ખાલી હાથ અને હૈયે હામ (પ્રકરણ : 7) ~ આત્મકથા: પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજા

પ્રકરણ : 7

જીવનનાં એક અધ્યાયનો અંત.

નવા અધ્યાયનો આરંભ. અચાનક.

આચાર્ય કુટુંબની છઠ્ઠીનાં લેખ હજી પણ વિધાતા લાંબી લેખણે લખી રહી હતી. એનાં ભાથામાં હજી ઘણાં આશ્ચર્ય અને આઘાતનાં તીર હતાં.

વિભાજનમાં મુંબઈનું ઘર ગયું પછી અમે જામનગર રહેતાં. પપ્પાની મુંબઈની આવનજાવન. મિત્રોને ઘરે રહેવાનું. ખાવાનું અનિયમિત ક્યારેક લોજમાંય હશે. અમારી ચિંતા અંદરથી ખોતરતી હશે, તાજો જખમ નીંગળતો હશે. રણજીત સ્ટુડિયો અસ્તાચળે હતો, એ પણ આગમાં બળીને ખાખ થઈ ગયો. જ્યાં પપ્પાએ એ સમયનાં દિગ્ગજ કલાકારો માટે હીટ ફિલ્મો લખી હતી. વિભાજન પછીનો સમય પણ હજી ડહોળાયેલો હતો.

બધેથી ઘેરાયેલા હશે. જ્યાં એક વાર પોતાનું ઘર, સમૃદ્ધ કૌટુંબિક જીવન હતું એ જ જગ્યાએ કુટુંબનિર્વાહની ચિંતા લઈ કોઈને ત્યાં રહેવું પપ્પાને માટે કેટલું આઘાતજનક હશે! આમ તો એમનું મક્કમ મનોબળ અને વિપરીત સંજોગો સામે પણ ટટ્ટાર.

પણ શરીરે છેહ દીધો.

એક દિવસ તાર આવ્યો, આચાર્યને લેવા ઍરપૉર્ટ જજો. આ બધી વાતથી અજાણ બા અને ભાઈ ઍરપૉર્ટ ગયાં અને પપ્પાને લઈને ઘરે આવ્યાં ત્યારે અમે આઘાત પામી જોઈ રહ્યા. આ પપ્પા! જાણે કેશવાળી વિનાનો વનરાજ! અત્યંત કૃશ કાયા પણ ન ઊંચકી શકતા ધ્રૂજતાં પગ. ગળી ગયેલી કદાવર કાયા અને ઊંડા ગોખમાં બે દીવા મૂક્યા હોય એવી આંખો, એમાં ખૂટતું તેલ.

બા અને ભાઈએ માંડ ઊંચકીને મેડે ચડાવી પથારીમાં સુવાડ્યા.

બરાબર એક વર્ષે હાથ પકડી ધીમે ધીમે મેડેથી ઉતાર્યા. સંગ્રહણીનાં દર્દે શરીરને નાગચૂડમાં ભીંસી અંદરથી ઉધઈની જેમ કાતરી ખાધું હતું. ડૉક્ટરની ટ્રીટમૅન્ટ ને હઠીલું દર્દ જરાય ગાંઠે નહીં. સતત ડાયેરિયામાં નકરું લોહી!

એ દૃશ્યની ધૂંધળી સ્મૃતિથી હું અત્યારે પણ ધ્રૂજી ઊઠું છું.

એક મોડી રાત્રે બાએ અમને ઉઠાડ્યાં. બસ, હવે છેલ્લા મુઠ્ઠીભર શ્વાસ. અમે ભાઈબહેનો પપ્પાની પથારી ફરતે ઊભાં રહ્યાં. દીવો ધીમે ધીમે રામ થઈ રહ્યો હતો. બીજું તો યાદ નથી પણ એ દૃશ્ય મનમાં કોતરાઈ ગયું હતું, શિલાલેખની જેમ. ભેંકાર રાતનો અંધકાર. ગામ બહારની નીરવ ઉજ્જડતા. સન્‌ન્‌ન્ વીંધતો સૂનકાર અને માથે મૃત્યુની તોળાતી પાણીદાર તલવાર!

આજે થાય છે બાએ વીરાંગનાની જેમ એ ક્ષણને કેવી હિંમતથી પાછી ઠેલી હશે!
* * *
બા હવે સંજોગો નહીં, નિયતિ સામે ઝઝૂમી રહી હતી. બા તે બા જ! જાણે સંજીવની મંત્ર ભણી એણે સતી સાવિત્રીનાં ખોળિયામાં પ્રવેશ કર્યો અને પતિના પ્રાણ બચાવવા કમ્મર કસી.

