છૂટી ગયેલા તીરને કોણ પાછું વાળી શક્યું છે (પ્રકરણ : 6) ~ આત્મકથા: પગલું માંડું હું અવકાશમાં ~ વર્ષા અડાલજા

પ્રકરણ : 6

મારા કાન્તામાસી અને દેવુમાસાનું ગામ ગુજરવદી. ખોબા જેવડું અને ગણીને ખોરડા. બેએક વખત ગયાનું સાંભરે છે.

સ્ટેશનવિહોણું ગામ. વહેલી સવારે વીરમગામ ઊતરી ઝોકાં ખાતાં બેસી રહેતા. નેરોગેજ બાપુશાહી ગાડી આવે, એમાં ખૂબ કંટાળાજનક મુસાફરી. મોડી બપોરે રાજસીતાપુર ઊતરીએ. (આંખમાં કોલસાની કણી ગઈ જ હોય એટલે રડવાનું).

અમે જઈએ ત્યારે સાથે સામાન હોય, મોટો બિસ્તરો, પેટીપટારા, ભાતુનાં ડબ્બા, કૂંજો. સ્ટેશને સ્ટેશને કૂંજોમાં પાણી ભરાવવા વૃદ્ધો અને બાળકો દોડતાં હોય. રાજસીતાપુર ઊતરીએ કે માસીએ માફો બાંધેલું ગાડું મોકલ્યું હોય, લાડુનો ડબરો અને ગાડાની નીચે બાંધી હોય મીઠા પાણીની ભંભલી.

ગાડાવાટે ઊછળતા, ઝોકા ખાતા, લાડુ આરોગતા ગુજરવદી પહોંચીએ ત્યારે અમારો મુંબઈનો સુખીયો જીવ અધમૂઓ થઈ ગયો હોય પણ માસામાસીનો પ્રેમ બધો ખંગ વાળી દે. આમ તો અમે નાનાં ગામોમાં ફરવા, દર્શને ગયેલાં પણ આ તો પરફેક્ટ ગામડામાં રહેવાનું હતું! માસાનું ડેલીબંધ ઘર, ફળિયામાં ભેંસ, લાંબી ઓંસરીયે બે ઓરડા, રસોડું ધૂણી ધખતી હોય એમ લાકડે ચૂલો સળગે.

આ પહેલું જ ગ્રામદર્શન! અમારે માટે નવાઈભર્યું. માસી કપાળ સુધી સાડલો ઓઢી ગામલોક સાથે વાત કરે, પણ મોઢું તો દેખાતું હોય. એનીય અમને નવાઈ. મુંબઈમાં સ્ત્રીને લાજ કાઢેલી ક્યાંથી જોઈ હોય! પહેલી વાર ગયા ત્યારે અમને બહેનોને અડવું લાગતું હતું, પણ માસીનું હેત અને દેવુમાસાનો હસમુખો, રમૂજી સ્વભાવ. (પછીથી ખબર પડી હતી કે દેવશંકર મહેતા પણ લેખક હતા અને એમણે ખેતી કરતાં સરસ ગ્રામ્યકથાઓ લખેલી.) અમે બહેનો અને માસીની દીકરીઓ વયમાં આગળપાછળ એટલે ભળી ગયાં. ફળિયામાં ખાટલો ઊભો કરી, ઉપર સાડલો નાંખે કે સરસ બાથરૂમ અને કુદરતી ક્રિયા માટે વિશાળ વગડો.

આખો માહોલ અજીબોગરીબ લાગેલો. ગામમાંથી કહેણ આવે, કાન્તાબૂનનાં બેન ભાણીઓ જોડે આવ્યાં છે. ઘેર પધારજો.

આ પણ નવાઈ! રોજેરોજ આશ્ચર્યમ્. માસી ભેંસ દોહવા બેસે ત્યારે અમુક જ સાડલો પહેરવાનો નહીં તો ભેંસ ઠમકીને ખસી જાય. અમે ઓસરીની ધારે બેસી આ નવતર દૃશ્યો જોઈએ. ઓસરીમાં મોટી ગોળી હતી. સવારે ઊઠીને જોયું તો માસી વલોણું કરતાં હતાં અને સામે બા!

બાનું આ અલગ રૂપ!

