સામ્પ્રત સમયના મૂર્ધન્ય ચારણકવિ : કવિશ્રી ‘દાદ’ ~ ડૉ.અંબાદાન રોહડિયા

ચારણી સાહિત્ય અને લોકસાહિત્યના ઉપાસક, ‘કાળજા કેરો કટકો’, ‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું’, ‘કૈલાસ કે નિવાસી’ અને ‘શબ્દ એક શોધો અને સંહિતા નીકળે’ જેવી સુપ્રસિદ્ધ રચનાઓના રચયિતા, ગૌરવ પુરસ્કાર, લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ અને પદ્મશ્રીથી વિભૂષિત કવિ દાદે તા. ૨૭-૪-૨૦૨૧ના દિવસે અનંતની યાત્રાએ પ્રયાણ કર્યું. આજીવન સાહિત્યસર્જન અને શબ્દોપાસનામાં જ રત રહેનારા કવિ ‘દાદ’ને શબ્દાંજલિ અર્પણ કરવાનો અહીં ઉપક્રમ છે.

સામવેદની ઋચાઓથી આરંભાયેલી ચારણી સાહિત્યની ધારા આજે પણ જીવંત છે અને અસ્ખલિત રૂપે વહે છે. આઝાદી આવ્યા પછી પદ્મશ્રી કવિ દુલા કાગે તેને સમૃદ્ધ કરીને સવિશેષ સમાજાભિમુખ અને લોકભોગ્ય બનાવી, એ પરંપરાનું ઊજળું અનુસંધાન એટલે પદ્મશ્રી દાદુદાન પ્રતાપદાન ગઢવી – કવિશ્રી ‘દાદ’.

ભગવતી શારદાના ઉપાસક ચારણકૂળમાં જન્મ હોય, પરમ શિવભક્ત હરદાસજી મીસણ અને વીરરસના વારિધી કવિવર સૂર્યમલ્લજી મીસણ જેવા પૂર્વજોનો પૈતૃક વારસો મળ્યો હોય, મોસાળ પક્ષેથી ભક્તકવિ મહાત્મા ઇસરદાસ રોહડિયાનો વારસો મળ્યો હોય અને જન્મજન્માંતરની ભક્તિભાવનાનો સુભગ સમન્વય થયો હોય તો કવિ-ભક્તકવિ દાદુદાન પ્રતાપદાન ગઢવી – કવિ ‘દાદ’ જેવું વિરલ વ્યકિતત્વ પ્રગટે. ચારણોની સાહિત્યિક પરંપરાને રાષ્ટ્રીયતાના રંગે રંગી તેને વિદ્વત્તભોગ્ય અને લોકભોગ્ય બનાવનારા કવિશ્રી ‘દાદ’ના સન્માનાર્થે મુંબઈમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, ત્યારે તેમના પરિચયમાં કહેવાયું કે, ‘કવિ ‘દાદ’ એટલે આલા દરજ્જાનો લોકમાન્ય અને લોકભોગ્ય ચારણકવિ. ભગવતી શારદાના વીરડાની અવિરત સરવાણી…. સુરતાની શબ્દવેદીમાં સળગતી ફકીરી… પ્રકૃતિના ચરણે ધરેલું નૈવેધ… હૈયાની નીપજ અને કવિતાની ક્યારી… શબ્દનો પ્રચાર નહીં પણ આંતરનો ઉપચાર’.

કવિ ‘દાદ’માં કંઠ, કહેણી, કવિતા અને ભક્તિનો ચતુર્વિધ સુભગ સમન્વય થયો છે. માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ પામેલી તેમની રચનાઓએ અને તેમણે ડાયરાઓ ડોલાવ્યાં છે. ‘ટેરવાં’ કાવ્યસંગ્રહ દ્વારા કવિતા ક્ષેત્રે પ્રવેશનાર કવિ ‘દાદ’ની રચનાઓમાં માનવીયતા, આધ્યાત્મિકતા અને રાષ્ટ્રીયતાનો ત્રિવેણી સંગમ થયો છે. દીકરી વિદાયની ક્ષણે પિતાની શાશ્વત મનોભાવનાને શબ્દાંકિત કરતી આ પંક્તિઓ કાલજયી બની છે અને આજે પણ સહૃદયીઓની આંખ ભીંજવે છે :

