મૃત્યુ : એક છતનું (વાર્તા) ~ ગિરિમા ઘારેખાન

ઘરની આજુબાજુ માણસોનું ટોળું એકઠું થયું છે. છેલ્લા શ્વાસ લેતાં લેતાં પણ એ માણસોની વાતચીત મારા કાન સુધી પહોંચી રહી છે. બધા મને ઘેરીને ઊભા રહી ગયાં છે અને ‘ઓચિંતું આવું કેવી રીતે થયું હશે’ એમ એકબીજાને પૂછીને મારા પડવા વિષે અફસોસ વ્યક્ત કરી રહ્યાં છે. કોઈએ પોલીસને પણ ફોન કરી દીધો છે અને મારા તૂટી ગયેલા અંગોને આમતેમ ખસેડીને જોવા માંડ્યા છે. કોઈ સમજી નથી શકતું કે અચાનક મને શું થયું અને કેવી રીતે થયું. બધા જાતજાતની અટકળો કરે છે પણ સાચી વાત સુધી કોઈ ક્યારેય પહોંચી નહી શકે. એ રહસ્ય માત્ર હું જ જાણું છું.પણ એ હું તમને કહીશ હોં ! તમને કહેવામાં જરા યે વાંધો નહીં.

સાંભળો, આમ તો હું ઘરમાં એવી સરસ જગ્યાએ બેઠી હતી – ઘરમાં બધાથી ઉપર – એટલે હું બધું જ જોઈ શકું અને બધું જ સાંભળી શકું, અને તો પણ કોઈને કશામાં નડું નહીં. મારા આ જોવા-સાંભળવા અંગે કોઈને કંઈ વાંધોવચકો પણ ન પડે. ઘરના માણસો મારી હાજરીની જાણે કઈ નોંધ જ ન લે, ઘરમાં કોઈ મને કંઈ ગણે જ નહીં. એટલે જ સ્તો બધાની ખાનગીમાં ખાનગી વાતો પણ હું સાંભળી શકું અને બધા જ અંતરંગ દ્રશ્યોની સાક્ષી બની શકું.

માણસોની વાતોમાં ક્યારેક કુડ –કપટ છલકાઈ જાય તો ક્યારેક કંઇક કાવતરું ડોકાઈ જાય, કોઈ વાર મસ્તી મજાક પણ હોય તો ક્યારેક મીઠો અનુરાગ. સ્નેહભરી વાતો સાંભળવી તો મને એટલી બધી ગમે! એવી જ રીતે પ્રેમભર્યાં દ્રશ્યો જોવાનું પણ મને બહુ ગમે. ના, ના, આ કંઈ મારી વિકૃતિ નથી, આ તો સહજ કોમળ સ્વભાવ. તમે પણ અનુભવ્યું જ હશે ને કે ઘરમાં દીવાલો અને ભોંય કોરાકટ હોય અને કાયમ મારી આંખો જ સહુથી પહેલી ભીની થઇ જાય .

આ ઘરમાં પહેલાં જે પતિ-પત્ની રહેતાં હતાં એ બન્ને તો એટલાં ભલાં હતાં કે ન પૂછો વાત. એમની વચ્ચે મેં ક્યારેય લડાઈ ઝઘડા તો જોયા જ ન‘તાં. ઘરમાં એટલી બધી શાંતિ હોય! એ ઉંમરલાયક પતિ –પત્ની બન્ને પોતપોતાનું કામ કરે, પૂજા પાઠ કરે, અને વાંચ્યા કરે. એટલે હું તો આવા પ્રેમ ભર્યા વાતાવરણથી ટેવાયેલી. પણ એ લોકો જેમને ઘર વેચીને ગયાં  એ લોકો તો બાપ તોબા તોબા! થોડા સમયમાં હું તો એટલી કંટાળી ગઈ!