આજે વિચારું છું, એક કૂખે જન્મેલી બે બહેનો – એક મગની બે ફાડ. ગામડામાં અનેક અભાવોમાં સાથે ઊછરેલી, પણ હવે સાવ સામસામેનાં છેડાનું જીવન. બેય પોતાનાં સંસારમાં પરોવાયેલી અને દૂર દૂર વસતી. એ સમયે કેવો વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહારનાં નગણ્ય સાધનો! સુખેદુઃખે પોસ્ટકાર્ડમાં બે અક્ષર પાડે, અહીં ફળિયામાં મોડી રાત સુધી બેય બહેનો સાંભરે રેની ગોઠડી માંડતી.

સવારથી માસીને ઘેર લોટા લઈ બહેનો છાસ માગવા આવતી ત્યારે થતું અરે! આમ છાસ લેવા જવાનું! એ દિવસે વલોણાધાર હોય.

બીજી વખત માસીની મોટી દીકરી સરોજનાં લગ્નમાં અમે ગયાં હતાં અને ગામડાનાં લગ્ન પહેલીવાર (અને છેલ્લીવાર) જોયાં હતાં. હવે તો ગ્રામ્યચિત્ર બદલાઈ ગયું હશે. અનેક રંગો પુરાયા હશે, પણ એ સમયે તો એક ઘરે લગ્ન એટલે આખા ગામમાં લગ્નનો પ્રસંગ, જુદા જુદા વરણનાં ઘર હતાં છતાં, ગાદલાંગોદડાં, વાસણો બધું આપમેળે આવતું ગયું. ઝૂલવાળો માંડવો બંધાઈ ગયો. સુંવાળી (કડક પૂરી) વણવા રાત્રે બહેનો પાટલા વેલણ લઈ આવી પહોંચે. ગાતાં, હસતાં વાતો વણતાં પૂરીયે વણાતી જાય. ત્રાજવે દળ તોળી, લાડુ વાળી મામાટ ભરાય.

છેલ્લીવાર વર્ષો પહેલાં જોયેલાં, પછી ભૂલી પણ ગયેલી એ ગ્રામદૃશ્યો ‘ક્રોસરોડ’ લખતી હતી ત્યારે એ બીજ મારી નવલકથામાં હરિયાળા તૃણાંકર બની ઊગી નીકળ્યા હતા. મનની મસૃણ ધરતીમાં એ બીજ છે એનીયે મને નહોતી ખબર.

આ ચમત્કાર જ સર્જકની મોટી ઉપલબ્ધી. ગોરખનાથ કહે છે એમ,
માલી સીંચે સો ધડા
રૂત આયે ફળ હોય.
* * *
બાને પોપટ બહુ વહાલો. જામનગર જેવા નાના શહેરમાંથી કોણ જાણે ક્યાંથી રમતિયાળ બોલતો પોપટ શોધી લાવેલી અને સરસ મોટું પિત્તળનું પાંજરું. એની સાથે વાતો કરવાની, રમવાની આ એકાંતવાસ જેવા ઘરમાં અમને બહુ મજા પડતી.

એ અમારો ફૅમિલી મેમ્બર. જાતે જ પિંજરું ખોલે, સખારામની થાળીમાંથી દાળભાત ખાય પછી ઠુમક ઠુમક ચાલતો આખા ઘરમાં વૉક પર નીકળે. બારીઓ ખુલ્લી. પોતાની મેળે જ પાછો પિંજરામાં જઈ પોપટ ભૂખ્યો નથી, તરસ્યો નથી લલકારતો. અમારી સાથે ખાસ્સું રહ્યો. એ અમારા પર, અમે એના પર ઓળઘોળ. પણ તોય એક દિવસ અચાનક વોક લેતા એ આંબાની ડાળ, સરવરની પાળ જવા ઊડી ગયો.

અમારી શોધાશોધ ચાલી. કંપાઉન્ડમાં બે જ નીલ વૃક્ષ. સડસડાટ ચડી મીઠુને કેટલા સાદ પાડ્યા, પણ એણે પોતાનું આકાશ શોધી લીધું હતું. મુક્તિ માટે જે ગૃહત્યાગ કરે છે, એને વહેલી કે મોડી પાંખો ફૂટે છે.

જામનગર છોડ્યા પછી અમે એક વર્ષ રાજકોટ હતા, ત્યાંય એક આવા ફૅમિલી મેમ્બરને વહાલ અને વિદાય. મારા એક મામા વેટ ડૉક્ટર હતા. એક રાત્રે મસ્ત નાનકડું ગલૂડિયું અમને બહેનોને આપી ગયા. અમે નામ પાડ્યું શોભા. અમારી તો ગૃહશોભા!

