ટાકો બેલ મોસાળમાં હોટ સોસનું સગપણ! ~ વિજય ભટ્ટ (લોસ એન્જલ્સ)
આજે સવારે જ નાનો દીકરો કોલેજમાંથી ક્રિસમસ ની રજા માં ઘરે આવ્યો. મેં હસતાં હસતાં પૂછ્યું “શું ખાઈશું લંચ માં આજે ? ટાકો બેલ?”
તેણે કહ્યું “સ્યોર!” કહી તેના ચહેરા પર સ્હેજ માર્મિક અને સીમિત આનંદ નું સ્મિત આવ્યું…
… અને મને જાણે અવાજ સંભળાયો…..
“અરે, જા, ફરી અંદર જઈ ને થોડા વધારે ફાયર સોસ અને હોટ સોસ લઈ આવ ને!”
દરરોજ બાળકોને સ્કૂલ માં થી લઈને ઘરે જતાં પહેલાં ‘ટાકો બેલ’ મોસાળ પર થઈ ને જ ઘરે જવું એવો એક શિરસ્તો. ત્યાંથી તેમને ગમતું મેક્સિકન ફાસ્ટ ફૂડ લેવાનું
આ નિયમ લગભગ બાર વર્ષ ચાલ્યો. વેજિટેરિયન સેવન લેયર બરીટો. જે હવે નથી મળતો, ચીઝ અને નાચો, બિન બરીટો વગેરે વગેરે ના ઓર્ડર બાળકો માટે. બંનેને ખૂબ જ ભાવે!
અગિયાર ધોરણ માં જાતે કાર ચલાવી સ્કૂલે જતાં થયાં ત્યારથી પોતે પણ એ જ કરતાં.
એન આર આઈ બાળકો નું અહીં અમેરિકામાં મોસાળ એટલે ટાકો બેલ!
ટાકો બેલ ને કોઈ ઘંટ સાથે કાંઈ લેવાદેવા નથી. તેના સ્થાપક નું નામ ગ્લેન બેલ હતું. તેણે ૧૯૫૪ માં મેક્સિકન ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ ની સ્થાપના કરી. જેમાં મેક્સિકન વાનગી માં ટાકો નામની વાનગી છે, તેથી ૧૯૬૨ થી તેનું નામ પાડ્યું ‘ટાકો બેલ’. તેની જાણીતી વાનગીઓ જેમ કે ચીઝ-ચિપ્સ, બરીટો, કેસેડિયા, મેક્સિકન પીઝા, કુસેરિટો, ચાપુલાસ, સોફ્ટ ટાકો, ક્રંચ રેપ, વગેરે ઘણી. ફાસ્ટ ફૂડ એટલે બહાર થી જ ઓર્ડર આપવાનો અને બારી માંથી જ લઈ લેવા નું. સીધું અને જલ્દી. જોકે અંદર બેસી ને પણ ખવાય.
આપણી આ ટાકો બેલ ની આ વાત ના કેન્દ્ર માં અમેરિકન એન આર આઈ છે, તેને ‘દેસી’, અને એન આર આઈ ના અમેરિકા માં જન્મેલા બાળકોને – ‘અમેરિકન દેસી’, એમ હુલામણી રીતે સંબોધીશું.
જોકે આ વાત કદાચ શબ્દસહ બધા જ દેસી ને લાગુ ન પણ પડે, પણ મોટાભાગના દેસી ‘એગ્રી’ થશે જ. થોડા ‘એન્ગ્રી’ પણ થશે. એક અંદર ની જાણીતી વાત બહાર પાડવા ને કારણે.
અમેરિકન દેસી અને દેસી જયારે પણ વેકેશન કરીને ભારત થી પાછા આવે ત્યારે એરપોર્ટની બહાર પહેલું ટાકો બેલ શોધી તેમાં થી ગમતી વાનગી બાળકો ઘરે પહોંચતાં પહેલાં રસ્તામાં જ ખતમ કરે! . ભારતમાં નાના-નાની ને ત્યાં મોસાળ માં આટ-આટલાં પકવાન અને ફરસાણ ખાઈ ને આવ્યા પછી પણ ટાકો બેલ ખાવા તત્પર!.
એકલા બાળકો જ કેમ? ઘરના બધા જ વળી. સિનિયર બા દાદા પણ. જ્યારે પણ બહાર થી કંઈક સાદું ખાવાનું લેવા જવાનું છે એમ જાણે તો અમારા બા-દાદા પણ કહેતા: “અમારા માટે પણ ટાકો બેલ માંથી મેક્સિકન પીઝા- મીટ વગરનો – વેજી લાવજો,.અમે પણ છોકરાં સાથે એજ ખાઈશું. સાંજે બીજું કશું ન બનાવતા. અને હા, પેલા તીખા ફાયર સોસ ના પડીકા પણ ભૂલીશ નહિ, થોડા વધારે!”
અમને બધ્ધા ને ફાયર અને હોટ સોસ નો ભારી ચટકો! કદાચ સોસને લીધે જ ટાકો બેલ વધુ ભાવે!
જેમ ચટણી મજેદાર હોય તો ફાફડા જામે એમ જ.
ટાકોબેલ ની વિશેષતા એ છે કે દેસી અને ખાસ ગુજ્જુ શાકાહારીઓ ને તેની વાનગીઓ નો સ્વાદ ભારતીય વાનગીઓ ના સ્વાદ ને મળતો લાગે. તેમાં પેલો તીખો તમતમતો ફાયર કે હોટ સોસ નાખો એટલે મોઢું મઘમઘી જાય! અરે ભાઈ, શક્કરપારા અને અથાણું ના હોય તો ખોટ પુરે ટાકો બેલ ના ચિપ્સ અને હોટ સોસ. .
મજા ની વાત તો એવી થાય કે આગલા દિવસે લાવેલો વેજી બરીટો, દાદી બીજે દિવસે ફ્રીઝ માંથી કાઢી માઈક્રોવેવમાં ગરમ કરી, તેનું ટોરટીયા (મકાઈ ની રોટલી) નું પડ ખોલીને તેમાં ખૂબ બધો ફાયર સોસ નાખી ને એકદમ તમતમતો બનાવી, ચોકઠું મોઢામાં સરસ ગોઠવી ને એ.. ટેસ થી ખાય! સિનિયર વડીલ દેસીઓ એ જેમ આ દેશ ને અપનાવ્યો તેવી જ રીતે ટાકોબેલ ને પણ!
~ વિજય ભટ્ટ ( લોસ એન્જલ્સ) ડિસેમ્બર ૨૪, ૨૦૨૧