હવે હું તો એક છત, મારે તો ઉપર લટક્યા કરવાનું, એટલે મારાથી થોડું ઘરની બહાર ભાગી જવાય છે? ન કહેવાય ન સહેવાય! ગમે તેટલું ન ગમે એવું બને તો પણ હું ક્યાં ભાગી જઈ શકું? ઘરમાં જે બનતું હોય એના સાક્ષી તો બનવું જ પડે. એમાં ને એમાં તો મને જાણે અકાળે વૃદ્ધત્વ આવી ગયું. મારી સફેદ ત્વચા ઉપર કરચલીઓ પડીને ખરવા માંડી અને અંદરથી કાળી કાળી નસો દેખાવા માંડી. છેલ્લે છેલ્લે તો મારી નીચે લટકાવેલા પંખાનો ‘ખટ ખટ’ અવાજ પણ મને ન હતો ખમાતો. ઉપરથી પેલા માણસોના અંદર અંદરના સતત ઝઘડા! સતત બૂમાબૂમ અને ગાળાગાળી ચાલતી જ હોય. બીજું તો હું કશું ન કરી શકું પણ ઘણીવાર એ લોકોની ઘાંટાઘાટથી કંટાળીને, ગુસ્સામાં આવીને હું મારી થોડી ચૂનાની પતરીઓ એ લોકો ઉપર ખેરવી દેતી. એ લોકો ઊંચું જુએ અને પછી એ બાબતને લઈને એક નવી બબાલ ચાલુ થઈ જાય…

‘હું કહું છું આ છત ઉપરથી હવે તો રોજ ચૂનાની પતરીઓ ખરવા માંડી છે.’

‘હા પપ્પા, એક બે જગ્યાએ તો હવે અંદરથી સળિયા પણ દેખાવા માંડ્યા છે.’

‘તે એમાં હું શું કરું? હું છત થઈને લટકી જઉં?’ ઘરનો વડીલ તાડુકતો .

‘તે તમને લટકવાનું કોણ કહે છે? સમારકામ કરાવવાનું કહીએ છીએ.’ વડીલની પત્ની પણ સામે ભસતી.

‘હા પપ્પા, નહીં તો આ સીલીંગ એક દિવસ આપણે માથે પડશે.’

રોહનિયા, તું તો બોલતો જ નહીં. આવડો મોટો થયો, કંઈ કમાતો ધમાતો નથી, આખો દિવસ રખડી ખાય છે, અને ઉપરથી મને સલાહ આપે છે? ચાર પૈસા કમાવા જાઓ ત્યારે ખબર પડશે. તું પહેલાં તારા દિમાગનું સમારકામ કરાવ.’

વડીલનો ચહેરો લાલઘૂમ થઇ જાય .

રોહન કંઈ બોલે એ પહેલાં તો એની બહેન વચ્ચે પડે. ‘મમ્મી, હવે રોહનને પરણાવી દો એટલે બધી સમસ્યાઓનો અંત આવી જશે. એક તો એ હરાયા ઢોરની જેમ જ્યાં ત્યાં માથું નાખતો ફરે છે એ બંધ થઈ જશે અને કાંક જવાબદારીનું ભાન થશે. છોકરીનો બાપ જે દહેજ આપે એમાંથી ઘર પણ રીપેર થઇ જશે.’

ના, હોં. પહેલાં આ નાલાયક કંઈ કમાતો થાય પછી લગન બગન. અત્યારે પરણાવું એટલે પાછું મારે ખવડાવવા માટે એક મોઢું વધે.’

‘તે અમને ખવડાવો છો એ કંઈ ઉપકાર નથી કરતાં. બાપ થઈને બીજું શું કર્યુઁ તમે?’

આવા વખતે મને એમ થાય કે હું મારા કાન બંધ કરી દઉં. બાપ -દીકરા વચ્ચે આવા સંવાદો? પણ હું તો એક છત, કાન બંધ કરવા  હાથ ક્યાંથી લાવું? 

ત્યાં તો રોહન એની બેન તરફ ફરે, ‘રચના, તું તો બોલતી જ નહીં. તું તારું ઘર તો સાચવી ના શકી અને પાછી આવી ગઈ બાપના રોટલા તોડવા! મારું લગન કરાવીને તારે શું કરવું છે? આખો દિવસ આરામ?  આટલું કામ કરે છે એ પણ ના કરવું પડે, એમ જ ને?’

રચનાની સાસરેથી પાછા ફરવાની વાત આવે એટલે મમ્મીનું રડવાનું ચાલુ થઇ જાય, ‘મારી રચનાના લગનમાં આટલો ખર્ચો કર્યો, આટલું આપ્યું, તો યે એના કકળાટીયા સ્વભાવને લીધે બે મહિના પણ  સાસરામાં ટકી નહીં.’