ઓહો બાનું એ રૂપ! ન રેશમી સાડી, ન સાજશણગાર. હાથીદાંતની ચૂડી, સોનાની પીન બધું જ ત્યાજ્ય. જાણે તપસ્વિની! પણ એ જ રૂપાળો હસમુખો ચહેરો. બાને આંસુ સારતી અમે કદી ન જોઈ. ક્યારેય નહીં તે નહીં જ.

બા અને ભાઈએ મોરચો બદલ્યો. એલૉપેથી નહીં, હવે આયુર્વેદ. ઘર જ આખું આરોગ્યધામ. જેમાં અખૂટ શ્રદ્ધા હતી તે માતાજીને શરણે બા ગઈ. મા! તારા ધામમાં મારા પતિને તારા ચરણમાં લઈ આવીશ, એ માટે તારે જ એમને બેઠા કરવા પડશે.

પૂરા એક વર્ષ બાનો આ અખંડ આરોગ્યયજ્ઞ ચાલતો રહ્યો. ચોવીસે કલાક એ યજ્ઞની ધ્રૂમસેર ઘરની હવાને પવિત્ર કરતી રહે, એ યજ્ઞની જ્વાળાઓ પ્રજ્વળતી રહે એ માટે બા અને ભાઈ એમાં ઇંધણ હોમતાં રહે, અમે પણ પાછળ ખડે પગે.

બિંદુબહેન બાની સાથે દોડાદોડમાં. ઓસડિયા ખાંડવા, ઉકાળવા, કાઢા તૈયાર કરવા ઇંદ્રજવની કડવી વાસ ઘરમાં ફેલાયા કરે. હું અને ઈલા ચીંધ્યા કામ કરીએ. જાણે યમદેવ જેવા અત્યંત શક્તિશાળી મહારથીને પાછે પગે વાળવા અમે આખું કુટુંબ અસ્ત્રશસ્ત્ર લઈ પપ્પા આડે ઢાલ લઈ મજબૂત કિલ્લેબંધી કરી, એક છીંડુંય ન પાડી શકે એની સતત ચોકી.

નાગરી નાતના ભૂદેવો તો રાત્રે સેતાવાડને ઓટલે જમાવટ કરી પ્રતિક્ષા કરે. આજ સુધી જે ગનુની આરતી ઉતારતા હતા એનાં બારમાના લાડવા ખાવાનું નોતરું ક્યારે આવે છે એની અધીરતાથી રાહ જોતા હતા. એયને કાણનાં સમાચાર આવ્યા જાણે આજની ઘડી કે પછી કાલનો દિ! જય હાટકેશ.
* * *
આજે હું એક સ્ત્રી, પત્ની અને માતા તરીકે વિચારું છું ત્યારે થાય છે કે કપરાકાળમાં બાની મનઃસ્થિતિ કેવી હશે! અધૂરો સંસાર, ચાર સંતાનોમાં ત્રણ નાની દીકરીઓ, નહીં ગાંઠે ગરથ કે નહીં કોઈનો સાથ-સથવારો. પણ આવી ક્ષણે હારણ થવાને બદલે બા તૂટતાં સંસારને ખભાનો ટેકો કરી અડગ ઊભી રહી. નિશ્ચલ. એની દૃષ્ટિ હશે દૂર ડુંગરની ટોચે. ગબ્બરમાં માનાં ગોખમાં ટમટમતી દીવાની જ્યોત પર.

હું નાની. મારે ભાગે બે કામ. સાંજે ઘરની બહાર ઊભા રહેવાનું, ઘોડાગાડીમાંથી વૈદ્ય હરિભાઈ માંકડ ઊતરે એમની પેટી લઈ ઘરમાં લઈ આવવાના. એમના આયુર્વેદના ઉપચારોથી તો પપ્પા મૃત્યશૈયા પરથી ઊભા થયા. મારું બીજું કામ, પપ્પાની છાતીનાં વાળનાં મૂળમાંથી, શરીરમાંથી કાળા ઝીણા કીડા નીકળતાં તે વીણીને પાણીમાં નાંખવાનાં.
* * *

