તું જ છે (ગઝલ) ~ રવીન્દ્ર પારેખ ~ સ્વરાંકન-સ્વર: જ્હોની શાહ

કવિ: રવીન્દ્ર પારેખ

તું લણે તે ઝેર પણ, પહેલાં તો વાવે તું જ છે
દોડ ના હથિયાર લઈ, સામેથી આવે તું જ છે

કે તને નડવા-કનડવા કોઈ કંઈ નવરું નથી
ધ્યાનથી જો કે તને કાયમ સતાવે તું જ છે

આમ પીડે પણ પીડાતો હોય એવું ના કણસ
કે વ્યથા હૈયેથી હૈયે કોતરાવે તું જ છે

હાથ ભાડે લઈને તું દીવાસળી ના મૂક બધે
કોઈ પણ નિર્દોષને દોષિત ઠરાવે તું જ છે

તું હવે તારી દયા ખાવાનું થોડું બંધ કર
તું ડરાવે કે ડરે, અંતે તો ફાવે તું જ છે

તું જ જળ છે ને પવન તું, પાર ક્યાંથી તું થશે?
તું તરે છે ને વળી તુજને તરાવે તું જ છે

પુષ્પ તું ને તું જ ચંદન, તું જ દીવો, દેવ તું
તું જ છે નૈવેદ્ય ને તુજને ધરાવે તું જ છે

આ ગઝલ માટે બીજાને દોષ તું ના દે હવે
હાથ છે મારા છતાં એને લખાવે તું જ છે

~ રવીન્દ્ર પારેખ

આપનો પ્રતિભાવ આપો..

4 Comments

  1. આટલુ સમજે જો માણસ જીવ ને દરેક તુ જ છે બસ તુ જ

  2. કવિ શ્રી રવીન્દ્ર પારેખની સુંદર ગ્ઝલનુ જ્હોની શાહ દ્વારા સ રસ સ્વરાંકન-સ્વરમા માણી:

  3. આભાર, ભાઈ, મારી ગઝલ રજૂ કરવા બાદલ.