ચમકતો સોનેરી બ્રાઉન રંગ, ટૂંકા પગ અને લાંબી કાયા. એ ડેશન જાતિની હતી એ તો અમે મોટા થયા પછી ખબર પડી, પણ વહાલને જાતિ સાથે શું લેવાદેવા! અમારી સાથે જ રોટલી દાળભાત જમે, બાના પગ પાસે બેસી જમ્યા પછી કટક કટક સોપારી ખાય. રાજકોટમાં મોટો બંગલો હતો એટલે પકડાપકડી રમવાની ખૂબ મજા પડતી.

અમે રાજકોટ છોડી ફરી મુંબઈ આવ્યાં અને શોભા કોઈને આપી દીધી, બીજાને સોંપતા જ એ સમજી ગઈ. એની અને અમારી આંખમાંથી આંસુની ધાર. ત્યારે બાએ કહેલું કે કશાનો મોહ હવે રાખવો નથી, જેટલો મોહ એટલું દુઃખ.

બાના એ શબ્દો ભવિષ્યવાણી હોય એમ થોડા જ સમયમાં સાચા પડવાના હતા. ક્યારેક અનુભવગ્રંથોમાંથી કેવો ગીતાસાર પ્રાપ્ત થતો હોય છે! મારી બંને દીકરીઓનો ગજબનો પ્રાણીપ્રેમ છે. બચાવે, રક્ષા કરે, ટ્રીટમૅન્ટ કરે, સંતાનની જેમ બધી તપાસ કરી પછી જ દત્તક આપે. અનરાધાર વરસાદમાં કૂતરાઓએ ટોચી નાંખેલા જખ્મી ગલૂડિયાને માધવી ગોદમાં ઘરે લઈ આવી ત્યારે મને બાની વહાલ નીતરતી આંખો યાદ આવી ગઈ.

બાએ કેટકેટલું આપ્યું હતું!
* * *

એક દિવસ જોયું તો પપ્પા, બા, ભાઈ રેડિયો સામે બેસી રડી રહ્યાં હતાં. જે ઘરમાં કદી ઊંચે સાદે એક અક્ષર સાંભળ્યો નહોતો, રડવાની તો વાત જ શી! ત્યાં આ દૃશ્ય જોઈ અમેય નિમાણા થઈ ગયાં. રેડિયોમાં કોઈ બોલી રહ્યું હતું કે ગાંધીજીની ગોળી મારી હત્યા થઈ.

મારા સોનેરી સ્મૃતિકિરણોને ઊલટસૂલટ કરી જોઉં છું, પણ એ દૃશ્ય સિવાયની બીજી વાતનું સ્મરણ નથી થતું. હા, એટલું જાણું છું કે વસમા દિવસોમાં પણ પપ્પાબાને આમ ભાંગી પડતાં જોયા નથી.

દૂરદૂરથી જે વાવડો ધસી આવતો હતો જેની અમને ખબર નહોતી, પણ અત્યંત પીડાદાયક વિભાજન… રાજ્યોનું વિલીનીકરણ… હિજરત કરતાં લોકોનાં ટોળાં… હત્યાકાંડ…

એ વાવાઝોડું એવા તીવ્ર વેગે ધસી આવ્યું કે સોનાની શરણાઈએ ઊગેલા સૂરજને ગ્રહણ લાગ્યું અને અંધારપટ છવાયો. આ ઘટનાઓનાં ઓળા અમારા કુટુંબનાં દીર્ઘ જીવનપટ પર પથરાયેલા રહ્યા.
* * *
કોઈ ફિલ્મના ફેઇડ આઉટ ફેઇડ ઇનની જેમ દૃશ્ય બદલાય છે.

અમે બહેનો હજી મૂક પ્રેક્ષકો છીએ. વિભાજન પછીનો સમય.

હવે અમારા રજવાડી ઘરને આંગણે, અંબાડીવાળા હાથીની જેમ ઝૂલતી મારી વહાલી ઓપલ કાર પણ નથી. અમારા નીતનવાં કપડાં, બાની રેશમી બાંધણીઓ ખરીદાતી નથી. બનીઠનીને ફિલ્મોમાં, સેતાવાડનાં નાગરી ઘરોમાં કે લાખોટા તળાવે ફરવા જવાનું હવે ક્યારેક જ. દેવુમાસા કાન્તામાસી ગુજરવદી ચાલી ગયાં છે, સંગીતશિક્ષક આત્મારામજીની ઘોડાગાડીનાં ડાબલાં સંભળાતા નથી, ગ્રામોફોન ચૂપ છે.