આ સાભળીને રચના તાડુકે, ’તારું આ નાટક બંધ કર મમ્મી. લગનમાં ખર્ચો કર્યો તે બધા મા-બાપ કરતાં હોય. મારી સાસુ તો  મને રોજ સંભળાવતી હતી કે “તારામાં તારી માનો સ્વભાવ ઊતર્યો છે.” એટલે હું કકળાટીયણ તો તું તો આખી નાતમાં છાપેલું કાટલું છે.’

પછી ચારેય જણનું આક્ષેપો – પ્રતિઆક્ષેપોનું યુદ્ધ ચાલુ થઈ જાય…

‘નંદા, તું તારું રોવાનું બંધ કર, તેં જ રોહનને ફટવાડ્યો છે.’

‘તમે મને કંઈ ના કહો. તમારામાં જ વેતા નથી.’

‘રોહન!’

‘રચના!’

અંતે બાપ –દીકરો તો લગભગ મારામારી સુધી આવી જાય, રોહન રચનાને એક તમાચો ઝીંકી જ દે .

મારાથી આ બધું સહન ન થાય. હું પછી મારી થોડી પોપડીઓ ખેરવી દઉં.
**** 
એ દિવસે તો ઘરમાં બહુ ધમાલ હતી. મારા રૂમને ખૂબ સજાવ્યો હતો. દીવાલો ઉપર રંગબેરંગી રિબિનો લટકાવી હતી અને પલંગ ઉપર ફૂલો પાથર્યાં હતાં.

એ રાત્રે મેં પહેલી વાર જોઈ હતી સૌંદર્યના સરનામા જેવી એ છોકરીને. લાલચટક ચૂંદડી અને આભૂષણોમાં સજ્જ એ એટલી તો શોભતી હતી! એને જોઈને મને પહેલી વાર જ એવું થયું કે કાશ! મારી પાસે હાથ હોત તો એને માથે હાથ ફેરવીને હું એને ખૂબ બધા આશીર્વાદ આપત. રોહન જેવા રખડેલ, નાલાયક છોકરાને આવી સુંદર છોકરી ક્યાંથી મળી ગઈ? હું તો એને ધારીધારીને જોયા જ કરતી હતી. ચહેરો એવો નમણો હતો કે એ નમણાશે આખા રૂમને નાજુક બનાવી દીધો હતો. મને એમ થયું કે જેમ મને બનાવવામાં ઈંટ, રેતી, સિમેન્ટ વગેરે વપરાયું હતું એમ આને બનાવવામાં ગુલાબની પત્તીઓ વપરાઈ હશે? મેં આંખોથી તો એને આશિષ આપ્યા જ હતા અને એની સુખાકારી માટે પ્રાર્થના પણ કરી હતી.

એ દ્રશ્ય તો અત્યારે પણ મને મારી બંધ થતી આંખ સામે દેખાઈ રહ્યું છે…. થોડી વાર પછી રોહન અંદર આવ્યો. ગુલાબની સુગંધથી મઘમઘતા વાતાવરણમાં અચાનક દારૂની વાસ ભળી. રોહનના પગ પણ સ્થિર ન હતા. એને એક લથડિયું આવી ગયું પણ એણે પલંગની ધાર પકડી લીધી. છોકરીની લજ્જાભરી આંખોમાં થોડું આશ્ચર્ય, થોડો આઘાત ડોકાઈ ગયાં. એનાથી પૂછાઈ ગયું, ‘તમે, તમે… દારૂ પીધો છે?’

‘હા. મેં દારૂ પીધો છે. માણસ દુઃખી હોય તો બીજું શું કરે? દારૂ જ પીએ ને?’

છોકરી એની તપખીરી આંખો પહોળી કરીને રોહન સામે જોઈ રહી હતી. એને કંઈ  સમજાયું જ નહીં હોય, બોલે શું?

મને પણ સમજાતું ન હતું કે આટલી સુંદર પત્ની મેળવીને રોહન દુઃખી કેમ હતો?

રોહન છોકરીની બાજુમાં બેસી ગયો. પેલીએ શરીર થોડું સંકોરી લીધું. રોહને છોકરીના પગથી માથા સુધી એક નજર ફેરવી અને પછી એનો  ગળાનો હાર ખેંચતા બોલ્યો, ’આ સાચો છે?’

