કવિ આદિલ મન્સૂરી જન્મદિન: ૧૮ મે ૨૦૨૧ નિમિત્તે ~ થોડાંક ઓછા જાણીતા ૧૮ શેર

બીજા બધાને ઉપરવાળો સાચવી લેશે 
બની શકે તો તમે, એક જણને સાચવજો 
:૧:
પાઠ પણ એ જ, એ જ પૂજા પણ 
સાંભળે શ્રીહરિ ગઝલ માંડો 
:૨:
“સંસ્કૃતિ”થી “ક્ષિતિજ”ના વિસ્તારે 
યાદ કરવાના જોશી: જોષીને 
:૩:
જૂના ચહેરાઓની કરચલીઓ ગણો 
ને સમયના દસ્તખત જોતા રહો 
:૪:
ભૂલી જવાનો કરીએ છે દેખાવ રોજ, પણ 
વીતેલા સૌ પ્રસંગો બધા યાદ હોય છે 
:૫:
આંગણું લક્ષ્મણની રેખા થઈ ગયું 
ઓરડે વનવાસ લઈ બેસી રહો   
:૬:  
હિસાબ કરીએ તો સરવાળે ભૂલ પણ આવે 
પરન્તુ  દાખલા મારા ખરા વધારે છે 
:૭: 
નિવૃત્તિની અરજી રોજ ભરું આદિલ 
રોજ સવારે પાછો જાઉં ઑફિસમાં 
:૮:
ઘરમાં સૌ ઊંઘે ને વ્યાપી જાય નીરવતા 
મારું હોવું ફીલ કરું છું અર્ધી રાતે 
:૯:
બધું ત્રણ અક્ષરમાં આવી ગયું 
મરણ વચ્ચે માતર કે કાનો નથી 
:૧૦:
આ ગઝલના આયનાઘરમાં કદમ મૂકો અને 
ગુર્જરી સોળે સજી શણગાર વચ્ચે આવશે 
:૧૧:
વૃક્ષ ઝાકળ જળ ગુફા પર્વત નદી વાદળ ગગન 
જો પ્રગટવું હો તો અનરાધારમાંથી થા પ્રગટ 
:૧૨:
ક્યારેક જાળ નાખી તપાસી જુઓ જરા 
મુંબઈના દરિયાકાંઠેથી ગોવાની શક્યતા 
:૧૩:
બધા પડછાયા ડ્રેક્યુલા બને છે 
સમય ચૂપચાપ આ જોયા કરે છે 
:૧૪:
લાગી રહ્યો છે માથા ઉપર ભાર એટલે 
આકાશ રોજ નીચે ઊતરતું  જ જાય છે 
:૧૫:
કે કાંઈ દેખાઈ રહ્યું છે તે માયા છે: કેવળ માયા 
આવું કહેવું પણ માયા છે: માયાને ઓળંગી જા 
:૧૬:
જે ન માગ્યું તે આપોઆપ મળ્યું 
ને જે માગ્યું હતું, મળ્યું જ નહીં  
:૧૭:
આખીયે જિંદગી તમે વિસ્તારતા રહો 
એ ખેલ એક પળમાં સમેટાઈ જાય છે 
:૧૮:

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. .
    કવિ શ્રી આદિલ મન્સૂરીના જન્મદિન: ૧૮ મે ૨૦૨૧ નિમિત્તે સ્મરણાંજલીમા સ રસ શેર
    તેમા
    આંગણું લક્ષ્મણની રેખા થઈ ગયું
    ઓરડે વનવાસ લઈ બેસી રહો
    —-કોરોના કાળે સત્ય લાગતુ !
    હિસાબ કરીએ તો સરવાળે ભૂલ પણ આવે
    પરન્તુ દાખલા મારા ખરા વધારે છે .
    આધુનિક રાજકારણીની વાત
    કે કાંઈ દેખાઈ રહ્યું છે તે માયા છે: કેવળ માયા
    આવું કહેવું પણ માયા છે: માયાને ઓળંગી જા
    અદભુત શેરના વિચારવમળે..
    માયાને ભગવાન કૃષ્ણ પોતાની દિવ્ય શક્તિ તરિકે વર્ણવે છે. દૈવી હ્યેષા ગુણમયી મમ માયા દુરત્યયા પ્રમાણે મુમુક્ષુતા અને ભગવદાશ્રય વિના તેનો પાર પામી શકાતો નથી. શંકરાચાર્ય સ્વરુપથી માયાને સ્વપ્નવત્ મિથ્યા માને છે, રામાનુજાચાર્ય પ્રત્યક્ષ પ્રમાણના બળ પર માયાને સત્ય માને છે.. ભગવાન સ્વામિનારાયણ તેને નિત્ય તત્વ માને છે. માયાનો નાશ ક્યારેય થતો નથી. જ્ઞાન દ્વારા તેના સ્વરૂપને સમજીને ભગવદાશ્રય કરીને માત્ર માયા પાર જ કરી શકાય છે વાત સરળતાથી સમજાવતા કવિ કહે-‘…માયાને ઓળંગી જા’