કોઈ અનામી ઓથાર ઘર પર, અમારા જીવન પર ઝળુંબે છે.

જામનગરની નાગમતી નદીને કિનારે જન્માષ્ટમીના મેળામાં અમને બચુકાકા લઈ જતા અને માટીનાં રમકડાં અપાવતા. બિંદુબહેને પોતે એક ગીત બનાવ્યું હતું, કમ્પોઝર પણ એ. હલકભર્યા કંઠે ગાતા.
આજ શિતળાસાતમ આવી રે
નાગનાથ મેળો ભરાશે, ટન્‌ન્‌ન્ ટન્.
અમેય મોટે મોટેથી ગાતા સુખનાં જે ચકડોળમાં ઘૂમી રહ્યાં હતાં એ ચકડોળનું ખાનું અમને પારણાની જેમ છેક ટોચ ઉપર હરખથી ઝુલાવતું અચાનક નીચે ધસી આવી ભોંયભેગું થઈ ગયું હતું અને સપનાંઓનો ભરભર ભુક્કો.

પણ મારી વય હજી આનંદી કાગડાની છે. શું? કેમ? કેવી રીતે? એવા અણિયાળા પ્રશ્નો હજી અમને બહેનોને પજવતા નથી.

અચાનક મારું વહાલું સોલોરિયમ, એ સામેનો સુંદર વિશાળ ફ્લૅટ, મારો પ્રિય લીમડો એ બધું જ છૂટ્યું. હંમેશ માટે. એની સાથે અમારું જીવાયેલું જીવન પણ સમેટાઈ ગયું. જાણે એક ભયાનક ધરતીકંપમાં આખું નગર જ ગારદ થઈ ગયું!
* * *
હવે અમે સોલેરિયમ અને અમારા વહાલા ઘરથી દૂર કોઈ બીજા જ ઘરમાં રહીએ છીએ. બિંદુબહેન ધીમેથી કહેતા, આ જામસાહેબનું ઘર નથી. ભાડાનું ઘર છે, પણ ભાડાનું ઘર એટલે વળી શું!

આ નવા ઘરમાં જાહોજલાલી ભલે નથી, પણ એક માળનું ઘર. ખૂબ મોકળાશ. મોટા ઓરડાઓ. હિંચકો, મારો સાગસિસમનો ઢોલિયો પણ છે. પ્રાઇવેટ મોટું કંપાઉન્ડ. એમાં સરસ બંગલો, પણ એ બંધ છે. આઉટહાઉસમાં વિધવા માતા એક પુત્ર, બે પુત્રીઓ સાથે રહે છે. બંગલોમાં ડોકિયું કરવાનું બહુ મન છે, પણ એ બંધ હોય છે. એ મકાનમાલિક છે.

આ ઘરની આજુબાજુ થોડા મકાનોની વસ્તી છે. રોઝી બંદર જતી ટ્રોલીના નાના બે પાટા ઘર સામેથી પસાર થાય છે. ઘણીવાર વહાલી ટ્રામ યાદ આવી જાય છે. બાજુના મકાનમાં ચાર ભાઈબહેનો છે. પહેલીવાર અમને જામનગરમાં મિત્રો મળ્યા. સૌથી નાનો રાહુલ. એની કોડીગેંગમાં કોડી રમવાની ખૂબ મજા પડતી. સાંજ પછી અમારી થપ્પોની રમત શું જામે! બિંદુબહેન અને ઈલા એક સરખી ઓઢણી પહેરતા એટલે રમતમાં ચિટિંગ જબરજસ્ત થતું. અમારી દોડાદોડ, હાસ્યનાં ઘુઘવાટાથી સાંજ કલબલી ઊઠતી.

ક્યા હુઆ કૈસે હુઆની સમજ વિના અમે રમત રમીએ છીએ. અદૃશ્ય રીતે ભાગ્ય પણ અમારી સાથે પકડાપકડી રમી રહ્યું છે.
* * *
પપ્પા ઘણીવાર દિવસો સુધી ઘરમાં હોતા નથી, બાને પૂછીએ તો કહે મુંબઈ કામ છે.

સારું, તો આપણે કેમ મુંબઈ જતા નથી? માટુંગા આપણું પોતાનું સરસ ઘર છે, તે યાદ આવે છે, મુંબઈ યાદ આવે છે. ચાલો મુંબઈ.

