કેસરભીનાં હૈયા ~(વાર્તા) ~ માના વ્યાસ

આજે શુક્રવાર હતો. શુક્રવારે ભાભી ઉપવાસ કરે. અને સાંજે માતાજીને ખીરનો પ્રસાદ ધરાવે. ખીરમાં હોય રાંધેલો ભાત, ગાઢું દૂધ,સાકર અને મઘમઘતું કેસર.

ચંપા એ જોઇ રહે. ભાભી બધાંને પ્રસાદ આપે. ચંપાને પણ મળે. હમ… શું સુગંધ… ચમચીભર પ્રસાદમાં પણ કેસરની હાજરી વર્તાય.

નાનકડી આઠ-નવ વર્ષની ચંપા દેસાઈ કુટુંબમાં કામ કરવા આવે. આમ તો એની મા રમા જ આખા દિવસનું કામ કરતી, પણ હમણાં ઘણા વર્ષે દીકરો આવ્યો એટલે કામ થાય નહીં. વળી ભાભીએ જ સલાહ આપી કે સાથે-સાથે કુટુંબ નિયોજનનું ઓપરેશન પણ કરાવી લે. તેથી રમાને સંપૂર્ણ આરામ કરવો પડતો. પણ રમાને ભાભી માટે ખૂબ માન. રજાના દિવસો હોવાથી ચંપા સવારથી દેસાઈ બંગલે આવી જાય.

ચંપાની અવલોકનશક્તિ ગજબ. બધું એક જ વાર શીખવવું પડે. પછી ચિવટાઈથી કામ કરે. ડસ્ટિંગ કરવું, શાક સુધારી દેવું, દાદીના આંટાફેરા કરવા… જેવા નાનામોટા કામ કરી આપે.

બધાંના રુમ વારાફરતી સાફ કરતી જાય. પહેલાં ભાભીનો. એ તો સરસ ચોખ્ખો જ હોય. પછી તેમના મોટા દીકરા જતીનનો બેડરૂમ. જતીનભાઇની પત્ની વહેલી નોકરીએ જાય. કપડાં, ટુવાલ બધું સરસ સુકવી ગોઠવી દે. પછી નાના દીકરા ઇશાનના રુમમાં જાય. તોબા તોબા… એની વહુ ચોપડીઓ વાંચી-વાંચીને બધે ફેલાવી રાખે. વળી ફોન પર એની વાતો ખુટે નહીં, પણ સ્વભાવની ખૂબ માયાળુ. ચંપાને હાલતા ચાલતા ખબર પૂછે. ઘણીવાર અવનવી ચીજ આપતી રહે.

એ સિવાય દાદીના રુમમાં જાય ત્યારે દાદી ઠુસ કાઢી નાંખે. જરા કાને બહેરા દાદી ખૂબ આંટાફેરા કરાવતા હોય.

બે ટાઈમ મહારાજ રસોઈ બનાવવા આવે, પણ ભાભી હંમેશા ત્યાં હાજર રહે અને ખીર તો ભાભી જ બનાવે. સાચવીને ફ્રીજમાંથી કેસરની ડબ્બીમાંથી કેસર કાઢીને આપે. મહારાજ બિરિયાની બનાવે તો પણ ભાભી જ થોડું કાઢીને આપે.

ચંપાને કેસરની સુગંધની ખબર. ખૂબ મોંઘું આવે… દાદી કહેતાં હતાં. સ્પેનથી મંગાવ્યું છે… અમારા જમાનામાં સોંઘું હતું. નાના છોકરાને શરદી થાય તો માથે લગાડતા… તરત સારું થઇ જાય.

ચંપાની મા રમાને બદલે હવે બીજી છૂટી બાઈ આવતી. લાગ મળે ચંપા પર દાદાગીરી કરી લેતી. ગર્ભશ્રીમંત દેસાઈ કુટુંબમાં બધાં પોતાપણું અનુભવતા.

આ જ ચંપાને કામ પર આવતા મોડું થઈ ગયું. ભાભીએ મીઠાશથી પૂછ્યું. “કેમ ભાઇને રમાડવા બેસી ગઇ હતી કે?”

ચંપા જરા ઢીલી થઈ ગઈ… “ભાઇ ખૂબ બિમાર છે… ખૂબ શરદી થઈ ગઈ છે. આખી રાત રડતો રહ્યો હતો.

સારું થઇ જશે હં… કહી ભાભી કામે લાગ્યા.

