ધ્યાન બ્હાર રહી ગઈ છે (લેખ) ~ હિતેન આનંદપરા ~ ગુજરાતી મિડ-ડે (૨૩.૫.૨૧)

“અર્ઝ કિયા હૈ” કટાર
(ગુજરાતી મિડ-ડે)

કેટલીક દુર્ઘટનાઓ ભારે નુકસાન કરીને ગઈ અને નવી કેટલીક રાહ જોતી ઊભી છે. તાઉ-તે વાવાઝોડાએ ભારે વિનાશ નોતર્યો તો મ્યુકરમાઈકોસિસ રોગ ધીરે-ધીરે પોતાની ભીંસ વધારી રહ્યો છે. કોરોનાના બીજા રાઉન્ડમાં ઊંઘતા ઝડપાયા પછી સત્તાધીશો બે-ત્રણ મહિનામાં અપેક્ષિત એવા ત્રીજા રાઉન્ડની તૈયારી કરવામાં લાગી ગયા છે. મુંબઈમાં કેસ ઓછા થઈ રહ્યા છે તે માટે લૉકડાઉનના આકરા નિર્ણયને ધન્યવાદ આપવા પડે. દિનેશ ડોંગરે નાદાનની પંક્તિઓ સાથે અંધારી અમાસમાંથી પણ આશાનું કિરણ ખોળવું રહ્યું… 
તમે જે ઘડીથી ત્યજીને ગયા છો
વસ્યું એક સૂનું નગર મારી ભીતર
રહી છાપ પગલાંની અકબંધ એવી
કે થઈ ગઈ અનોખી ડગર મારી ભીતર
આપણી ભીતર એક નવું જ વિશ્વ નિર્માણ થઈ રહ્યું છે. મૃત્યુને આપણે નજીકથી ઓળખતા થઈ ગયા. સંજોગો સામે સંપત્તિને ઘૂંટણિયાં ટેકવતી જોઈ લીધી. કથાકારો ને ગુરુઓ જે સમજાવી-સમજાવીને થાક્યા એવી અંદરુની વાતો તરફ કદાચ પહેલી વાર આપણું ધ્યાન ગયું. પ્રણય જામનગરી એક બીજા છેડા તરફ લઈ જાય છે…  
સમજી નહીં સમજાય એવી ચાલ હોય છે
એ આપણા, આ મનને કદી ખ્યાલ હોય છે 

માણી નથી શકતા કદી; એ સ્હેજ આજને
ઘૂમરાતી જેના મન મહીં ગઈ કાલ હોય છે

અતીતને સતત છાતીએ વળગાડીને વર્તમાનને ઉવેખી ન શકાય. ભવિષ્યની કલ્પનાઓમાં રાચીને વર્તમાનને અવગણી ન શકાય. “જો ભી હૈ, બસ યહી ઈક પલ હૈ…” ‘વક્ત’ ફિલ્મ માટે સાહિર લુધિયાનવીએ લખેલી આ પંક્તિ થોડામાં ઘણું કહી જાય છે. અતીત પાસેથી અનુભવ લેવાનો હોય, વર્તમાન પાસેથી કામ લેવાનું હોય અને ભવિષ્ય પાસેથી અણસારો લેવાનો હોય. આ બધાનો વિનિયોગ તો વર્તમાનમાં જ થાય. અન્યથા ગિરીશ પોપટ ગુમાન કહે છે એ સ્થતિને વળોટીને આગળ જવું મુશ્કેલ બની જશે…
ખબર નહીં કે કઈ માટીની ઇચ્છાઓ બનેલી છે
મરે છે તરફડી કાયમ છતાં એ રોજ જન્મે છે

અસર લાચારીની એ રીતે પ્રસરી ગઈ છે જીવનમાં
હૃદયમાં પણ હવે લાચાર ઇચ્છાઓ જ જન્મે છે

કોઈ માણસ સામે ચાલીને લાચારી સાથે ડેટ કરવા નથી જતો. સંજોગો જ વિલન બનીને લાચારીનો બુકે ભેટ મોકલાવે છે. અણધારી આફત આવે ત્યારે ત્રણ-ચાર દાયકાથી કોર્ટમાં ચાલતા કેસની જેમ આપણે સલવાઈ જઈએ. કેટલીક વાર માર્ગ નીકળતો હોય, પણ આપણી સૂધબૂધ અને સૂઝબૂઝ આઘાતમાં ઓલવાઈ જવાને કારણે એ માર્ગ આપણને દેખાય નહીં. એ સમયે વિવેક મનહર ટેલરના શબ્દોમાં જિંદગીને આવકારતા શીખવું પડે…
ખાલી જગા સમાન આ જીવન હવે થયું
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને
મરજીથી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે,
યાર!
ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને

ઘરને એકાંત ગમે છે, એકલતા નહીં. એકમેકના સાથ વગર જીવવાનું કામ કપરું છે. જાત ચાલે ત્યાં સુધી તમે ચલાવી શકો,  પણ માંદેસાજે કોઈક તો હોવું જોઈએ. ૬ મેએ જેમનું નિધન થયું એ પ્રસિદ્ધ અને ઉફરા પદ્મશ્રી સંગીતકાર વનરાજ ભાટિયાએ જિંદગીના અંતિમ વર્ષોમાં એકાકીપણાનો ભૈરવી ગાવો પડ્યો. ન્યુ વેવ સિનેમાના અરસામાં તેમણે મહત્વનું યોગદાન આપ્યું. ‘ભૂમિકા’ ફિલ્મનું તેમણે સ્વરબદ્ધ કરેલું મજરૂહ સુલતાનપુરી લિખિત આ ગીત સિત્તેરના દસકાનું ટ્રાન્સમાં લઈ જતું ગીત છેઃ ‘સાવન કે દિન આયે સજનવા આન મિલો…’ ‘નિશાંત’ ફિલ્મનું મૃત્યુના ઓછાયામાં ફિલ્માવાયેલું ‘પિયા બાજ યક દિન જિયા જાયે ના’ ગીત પ્રેમપદારથની પ્રતિષ્ઠા કરતું ઑફબીટ સ્વરાંકન છે. જયવદન વશી કહે છે એવું ઘણુંબધું ખોવાઈ જાય છે જેની ખબર પણ નથી પડતી…
વાત મોઘમ ને અકળ, બોલી શકે ના
પ્રેમપત્રોમાં એની ખાનગી કડી છે

આજ તો ‘જય’ લાગણી ખોવાઈ ગઈ છે
શોધતા સૌ, પણ કદી કોને જડી છે

કોઈની લાગણી ખોવાઈ ગઈ છે તો કોઈને જડી પણ ગઈ છે. પોતપોતાના ઋણાનુબંધની બૅન્ક નિયત સમયે ખૂલે ને બંધ થાય. સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયાના બૅન્કિંગ અવર્સ પ્રમાણે આ અનુબંધ કામ કરતો નથી. એ સમય તો શું સદીઓ અને જન્મોની પાર હોઈ શકે છે. હર્ષ બ્રહ્મભટ્ટ એના મૂળ સુધી લઈ જાય છે…
સાવ ખાલી આંખનું કેવું ગજું
ચોતરફ બધ્ધુંય છલકાવી ગઈ

કો’ક જન્મે આપણે પંખી હશું
લાગણીઓ પાંખ ફફડાવી ગઈ

ક્યા બાત હૈ

હથોડીબાજના નિશાન બ્હાર રહી ગઈ છે
અમારી ચાવી તો દુકાન બ્હાર રહી ગઈ છે

કહી છે કાનમાં ઘણીયે વાત લોકોએ
હંમેશા એ જ વાત કાન બ્હાર રહી ગઈ છે

તમારું કામ શરૂ થાય છે એ જગ્યાથી 
જગા જે સૂર્યના ય ધ્યાન બ્હાર રહી ગઈ છે

હું એને માનપાન આપું એવી આશાએ
ઘણીયે શેરીઓ મકાન બ્હાર રહી ગઈ છે

અહીંથી આ ક્ષણે જ પાછું વાળ પુષ્પકને
અમારી શબરી કાં વિમાન બ્હાર રહી ગઈ છે?

સત્તાર-સ્નેહી બેઉ ભાઈ જેમ જીવે છે
ઘણી ચીજો જ હિન્દુસ્તાન બહાર રહી ગઈ છે

~ સ્નેહી પરમાર
કાવ્યસંગ્રહઃ ઊડતું ભાળ્યું અંધારું

આપનો પ્રતિભાવ આપો..

3 Comments