પણ કેટલીક ન સમજાતી વાતોમાંની એક આ ખાસ વાત અને બીજી પણ ન સમજાતી વાત કે ભાઈ ભણવાનું છોડી સાઈકલ પર બૅંકમાં કેમ જાય છે? ભાઈ હવે ડૉક્ટર નહીં બને? પણ કેમ?

બા કે ભાઈ પાસેથી જવાબ નથી મળતો. અન્ય વાતોની જેમ આ પણ રહસ્યમય બીજી વાત.

ત્યારે સ્કૂલબસ, યુનિફૉર્મ કે શૂઝની કોઈ જ ઝંઝટ નહીં. ખભે થેલી, એક જોડી ચંપલ બસ, ચલ ચલ રેં નૌજવાન ગાતા ચાલતા સ્કૂલે જવાનું. બધી વિદ્યાર્થિનીઓ દૂર દૂરથી ચાલતી આવે ત્યારે છોકરીઓ હજી સાઇકલસવાર નહોતી. હા, સમૃદ્ધ ઘરની દીકરીઓ ઘોડાગાડીમાં આવતી. પણ મોટે ભાગે પદયાત્રા. રસ્તા પર બહુ જ ઓછી કાર દેખાતી.

ત્યારે ચાર ધોરણ ગુજરાતી પછી અંગ્રેજી પહેલું ધોરણ એવી શિક્ષણપ્રથા હતી એવું ઝાંખું સ્મરણ છે. ક્રિકેટર સલીમ દુરાનીની બહેન જૈના ઈલાના ક્લાસમાં હતી. ઊંચી, સુંદર અને બ્લ્યુ આંખો.

સલીમ દુરાની

વર્ષો પછી કોણ જાણે ક્યાંથી કેવી રીતે નામ સરનામું મેળવી, બ્રેબોર્ન સ્ટેડિયમ પર મેચ રમતો દુરાની ગુલબહારનાં મારે ઘરે આવ્યો હતો. ક્યાંય સુધી જામનગરની મારી, ઈલાની કંઈક વાતો કરતો રહ્યો હતો.

અમે બહેનો જાતે જાતે ઠોઠિયું ભણીએ. તમારા ભાગ્યોદયનું વચન આપતા જાતભાતનાં કોચિંગ ક્લાસનો જન્મ હજી ભાવિના ગર્ભમાં. હા, સોલેરિયમવાળા ઘરમાં અમારા એક જ્ઞાતિજન અમને બહેનોને ભણાવવા આવતા, પણ ત્યારે અમે સંતાવાની પેરવીમાં રહેતા.

જાદુઈ છડી ફરે અને બંધ હો જા સીમસીમ કહેતાં એ આખી સમૃદ્ધ દુનિયા જ પાતાળપ્રવેશ કરી ગઈ હતી.

જ્ઞાતિજનોએ ફરી છેડો ફાડ્યો હતો. અમારે ઘરે કોઈ ફરકતું નહીં. જાણે આભડછેટ. હા, એ સમયે અડવા આભડવાનું આખું શાસ્ત્ર હતું. જોકે એવી પરંપરાથી અમે મુક્ત હતા. પપ્પાએ તો રાણપુરમાં ‘સૌરાષ્ટ્ર’ માટે ગામેગામના હરિજનવાસમાં ફરી હરિજનો પરના અત્યાચારો પર પુસ્તક લખ્યું હતું. અને લવાજમનાં ભેટરૂપે અપાતું હતું. અમારું ભાગ્યચક્ર ફર્યું અને બીજા મકાનમાં રહેવા આવ્યા ત્યારે સખારામ પણ મુંબઈ ચાલી ગયેલો અને અમારે ત્યાં એક હરિજન મણિબહેન કામ કરવા આવતાં. અગિયારસનું ફરાળ બા એમની સાથે રસોડામાં બેસીને કરતાં.

પપ્પા, બા અને ભાઈનો સિક્રેટ પેક્ટ હોય કે આ આસમાની સુલતાની વિષે કશી વાત અમને ન કરવી એમ વર્ષો સુધી અમને ખબર ન પડી કે શું બન્યું હતું! આજના ભૂલકાં કેટલાં સ્માર્ટ હોય છે! એમને માટે તો દસે દિશાઓ હવે ખૂલી ગઈ છે અને હાથમાં સ્માર્ટફોન.

