જ્યાં અમે અધવચ્ચેથી આવી ચડ્યા હતા. હવે! ટેક્સબુક જોઈ રડું રડું થાઉં, પપ્પાએ તોડ કાઢ્યો, લો આ આગાથા અને પેરીમેસન વાંચો. રહસ્યમાં ગૂંથાશો કે આપોઆપ શબ્દનો અર્થ આવડી જશે. ડિક્સનેરીનીએ જરૂર નહીં. મર્ડર મિસ્ટરીની ત્યારથી મોહિની લાગી. ભાઈએ શેરલોક હોમ્સનાં અંગ્રેજી પુસ્તકો અને ગુજરાતી અનુવાદો આપ્યા.

અમે બે બહેનો લગે રહો મુન્નાભાઈ. ઘરમાં કે બહાર જ્યાં જાઉં, આગાથામેમ મારી સાથે ને સાથે. એમણે વળી મુંબઈની લોકલમાં, લેડીઝનાં ભીડભર્યા કમ્પાર્ટમૅન્ટમાં ક્યારે મુસાફરી કરી હોય! પેરીમેશન તો ટોલ, ડાર્ક એન્ડ હેન્ડસમ. એનાં પ્રેમમાં ઊંધે કાંધ ન પડું તો જ નવાઈ.

પપ્પાનો કીમિયો કામ કરતો હતો. અંગ્રેજી બોલવાનો તૂટ્યોફૂટ્યો આત્મવિશ્વાસ આવ્યો. શાળામાં સરસ માર્ક્સ આવવા લાગ્યા. કૉલેજમાં તો અંગ્રેજી માધ્યમ, સાઉથ ઇન્ડિયન વિદ્યાર્થિનીઓ સાથે મિત્રતા. અંગ્રેજીનો ડર નીકળી ગયો. પી. જી. વુડ્સહાઉસ તો અમારા ફૅમિલી ઓથર. અમારા સહુનાં ખૂબ ફેવરીટ. પપ્પા કહેતા જીવનમાં સેન્સ ઑફ હ્યુમર હોવી જ જોઈએ. જીવનનાં કોયડા ઉકેલવાની એ ચાવી પણ છે.

શિવાની સાથે પહેલીવાર લંડન ગઈ. મેં કહ્યું : બધું પછી જોઈશું પહેલા આગાથાજીને મળવું છે. અમે વેક્સ મ્યુઝિયમ ગયા અને મેં આગાથા, ગાંધીજી સાથે ફોટો પડાવ્યો.

આગાથા ક્રિસ્ટી સાથે વેક્સ મ્યુઝિયમમાં

મેરીલીન મનરોની સાથે પણ ફોટો પડાવ્યો. એની જીવનકથની પરથી મેં નવલકથા લખી છે ‘આનંદધારા’.

મેરીલીન મનરો સાથે વેક્સ મ્યુઝિયમમાં હું અને શિવાની

શેરલોક હોમ્સને તો ભુલાય જ કેમ! આજેય મારી પાસે ભાઈ અને મહેન્દ્રએ આપેલા વૉલ્યૂમ છે. અમે રર, બેકર સ્ટ્રીટ હોમ્સને ઘરે જ ગયા. (આજે પણ રોજ હોમ્સનાં નામ પર ઢગલાબંધ પત્રો આવે છે.) બંનેને કહ્યું, બીગ થૅંક્યુ બીઇંગ પાર્ટ ઑફ માય લાઇફ.

શેરલોક હોમ્સના મ્યુઝિયમમાં હું અને શિવાની

* * *
શાળાની સાંકડી નેળમાંથી મારું ગાડું નીકળી જ ગયું. મેટ્રિકની માટલી ફોડી.

રૂઇયા કૉલેજ

બહેન ઈલા રૂઇયા કૉલેજમાં આર્ટ્સમાં હતી એટલે હું પણ એની પાછળ રૂઇયામાં, આર્ટ્સમાં ગઈ. આમ પણ ઘાટકોપર કે આસપાસ કૉલેજ નહીં. વિદ્યાવિહાર કૅમ્પસને હજી વાર હતી. હું ઑફિસમાં ગઈ, વરસની સો, દોઢસો રૂપિયા ફી ભરી કે લો, થઈ ગયું ઍડમિશન. વર્ષ 1957.

રોજની ભીડભરી લોકલયાત્રામાં હું સામેલ થઈ ગઈ.

