બેડાં ઉતરાવો (ગીત) ~ હરિહર જોશી

ડાબી ફરકે આંખ અમારી 
જમણી જુએ વાટ, કે બેડાં ઉતરાવો 
ક્યાં બંધાવું ચંદરવા 
ને ક્યાં હિંડોળાખાટ, કે બેડાં ઉતરાવો

શેરી શેરી, ફળિયે ફળિયે એવો સાદ પડાવો 
અંગે અંગે લાય બળે છે ચોમાસુ છંટાવો 
અંગમરોડે ઓકળિયો 
ને આંગણિયે મલકાટ, કે બેડાં ઉતરાવો

ઈશાન ખૂણે વીજ ઝબૂકે ચકલી ધૂળમાં ન્હાય 
ફાટી આંખે તારા ગણતાં પળમાં વ્હાણાં વાય 
કાઢું સગપણ સોગઠાં 
ને મંડાવું ચોપાટ, કે બેડાં ઉતરાવો
ડાબી ફરકે આંખ અમારી 
જમણી જુએ વાટ, કે બેડાં ઉતરાવો 

~ હરિહર જોશી 

આપનો પ્રતિભાવ આપો..

3 Comments

  1. કવિશ્રી હરિહર જોશી નુ મધુર ગીત
    કાઢું સગપણ સોગઠાં
    ને મંડાવું ચોપાટ, કે બેડાં ઉતરાવો
    ડાબી ફરકે આંખ અમારી
    જમણી જુએ વાટ, કે બેડાં ઉતરાવો
    વાહ
    અમર ભટ્ટનો સ્વર મનમા ગુંજે
    Download
    00:00 / 07:22
    WordPress Audio Player Free Version
    બેડાં મૂકીન તમે બેસજો ઘડીક
    હું તો સુક્કા સરોવરનો ઘાટ
    વીરડાં ગાળીન પછી ભરજો નિરાંતવાં
    મારો ખાલીખમ ઉચાટ
    તમને જોયાં ને પાંચ પગલાંની એકવાર
    હૈયે જડેલ ભાત સાંભરે
    એકવાર છલછલતા હિલ્લોળે પોંખ્યાંનાં
    કંકુ ચોખાની વાત સાંભરે
    મને પથ્થરનાં શમણાંનાં સમ્મ ફરી જાગે રે
    તે દિ’નો ભીનો તલસાટ

    ઝાંઝરના મૂંગા રણકાર સમું ગામ
    આમ ટળવળતું ટળવળતું જાય
    ઝાંઝવાંની પરબો રેલાય તોય વાયરાની
    તરસી વણઝાર ના ધરાય
    વાત વાદળ કે કાજળની કરતાં જાજો,
    વાત સૂરજ કે છૂંદણાંની કરતાં જાજો,
    નકર નૈં ખૂટે નોંધારી વાટ

    માધવ રામાનુજ