પણ બિલીવ મી, એ સમય એક પ્રકારની નિર્દોષતાનો, સરળતાનો હતો. પૃથ્વી એક રહસ્યની દાબડી હતી. દુનિયાનાં દ્વાર વાસેલા હતા. શાળાનાં અભ્યાસક્રમમાં પણ દેશ દેશનાં નામ અને ઇતિહાસ નહોતા.

ફિલ્મસ્ટાર કોમેડિયન ગોપ હાથમાં ફોન લઈ મેરે પિયા ગયે રંગૂન, વહાં સે કીયા હૈ ટેલિફોન ગાતો ત્યારે ફોન જોઈ અમારી આંખ વિસ્ફારિત થઈ જતી.

જેમ જેમ સમજણનાં પ્રદેશમાં પગ મૂક્યો એમ ગોપિત રહેલું સત્ય આપોઆપ ઉજાગર થતું ગયું.

સ્વાતંત્ર્ય આવ્યા પછી રાજ્યોનું વિલીનીકરણ થયું. સ્ટેટપ્રોપર્ટીનો કબજો લેવાયો. સોલેરિયમવાળું ઘર, ‘આયુર્વેદ મુદ્રણાલય’ પ્રેસ સાથે અમારું ‘નીલા પ્રિન્ટરી’ પ્રેસ પણ ગયું. આ ઘટનામાં ખૂટતી કડીઓ હશે, પણ પપ્પાએ કદી માંડીને વાત ન કરી, ન રોંદણાં રડ્યાં. આખું કોળું શાકમાં. પડમાં મારા આધાર કહી આડો હાથ દેનાર રાજરજવાડું પોતાનું ગૂંચો ઉકેલવામાં જ હતું.

અમારી ઝાકઝમાળ દુનિયા પર પ્રલયનાં પૂર ફરી વળ્યાં હતાં અને સાત સમંદરમાં ડૂબી ગઈ હતી. પપ્પા અને બા સાવ જ હાથેપગે. ચાર સંતાનો સાથે સંસારનો એકડો. ફરીથી ઘૂંટવાનો હતો એટલે પપ્પા ફિલ્મોનાં લેખનનાં કામે મુંબઈ જતા હતા. ભાઈ બ્રિલિયન્ટ કેરિયર છોડી બૅંકની નાનીશી નોકરીનું છત્ર અમારે શિરે ધરીને ઊભો હતો. જાણે ઘરનો મોભ! છાકમછોળમાં રહેતી બા હવે કસીને ઘર ચલાવતી હતી.

જે માણસે આઝાદીની ચળવળમાં તનમનધનથી જાત હોમી દીધી હતી, ત્યારે કૉંગ્રેસી નેતાઓ પપ્પાનાં ગાઢ મિત્રો હતા. બહુ આગ્રહ છતાં પપ્પા ચૂંટણી ન લડવા મક્કમ હતા; બહાર રહીને હું સજાગ પત્રકાર તરીકે ફરજ બજાવી શકીશ, અંદર પ્રવેશીશ તો સિસ્ટમનો ભાગ બનવું પડશે. ઢગલોએક પ્રચાર સાહિત્ય અમારા પ્રેસમાં છપાવી, બીલો ચૂકવ્યા વિના આ નેતાઓ ચૂંટણી જીતી સત્તાસ્થાને બિરાજમાન થઈ ગયા હતા. વર્ષો પછી ભાઈએ એક વખત કહ્યું હતું : “એક વાર આ નેતાઓને પપ્પા કારમાં લઈ જતા હતા ત્યારે કાર ખોટકાઈ અને પપ્પાને જંગલમાં અડધી રાત્રે છોડી નેતાઓ ઊપડી ગયા, પાછળથી પૂછપરછ પણ નહીં. બા આખી રાત બારીએ ઊભી રહી, પ્રતિક્ષા કરતી રહી હતી.”

બીજી અનેક પીડાદાયક વાતો હશે, પણ એની પારાયણ માતાપિતાએ અમારી આગળ ન માંડી. પાછળનાં ઘણાં વધુ સંઘર્ષમય દિવસોમાં પણ ન કોઈ પર દોષારોપણ, ન રોદણાં રડવાના. જે થોડુંઘણું અમે જાણ્યું તે ભાઈ પાસેથી. પછી પોતે જ પૂર્ણવિરામ મૂકી દે, કહી દે, વસુ! બેઠી ભોંય ખોદવી નહીં, નર્યો કાદવ નીકળે. એ તો પહેલેથી જ સંસારની માયાજાળથી વેગળો. કહેતો બીત ગઈ સો બીત ગઈ.