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો;
મમતા રુવે જેમ વેળુમાં, વીરડો ફૂટી ગયો –
કાળજા કેરો કટકો મારો…

ભારત અને ચીનની લડાઈ વખતે ધરા, ધર્મ અને અબળાની ઈજ્જત બચાવવા માટે ધારાતીર્થમાં પ્રાણ અર્પનારા શૂરવીરોને બિરદાવનાર ચારણોની સાહિત્યિક પરંપરાની યાદ તાજી કરીને તેમણે કસુંબલ રંગ અને પાળિયાનો મહિમા દર્શાવ્યો. લોકગાયક હેમુ ગઢવીના પ્રેમાગ્રહથી રચાયેલી તેમની આ રચનાએ એવું તો કામણ કર્યું કે, આ ગીતના ગાન વગર ડાયરો અધૂરો લાગે. મેધાણીના ‘કસુંબીનો રંગ’ કાવ્ય જેટલી જ પ્રસિદ્ધિ પામનાર આ પંક્તિઓ લોકહૃદયમાં કોતરાઈ ગઈ છે :

ટોચોમાં ટાંચણું લઈ, ભાઈ ઘડવૈયા મારે,
ઠાકોરજી નથી થાવું,
ઘડ ધીંગાણે જેનાં માથા મસાણે એના,
પાળિયા થઈને પૂજાવું… ઘડવૈયા.

કવિની જન્મભૂમિ ઈશ્વરિયાના પાધરમાં વહેતી હીરણ નદી, ગાગડિયો ધરો અને આઈ ખોડિયારનું સ્થાનક કવિના હ્રદયમાં શાશ્વત સ્મૃતિ બની રહ્યું છે. પ્રકૃતિ કવિતાનું બેનમૂન ઉદાહરણ જણાતી અને ‘ત્રિભંગી’ છંદમાં રચાયેલી ‘હીરણ હલકાળી’ કવિતાએ ચારણી કવિતાની વિશિષ્ટતા પ્રગટાવી છે. હીરણને સજીવતા અર્પતી કવિ ‘દાદ’ની કાવ્યબાની કાબિલ-એ-દાદ છે. જુઓ:

ડુંગરથી દડતી, ઘાટ ઊતરતી, પડતી પડતી આખડતી;
આવે ઉછળતી, જરા ન ડરતી, હરતી ફરતી મદ ઝરતી;
કિલકારા કરતી, ડગલાં ભરતી, જાય ગરજતી જોરાળી
હીરણ હલકાળી, જોબનવાળી, નદી રૂપાળી નખરાળી;
જીય નદી રૂપાળી નખરાળી…૧

સાહિત્ય ક્ષેત્રના દિગ્ગજોથી માંડીને આમવર્ગના હૃદયમાં વસી ગયેલ ‘ટેરવાં’ની રચનાઓ વિશે સુપ્રસિદ્ધ કવિ-વિવેચક હરીન્દ્ર દવે યથાર્થ જ કહે છે કે, ‘‘ ‘ટેરવાં’ એટલે શબ્દની કેડી પર લય અને લાગણીની ભાતીગળ વેલ્ય… વેલડાંનો અવાજ દિલમાં પડઘો તો પાડે જ છે સાથે ગેબના મલકમાં પણ પડઘો સરજે છે. ભીતર કોળી ઊઠે એવી રચનાઓ લોકગાયકોના કંઠમાં મ્હોરી છે. કયારેક સ્વામી આનંદ જેવા મર્મીને કવિ ‘દાદ’ની કવિતામાં મધ્યકાલીન સંતની લઢણ દેખાય છે. તો કોઈક ગાયકને એમાં લોકજીવનનો ધબકાર સંભળાય અને સાંઈ મકરંદ જેવા ગૂઢ રહસ્યના જાણતલ કવિને એમાં જીવતરના પ્રસંગે પરોવાતું અને પ્રસંગને ઉજાળતું ‘આતમ મોતી’ વિંધાતું દેખાય… પદ્મશ્રી કવિ ‘દુલા કાગ’ પછી ચારણી પરંપરાને આગળ વધારનારા અને ઉજાળનારા તરીકે કવિ ‘દાદ’ દેખાય છે.’’