એક સાંજે હું બહાર ઊભી હતી ત્યાં પૃથ્વીરાજ કપૂરને પત્ની સાથે ચાલતા આવતા જોયા. તરત ઓળખી ગઈ. મુંબઈમાં રોયલ ઓપેરા હાઉસમાં એમનું કોઈ નાટક જોયેલું, શો પછી એ દરવાજે થેલી લઈ ઊભા હતા. કોઈક રાહત ફંડ માટે. ફિલ્મોમાં પણ જોયા હતા. કદાવર દેહ, રફ હેન્ડસમ ચહેરો. કેમ ભુલાય! હું એમની પાસે દોડી ગઈ. એમને કહ્યું, હું ગુણવંતરાય આચાર્યની દીકરી, પપ્પા બહુ બીમાર છે. આ સામે અમારું ઘર – એવું જ કંઈક મેં કહ્યું હશે. એ બંને તરત ઘરે આવ્યાં. બા-પપ્પા સાથે શું વાતો થઈ હશે યાદ નથી, પણ બીજે દિવસે ચાપાણી નાસ્તા માટે ફરી આવ્યા હતા અને લાંબો સમય બેઠા હતા. તેઓ સૌરાષ્ટ્રમાં નાટકની ટૂર માટે ફરી રહ્યા હતા.

અમે બધા જ પૂરા બળથી ધીરજથી ભાગ્યનું ચક્ર ફેરવી રહ્યા હતા. બાએ વિધાતાને પડકાર ફેંકેલો અને એ બાજી જીતી ગઈ. બા અને ભાઈએ પપ્પાને પહેલા માળેથી પકડીને ઉતાર્યા અને ચાલવાનું ભૂલી ગયેલા પપ્પાને રોજ ચલાવતા.

આ આખા સમય દરમ્યાન એક વાતની અમને નવાઈ લાગતી. પપ્પાની માંદગીનાં લાંબા સમયગાળા દરમ્યાન પપ્પા માટે મુંબઈથી છેક જામનગર પ્લેનમાં ફળોનો નિયમિત કરંડિયો આવતો. મોકલનારનું નામ બાબુ ગિરધર કાનજી. બા અને ભાઈને નવાઈ લાગતી, કોણ હતા એ? આટલે દૂરથી ફળો અને પ્લેનનો ખર્ચ શું કામ કરતા હતા!

અમે જ્યારે ફરી મુંબઈ સ્થાયી થયા પછી ખબર પડી કે બાબુભાઈના પ્રિય લેખક હતા ગુણવંતરાય આચાર્ય. નવા પુસ્તક માટે, તપાસ કરતા એમને ખબર પડી કે લેખક બીમાર છે, જામનગર છે. ત્યારથી એમના પ્રિય લેખકને ફળ મોકલતા હતા. પછી તો એ અમારા બાબુકાકા બની ગયા, જાણે અમે એક જ પરિવાર!

મુંબઈમાં હુલ્લડ સમયે ખાલી થતાં શહેરમાં ભાઈને મેનેનજાઈટીસ થયો હતો અને કેવી ચમત્કારિક રીતે એ ઊગરી ગયાની વાત પપ્પાએ અમને કરી હતી, પરંતુ બાએ પપ્પાને બેઠા કર્યા એ ચમત્કારનાં તો અમે સ્વયં સાક્ષી!

બાની શ્રદ્ધાને બળ મળે એટલે બાની અંબાજીનાં દર્શન કરવાની માનતા સાથે પપ્પાએ પણ દાઢી વધારી. પપ્પાનો દાઢીવાળો, કૃશકાય એક નાનો ફોટો કેમ, કઈ રીતે, પણ મારી આલ્બમમાં છે. પપ્પાનાં અમદાવાદના મિત્રો પપ્પાને સરહદના ગાંધી કહેતા. અદ્દલ એવા જ!

પપ્પા: ગુણવંતરાય આચાર્ય

આવી સ્થિતિમાં પણ બા પપ્પાને અને મને લઈ અંબાજી ગઈ હતી. એ પ્રસંગ કોઈ કૉલમમાં પપ્પાએ લખ્યાનું સ્મરણ છે.

