|

બસ સ્ટેન્ડ ~ લલિત નિબંધ સ્પર્ધામાં વિજેતા નિબંધ ~ શૈલા જગદીશ શાહ (મુંબઈ)

શૈલા જગદીશ શાહ: 
વ્યવસાયે “શિવમ નેત્રમ આય હોસ્પિટલ”ના એડમિનિસ્ટ્રેશન અને એકાઉન્ટ્સમાં ડિરેક્ટર છે. લેખિની સંસ્થામાં કોષાધ્યક્ષ તરીકે કાર્યરત છે. ટૂંકી વાર્તાના  બે પુસ્તકો પ્રકાશિત થયાં છે: ‘પ્રથમ પ્રતિબિંબ’ (૨૦૧૭) અને ‘રે મન’ (૨૦૧૮). શીઘ્ર પ્રકાશ્ય: નવલકથા ‘સામે કિનારે’

બસ સ્ટેન્ડ (નિબંધ) 

આજે વરસો પછી આ રોડ પરથી પસાર થવાનું આવ્યું હતું. જ્યારથી સી લિંક બન્યો ત્યારથી અંધેરીથી સાઉથ મુંબઈ જતાં શિવાજી પાર્કનો આ રસ્તો, રસ્તામાં આવતો જ નહીં. આજે તો ખાસ સી લિન્ક ન લેતા મેં જાણી જોઈને આ રસ્તો લીધો. લગ્ન પહેલા આ મારો કાયમનો રસ્તો હતો. ગાડીની ગતિ ધીમી કરી, હું પૂરો રસ્તો અને એ એરિયાને નિહાળતી, દુકાનોને જોતી આગળ વધી રહી હતી. અચાનક મારી નજર બસ સ્ટેન્ડ પર પડી. મેં ગાડી સાઇડમાં લઈ, ઊભી રાખી દીધી, જાણે મને આ બસ સ્ટેન્ડ ઓળખતું હતું. આ જગ્યા મારી પરિચિત હતી. હું ભૂતકાળમાં ખોવાઈ ગઈ.

આ બસ સ્ટેન્ડ તો હવે જુદું જ ભાસતું હતું. પહેલા તો ફક્ત બે લાલ દાંડા, એના પર આડુ ભૂરું પાટિયું અને એના પર ઘણા બધા બસના નંબર લખેલા રહેતા. આ બસ સ્ટેન્ડ શિવાજી પાર્કનું જંકશન હતું. ઘણી બધી બસો અહીંથી ખાલી ઊપડતી. મારા ઘરેથી ખાસ્સું દૂર હતું. પંદરથી વીસ મિનિટ ચાલવું પડતું, પણ ખાલી બસ મળે અને બેસવા સરસ ઉપરની સીટ મળે એટલે આ બસ સ્ટેન્ડ મારું ફેવરિટ હતું. બેલાર્ડ પિયર પહોંચતા ખાસ્સો કલાક લાગે. આ બસ સ્ટેન્ડથી નિયમિત લોકો ચડતા. બસના સમય કરતાં સૌ દસ પંદર મિનિટ વહેલા આવતા.  સૌ થોડા વખતમાં એક બીજાને ઓળખી જતાં. ક્યારેક કોઈક ન આવ્યું હોય તોયે અજાણી વ્યક્તિની અજાણતાં જ રાહ જોવાઈ જતી.

મને નંદિનીની યાદ આવી. કેવી સોહામણી હતીએ. નંદિનીની ઓળખાણ પણ આજ બસ સ્ટેન્ડ પર થઈ હતી. અમે રોજ એક સુંદર ત્રીસી વટાવી ગયેલી યુવતીને જોઈ રહેતા. એ લાલ સાડીવાળી જાજરમાન એક સુંદર યુવતી હતી. હાઇટ એની સાડા પાંચ ફૂટ હશે. શરીરે ભરાવદાર પણ ગોરી ગોરી જાણે સફેદ ચાંદનીમાં નાહીને આવી હોય. બને ત્યાં સુધી એ ડાર્ક કલરની સાડી પહેરતી. સુંદર ચહેરા પર ફક્ત કાજળઘેરી આંખો અને લાલ લિપસ્ટિક દેખાતી. સૌ એને ધારી  ધારીને  જોઈ રહેતા. બાવીસ વરસની હું એની આંખોના મેકઅપથી અંજાઈ જતી. એ જ્યારે ન આવતી ત્યારે હું અને નંદિની એને જોવા આતુર રહેતા. એનો ચહેરો આજે પણ ભૂલાયો નથી.

આ બસ સ્ટેન્ડથી માત્ર અમે ત્રણ યુવતીઓ બસમાં ચઢતી. બાકી બધા પુરુષો હતા. બે જુવાન છોકરા પણ અહીંથી બસ પકડતા. એમના હાથમાં રહેલા ડ્રોઈંગ બોર્ડને જોઈ સૌ જાણતા હતા કે તેઓ જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સના સ્ટુડન્ટ્સ હતા.