છોકરીએ એની પાંપણની પાંદડીઓ થોડી ઊંચી કરીને ધીમેથી બોલી, ‘સાચો કેવી રીતે હોય? તમને ખબર તો છે મારા પપ્પાની સ્થિતિ!’

હવે રોહને એના  સ્વભાવ પ્રમાણે સીધી બૂમો જ પાડવા માંડી, ‘એ સ્થિતિ જોઈને જ તારા બાપ પાસે માત્ર પાંચ લાખ માગ્યા હતા. એમણે લગન વખતે એ આપવાનું વચન પણ આપ્યું હતું, અને પધરાવ્યા ખાલી ત્રણ લાખ. મારા બાપની બુદ્ધિએ તો દેવાળું ફૂંકયું’તું, કે મારા જેવા એકના એક દીકરાને ત્રણ લાખમાં પરણાવવા કબૂલ થયા. તારો બાપ તો —, ભિખારી સા — ’

હાય હાય! મને એમ થયું કે માબાપની એવી શી મજબૂરી હશે કે પોતાની આવી કૂણી વેલ જેવી છોકરીને આવા જડ થાંભલા સાથે પરણાવી દીધી!  એ પણ પાછી પૈસા આપીને! મારી આંખ નીચે અહીં ઘણા દંપતીઓની સુહાગરાતો ઉજવાઈ ગઈ છે. મેં કાયમ એ બધાને સોનેરી સપના સજાવતા જ જોયા છે. આજે પહેલીવાર આવી વાતો સાંભળી અને પતિનું આવું વર્તન જોયું .

કદાચ આ વાતો ઉપર પેલા આકાશે પણ સાંભળી લીધી હશે અને એનું હૈયું દ્રવી ઊઠ્યું હશે કે બહાર કમોસમી વરસાદનું તાંડવ ચાલુ થયું. મારી ઉપર તડામાર પાણી ઝીંકાતું હતું. નીચે રોહન પેલી છોકરી જોડે કંઈ જંગલિયતભરી રમત આદરીને બેઠો હતો. મારાથી જોવાતું ન હતું. મારી આંખોના ખૂણા ભીના થઇ ગયા. મને કંઈ દેખાતું ન હતું. ઉપરથી પાછો ધોધમાર વરસાદનો અવાજ! મને કંઈ સંભળાતું પણ ન હતું.

થોડી વાર પછી જોયું તો રોહન પથારીમાં પહોળો થઈને નસકોરા બોલાવીને ઘોરી રહ્યો હતો  અને પેલી છોકરી પથારીમાં વેરાઈને પડેલા એની  કાચની બંગડીઓના ટુકડા ભેગા કરી રહી હતી. અરેરે! એની તપખીરી આંખોમાં ભરેલા કુમકુમવર્ણા સપનાઓ પણ આ ગુલાબની પાંદડીઓ વચ્ચે ભૂકો થઈને પડ્યાં એનું શું? આજે આ બંગડીઓ સાથે એના જીવનનાં સપનાં પણ નંદવાઈ જ ગયા હશે ને?

મને ખબર ન હતી પડતી કે હું તો મારી ઉપર ઝીંકાતા પાણીના ધોધની ચિંતા કરું કે એ છોકરીની આંખોમાંથી નીકળીને એની ગાલની સપાટી ઉપર રેલાતા ખારા દરિયાની? મારી સેંકડો આંખો એ વખતે દુઃખના ભેજથી ભરાઈને ક્યાંક ક્યાંક ટપકવા માંડી હતી. ત્યારે મને એ છોકરી કેવી લાગતી હતી કહું? મારા રૂમની બારીમાંથી દેખાતી એક કુમળી, વરસાદના પાણીથી ઝૂકી ગયેલી, લીલીછમ વેલ જેવી, જેના બધા ફૂલો ખરી ગયા છે.
****                                    
મને એ છોકરી આરોહી બહુ ગમી ગઈ હતી. આખો દિવસ કામ જ કર્યાં કરતી. ઘરમાં બધાને જ સાચવે. પણ એની નણંદ રચના અને સાસુ નંદાબેન એને હેરાન કરવાની એક પણ તક જવા ન’તા  દેતા. એના બાપે પૂરા પૈસા નથી આપ્યા એ બાબત એણે દિવસમાં અનેક વાર સાંભળવી પડતી. નંદાબેન ઘણી વાર બોલતાં સંભળાય કે ’અમે તો છેતરાઈ ગયાં. આવી ખબર હોત તો જાન તોરણેથી પાછી લઈ આવત. મારા રોહન માટે છોકરીઓનો ક્યાં તોટો છે?’ આરોહીનો દિવસ સૂરજ વિનાનો ઊગતો અને એની રાતોમાં ચંદ્રનું અજવાળું ન  હતું. રોહન તો લગભગ આખો દિવસ ઘરની બહાર જ રહેતો. એ પણ આરોહીને એટલું જ હેરાન કરતો, અવારનવાર ધોલ-ધપાટ પણ કરી લેતો.

