સાચવું (ગઝલ) ~ મનોજ ખંડેરિયા

સદીમાંથી એકાદ ક્ષણ સાચવું
મને હું મળ્યાનું સ્મરણ સાચવું

છે રસ્તો જ એવો કે પીગળી રહ્યો
કહો ક્યાંથી મારાં ચરણ સાચવું?

નથી આવરણની પછી કંઈ કશું
હું એથી જ તો આવરણ સાચવું

નથી; સ્પષ્ટ આયુષ્ય-રેખા નથી
હું મુઠ્ઠીમાં મારું મરણ સાચવું

તરસનો તો ક્યાં બીજે ઉદ્દભવ થશે?
હું એથી જ રેતી ને રણ સાચવું

~ મનોજ ખંડેરિયા

આપનો પ્રતિભાવ આપો..

One Comment

  1. .
    કવિશ્રી મનોજ ખંડેરિયાની સુંદર ગઝલ
    .
    તરસનો તો ક્યાં બીજે ઉદ્દભવ થશે?
    હું એથી જ રેતી ને રણ સાચવું
    ખૂબ સ રસ મક્તા~
    .
    ગુજરાતી ગઝલની તાસીર બદલવામાં અને ગઝલને એક સ્વાયત્ત કાવ્યસ્વરૂપ તરીકે પ્રતિષ્ઠા અપાવવામાં પ્રયોગશીલ ગઝલકારોમાં મનોજ ખંડેરિયાનો કાવ્યપુરુષાર્થ ધ્યાનાર્હ છે