હજી વિભાજનનાં લોહીયાળ ઉઝરડા રૂઝાયા નહોતા. ચોતરફ લોકો ઊભરાતા હતા. આમ પણ વાહનવ્યવહારનાં સાધનો ત્યારે ટાંચાં હતાં. અંબાજી સુધી ઉપર જતી બસોમાં લોકો ખડકાતા હતા અને બસસ્ટૅન્ડ પર ત્રણ ત્રણ દિવસથી લોકો બસની રાહ જોતાં ખુલ્લામાં પડ્યા હતા. અમને લઈ બા ત્યાં પહોંચી તો ગઈ, પણ મંદિર સુધી જવું કેમ! પપ્પા મૅનેજરની બંધ ઑફિસમાં પાછલા બારણેથી અંદર ગયા. મૅનેજર ટેબલ પર પગ લાંબા કરી રસપૂર્વક પુસ્તક વાંચવામાં ખોવાઈ ગયો હતો.

પપ્પાને જોતાં જ એનો પિત્તો ગયો. રજા વગર અંદર આવ્યા જ કેમ? નીકળો અહીંથી. પપ્પાએ શાંતિથી કહ્યું, ભલે ભાઈ, જાઉં છું, પણ તમે જે ‘દરિયાલાલ’ નવલકથા વાંચી રહ્યા છો, હું એનો લેખક છું. ખૂબ બીમાર છું. બસસ્ટૅન્ડ પડ્યા રહેવાની મારી શક્તિ નથી, પણ ત્યાં તો મૅનેજર માફી માગતો તરત ઊભો થઈ ગયો. અમને ઑફિસમાં માનભેર બેસાડ્યા અને ઉપર મંદિર જવાની સરસ વ્યવસ્થા કરી આપી. (આ પણ યોગાનુયોગ કે માકૃપાનો ચમત્કાર!)

મંદિરમાં નાગરબ્રાહ્મણો માટે ખાસ ધર્મશાળા છે. એમાં આટલી ગિરદીમાંય અમને સરસ જગ્યા મળી ગઈ. ત્રણેક દિવસ રહ્યાનું મને સાંભરે છે. અંબાજી નાગરજ્ઞાતિનાં કુળદેવી એટલે ગર્ભદ્વારમાં જઈ પૂજા કરવાની ખાસ પરમિશન અપાતી હતી એ સમયે. અમે રેશમી વસ્ત્રોમાં અંદર જઈ પૂજા કરી હતી અને હેમખેમ બા અમને જામનગર પરત લઈ આવી હતી.
* * *
હવે અહીંથી ચાલો.

અમે પાછાં ફર્યાં કે બાએ તરત જ નિર્ણય કર્યો. જામનગર અબખે પડી ગયું છે, કોઈ કાળે હવે અહીં રહેવું જ નથી. અહીંથી ચાલો ગુરુજી. નગરનું લેણું હશે, મેં ભરપાઈ કરી દીધું.

અમારી સ્કૂલ… ભાઈની બૅંકની નોકરી… હવે ક્યાં જઈશું… ઘર નથી… કોઈ જ દલીલ બાને માન્ય નહોતી. અહીંથી જલ્દી જવું જ, બસ. એક જ રઢ.

`બધું થઈ પડશે, ક્યાંક તો પગ મૂકવા મળશે ને! પણ જે નગરે મારું સર્વસ્વ લૂંટી લીધું અને જાકારો આપ્યો એને હું જાકારો આપું છું.’

બા સાથે સહુ સંમત. બા-પપ્પાએ ફરી સંસાર સમેટ્યો. ન જાણે કેટલામી વાર! ન જાણે ક્યાં ક્યાં ઘર માંડ્યા, સંકેલ્યા! ફ્રીડમ મૂવમૅન્ટમાં નાની મોટી નોકરીઓ, ગામઠામ બદલતાં ક્યાંય ઠરીઠામ થવાયું નહોતું.

પણ હવે વાત જુદી હતી. ચળવળનો ગાળો વીતી ગયો, દેશ થાળે પડતો હતો, સંતાનો મોટાં થતાં હતાં. ઘર માંડીને રહેવું હતું, પણ ઘર ક્યાં હતું? પગ ક્યાં મૂકવો! ટૂંકમાં ઘરવખરી, પત્ની અને સંતાનોને લઈ નિરાશ્રિતની જેમ એક આશિયાનાની ખોજમાં નીકળી પડવું કેટલું હિંમતનું કામ હશે!

સંસારનો પથારો તો સોલેરિયમવાળું ઘર છોડ્યું ત્યારે જ ઘણોખરો સમેટાઈ ગયો હતો. ટ્રકમાં સામાન સાથે જોયેલાં સપનાંઓનું પોટલું વાળીનેય મૂક્યું હશે. ઘણું ઘણું પાછળ છૂટી જતું હતું, ટ્રક ભરાઈને ગઈ.