સવારે સાત પાંચની લોકલ. હું, ઈલા અને ભાઈ એ પકડીએ. ‘પકડવું’ એટલે શું? સ્ટેશનની ખીચોખીચ ગિરદીમાંથી માત્ર બે જ મિનિટમાં કમ્પાર્ટમેન્ટમાં શી રીતે ઠલવાવું ઉપર હેન્ડલ પકડી કઈ રીતે બૅલેન્સ જાળવી ઊભા રહેવું, એ કળા માત્ર મુંબઈગરાને જ વરી છે.

વહેલી સવારની લોકલ, સ્ટેશનનો લાંબો રસ્તો એટલે વહેલી સવારથી, પાંચ વાગ્યાથી ઘરમાં અમે બંબાવાળાઓની જેમ ભાગંભાગ કરીએ. સામસામા નાના ઘરમાં ભટકાઈએ. મમ્મી ચા-દૂધ વગેરે તૈયાર કરે, પપ્પા પ્રાઇમસ પર નહાવાનું અમને ગરમ પાણી કરી આપે. (આજ સુધી ત્રાંબાના મોટા બંબામાં ધગધગતું પાણી મળતું.) હજી ગિઝરે દર્શન દીધાં ન હતાં. પપ્પા બાલદીમાં ગરમ પાણી કાઢી આપે, કોઈવાર અમે એકલા હોઈએ તો અંધારામાં છેક સ્ટેશને મૂકવા પણ આવે.

અમે અડધાં દોડતાં, હાંફતાં સ્ટેશને પહોંચીયે. સ્ટેશન વિદ્યાર્થીઓથી હકડેઠઠ. પ્લૅટફૉર્મની ગિરદીમાં અમે યુદ્ધમેદાનની જેમ ઝુકાવીએ ત્યાં બૂમરાણ થાય. ટ્રેન સામેનાં પ્લૅટફૉર્મ પર આવશે. હડૂડૂડૂ કરતાં ઢાળ ચડી ઉપર બ્રિજ પર ઊભા રહેવાનું, દૂરથી જે પ્લૅટફૉર્મ પર લોકલ આવતી દેખાય કે એ તરફ ઊતરવાનું. થોડા વખતમાં જ આ અઘરી કળા પર માસ્ટરી આવી ગઈ.

ત્યારે કૉલેજમાં ચાર વર્ષ ડિગ્રી માટે. અમે બે બહેનો પાક્કા મુંબઈગરા બની ગયાં હતાં. શાળામાં હતી ત્યારે ઘાટકોપરથી ગ્રાંટરોડની ‘રંગભૂમિ’ની મુસાફરી અવારનવાર કરી હતી.

પણ કૉલેજનાં પહેલા દિવસે લોકલમાં ચડી ત્યારે મને સહેજે ખબર ન હતી કે આ લોકલ મને જીવનનાં અપરિચિત સ્ટેશને લઈ જઈ રહી છે, કોઈ અલગ જ દિશામાં!
* * *
અત્યાર સુધી હું ઘરનાં રક્ષાકવચમાં હતી અને આમ પણ હજી આસપાસનું વાતાવરણ પરંપરાગત હતું. ‘રંગભૂમિ’ અને ‘રંગમંચ’માં પણ ગુરુજીની દીકરીની આઇડેન્ટીટીનાં કમ્ફર્ટ ઝોનમાં હતી. વયમાં નાની હતી, પણ તેરચૌદની વયે વયસ્ક સ્ત્રી અને માતાની ભૂમિકાઓ કરી હતી.

પણ સોળસત્તરની ઉંમરે કૉલેજમાં પ્રવેશ કર્યો ત્યારે એક વિશાળ દુનિયાનાં દ્વાર ખૂલી રહ્યા હતા મારે માટે અને એમાં મારે એકલીએ જ પ્રવેશ કરવાનો હતો. મારી આઇડેન્ટીટીનાં બિલ્લા વિના. કૉલેજમાં ગુજરાતી વિદ્યાર્થીઓ તો ઘણા હતા પણ જુદી જુદી જાતિ, ધર્મ, ભાષાનો પણ ઘણો પ્રભાવ હતો. એક પંચરંગી વાતાવરણમાં હું પણ એક સામાન્ય વિદ્યાર્થિની, વર્ષા આચાર્ય. ભલા, અહીં તો મને કોણ ઓળખે!