આરોહીના પપ્પા ક્યારેક ત્યાં આવતા…. ક્યારેય ખાલી હાથે નહીં. ઘરના બધા સભ્યો માટે હંમેશા કંઈક લઈને જ આવતા. ઘરમાંથી બહાર નીકળતા પહેલાં એ આરોહીને અચૂક પૂછતા, ‘કેમ છે બેટા? બધું બરાબર છે ને?’ આરોહી નીચું જોઇને ‘હા’ કહી દેતી. જો કે મને ખાતરી હતી કે બધું બરાબર નથી એ એના પપ્પા બરાબર સમજતા હતા અને પપ્પા આ વાત સમજે છે એવું આરોહી પણ સમજતી હતી. પણ બન્ને જણા સમજવાનું નાટક કરતાં હતાં.

આમ તો  આ ઘરમાં મેં આ ચાર જણ વચ્ચે રમાતાં ઘણા નાટકો જોયા હતાં – એકબીજાની પાછળ રમાતાં નાટકો – એકમેકને  છેતરવા માટે રમાતાં નાટકો. પણ એકબીજાની સામે જ રમાતું, સામેવાળાને છેતરીને છેતરાવાનું આવું પ્રેમાળ નાટક મેં ક્યારેય ન’તું  જોયું. ઘરની બહાર નીકળતી વખતે આરોહીના પપ્પા ઊંચુ જોઈને કંઇક બબડતા. મને એવું લાગતું કે એ મને જ કહે છે કે ‘તું મારી દીકરીનું ધ્યાન રાખજે.’ બસ, ત્યારથી જ મેં નક્કી કરી લીધું હતું કે ભલે હું એક છત હતી, પણ હંમેશા આરોહીના માથા ઉપર એની ‘છત‘ થઈને જ રહીશ.

મને ઘણી વાર એવો અફસોસ થતો કે મારી પાસે કાન છે, આંખો છે, તો બોલવા માટે મોઢું કેમ નથી? હું જો બોલી શકતી હોત તો પહેલાં તો આરોહીના પપ્પાને કહેત કે ‘તમે તમારી છોકરીને અહીંથી લઈ જાઓ. તમારી રાજમહેલ જેવી દીકરી અહીં ખંડેર થઈ ગઈ છે.’ નહીં તો પછી એ જયારે ઉપર જોઇને પ્રાર્થના કરતાં હોય ત્યારે હું એમને એમ પણ કહી શકત કે ‘ફિકર ના કરો, હું તમારી દીકરીને સાચવીશ.’
***                  
મારા શ્વાસ તૂટે એ પહેલાં હું તમને ફટાફટ કહી દઉં કે મારું મૃત્યુ કેવી રીતે થયું. આજે સવારથી ઘરમાં નંદાબેન, રોહન અને રચના વચ્ચે કંઈક ગુસપુસ ચાલી રહી હતી. દસેક દિવસ પહેલાં રોહનના ફોઈ આવ્યા હતા ત્યારથી જ કંઈક રંધાવાનું ચાલુ થઈ ગયું હતું. એ ફોઈએ  નંદાબેનને કહ્યું હતું, ‘ભાભી, તમે રોહનને પરણાવવામાં ઉતાવળ કરી નાખી. તમે રૂપમાં મોહ્યાં. મારા દિયરની છોકરી તૈયાર જ હતી. આમ જરા ભીને વાન છે, પણ રૂપને શું ધોઈ પીવાનું?  હું તમને રોકડા દસ લાખ અપાવત. ગાડી અને પચાસ તોલા સોનું અલગથી. વિચારજો, હજુ પણ – – –  ‘.