હા, બીત ગઈ સો બીત ગઈ તો ખરું, પણ એ વીતેલી ઘટનાઓએ જતાં જતાં અમારા સહુના જીવન પર એટલા ઊંડા ચાસ પાડ્યા!
* * *
જે ગયું તે તો ગયું જ. ભલે. છૂટી ગયેલા તીરને કોણ પાછું વાળી શક્યું છે! પણ જ્યારે એ સમય વીતી રહ્યો હોય અને એ ક્ષણનાં વર્તમાનમાં તમે જીવતા હો ત્યારે એ સહન કરતાં હૃદયમાં કેવો હાહાકાર મચ્યો હશે!

શા માટે આમ અમારે નોંધારા જેવા થઈ, ગામને છેવાડે કોઈના ભાડાના ઘરમાં રહેવાનું? જામનગરમાં કામ નથી, કાજ નથી, પપ્પાને વારંવાર મુંબઈ જવું પડે છે તો આપણે જ મુંબઈમાં આપણાં પોતાનાં, બાએ શણગારેલા ઘરે કેમ નથી જતાં? ચાલીમાં સ્વજન જેવા પાડોશીઓ અને આપણું વહાલું મુંબઈ. પછી અહીં રહેવાનું જ શું કામ? બસ, મુંબઈ પાછા ચાલો.

પણ જીવનનાં ઘણાં પ્રશ્નોના જવાબ તમને સામે બેસાડી કોઈ આપતું નથી. સમય સ્વયં સત્યને ઉજાગર કરે છે.

વિભાજન

મોટાં થતાં અમને સમજાયું કે વિભાજન પછી અસંખ્ય નિરાશ્રિતો, ભીષણ દાવાનળમાંથી પસાર થતાં બળતાંઝળતાં ભારતનાં શહેરોમાં આવી પૂગ્યા હતા. વર્ષોની યાતના અને પ્રખર ઝંઝાવાતોમાંથી દેશનું વહાણ માંડ કાંઠે લાંગર્યું હતું અને એ વહાણમાં હવે સાંકડમાંકડ આપણાં દેશબાંધવોને સમાવી લેવાના હતા.

સરકારે અત્તરિયાળ કાયદો કર્યો હતો. જે રહે તેનું ઘર. ખાલી ઘરનો કબજો લઈ આ લોકોને વસાવવાના, પણ અમે તો ન હિજરત કરી હતી ન ઘર ખાલી હતું. આ અંધાધૂંધીમાં પપ્પાના એક મિત્રદંપતિએ થોડો સમય ત્યાં આશરો લીધો હતો. એટલે બાજુની રૂમનાં પાડોશીએ લાગ સાધ્યો, દંપતિનાં નાના બાળકને ત્રીજે માળનાં કઠેડાથી લટકાવી રાખ્યું, હમણાં જ બહાર નીકળો નહીંતર…

એકદમ ફિલ્મનું જ દૃશ્ય!

એ ઘરમાં, અમારા ઘરમાં કરાંચીથી આવેલા એમના સગાને ઘુસાડી દીધા. ક્ષણાર્ધમાં જ ખેલ ખતમ થઈ ગયો. બધું જ ગયું. સ્વજન સમું ઘર ગયું.

પણ શું અમારું ઘર જ ગયું હતું!

છળકપટથી ઘર છીનવાઈ જતાં અમારાં પૂર્વજીવનનું દ્વાર હંમેશ માટે વસાઈ ગયું. અમારું ઘર અમારું જ રહ્યું હોત તો જામનગરમાં સર્વસ્વ ગુમાવી હારણ થવાને બદલે અમારા માટુંગાને ઘરે પરત આવી જાત. પૂર્વજીવન સાથે તરત અનુસંધાન થઈ જાત. પછડાટનાં મૂઢમારની કળ વળીને કુટુંબ બેઠું થઈ ગયું હોત. સંસારનો વજનદાર બોજ લઈ મારાં માતાપિતાને ખુદ નિરાશ્રિતની જેમ રઝળપાટ ન કરવી પડત.

અમારા જીવનની સહુથી મોટી આ કરુણાંતિકા નિવારી શકાઈ હોત.