અમે ટ્રેનમાં જવાના હશું. જામનગરના મકાનની એ અંતિમ રાત. ખાલી સૂનું ભેંકાર ઘર. ટૅક્સટાઇલ મિલનાં માલિકનાં પત્ની બાનાં મંડળનાં બહેનપણી. એમણે ગાદલાં મોકલેલા તે યાદ છે. બીજે દિવસે એ ઘરને, શહેરને ત્યાં જીવાયેલા જીવનને છેલ્લા જુહાર કરી અમે નીકળી ગયાં. પપ્પાએ તો ફ્રીડમ મૂવમૅન્ટ અને જર્નાલિઝમ અને લેખન માટે વતન છોડેલું, એ શહેર ફરી છોડ્યું પણ હવે જુદા સંજોગોમાં.

ખાલી હાથ અને હૈયે હામ. મધદરિયે છડિયાં ભરેલું વહાણ લઈ, તોફાની દરિયામાં નાખુદા હિંમતભેર ઝુકાવી દે કિનારાની શોધમાં એમ.

આજ સુધી મારાં માતાપિતા જીવનમાં સતત દુર્ગમ પર્વત પર કપરાં ચડાણ એકલાં ચડ્યાં હતાં, પણ હવે અમે પણ એમની સંગાથે આ સફરમાં, અમારા હિસ્સાનો જીવનસંઘર્ષ કરવાના હતા.

અમારી આકરી તાવણી તો હજી હવે થવાની હતી, પણ અમને એની ખબર ન હતી.

પપ્પાની ટેકણલાકડી હતી માત્ર કલમ. સગાંસ્વજન વિનાના અમે પ્રયાણ આદર્યું. ફરી એક સફર નવી જિંદગીની તલાશમાં. 1950ના કોઈ મહિનામાં.
* * *
શારદાકૂંજ, જાગનાથ પ્લોટ, શેરી નં. 6, રાજકોટ.

આ અમારું નવું સરનામું. નવું ઘર. અમારું ઘર. મોટો વિશાળ બંગલો. આગળ પેલેશિયલ પોર્ચ. આગળ પાછળ મોટું કંપાઉન્ડ. પાછળના ભાગમાં ત્રણ રૂમનું આઉટહાઉસ. બંગલામાં પણ ચારેક મોટા રૂમ. આખી શેરીમાં લાઇનબંધ બંગલાઓ હતા. બંગલો ખરીદ્યો હતો કે ભાડે એવી કશી ખબર નથી. હવાઉજાસવાળું, સંતાકૂકડી રમી શકાય એવું સરસ ઘર. હું દસ અગ્યારની હોઈશ, ઈલા બે વર્ષ મોટી. અમે જી. ટી. હાઈસ્કૂલમાં દાખલ થયાં.

અહીં પણ માહોલ જામનગર જેવો જ! એટલે કલ્ચર શૉકનો પ્રશ્ન ન હતો. શાળા દૂર હતી. એ સમયે સ્કૂલ બસ, યુનિફૉર્મ, શૂઝ, વજનદાર દફતર (હવે આ શબ્દ પણ કાળગ્રસ્ત.) વગેરેનો શિક્ષણજગતમાં હજી પ્રવેશ નહોતો થયો. ચાલીને જવાનું અને આવડે એવું ભણવાનું. અત્યાર સુધી ભણ્યા હતા એમ.

એ દિવસોમાં કોણ જાણે કઈ દિશાએથી વાવાઝોડું ફૂંકાયું હતું! વાવાઝોડું નામે સફેદ લેંઘો અને ખમીસ. છોકરીઓ લેંઘો-ખમીસ પહેરતી. ઉગમસ્થાન જાણે ક્યાં હશે, પણ જોરદાર વા વાયો હતો. ના. જે કુટુંબમાં દીકરાઓ ન હોય એ દીકરીઓને છોકરાઓનાં કપડાં પહેરાવી સંતોષ માને એવું નહોતું. શાળામાં, બજારમાં, શેરીમાં જ્યાં જોઈએ ત્યાં શ્વેતરંગી દરિયો લહેરાય. હું પણ ખમીસ-લેંઘો પહેરતી થઈ ગઈ. શાળાએ જાઉં ત્યારે જાણે મોટી ધાડ મારી એમ પોરસાઉં.

