સપાટીની સાથે એ પાતાળ રાખે (ગઝલ) ~ કુણાલ શાહ
સપાટીની સાથે એ પાતાળ રાખે,
રહી મૌન ભીતરને વાચાળ રાખે.
સમંદર, ખલાસી, હલેસા ને હોડી,
પરસ્પર અનાયાસ સંભાળ રાખે.
પ્રકટ જે કરે તે શિકારી બને છે.
છુપાવીને મનમાં બધા જાળ રાખે.
રહે તંગ વાતાવરણ આ નગરનું,
સતત કાળજી એ રખેવાળ રાખે.
કથામાં ડુબાડી શરતને ભુલાવે,
હુનર બહુ મજાનું એ વેતાળ રાખે.
કરામતને આંબી ગઈ છે સહજતા,
પછી ઓલિયો કેમ જંજાળ રાખે?
~ કુણાલ શાહ (અમદાવાદ)
બધા શેર ગમી જાય તેવા છે.
ખૂબ સરસ ગઝલ.
સરસ ગઝલ
કરામતને આંબી ગઈ છે સહજતા,
પછી ઓલિયો કેમ જંજાળ રાખે?
વાહ
વાહ વાહ વાહ
ખૂબ સરસ ગઝલ… બધા કાફિયા અને રદિફનું સુંદર સાયુજ્ય..