આજે રવિવાર હતો.બિરિયાની બનતી હતી. મહારાજે ભાભી પાસે કેસર માગ્યું. ભાભીએ સાચવીને કેસરના તાંતણા કાઢી આપ્યા. નીચે બેસી વટાણા ફોલતી ચંપાને મઘમઘતી સુગંધ આવી… ને ચંપાથી ન રહેવાયું…

“ભાભી થોડું કેસર આપોને. ભાઇને માથે લગાડવા. બહુ શરદી થઈ છે… બહુ રડે છે…”

જાણે બોમ્બ ફુટ્યો હોય એમ બધાં સ્તબ્ધ થઈ ગયા. ભાભીએ અચરજથી જોયું ને ડબ્બી પાછી ફ્રીજમાં મૂકી દીધી.

મહારાજ હસવા માંડ્યા… “લે આ તો ખરી છે… કેસર માગે છે…”

છૂટી બાઈ તો વઢવા જ માંડી… “એ ગાંડી ખબર છે કેટલું મોંઘું આવે?” જઈને સીધી દાદીને ફરિયાદ કરી આવી.

દાદીએ તો રીતસર નો ઉધડો જ લઇ લીધો., “બે બદામડીની ચંપા કેસર માગે છે… બાપ જન્મારામાં જોયું છે કે?”

દાદી સીધા દેસાઈકાકા પાસે પહોંચી ગયાં… “તારી વહુએ કામવાળાઓને ફટવી મુક્યા છે… હવે આ છોડી કેસર માગે છે.”

મોટી વહુ આ સાંભળી બહાર આવી. એને આજે ગર્વિલા સાસુની વિરુધ્ધ કારણ મળ્યું… પાછો વહુઘેલા વિનિતે પત્નીનો પક્ષ લીધો.

ઘોંઘાટ સાંભળી નાની વહુ બહાર આવી… એનજીઓમાં કામ કરતી હતી એટલે હ્યુમન રાઈટ્સ પર બોલવા લાગી.

આખા ઘરમાં બે પક્ષ પડી ગયા. વિવાદ ચંપાને અને એની મા રમાને થતી સહાયથી લઈને નોકરોની દાદાગીરી, સમાજવાદ, અનામતના દુષણો સુધી પહોંચી ગયો.

ડઘાયેલી ચંપા પોતાના થકી થતા ઉહાપોહથી રડવા લાગી. પોતાની શું ભૂલ થઈ એ એને સમજાતું નહોતું. એ ઝટપટ રસોડામાં આવી કપડું લઈ માંજેલા વાસણ લુછવા લાગી. એનાં આંસુ ફરીફરીને વાસણ ભીંજવતા હતા.

સહસા કોઇએ એના માથે હાથ ફેરવ્યો… જોયું તો ભાભી હતાં. ભાભીએ એનો હાથ પકડ્યો અને ચુપકેથી પાછળના દરવાજેથી નીકળી ચંપાના ઘરે પહોંચ્યા. બાળક રડીરડીને બેહાલ થઇ ગયું હતું. રડતા બાળકને વહાલથી હાથમાં લઈ ભાભીએ રમાને કેસરની ડબ્બી આપી કહ્યું, “જા, જલદી થોડું પાણીમાં ઘસી માથે લગાડી દે. મેં ડૉક્ટરને ફોન કર્યો છે… સાંજે બતાવી આવજે…”

ચંપા જોઈ રહી. એણે ભાભીના હાથ પકડી લીધાં… એ હાથમાંથી કેસરની સુગંધ આવતી હતી…

~ માના વ્યાસ

આપનો પ્રતિભાવ આપો..

7 Comments

  1. મન અને ધનને બહુ સબંધ નથી હોતો. બસ મનમાં લાગણીની લહેર ઉછળે એ માનવતા માટે મહત્વની વાત છે એ સમજાવતી સુંદર વાર્તા!

  2. સુ શ્રી માના વ્યાસની સંવેદનશીલ વાર્તા કેસરભીનાં હૈયા
    અણકલ્પ્યો અંત-‘એ હાથમાંથી કેસરની સુગંધ આવતી હતી’
    વાહ

  3. સંવેદના સભર વાર્તા, અંત ધાર્યો એવો જ આવ્યો… 😊

  4. ખુબ જ સરસ
    મોટા ઘરના લોકોમાં પણ કોઈક તો સારું હોય જ છે