યથેચ્છસિ તથા કુરુ (ગઝલ) ~ વિરલ શુક્લ

શમાવ આખરી તૃષા; યથેચ્છસિ તથા કુરુ
ન અન્ય કોઈ પ્રાર્થના; યથેચ્છસિ તથા કુરુ

મળે ન મોક્ષ તોય ચાલશે અપાવ આટલું
ગઝલ લખાવ નિર્જરા; યથેચ્છસિ તથા કુરુ

અત્ર તત્ર મોજની ઉપાસના અમે કરી
નથી કશું જ અન્યથા; યથેચ્છસિ તથા કુરુ

વ્યંજના ન વૈખરી કશું મળે નહિ અહીં
ગઝલ અમારી મધ્યમાં; યથેચ્છસિ તથા કુરુ

કરી શકું ન સામગાન કે નમાજથી પ્રસન્ન
નથી કશી જ વિદ્વતા; યથેચ્છસિ તથા કુરુ

બીલ્વપત્ર અર્પવાની સૂઝ ના પડી કદી
સમર્પ઼ું શ્વાસ – શૃંખલા; યથેચ્છસિ તથા કુરુ

હતાં વળાંક માર્ગ પર પરંતુ હું વળ્યો નથી
ન વામ કે ન દક્ષિણા; યથેચ્છસિ તથા કુરુ

સહસ્ત્રજન્મ લગ મળે વિરલ નગર ફરી ફરી
છે આટલી જ એષણા; યથેચ્છસિ તથા કુરુ

~ વિરલ શુક્લ
કાવ્યસંગ્રહઃ શબ્દ એક જ મિલા

(શ્રીમદ્ ભગવતગીતાના છેલ્લા અધ્યાયના એક શ્લોક પરથીઃ)
इति ते ज्ञानमख्यातं गुह्याद्गुह्यतरं मया।
विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु॥ 18-63

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

 1. કવિશ્રી~ વિરલ શુક્લની યથેચ્છસિ તથા કુરુ સ રસ ગઝલ
  કૃષ્ણ કહે છે કે, ‘મારે તને જે કહેવાનું હતું એ કહી દીધું. જે સમજાવવાનું હતું તે સમજાવી દીધુ. હવે હું તને એમ નથી કહેતો કે હું કહું એમ જ તું કર. હવે આ સાંભળ્યા બાદ પણ તું એ જ કર જે તને ઠીક લાગતું હોય. યથેચ્છસિ તથા કુરુ.’ અહીંયા પૂરુ.ફ્રી હિટ:
  ઘણી જ સરળ છે તારી બધી વાતો ઈશ્ર્વર,
  આ ઉપદેશકો સમજાવીને સમજવા નથી દેતા!
  યાદ આવે
  યથેચ્છસિ તથા કુરુ – રાજેન્દ્ર શુક્લ
  વદી વદી વદ્યા ગરુ, યથેચ્છસિ તથા કુરુ.
  ભર્યો છે ભીતરે ચરુ, યથેચ્છસિ તથા કુરુ.

  ન ખોટું કે નથી ખરું, યથેચ્છસિ તથા કુરુ.
  જે સૂઝ્યું તે કર શરૂ, યથેચ્છસિ તથા કુરુ.

  નથી સરલ ન આકરું, યથેચ્છસિ તથા કુરુ,
  થશે બધું ય પાધરું, યથેચ્છસિ તથા કુરુ.

  ન ઘેરશે તને ધરું, યથેચ્છસિ તથા કુરુ.
  ટકી શકે ન છાપરું, યથેચ્છસિ તથા કુરુ.

  ભલે ન મન કહ્યાગરું, યથેચ્છસિ તથા કુરુ,
  થવાનું એ ય પાંસરું, યથેચ્છસિ તથા કુરુ.

  સખત છતાં ય ફોતરું, યથેચ્છસિ તથા કુરુ,
  પલક મહીં થશે પરું, યથેચ્છસિ તથા કુરુ.

  સુદૂર છો અરુપરુ, યથેચ્છસિ તથા કુરુ,
  સ્વયં થશે હરુભરુ, યથેચ્છસિ તથા કુરુ.

 2. વિરલ શુકલને સુંદર અને છતાં કૈંક અનોખી ગઝલ માટે હાર્દિક અભિનંદન !