ત્રણ ગઝલ ~ બિનિતા પુરોહિત (મુંબઈ) ~ 1. એવું નથી કે તારી યાદ ~ 2. પણ છું ~ 3. મને વળગી પડી
૧. નથી
એવું નથી કે તારી યાદ આવતી નથી
પહેલાની જેમ એ હવે તડપાવતી નથી
એવું નથી કે આંખને છલકાવતી નથી
મારી તરસને લાગણી લલચાવતી નથી
તારાપણું તું ક્યાંય કદી છોડતો નથી
બસ આજ તારી ટેવ મને ફાવતી નથી
રમતાં તને જ આવડે છે એમ ના સમજ
સારું છે કોઈ દાવ હું અજમાવતી નથી
પાંપણના કિલ્લા બાંધવાથી ફેર શું પડે?
અશ્રુને કોઈ સરહદો અટકાવતી નથી
૨. પણ છું
ફૂલ પણ છું ને હું કળી પણ છું
પાનખરમાં સતત બળી પણ છું
ક્યાંક પથ્થર બનીને જીવી છું
મીણની જેમ ઓગળી પણ છું
હું પવન છું ને હું જ ચિનગારી
આગ ચાપું દીવાસળી પણ છું
સૂર્યની જેમ હું પ્રગટ થઇ છું
સાંજની જેમ હું ઢળી પણ છું
એ હજુ પણ અજાણ્યો લાગે મને
એને બે-ત્રણ વખત મળી પણ છું
ભીડ મારાથી ક્યાં અજાણી છે
ભીડની સાથે હું ભળી પણ છું
મેં જ અંધારા ઉલેચ્યા ‘બિન્ની’
દીપની જેમ ઝળહળી પણ છું
૩. મને વળગી પડી
એક રઝળતી ક્ષણ મને વળગી પડી
છે ટચૂકડી તોય બહુ અઘરી પડી
બંધ આંખોમાં કર્યું મેં ડોકિયું
ઊંઘ જે કાચી હતી, વણસી પડી
લાગણીના સૂનાં જંગલમાં જતાં
પાતળી પગદંડી પર ભૂલી પડી
હું નથી સીતા ને એ રાવણ નથી,
તોય લક્ષ્મણરેખા ઓળંગવી પડી
પૂછ સાગરને કે આ તોફાનમાં
તારી લહેરોને હવા ઓછી પડી?
લીલ તો પથ્થર ઉપર બાઝી પડે
રેત પરથી શી રીતે લપસી પડી!
અડધે સ્વપ્ને આંખ કાં ઊઘડી ગઈ
બોલ, ‘બિન્ની’ ઊંઘ ક્યાં કાચી પડી?
~ બિનિતા પુરોહિત (મુંબઈ)
After a long time Binniji
Njoyed all 3 gazals a lot
બધી જ ગઝલો એકદમ મજબૂત છે, દરેક શેર દાદને યોગ્ય
After a long time Binniji
Njoyed all 3 Gazals a lot
સરસ ગઝલો છે. એક રઝળતી ક્ષણ મને વળગી પડી-આ ગઝલ સહુથી વધારે ગમી ગઈ.
ત્રણેય ગઝલો સરસ છે તેમાં પણ પ્રથમ “નથી” વધારે ગમી ઘણાં વખતે બિનીતાબેનનો ગઝલનો આસ્વાદ મળ્યો