એ પછી એ બે જણ વચ્ચે ધીમે ધીમેથી કંઈ વાતો થઇ હતી. મેં કાન ઘણા સરવા કર્યાં હતા, પણ હું કંઈ સાંભળી શકી ન હતી. ત્યારબાદ રોહન, રચના અને નંદાબેન વચ્ચે વારંવાર બેઠકો થતી હતી. એ લોકોએ કંઈક કાવતરું કર્યું છે એનો તો મને ખ્યાલ આવી ગયો હતો. આજે સવારથી ઘરનું બદલાયેલું વાતાવરણ જોઇને મને ખ્યાલ આવી ગયો કે બનતા સુધી તો આજે જ એ કાવતરું અમલમાં મુકાશે. એટલે જ મેં મારા આંખ કાન બરાબર ખુલ્લા રાખ્યા હતા.

આરોહી શાક લેવા ગઈ હતી. ઘરના વડીલ પણ એમના કામે બહાર નીકળી ગયા હતા. નંદાબેન, રોહન અને રચના વચ્ચે ગુસપુસ ચાલુ હતી. અચાનક કઈ ઉશ્કેરાટમાં થોડો મોટો થઈ ગયેલો એ લોકોનો  અવાજ મારા સરવા કાન સુધી પહોંચી ગયો, ‘રોહન, બેટા તને બરાબર યાદ છે ને? ઘરમાં આવે કે તરત જ ‘કેમ આટલું મોડું થયું?  ક્યાં રખડવા ગઈ’તી?’ કહીને સીધી બોચીએથી પકડીને અહીં  લઈ આવજે અને ફેંકજે પથારીમાં.’

‘હા મમ્મી, પછી હું એના હાથ ઉપરથી પકડી રાખીશ અને તું એના પગ પકડી લેજે.’ રચના  બરાબર જુસ્સામાં હતી .

‘રોહન, પછી તું ઓશીકું જોરથી એના નાક ઉપર દબાવી દેજે. જો જે હોં! ઢીલો ના પડતો.’

‘ઢીલો પડતો હોઈશ મમ્મી! દસ લાખ રૂપિયા અને ગાડી મળવાની હોય તો ઢીલો પડું?’

‘પાછું પચાસ તોલા સોનું!  અત્યારના ભાવે સહેજે—’

નંદાબેન સોનાનો ભાવ ગણે એ પહેલાં તો રચના બોલી ઊઠી, ‘મમ્મી, એમાંથી પંદર તોલા તારે મને આપવાનું છે હોં! ભૂલતી નહીં પાછી.’

‘હા, હા. મને યાદ છે, લોભિયણ! પહેલાં આ બધું તો બરાબર પતવા દે! પેલીને અહીં પતાવી દઈએ પછી આપઘાતનું નાટક તો કરવું પડશે ને?’

નંદાબેને ઘડિયાળમાં જોયું. મેં એમની આગળની યોજના સાંભળવા માટે  મારા કાન વધારે સરવા કર્યાં.

રોહન અને રચના આદરભાવભરી નજરથી એમની આ “બુદ્ધિશાળી” મમ્મી તરફ જોઈ રહ્યાં હતાં.

‘હવે આવતી જ હશે. જુઓ, ફરી એક વાર બધું બરાબર સમજી લો. પેલીને અહીં પતાવી દઈએ પછી ધધડીને રસોડામાં લઈ જવાની. એ પછી તમે બે જણ ઘરની બહાર નીકળી જજો. બારણું ખેંચીને બંધ કરી દેજો. કોઈ પડોસી મળે તો વાત પણ કરજો. થોડીક વાર પછી હું એના ઉપર કેરોસીન નાખીને, એને દીવાસળી ચાંપીને બાથરૂમમાં ના’વા જતી રહીશ. નળનો અવાજ સતત ચાલુ જ હશે. ટી.વી. પણ મોટા વોલ્યુમમાં ચાલુ રાખીશ એટલે પાછળથી કોઈ પડોસી એમ ના કહે કે ‘આરોહીએ આપઘાત કર્યો, પણ શરીર બળતું હોય ત્યારે ચીસો તો પડાઈ જ જાય ને? અમે કેમ ન સાંભળી? ‘

‘પછી મમ્મી? અમારે ક્યારે આવવાનું?’