હિંદી સાહિત્યના સુપ્રસિદ્ધ કવિ મૈથીલીશરણ ગુપ્તે ‘સાકેત’, ‘વિષ્ણુ પ્રિયા’ અને ‘યશોધરા’ દ્વારા ઉપેક્ષિત પાત્રોને ઉજાગર કર્યા, એ પૂર્વે ચારણકવિ ગણેશપુરીએ ‘વીર વિનોદ’માં કર્ણને નાયક બનાવીને ઉત્કૃષ્ટ કૃતિનું સર્જન કરેલું.

એ ભારતીય પરંપરાનું અનુસંધાન કરીને કવિ ‘દાદે’ ‘લક્ષ્મણાયન’માં લક્ષ્મણજી અને ઊર્મિલાના ત્યાગ, સંયમ અને શીલનો મહિમા દર્શાવ્યો. શેષાવતાર લક્ષ્મણજી અને ઊર્મિલાના ગુણોને પ્રગટાવતાં પાંચ-સાત પ્રસંગો રામાયણમાંથી જ શોધીને કવિએ તેનું કલાત્મક નિરૂપણ કર્યું છે. આથી લક્ષ્મણ અને ઊર્મિલાજીએ ખરા અર્થમાં સહેલા સંકટો અને કરેલી સેવા અહીં સુપેરે પ્રગટે છે,

તેમાં રામને મળેલી વનવાસ અને હ્રદયવિદારક વિદાયની ક્ષણ, ગંગાતટે કેવટનો પ્રસંગ, સુરપણખા દ્વારા લક્ષ્મણજીને આકર્ષવાનો નિષ્ફળ પ્રયાસ, સુવર્ણમૃગ અને લક્ષ્મણરેખાનો પ્રસંગ, મેઘનાદ સાથેનું પાત્રોચિત યુદ્ધ અને વિજય, સીતા ત્યાગ પ્રસંગે લક્ષ્મણનું મનોમંથન અને વનગમન, રામની આજ્ઞાનો ભંગ અને લક્ષ્મણજીની જળસમાધિ – આ બધા પ્રસંગોની હૃદયવિદારક રજૂઆત, તર્કપૂર્ણ અને સાંસ્કૃતિક પરિવેશનું નિરૂપણ ધ્યાનાકર્ષક છે.

રઘુકુળ ભૂષણ લક્ષ્મણજીના વિરાટ વ્યક્તિત્વનું સરળ, સ્વાભાવિક, જીવંત અને મર્મસ્પર્શી આલેખન ધ્યાનાર્હ છે. તો ઊર્મિલાજીના તપ, ત્યાગ, સંયમ અને સેવાકાર્યને સુપેરે ઊપસાવી તેમને સીતા જેટલું માન સન્માન આપવાનો કવિનો પ્રયાસ ચારણોનો નારી પ્રત્યેનો આદરભાવ પ્રગટાવે છે. ‘દાદે’ નારી અસ્મિતાને ઉજાગર કરીને ઊર્મિલાજીને ખરા અર્થમાં લક્ષ્મણજીના અર્ધાંગિની દર્શાવ્યા છે. તેમ જ ભારતીય નારીની અસ્મિતાને ગૌરવાન્વિત કરી છે.

કવિની વિશિષ્ટ કાવ્યબાની, વર્ણનકલા અને પાત્ર નિરૂપણ કલાને પ્રગટાવતું આ ‘કવિત’ ધ્યાનાકર્ષક છે :

બન મેં ફીરાયો, કંદમૂલ કો જમાયો,
ધનુષ બાન ઉઠવાયો, તેરી છોટી ઉમ્ર જાન મેં;
સ્નેહ છૂડવાયો, માત તાત સે ગંવાયો,
કટુ બેન સુનવાયો, તુને ઘેર્યો ધમસાન મેં.’