પણ મને ખબર ન હતી, કેટલાક અજાણ્યા વિદ્યાર્થીઓ મારા કૉલેજપ્રવેશની આતુરતાથી પ્રતિક્ષા કરતા હતા! એ હતી રૂઇયા કૉલેજની નાટ્યટીમ. પન્ના મોદી, નવીન પારેખ, (લૉર્ડ) મેઘનાદ દેસાઈ, હરીશ ‘નર્મદ’ ત્રિવેદી, રીંડાણી બધા જ મારાથી વયમાં, અભ્યાસનાં વર્ષોમાં આગળ અને અનુભવમાં પણ નાટકનાં રસિયા. એ સમયે ભારતીય વિદ્યાભવનની અતિ પ્રસિદ્ધ આંતરકૉલેજ સ્પર્ધાનો સિતારો સાતમા આસમાનમાં ઝળાંહળાં. જાણે જીવનમરણનો ખેલ!

રૂઇયાની નાટકની ટીમ આ સ્પર્ધામાં ઊતરવા થનગનતી હતી. વિશ્વનાં શ્રેષ્ઠ નાટકોમાં જેની ગણના થાય છે તે ઇબ્સનમાં પ્રખ્યાત ‘ડૉલ્સહાઉસ’ પરથી ‘ઢીંગલીઘર’ની એકાંકી સ્ક્રીપ્ટ તૈયાર કરી હતી મેઘનાદે. સ્ક્રીપ્ટ અફલાતૂન હતી, પણ ખાટલે મોટી ખોટ કે ચારેય પાયા અદૃશ્ય! મુખ્ય પાત્ર ‘ઢીંગલી’નું – નોરાનું. એ દમદાર પાત્ર માટે કૉલેજની થોડી છોકરીઓની ઑડિશન પણ લીધી હતી, પણ નોરાનું યોગ્ય પાત્ર મળે નહીં.

આ ખૂફિયા ટીમે જેમ્સ બોન્ડની અદાથી શોધી કાઢ્યું કે વર્ષા આચાર્યએ આ કૉલેજમાં ઍડમિશન લીધું છે. જેણે બબ્બે નાટ્યસંસ્થામાં એકાંકી-ત્રિઅંકી કર્યા છે તે પણ તખ્તાનાં નામી કલાકારોની સાથે. તખ્તાનાં આટલા આટલા અનુભવની ગુજરાતી યુવતી કૉલેજમાં ક્યાંથી હોય!

અણધારી રીતે મને ખબર પણ ન હતી અને દુનિયાનાં એક શ્રેષ્ઠ નાટકની ડ્રીમ ભૂમિકા મારે ભાગે આવી, સામેથી.

નવીન પારેખ સાથે, નાટક: ‘ઢીંગલીઘર’)

જાણે નિયતિએ જ મારો જીવનપથ નક્કી કર્યો હતો. આમ કૉલેજપ્રવેશ સાથે જ એક જુદી જ દુનિયાનાં દ્વાર મારે માટે ખૂલ્યા.

હું અધીરાઈથી એના ઉંબરે ઊભી હતી, પહેલું કદમ માંડવાની પ્રતિક્ષામાં.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

4 Comments

  1. જૂનું મુંબઈ તમારી નજરે વાંચવાની ખૂબ મજા આવે છે. આંખ સમક્ષ આખું દ્રશ્ય ખડું થઈ જાયછે..

  2. વર્ષાબેન, આ પ્રકરણમાં તો મને એમ લાગ્યું કે હું પોતે જ ઘાટકોપરની વિજય એસ્ટેટમાં જીવી રહી છું, એ સમય! રૂઈયા કોલેજ અને એ સમયની લોકલ, આંતર કોલેજની નાટ્યસ્પર્ધામાં પણ હું ત્યાં જ હતી એવું લાગ્યું! સાચે જ, આ વાંચતાં તો દેશકાળના બધાં જ અંતર પણ ભૂંસાઈ ગયા!! વર્ષાબેન આપની અદ્ભૂત કલમના કમાલ ને શતશત વંદન.

  3. વર્ષાબેનની આત્મકથા,કુટુંબકથા કે પછી નવલકથા……..?ગમે તે નામ આપો,એમણે ઉલ્લેખ કરેલ આગાથા ક્રિસ્ટી કે પેરી મેસનની રહસ્યકથા જેવી જ આતુરતા,ઉત્કંઠા અને અધીરતા દરેક પ્રકરણમાં નિર્માણ કરે છે. સલામ છે આખા આચાર્ય પરિવારને. જિંદગી ઝિંદાદિલીકા નામ હૈ.