અમે વરસ દોઢ વરસ જ રાજકોટ રહ્યા પછી વાવાઝોડું ક્યારે શમ્યું તે જોવા હું ત્યાં ક્યાં હતી!
* * *
અમે રાજકોટ હતાં ત્યારે ઘણે વખતે અમ બહેનો માટે એક સરસ પ્રસંગ બન્યો. 1951ની આસપાસ હશે.

રાજકોટ અમારા માટે સાવ જ નવું શહેર. અજાણી જગ્યાની ઓળખ થવી ભાષાત્મક અનુસંધાન થવું, પોતાપણું લાગવું એ એક લાંબી પ્રક્રિયા છે. જટીલ પણ. અમે અને શહેર એકમેક માટે નવા અને સાવ અજાણ્યા! તેમાં પણ અમે જે આઘાતમાંથી બહાર આવવા જામનગર છોડ્યું હતું તેમાં બાને અહીં સાવ અપરિચિત વાતાવરણમાં સ્વસ્થ થતાં, ફરી ગોઠવાતાં કેટલી મુશ્કેલી પડી હશે! મુંબઈમાં તો બાને ઘણી પ્રવૃત્તિઓ હતી, જામનગરમાં પણ એ મહિલામંડળમાં હતી, પણ રાજકોટમાં બા પાસે કોઈ પ્રવૃત્તિ નહોતી. અમે શાળાએ જતા, ભાઈને અહીંની બૅંકમાં ટ્રાન્સફર મળી હતી, પણ અહીં બા કેટલી એકલી પડી ગઈ હશે!

પણ અમને બહેનોને તો સામે ચાલીને એક દિવસ નવી પ્રવૃત્તિ કરવા મળી. નાટક કરવાનું આમંત્રણ. ફૂલલેન્થ ત્રિઅંકી નાટક. ત્રણ હાઉસફૂલ શો. વ્હોટ અ ચાન્સ!

હસમુખ કિકાણી સારા નાટ્યકાર. એક દિવસ પપ્પા પાસે આવ્યા. રાજકોટમાં ટી.બી. હૉસ્પિટલ માટે નાટકનાં ચેરિટી શો કરવાના હતા. દામુ સાંગાણીનું ત્રિઅંકી નાટક, ‘જાગતા રેજો’. પણ નાટકમાં કામ કરવા છોકરીઓ મળતી જ નહોતી. બધે ટહેલ નાંખી વળ્યા હતા. નવરાત્રિમાં શેરી કાર્યક્રમોમાં કામ કરવા માબાપ હજી છૂટ આપતા, પણ જાહેર શોમાં નાટક! કિકાણી પપ્પા પાસે આવ્યા, આચાર્યભાઈ, મને ખાતરી છે તમે તો ના નહીં જ પાડો દીકરીઓને નાટકમાં ભાગ લેવાની.

ઊલટાના પપ્પા-મમ્મી તો ખુશ! અમે ત્રણેય બહેનો ‘જાગતા રેજો’ નાટકમાં. જૂની રંગભૂમિ સ્ટાઇલનું નાટક. બિંદુબહેનનું પ્લૅબેક. ઈલા ટ્રેજેડીની હીરોઇન. આગળ પડદો પડે એ કોમેડી દૃશ્યોની હું હીરોઇન. ટી.બી. પેશન્ટની પત્ની તરીકે ઈલાનો ટ્રેજીક સીન પૂરો થાય અને આગળ પડદો પડે ત્યારે હું અને કિકાણી વીંગમાંથી દોડતાં દોડતાં આવી અને દેશી નાટકની જેમ લટકા મટકા કરતાં ગાઈએ. કિકાણી મારાથી વયમાં તો ક્યાંય મોટા. એ કાન પર હાથ રાખી દુહા સ્ટાઇલમાં ગાણું લલકારે, બે લીટી હજી યાદ છે.

રશિયાથી રીબડા સુધી

રીબડા સૌરાષ્ટ્રનું નાનું ગામડું. પછી પગનો ઠમકો લઈને અમે ગાઈએ.

આવડત ઓછી ને ફાંકા ઝાઝા.

એક તો દોડતા ચાલી, ફૂદરડી ફરતા ગાવાનું. મેં વળી ક્યારે સાડી પહેરી હોય! એક શોમાં તાનમાં આવી ગાતા, નાચતા, બાની સાડીની પાટલી નીકળી ગઈ. સામે રાજકોટનાં હુ ઇઝ હુનું ભરચક્ક ઑડિયન્સ! અપુનકો ક્યા! મેં તો સ્ટેજ વચ્ચે ઊભા રહી, પાટલીનો ડૂચો નિરાંતે ખોસ્યો અને અમે લટકામટકાની જમાવટ કરી. પ્રેક્ષકોનું રીએક્શન યાદ નથી, જરૂર હસાહસ થઈ હશે.