રઘુકુળની લાજ વધારનાર લક્ષ્મણજીનું ચરિત્ર ભારતીય સંસ્કૃતિની ભવ્યતાનું દ્યોતક છે. લક્ષ્મણ જતિનું બિરુદ પામનાર લક્ષ્મણજીને સીતાજી કહે છે કે, મારું રાજરાણી પદ, અયોધ્યાનો વૈભવ અને આ રામરાજ્ય તો તમારી અને ઊર્મિલાની દેણગી છે. લક્ષ્મણજીના અનન્ય ગુણોને સ્મરી સીતાજી માતૃતુલ્ય વાત્સલ્યભાવ દર્શાવી ભાવતી વાનગી જમાડવા, લંકાનો થાક ઉતારવા ઊના જળથી પાંવ પખાળવા અને પલકોથી આરતી ઉતારવાની વાત કરે છે. કવિએ અહીં દિયર-ભોજાઈના પવિત્ર સંબંધોને કલાત્મક રીતે નિરૂપીને ચારણ પરંપરાથી ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતાને ઉજાગર કરી છે, જુઓ :

‘બાલક સો જાની તુજે પાલને જુલાલુ કી,
ચુંબન સૈ લાલ તેરા ગાલ ભીજવાવતી,
નજર ઉતારું, કીસી નજર ન આને દું મેં,
પાલવ સે ઢાંકું, નિજ હાથ સે જીમાવતી;
યુદ્ધ લંક વારો થાક સઘરો ઉતાર દું મેં,
સેતે સેતે જલ તેરા પાંવલા પખારતી,
આરતી ઉતારું તેરી પલકો સે આજ ‘દાદ’
હોતી જો સુમિત્રા તેરી અલકે સંવારતી.’

‘લક્ષ્મણાયન’માં કવિએ લક્ષ્મણ જતિને ભારોભાર લાડ લડાવ્યા છે. તેમજ સીતાજીના હૃદયમાં પ્રગટેલ માતૃસ્નેહનો ભાવ વર્ણવી ચારણી પરંપરાનું દર્શન કરાવ્યું છે. આ સંગ્રહમાં જ ૧૯૫૮ થી ૧૯૬૦-૬૧ના ગાળામાં લખાયેલ કેટલાક છંદો, દુહા અને કવિતો સંગ્રહાયા છે. તેમાં દૈવી સ્તવનો, પ્રકૃતિ કાવ્યો અને ચિંતનાત્મક રચનાઓ છે. તેમાંની બે રચનાઓ તો લોકહૃદયમાં સુવર્ણાક્ષરે અંકિત થઈ ગઈ છે. ‘નિંદરડી કેમ ન આવે’ કાવ્યમાં કવિએ પંચવટીમાં ચોકી કરતાં લક્ષ્મણ અને સીતાજીના મનોભાવોને કલાત્મક રીતે રજૂ કર્યા છે. ચૌદ વર્ષ જેણે નિદ્રા ત્યાગી હતી એ લક્ષ્મણની ચિંતા સીતાજીને અકળાવે છે. લક્ષ્મણજીનો અજંપો તેમના માટે અસહ્ય છે. સુમિત્રા બનીને લક્ષ્મણને હાલરડે હિંચકાવવાની વાત ચારણત્વની પરિચાયક છે. જુઓ :

‘જગત સુવે ને મારો લખમણ જાગે,
ઈ મારા અંતરને અકળાવે;
કે’તો લખમણ સીતા સુમિત્રા બનીને,
તુને હાલરડે હિંચકાવે…
તુને નિંદરડી કેમ ના’વે…’

ચારણો વીરતા અને શીલના ઉપાસક છે. સંસ્કૃતિની રક્ષા એ ચારણોનો યુગધર્મ છે. આથી જ ચારણી સાહિત્ય ‘કલા ખાતર કલા’નું નહીં પણ ‘સંસ્કૃતિ ખાતર કલા’ની હિમાયત કરે છે. પશ્ચિમની ભોગવાદી સંસ્કૃતિ અને ફ્રોઈડ જેવા મનોવૈજ્ઞાનિકોની સામે ભારતીય સંસ્કૃતિને વિશ્વમાં પ્રસરાવનારા ચારણકવિઓના પ્રદાનને આ અર્થમાં મૂલવવાની – તપાસવાની જરૂર છે.