હા, રઝળપાટ. ક્યાંય ઘર તો હતું જ નહીં! કોઈ વાર એક જ ઘટના સમગ્ર જીવનને કેવું ઊલટસૂલટ કરી નાંખે છે! જે સ્વાતંત્ર્ય માટે લડ્યા, અસંખ્ય લોકોની જેમ ઘણું ભોગવ્યું, વૉરંટની લટકતી તલવાર નીચેય ન ડગ્યા એ જ સ્વાતંત્ર્ય આવ્યું ત્યારે એને શગમોતીડે વધાવવાની સાથે વિભાજનનો ઝંઝાવાત પણ લાવ્યું અને ભયંકર ઝંઝાવાતમાં મૂળસોતા ઉખેડાઈને અમે ક્યાંય ફેંગોળાઈ ગયા.

જો ભૂતાનિવાસની ચાલી છોડી અમે પપ્પાએ લીધેલા બીજા ઘરમાં જ રહ્યા હોત તો અમે એક ઘર માટે તલસતા રહ્યા, ઘણી હાડમારીઓ ભોગવી એ કશું જ ન બનત. પણ આપણા ધારવાથી શું! ઝંખનાનું પાત્ર અક્ષય છે.

આ એક જ ઘટના.

અને અમારું જીવન એવે રસ્તે વળી ગયું જ્યાં નિર્જન, ધખધખતો રેતાળ પ્રદેશ હતો. કશે છાયો ન હતો, મીઠું પાણી દુર્લભ. એ રસ્તે ચાલતા મારાં માતાપિતા, ભાઈને પગે કેવા ફરફોલા પડ્યા હશે એની દુનિયાને, અમને કદી જાણ ન થઈ. જીવનમાં કે ઘરમાં કડવાશનો એક છાંટો નહીં, નહીં હિજરાપો.

પપ્પાના હાથમાં કલમ અને અનેક અખબાર-સામયિકમાં લેખન, પણ આટલા મોટા વિશ્વાસઘાતની વાત ક્યારેય ન લખી તો પાડોશીનું નામઠામ તો જાહેર શેના કરે! (એ પાડોશી મહિલાની ત્રણ ત્રણ પ્રસૂતિ બાએ કરી હતી.) ત્યારેય ન લડવા ગયા, ન ભૂતાનિવાસમાં ફરી પગ મૂક્યો.

જાણે કશું બન્યું નથી. ઘટનાનો વીંટો વાળી દીધો.

હવે તો અમે પણ માતાપિતાની જિંદગીનો હિસ્સો હતાં. એમની સાથે અમે ભાઈબહેનો પણ નિયતિ સામે ઝઝૂમ્યાં, અગવડો અને અભાવોમાં જીવ્યાં. એ અમારા હિસ્સાનો જીવનસંઘર્ષ હતો. સ્મરણમંજૂષા ખોલીને બેઠી છું. એનાં ઝગમગતાં સૂર્યકિરણો એ કાળખંડને પ્રકાશિત કરે છે. કેટલાંય દૃશ્યો ફરી ફરી જોઈ હું વિચલિત થઈ ઊઠું છું.

કલમ મૂકી દઈ હું નીચે ગાર્ડનમાં ચાલવા માટે ઊતરી પડું છું.

(ક્રમશ:)

આપનો પ્રતિભાવ આપો..

5 Comments

  1. ‘માતાપિતાની જિંદગીનો હિસ્સો હતાં. એમની સાથે અમે ભાઈબહેનો પણ નિયતિ સામે ઝઝૂમ્યાં, અગવડો અને અભાવોમાં જીવ્યાં. એ અમારા હિસ્સાનો જીવનસંઘર્ષ હતો. સ્મરણમંજૂષા ખોલીને બેઠી છું. એનાં ઝગમગતાં સૂર્યકિરણો એ કાળખંડને પ્રકાશિત કરે છે. કેટલાંય દૃશ્યો ફરી ફરી જોઈ હું વિચલિત થઈ ઊઠું છું.’ ધન્ય આપની પ્રેરણાદાયી સંઘર્ષ કથા

  2. ગુણવંતરાય આચાર્યની માત્ર નવલકથાઓ જ નહીં પણ જીવનકથા પણ જવાંમર્દ માણસના સંઘર્ષની કથા છે એ હવે ખ્યાલ આવે છે.

    1. વાંચીને, Gujarvadi જવાનું મન થઇ ગયુ. અદ્ભુત લખાણ, alwaya your true fan

  3. સ્મૃતિ સંવેદનોથી સભર , જીવનની સત્યઘટનાને ઉજાગર કરતી સુંદર આત્મકથા