હું ગાડીમાંથી આજુબાજુ જોઈ રહી. બસ સ્ટેન્ડની બરાબર પાછળ ‘પ્રકાશ’ નામની મરાઠી વાનગીની હોટેલ હતી. ત્યાંના સાબુદાણા વડા ખૂબ વખણાતા. મારા કાને હોટલમાંથી આવતા કપ-રકાબી અને વેઇટરોના અવાજો ગુંજી રહ્યા. કેટલાય મુસાફરો અહીં ચ્હાનાસ્તો કરી બસ સ્ટેન્ડ પર લાઇનમાં ઊભા રહેતા, બસની રાહ જોતાં. આ બસ સ્ટેન્ડની બાજુમાં એક ખૂબ મોટું ઝાડ હતું, જેને લીધે આ બસ સ્ટેન્ડ ખૂબ સરસ લાગતું  હતું. ખૂબ ચોખ્ખું પણ હતું. અહીં લોકો લાઇનમાં જ આગળ વધતાં. કોઈ ધક્કામુક્કી ક્યારેય ન કરતાં. વધારે બેલાર્ડ પિયર અથવા વિકટોરિયા ટર્મિનસ સ્ટેશન ઉતરવાવાળા રહેતા.

નજરોથી સૌ એકમેકને ઓળખતા અને કોઈ વાતચીત ન થતી હોવા છતાં પરિચિત લાગતાં. વધારે તો સૌના હાથમાં સવારનું છાપું રહેતું. કોક ઊભાઊભા જ વાંચવા માડતું, કોક એ છાપામાં જ નજર ફેરવી લેતું, તો કોઈક હાથમાં વીંટો કરી પકડી રાખતું અને બસમાં બેસતાંની સાથે છાપું ખોલી વાંચવા માંડતું. મને યાદ આવ્યું, હું પણ ‘ચિત્રલેખા’ લઈ બેસતી. ‘તારક મહેતાના ઊંધા ચશ્મા’ વાંચી હસી પડતી ત્યારે આજુબાજુથી સૌ મને જોઈ રહેતા. પછી મારી સામે જોઈ હસતાં અને સમજી જતાં કે મેગેઝીન વાંચીને હું હસી રહી છું….  અત્યારે વિચારી હું હસી પડી.

બસ સ્ટેન્ડ પાછળ હોટેલની બાજુમાં એકબે નાનીનાની દુકાનો હતી. અહીં દુકાનો વહેલી સવારે ખૂલી જતી. એક હતી રેડિમેડ કપડાની. રોજ  વહેલી સવારે એમાં સફાઈ કરતાં એ ભાઈને હું જોતી. અત્યારે એના કાઉન્ટર પર નજર પડતાં ત્યાં ચિતપરિચિત ચહેરો ન દેખાયો. એ દાદા તો હવે …. મેં  નજર ફેરવી લીધી.

સામેની બાજુ બસનું જંકશન હોવાથી ઘણી બધી બસો ઊભી રહેતી. એ બસ સ્ટેન્ડ જાણીતું હતું પણ માનીતું ન હતું. ત્યાં તો ઉતરતાની સાથે ઘરની વાટ પકડાતી. બસનો ડ્રાઈવર અને કંડક્ટર સમયના બરાબર પાકા હતા. ક્યારેય મોડું ન થતું. સમયસર બસો પાછી આવતી અને સમયસર પાછી વળતી. લગભગ બધાજ મુસાફરોને ડ્રાઈવર અને કંડક્ટર ઓળખતા. કોઈકને બસ સ્ટેન્ડ પર પહોંચવા દોડતા જોઈ કાયમ બસ ઊભી રાખતા. માનવતાના દર્શન હંમેશા થતાં. આજે વરસો પછી આજના ટ્રાફિકમાં સમયની પ્રતિબદ્ધતા કેટલી હશે ખબર નથી !

હું ફરી ભૂતકાળમાંથી વર્તમાનમાં આવી ગઈ. લગ્ન પછી કોઈ દિવસ બસ સ્ટેન્ડ પર ઊભા રહેવાનો વારો જ ન આવ્યો. મને જાણે અચાનક મારા બસ સ્ટેન્ડને ગુમાવી દેવાની ભાવના થઈ આવી. મન ખિન્ન થઈ ગયું.

એકીટસે હું બસ સ્ટેન્ડ જોઈ રહી. નવું બસ સ્ટેન્ડ ખૂબ સુંદર હતું. સ્ટીલના સળિયા અને ઉપર એક્રેલીકનું છાપરું અને એમાંથી દેખાતું સુંદર આકાશ. બેસવા માટે સરસ સ્ટીલની બનાવેલી ચમકતી બેન્ચ હતી. વરસાદ આવતા સૌ છાપરાની નીચે આવી જતાં દેખાયા. મને છત્રી લઈ ઊભેલી મારી જાત દેખાઈ. એક સ્માઇલ સાથે મેં ગાડી સ્ટાર્ટ કરી અને મારા ગમતા બસ સ્ટેન્ડથી દૂર દૂર ચાલી નીકળી.
***
Shaila Shah shailajsk@gmail.com

 

આપનો પ્રતિભાવ આપો..

11 Comments

  1. बहुत बहुत बधाई एक नए प्रयास के लिए जो पढ़ने में काफ़ी रोचक रहा

  2. જુદી ભાતનું સરસ સ્મરણ વર્ણવાયું છે..મઝા પડી…

  3. સરસ મજાનું વર્ણન, મને ક્યારેક હું બસમાં જતો તે બસ સ્ટેન્ડ યાદ આવી ગયું. હવે તો બસમાં જવાનું જ બંધ થઈ ગયું….!!

  4. ખૂબ સુંદર યાદો નું સુંદર વર્ણન! 👌👌👌

  5. આપના લખાણ નો સ્ટ્રોંગ અને પ્લસ પોઇન્ટ e છે કે આપની ભાષા કોઈ અલંકાર વગર પણ સાદી Ane સરળ , દરેક વાચક ના જાણે પોતાના મન ની જ વાત લાગે .