ચારણો આદિકાળથી મુક્તિના ઉપાસક રહ્યા છે, પણ તેમાં કટ્ટરતા પ્રવેશી નથી. શિવ અને શક્તિને સમાનભાવે ભજનારા ચરણો અભેદતાના ઉપાસક જણાય છે. વળી, ચારણો માટે તો પરંપરાથી કહેવાયું છે કે, ‘મહેશ-શિવ ડાડો અને શેષ નાનો’. આથી શિવભક્તિ ચારણોને વારસામાં મળી છે. કવિ ‘દાદે’ ‘કૈલાસ કે નિવાસી’ સ્તુતિ કાવ્યની રચના કરી પોતાની ભક્તિભાવનાની પ્રતીતિ કરાવી છે, જુઓ:

‘કૈલાસ કે નિવાસી નમું બાર બાર હું,
આયો શરન તીહારે, પ્રભુ તાર તાર તું.’

કવિ ‘દાદ’ની ભક્તિ કોઈ સીમિત વર્તુળમાં કેદ થાય તેવી નથી. ‘ચિત્તહરનું ગીત’ કાવ્યસંગ્રહમાં શ્રીકૃષ્ણ અને સુદામાની મૈત્રીનું સુંદર અને સ-રસ વર્ણન કર્યું છે. શ્રીકૃષ્ણની ઉદારતા, શૂરવીરતા અને દાનવીરતાને બિરદાવવા લખાયેલ આ કાવ્ય સંદર્ભે કવિ જ કહે છે કે, “ભકતોની ભેરે આવવામાં અને ભીડ ભાંગવામાં જેનો કોઈ જોટો નથી એવા શ્રીકૃષ્ણ પ્રભુના હૈયાનાં હેતને આલેખવાની મેં કોશિષ કરી છે. મારો ચારણ જીવ એની દરિયાદિલીને બિરદાવવા ઝાલ્યો રહ્યો નથી.’

રામાયણી સંતશ્રી મોરારિબાપુએ આ રચના સાંભળીને પ્રસન્નતાપૂર્વક કહ્યું કે, ‘સુદામો ‘બ્રહ્મવિત’ યાની ‘વૈવિત’ હતો, એટલે કે સુદામા પાસે સુ-દામ હતું. આવા સુદામાને આપણાં લોકકવિ કવિ દાદે લખ્યો (ઓળખ્યો) એવું મને લાગે છે. સૌરાષ્ટ્રના સુદામાને આપણા આ રક્તગત કવિએ સૌ-રાષ્ટ્રની સામે ગરીબીમાં પણ કેવું ગૌરવ હોય છે, એ આંતર અનુભૂતિની પ્રતિષ્ઠા કરી. દાદલ દિલે રજૂ થતો આ સુદામો સૌને ખાલી પ્રભાવિત જ નહીં પરન્તુ પ્રકાશિત કરો એવી સુદામ શ્રદ્ધા છે.’

ઈ.સ. ૧૯૭૧માં બાંગ્લાદેશ પર પાકિસ્તાને આક્રમણ કરી અત્યાચાર અને અનાચાર આચર્યો ત્યારે ભારતના વડાપ્રધાન માનનીય ઈન્દિરા ગાંધીએ નિરાશ્રિતોને આશ્રય આપીને પાકિસ્તાનને પાઠ ભણાવ્યો. આ ભારત-પાકિસ્તાનની લડાઈ વખતે કવિ ‘દાદે’ પોતાનો ચારણધર્મ યાદ કરી વીરોને બિરાવ્યા છે. ચારણોએ મધ્યકાળે ધર્મ, ધરા અને અબળા ખાતર લડનારાને જેમ પ્રોત્સાહિત કર્યા હતા તેમ આઝાદી પછીની પ્રત્યેક લડાઈ વખતે ચારણોએ વીરોનાં યશૌજ્જવલ કાર્યોને કાવ્યાંકિત કર્યાં છે.