‘પહેલાં તો ધુમાડો જોઇને આપણા પંચાતિયા પડોસીઓ જ બારણું તોડીને આવશે, પણ ત્યાં સુધીમાં તો આપણી વહુના અગ્નિસંસ્કાર ઘરમાં જ થઈ ગયા હશે. હું ભીના શરીરે બાથરૂમમાંથી બહાર આવી જઈશ. એ પછી જ તમે બે જાણ આવજો.’  

ઓ બાપ રે! આ લોકો મારી આરોહીને મારી નાખવાના હતાં? આ કેવાં માણસો હતાં! પૈસા માટે માણસો આ હદ સુધી જઈ શકે? પછી નવી વહુ, નવા પૈસા?  એ લોકોની યોજના બરાબર હતી કે નહીં, પછીથી એ લોકો પકડાઈ જશે કે નહીં, એવી કોઈ આંટીઘૂંટીઓની જાણકારી મને ન હતી. એનાથી મને કોઈ ફેર પણ ન’તો પડવાનો. પછી એમનું જે થાય એ, અત્યારે આ લોકો આરોહીને મારી નાખવાના હતા એ વિચારથી જ મારી નસો ફૂલીને પહોળી થઇ ગઈ. દુઃખ અને આઘાતથી મારી ઘણી બધી પોપડીઓ એક સાથે ખરી પડી. હું શું કરું એ સુઝતું જ ન હતું. મને એ ખ્યાલ આવી ગયો હતો કે હવે જે કરવાનું છે એ મારે જ કરવાનું છે અને જલ્દી કરવાનું છે. આંસુ સારીને બેસી રહેવાનો સમય ન હતો. મને તો ઊંચું જોઈને વિનંતી કરતા આરોહીના પપ્પા યાદ આવી ગયાં. મારે આરોહીના માથા પરની છત બનવાનું જ હતું. મને એક વિચાર તો આવ્યો, પણ એને અમલમાં મુકવાનું મારે માટે સહેલું ન હતું. 

 થોડી પળો મનોમંથન કર્યાં પછી મેં નિર્ણય લઈ લીધો કે હું મારા અસ્તિત્વના ભોગે પણ આરોહીને બચાવીશ.

 બહારથી ડોરબેલનો અવાજ સંભળાયો. રોહન બહાર જાય એ પહેલાં મેં મારી જાતને મારા શરીરની અંદર સમાયેલા સિમેન્ટ, ઈંટ, રેતી અને લોખંડના ટુકડાઓ સહિત નીચે ઊભેલા પેલા ત્રણ જણ ઉપર ફેંકી. ચીસો, ધૂળના ગોટેગોટા અને…

~  ગિરિમા ઘારેખાન 

આપનો પ્રતિભાવ આપો..

5 Comments

 1. અદ્ભૂત! આમ જોઈએ તો સતત ચર્ચાયેલો સામાજિક વિષય પણ એ જ વાત છત દ્વારા કેટલી સંવેદનાત્મક રીતે કહેવાઈ એ વાર્તાનું સૌથી સબળ પાસું.
  ગિરિમાબહેન આપનો અવાજ જેટલો કોમળ એટલી જ આપની કલમ બળકટ! 🙏🏻
  વૈશાલી રાડિયા

 2. દરેક ભાષામા ‘ છત’ પર અનેક લેખો લખાયા – આવા કાવ્યો
  ચકલીને પુછો સિમેન્ટની છત કે નળીયું, શું હુંફાળું છે ?
  મેં તમારા માટે એવી પણ કરી છત પર જગ્યા,
  ચાંદ મારી પાસે આવે ચાંદની તમને મળે.
  લખાય.વરસાદની મોસમે અવારનવાર છત ધરાશાયી થયાના સમાચાર આવે પણ આવા પ્રસંગને ,
  ન કેવલ વેદના અનુભવતી પણ તે વેદનામાથી ઉગારવા પોતે મૃત્યુ વહોરે !
  ખુબ સ રસ રજુઆત.ધન્યવાદ