શ્રીમદ્ ભાગવત કથા ~ સ્કંધ ત્રીજો ~ અધ્યાય નવમો ~ જયશ્રી વિનુ મરચંટ

સ્કંધ ત્રીજો – નવમો અધ્યાય – ““બ્રહ્માજીએ કરેલી ભગવાનની સ્તુતિ”

ૐ નમો ભગવતે વાસુદેવાય

 (ત્રીજા સ્કંધના અધ્યાય આઠમો – “બ્રહ્માજીની ઉત્પત્તિ” અંતર્ગત આપે વાંચ્યું કે,  પોતે કોણ છે એ જાણવા ધીરેધીરે પોતાના ચિત્તને એમણે સંકલ્પશૂન્ય કર્યું અને સમાધિમાં લીન થઈ ગયા. આમ તપના સો દિવ્ય વર્ષો વિતી ગયા પછી બ્રહ્માજી એમની અંદર પોતાના અધિષ્ઠાનને જોઈ શક્યા. તેમણે જોયું કે પ્રલયકારી જળમાં શેષજીના કમળનાળ જેવા શ્વેત અને વિશાળ વિગ્રહની શય્યા પર પુરુષોત્તમ ભગવાન એકલા જ સૂતેલા છે. શેષજીની દસ હજાર ફેણાઓ છત્રની જેમ ફેલાયેલી છે. તેનામાં જડેલા મણિઓની કાંતિથી ચારે તરફનો અંધકાર દૂર થઈ ગયો છે. શ્રી ભગવાનના મુખ પર અદ્‌ભૂત તેજ અને શોભા છે. એમની હાજરીની લંબાઈ અને પહોળાઈ સર્વ લોકને પોતામાં સમાવી રહી છે. એમણે અનેક ભક્તોને પ્રભુના ચરણ કમળોના દર્શન કરતાં જોયાં અને એ પણ જોયું કે હરિ લોકોની પીડા હરનારા અને શીતળતા અર્પનારા સ્મિત સાથે બધાં ભક્તોનું અભિવાદન કરી રહ્યા છે. શ્રી ભગવાનનું આ અમાપ, વિરાટ, અનેક દિવ્ય શસ્ત્રધારી, આભૂષણોથી સુશોભિત રૂપ જોઈને બ્રહ્માજી ગદ્‍ગદ્‍ થઈ ગયા. બ્રહ્માજીને દિવ્ય સો વર્ષોના તપ થકી એટલું સંજ્ઞાન થઈ ચૂક્યું હતું કે એમનો ઉદ્‍ભવ વિશ્વ-રચના માટે જ થયો છે. પણ એ સમયે બ્રહ્માજીને નાભિ-સરોવરમાંથી પ્રગટેલું કમળ, જળ, આકાશ, વાયુ, અને નિજ-શરીર – આ જ કેવળ પાંચ વસ્તુઓ દેખાઈ. પોતે પોતાની ચેતનાના જન્મના કારણરૂપ વિશ્વ-સર્જનનું કામ કરી શકે એનું આત્મજ્ઞાન લાધવા વિશ્વ-રચના ઉત્સુક બ્રહ્માજી પછી શ્રી હરિમાં એક ચિત્ત થઈને પરમ પૂજ્ય પ્રભુની સ્તુતિમાં લીન થઈ ગયા. હવે અહીંથી વાંચો આગળ, સ્કંધ ત્રીજાનો અધ્યાય નવમો, “બ્રહ્માજીએ કરેલી ભગવાનની સ્તુતિ”)

સૂતજી કહે – હે શૌનકાદિ મુનિઓ, રાજા પરીક્ષિત શુકદેવજીને પૂછે છે કે “હે મહાભાગ, શુકદેવજી, બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કઈ રીતે કરી એ વિષે મને જ્ઞાન આપો પ્રભુ.”

ત્યારે શુકદેવજી કહે છે – હે રાજન્‍, હવે હું એ દિવ્ય સ્તુતિ તમને સંભળાવું છું.