‘અમાર સોનાર બાંગ્લા’ તરીકે સુખ્યાત બંગભૂમિને નર્કાગાર બનાવનારા સૈનિકોની પાશવીલીલાનું હૃદયવિદારક વર્ણન કવિના ચિત્તતંત્રને ખળભળાવે છે, તો વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની નીડરતા, વિચક્ષણતા અને નારી સન્માનની ભાવના કવિને પ્રેરક જણાય છે. તેમણે રચેલ ‘બંગ બાવની’ની એક લાખ નકલ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિએ છાપી અને એને તા. ૯-૮-૭૧ના રોજ દિલ્હીમાં યોજાયેલી કૉંગ્રેસની પ્રચંડ રેલીમાં વહેંચી, એકત્ર થયેલ રકમ શરણાગત સ્હાય ફંડમાં ભેટ આપી. ચારણોની રાષ્ટ્રભાવના અને ઉદારતાનું જીવંત ઉદહરણ પૂરું પાડનારા કવિની હ્રદયભાવનાનો પ્રતિઘોષ પાડતા કેટલાક દુહાઓ જુઓ :

‘વતન ગયું વારસ ગયાં, ગયું એવાતણ અંગ;
ફૂલ ગુલાબે ફોરતો, (એવો) બાગ લૂટાયો બંગ’ – ૧

‘જેને જીવાડવા મરદના, ટાંગા થરથર થાય;
એવા લાખુને ખોળે લઈ, બેઠી ઈંદિરા બાય.’ – ૩૧

‘કોઈ વોરે મશીનગન, કોઈ વોરે એરોપ્લેન;
તે વોર્યા બંગાળ તણાં, દુખિયાં ઈંદિરા બેન.’ – ૩૨

‘અણુબોબના અખતરે, ગઈ હોય સુધબુધ સાન;
તો માનવતા જોવા માનવી, હાલોને હિંદુસ્તાન’ – ૩૩

સાહિત્ય અને સંસ્કૃતિના ઉપાસક શ્રી રતુભાઈ અદાણીએ ‘બંગ બાવની’ના આમુખમાં નોંધ્યું છે કે, ‘નાનકડા ગામડામાં બેસીને રચેલી ‘બંગ બાવની’ દ્વારા પૂર્વ બંગાળના વતનીઓની આઝાદીની ઝંખના, એ ઝંખનાને રગદોળી નાખવા માટે લશ્કરરાજે આદરેલ હત્યાકાંડ, ફૂલના બાગ સમા પૂર્વ બંગાળની માનવસર્જિત દુર્દશા, લશ્કરના દમનનો મુકાબલો કરી મોતને ભેટતી મર્દાનગી, માનવતાનું લીલામ, માતૃત્વનું અપમાન, અને અનેક યાતના વચ્ચે પણ અડગ રહેલી પૂર્વ બંગાળની નારીશક્તિનો અદ્દભુત ચિતાર આપીને, સમગ્ર પ્રશ્ન પરત્વેની ભારતની અને આપણા વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીની દષ્ટિ અને એની પાછળ રહેલી માનવતાની ભાવના અને આપણાં સંસ્કાર વ્યક્ત કરવાનો કવિએ સફળ પ્રયાસ કર્યો છે.’