અત્યાર સુધી બાના જામનગરનાં મહિલામંડળનાં કાર્યક્રમોમાં રૅકોર્ડ પર ‘નૃત્ય’ કરતી, પણ આ તો જાહેર કાર્યક્રમમાં ત્રિઅંકી નાટકમાં અગ્યાર વર્ષની વયે ભૂમિકા! આમ બા અને પપ્પાએ રંગમંચ પર મારો વિધિવત પ્રવેશ કરાવ્યો.

મારી નાટ્યયાત્રાનો આ પ્રથમ પડાવ. મને અભિનય કરવો ગમે છે, સરસ કરી શકું છું, રંગમંચ પર મારો આત્મવિશ્વાસ, એ બધું આ નાટકમાંથી મળ્યું હશે, પણ ત્યારે તો એ બધું મને ક્યાંથી સમજાય! પણ એવું બન્યું હશે નક્કી. યાદ છે પ્રેક્ષકો જોઈ હું ડરી નહોતી.

રાજકોટમાં નવરાત્રિમાં શેરી કાર્યક્રમો સરસ થતા. આવા એક કાર્યક્રમમાં મુનશીજીનાં ‘પુત્ર સમોવડી’ નાટકનો એક અંશ ભજવાયો હતો. આ નાટકમાં બિંદુબહેને ઈંદ્રની અને ઈલાએ યયાતિની ભૂમિકા ભજવી હતી. મારી પાસે એમનો આ ગ્રુપ ફોટો છે.

બેઠેલાંમાં ડાબે મુગટધારી બિંદુબહેન (ઈંદ્ર), એકદમ જમણે મુગટધારી ઇલા (યયાતિ)

* * *
અમે ભલે શહેર બદલ્યું, પણ કેટલાક પ્રશ્નો એવા જ અણિયાળા અને અકબંધ!

મૂળ પ્રશ્ન પપ્પાના કામનો, અમારા અભ્યાસ અને વિકાસનો. પપ્પાની બીમારીને લીધે ભાઈનો મેડિકલનો અભ્યાસ છૂટી ગયેલો અને બૅંકમાં નોકરી કરતો હતો. બિંદુબહેન અને અમારું ભણવાનું ઠેબે ચડી ગયું હતું.

બા-પપ્પાને આ વાત ખૂબ ખૂંચતી હતી. બાને બીજી વાત પણ કઠતી હતી એ કે પપ્પા ફરી કામ માટે અવારનવાર મુંબઈ જતા હતા. ગંભીર માંદગીમાંથી માંડ ઊભા થયા હતા. મુંબઈ જાય ત્યારે ફરી એ જ રૂટીન, ખાનપાનની બેકાળજી, ઘર વગર રહેવું. પપ્પાનો જીવ પણ ખૂબ દુભાતો હતો. વિદ્યાભ્યાસમાં અત્યંત તેજસ્વી ભાઈ બૅંકમાં સામાન્ય નોકરી કરતો હતો.

આ બધી ચર્ચા વિચારણા પડદા પાછળ થતી હશે, હંમેશની જેમ. અમારી સામે કદી હૈયાબળાપો કર્યો જાણ્યો નથી. અમને તો એક દિવસ ખબર પડી, આપણે મુંબઈ પાછાં જઈએ છીએ. જ્યાં રહેતા હતાં ત્યાં. આપણું વહાલું મુંબઈ. ઓહો! આપણું મુંબઈ!

પપ્પા, બા અને ભાઈનું આ લાઇફ ચૅન્જિંગ ડિસિઝન.

આ નિર્ણય પાછળ કેટકેટલી મથામણ અને પીડા હશે! આગળપાછળનાં કેટલાં લેખાંજોખાં હશે! પણ અમને એની કશી ખબર ન હતી, એવી સમજ પણ ક્યાં હતી! અમે એટલા ખુશ હતા. આપણે હવે જઈએ છીએ આપણા ઘરે, મુંબઈમાં. અમે તો હરખથી ઊછળી જ પડ્યાં.