મૈત્રેયજી વિદુરજીને શુકદેવજીએ રાજા પરીક્ષિતને કહેલી એ બ્રહ્માજીની કરેલી ભગવાનની દિવ્ય સ્તુતિ કહે છે. – હે પ્રભુ, સુદીર્ઘ કાળના તપ પશ્ચાત‍ હું આપને જાણી શક્યો છું એ મારું અહોભાગ્ય છે. આપ સિવાય અન્ય કશું જ નથી અને કશું જ નહોતું ત્યારે પણ આપ તો હતા જ. હે દેવ, આપની ચિત્ત શક્તિ અત્યંત દેદીપ્યમાન હોવાથી જ્ઞાનના અગાધ સાગર છો. અજ્ઞાન જેવું આપની અંદર કંઈ છે જ નહીં. અજ્ઞાન અને શંકા આપથી જોજનો દૂર રહે છે. આપના આ રૂપમાં મને સૃષ્ટિની ઉત્પત્તિનું અભૂતપૂર્વ દર્શન થયું છે. હું હવે જાણી ચૂક્યો છું કે આપના આ રૂપ, કે જેના નાભિકમળમાંથી હું પ્રગટ થયો છું – તે સેંકડો અવતારોનું મૂળ કારણ છે. આપે મારા પર કૃપા કરવા માટે જ આ સ્વરૂપનું દર્શન આપ્યું છે જેથી પ્રભુ હું ગદગદ છું. હે પરમાત્મા આપ સ્વયં પરમ આનંદસ્વરૂપ, ભેદહીન અને અખંડ રીતે પૂર્ણ નિરાકાર તેજોરૂપ છો. આપ વિશ્વની રચના કરનાર હોવા છતાં, વિશ્વથી પર છો. આપે મને પ્રદાન કરેલી સ્વયંભૂ જ્ઞાનદ્રષ્ટિથી જ હું આપના આ અદ્‌ભૂત રૂપને જોઈ શકું છું અને હું આપના શરણમાં છું. હું સમજી શક્યો છું, મારા નાથ, કે આપ સાથે જેના ભાવતંતુ જોડાયેલા રહેશે અને જે ભક્તો સતત આપનું ભજન-કીર્તનમાં મનને સ્થિર રાખીને કર્મો કરશે તેઓના હ્રદયમાં આપનો નિવાસ છે. હે પુણ્યશ્લોક પ્રભુ, આપના ભક્તો જે જે ભાવથી આપનું ચિંતન કરે છે તે સાધુજનો પર કૃપા કરવા માટે આપ એ રૂપો ધારણ કરો છો. હે ભગવાન, આપ એક જ છો અને અનેકમાં આત્મારૂપે આપનો જ અંશ છે. જે કર્મ આપને અર્પણ કરીને કરવામાં આવે છે તેનો ક્યારેય નાશ થતો નથી. તે અક્ષય થઈ જાય છે. આપની કૃપા થતાં જ સઘળા સંતાપો નાશ પામે છે. આપ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ સતત કરતા રહો છો. આપ સાક્ષાત જ્ઞાનનો તેજપુંજ છો. સ્વયં પરમપુરુષ છો. સમસ્ત સૃષ્ટિની ઉત્પત્તિ, વ્યુત્પત્તિ, અને સંહારની સઘળી માયા અને લીલા આપનો જ ખેલ છે. હે પરમ પરમેશ્વર, હું આપને વારંવાર નમસ્કાર કરું છું. આપ જ બ્રહ્મામાં, એટલે કે મારામાં, વિષ્ણુમાં એટલે કે પોતામાં અને મહાદેવજીના રૂપમાં, એમ ત્રણ શાખાઓમાં વિભક્ત થયા છો. એના પછી પ્રજાપતિઓ, મનુઓ વગેરે શાખા-ઉપશાખાઓમાં વિસ્તરનારા પણ આપ જ છો. હે પ્રભુ, હું સત્યલોકનો અધિષ્ઠાતા છું એ સમજણ પણ મારામાં પ્રગટાવનારા આપ જ છો. આપના દર્શને પામવા મેં કરેલા કઠોર તપના આપ જ સાક્ષી છો. આપ તિર્ય‌ઙ્, મનુષ્ય, દેવ, પ્રાણી, પક્ષી અને વનસ્પતિ, સર્વમાં અંશ રૂપે વિસ્તરો છો. આપ એ સહુમાં ચેતન તત્વ રૂપે રમમાણ રહો છો છતાં એ સ્વરૂપના મોસમમાં લિપ્ત થયા વિના એનો ત્યાગ પણ કરો છો. આવા લીલાવિહારી ભગવાન પુરષોત્તમ પ્રભુને હું વારંવાર નમસ્કાર કરું છું. આપ અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ પાંચેમાંથી કોઈને આધીન નથી. અત્યારે આપ સઘળા સંસારને પોતાના ઉદરમાં ગ્રહીને, પૂર્વ કલ્પોના કર્મોથી ક્લાંત જીવોને વિશ્રામ આપવા પ્રલયકાલીન જળમાં અનંત-વિગ્રહની શય્યા પર શયન કરી રહ્યા છો, જે આપનો દરેક જીવ માટેનો કરૂણાભાવ દર્શાવે છે. આપ આપના જ્ઞાન, અધિજ્ઞાન, વિશિષ્ટ જ્ઞાન અને ઐશ્વર્ય અને અનુકંપાથી મારી બુદ્ધિને પ્રયુક્ત કરો જેથી હું પુર્વકલ્પની જેમ જ આ વખતે પણ વિશ્વનિર્માણ કરી શકું. આપે આ કર્મ મારા ભાગે આપીને મારા પર ખૂબ અનુગ્રહ કર્યો છે.