એ સમયે ‘મંગળફેરા’ ગુજરાતી ફિલ્મનું પોપ્યુલર ગીત અમે લલકારતાં હતાં :

અમે મુંબઈના રહેવાસી
હો અમે મુંબઈના રહેવાસી
ચર્નીરોડ પર ચંપાનિવાસમાં
રૂમ નં. નેવ્યાસીઅમે

પણ ત્યારે ખબર ન હતી કે મુંબઈનાં રહેવાસી થવાનું હવે જરાયે સહેલું નહોતું. અમારે માટે તો મુંબઈ જ અમારું વતન, જાણે ગર્ભનાળથી જોડાયેલા. આ નિર્જન ટાપુ પર અનેક લોકો આવતા ગયા. એમણે ટાપુમાંથી એને સમૃદ્ધ નગર બનાવ્યું, અસ્તિત્વ અને આઇડેન્ટીટી આપી. મુંબઈ પણ સહુને વહાલથી આગોશમાં લેતું રહ્યું હતું.

પણ હવે મુંબઈનો મિજાજ અને તાસીર બદલાયા હતા. અહીં હરેક પગ મૂકનાર પાસેથી એ પઠાણી ઉઘરાણીનું દાપું માગતું હતું, કઠોર પરિશ્રમ, અખૂટ ધીરજ અને ગમે તે સંજોગોમાં ટકી રહેવાની શક્તિ. પગ મૂકવાની જગ્યા માટે તપ કરવું પડે.

બા, પપ્પા અને ભાઈ તો જાણતાં જ હશે, પણ અમને બહેનોને ખબર ન હતી કે અમારે પણ કસોટીની સરાણે ચડવાનું છે. દુર્ગમ પહાડ ચડવાની આકરી સફરનાં હવે અમારે પણ શ્રીગણેશ કરવાના હતા.

જ્યાં ઘર નહોતું, સગાંસ્નેહી નહોતાં ત્યાં જવા અમે થનગની રહ્યાં, મુંબઈ તો હતું ને! બસ, અમારે માટે એટલું પૂરતું હતું.

(ક્રમશ:)

(નોંધ: અગાઉના પ્રકરણો વાંચવા બ્લોગ વિઝિટ કરો, બ્રાઉઝ કરો.)

https://aapnuaangnu.com/

આપનો પ્રતિભાવ આપો..

9 Comments

  1. મંત્રમુગ્ધ લખાણ..હેઠું મૂકવું ન ગમે.ઓતપ્રોત..

  2. બહુ પ્રવાહી અને ધારદાર આલેખન. અમુક વર્ણન તો વાંચતાં વાંચતાં ધ્રૂજી જવાય એવાં, પણ વાંચ્યા વગર ના રહી શકાય એવાં, વાસ્ત્વિકતા નજ્રર સામે આકાર ધરે છે, /// બીજી વાત, પેલા કલાકાર તે હસમુખ નહિં પણ હરસુખ કિકાણી, સુધારી લેજો,

  3. તમારા બાની પરિસ્થિતિ સામે લડવાની હિંમત દાદ માંગી લે છે.

  4. એકશ્વાસે, અઘ્ધર શ્વાસે આખું પ્રકરણ વાંચી ગઈ. લગભગ ડૂમો બાઝયો છે. કેટલી કસોટી અને તોય ગજબની હિંમત, ખુમારી, શ્રદ્ધા👌👌👌. તમારાં બા સાક્ષાત જગદંબાનો અવતાર!! તમારી સ્મરણશક્તિ અને વર્ણન કળાને સાષ્ટાંગ દંડવત😘🙏❤️

  5. આ.ગુણવંતરાય આચાર્યની માંદગી અને સાથે જામનગર, રાજકોટના પ્રેરણાદાયી સંઘર્ષ કથા આંખ નમ કરી. નાટકની વાતો મજા કરાવી ગઇ.હવે ફરી મુંબઇના સંઘર્ષની રાહ. આજ સમયે અમે પણ જામનગર, રાજકોટ અને મુંબઇ રહ્યા હતા તેથી આ લેખ માણતા Déjà vu અસર થઇ

  6. વર્ષાબેન આપના જીવનની સંઘર્શકથા દિલચશ્પ અને મનને જકડી રાખે છે .અગાઉના પ્રકરણ છૂટી ગયા છે.મેળવી લઈશ…. ગવત પ્રજાપતિ

  7. જીવન સંઘર્ષ ની આ કથા દરેક પ્રકરણને જીવંત બનાવી દે છે.