હે પ્રભુ, આ જગતના સર્જન સમયે વેદરૂપી મારી વાણીનો લોપ કદી ન થાય એવું મને વરદાન આપો. આપ આપના સ્નેહ સભર અને કરૂણામય નયન ખોલો અને શેષશય્યામાંથી ઊઠીને વિશ્વની ઉત્પત્તિ માટે આદેશ અને આશિષ આપો. હું સૃષ્ટિ રચના વિષેના અભિમાનથી પર રહીશ કે નહીં અને ક્યારે ને કેમ આ બધું થશે એ માટે મને મનમાં શંકા થાય છે અને વિષાદ થાય છે. હે પ્રભુ, મારો આ વિષાદ દૂર કરવા આપને હું વંદન કરીને પ્રાર્થના કરું છું.

મૈત્રેયજી આગળ વિદુરજીને કહે – હે વિદુરજી, બ્રહ્માજીની આ સ્તુતિ સુણીને ભગવાન એમનો વિષાદ દૂર કરવા અને ખેદનું શમન કરવા કહેવા લાગ્યા.

શ્રી ભગવાને કહ્યું – “હે વેદગર્ભ, તમે વિષાદ અને અવસાદ ને વશ ન થતાં. તમે મારી પાસેથી જે ઈચ્છો છો એ તો હું તમને આપી જ ચૂક્યો છું. તમારે તો માત્ર નિમિત્ત બનવાનું છે. તમે ફરી એકવાર તપ કરો. અને ભાગવત જ્ઞાનનું અનુષ્ઠાન કરો. આ પ્રમાણે કરવાથી તમે બધાં જ ભુવનોને તમારા અંતઃકરણમાં સ્પષ્ટપણે પામી શકશો. પછી તમે ભક્તિયુક્ત બનીને અને સમાહિત ચિત્તના બનીને મને સમસ્ત લોકમાં અને તમારા પોતાનામાં વ્યાપ્ત જોઈ શકશો, એટલું જ નહીં પણ સમસ્ત લોકને અને સ્વયં પોતાને પણ મારામાં જોવા પામશો. “મારો આધાર કોઈ છે કે નહીં,” એવા સંશયથી તમે કમળનાળ દ્વારા જળમાં મૂળ શોધી રહ્યા હતા. આથી જ પોતાના સ્વરૂપને મેં તમને અંતઃકરણમાં જ દેખાડ્યું છે. હે બ્રહ્માજી, વિશ્વનિર્માણની ઈચ્છાથી સગુણ અને નિર્ગુણ, બેઉ રૂપમાં તમે મારી સ્તુતિ કરી છે જેથી હું પ્રસન્ન થયો છું. તમારું કલ્યાણ થાઓ. હે બ્રહ્માજી, આત્માઓનો આત્મા પણ હું જ છું અને આત્માઓ માટે પ્રિય લાગતા દેહ-શરીરો પણ હું જ છું. હે બ્રહ્માજી, ત્રણેય લોકની અને જે પ્રજા અત્યારે મારી અંદર વિશ્રામ કરી રહી છે તેની, અગાઉના પૂર્વકલ્પોની જેમ, આપના વેદમય સ્વરૂપથી સ્વયં તમે જ રચના કરો.”

શ્રી સૂતજી કહે – આમ શ્રી મૈત્રેયજી વિદુરજીને ભગવાનની વાણીનું સમાપન કરતાં આગળ કહે છે કે, હે વિદુર, પરમ પુરુષોત્તમ ભગવાન આમ બ્રહ્માજીને કહીને પોતાના એ નારાયણરૂપથી અદ્રશ્ય થઈ ગયા.

શ્રીમદભાગવત મહાપુરાણનો ત્રીજા સ્કંધ અંતર્ગત, નવમો અધ્યાય – “બ્રહ્માજીએ કરેલી ભગવાનની સ્તુતિ” સમાપ્ત થયો.

શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. ‘આત્માઓનો આત્મા પણ હું જ છું અને આત્માઓ માટે પ્રિય લાગતા દેહ-શરીરો પણ હું જ છું. હે બ્રહ્માજી, ત્રણેય લોકની અને જે પ્રજા અત્યારે મારી અંદર વિશ્રામ કરી રહી છે તેની, અગાઉના પૂર્વકલ્પોની જેમ, આપના વેદમય સ્વરૂપથી સ્વયં તમે જ રચના કરો.” સાર ખૂબ સ રસ રીતે સમજાવ્યો