કવિ ‘દાદ’ની ભક્તિભાવના શબ્દ રૂપે પ્રગટી અને ‘શ્રીકૃષ્ણ છંદાવલી’નું સર્જન થયું. પ્રાતઃસ્મરણીય પૂજ્ય મોરારિબાપુએ કવિશ્રી ‘દાદ’ની કવિત્વકલાને શબ્દ પુષ્પથી આવકારીને નોંધ્યું છે કે, ‘શ્રીકૃષ્ણ છંદાવલી’ કવિશ્રી ‘દાદ’ના આતમ છંદમાંથી પ્રગટેલો કાવ્યપ્રબંધ છે. ગિરિકંદરા, નદીના સંગમે કે કોઈ તપોવની વાતાવરણમાં જેમ દ્વિજત્વનો જન્મ થાય છે. એવી જ રીતે કવિની અંતરગુહામાં, વિચાર-વિવેક અને વિરાગના ત્રિવેણી સંગમે, તથા તપઃપુત અવસ્થામાં પ્રગટતી કવિતા પણ દ્વિજત્વ ધારણ કરતી હોય છે. કૃષ્ણની દાદના અધિકારી કવિ ‘દાદ’માં ઉત્તરોત્તર આવું શુભ દર્શન થઈ રહ્યું છે. એ સમાજ માટે ઉપકારક રહેશે, એવી શ્રદ્ધા અને રામ સ્મરણ સાથે.’

‘આઈશ્રી ખોડિયાર બાવની’માં બાવન દુહા અને માતાજીની ચરજો સંગ્રહાયેલી છે. ભકતોની ભીડ વખતે સ્હાયાર્થે આવતી જગતજનની જગદંબાની કૃપાળુતા અને ભકતોદ્ઘારક કાર્યોને કવિએ સરળ, સ્વાભાવિક અને મર્મસ્પર્શી કાવ્યબાનીમાં આલેખ્યા છે. આદિકાળથી ચારણોએ માતાજીની એકનિષ્ઠ આરાધના કરી છે એ પરંપરાનું સ્મરણ કરાવતી આ કૃતિમાંથી કવિની દ્રઢ શ્રદ્ધા, ઉત્કટ ભક્તિભાવના અને ચરાચરમાં વિચરતી માતૃશક્તિ સાથે બાળસહજ વાત્સલ્યભાવે તાર જોડતી કાવ્યબાની પ્રગટે છે. અંતરના ઊંડાણમાંથી પ્રગટેલ શબ્દ સૌના અંતરમાં અજવાળા પાથરે છે અને ભાવકોના હૃદયમાં દૈવીભક્તિનો પ્રકાશ પાથરે છે. માનવમાત્રને વિપત્તિ વેળાએ શ્રદ્ધાનો સંદેશ સંભળાવી, અફાટ જળ વચ્ચે પણ દિવાદાંડીનું દર્શન કરાવતી આ કૃતિ કવિ ‘દાદ’ની દ્રઢ માતૃભક્તિની પ્રતીતિ કરાવે છે.

‘ટેરવાં’ ભાગ-૩ અને ૪માં ભજન, ગીતો, દુહા અને છંદ સંગ્રહાયાં છે. એમ વિવિધ સ્વરૂપો દ્વારા કવિએ આમ જનતાને સાંપ્રત સમાજની યથાર્થ દશા-અવદશા, નીતિ-રાજનીતિ, ચિંતન, પ્રકૃતિ અને ભકિત વિશે અંગુલિનિર્દેશ કર્યો છે. કવિ આર્ષદ્રષ્ટા હોય છે, એટલું જ નહીં ભગવાન કૃષ્ણએ શ્રીમદ્ ભગવદગીતામાં વિભૂતિ યોગમાં કવિ-ઈશનાને પોતાનું જ એક રૂપ ગણાવ્યો છે.

શબ્દની ઉપાસના-આરાધના કરતો કવિ સમાજમાં રહેતો હોવા છતા સામાજિકતાથી ઉપર ઊઠીને ભૂત, વર્તમાન અને ભાવિને નિહાળી શકે છે. આથી આગમની એંધાણી પારખનાર કવિ સમાજને આગમચેતી અને લાલબત્તી ધરે છે કે આવનારા અનિષ્ટો સામે શાહમૃગવૃત્તિ દાખવતા સમાજને જગાડે છે. સદ્-અસદ, નીતિ-અનીતિ, ન્યાય-અન્યાય, ત્યાગ-ભોગ અને ગુણ-અવગુણનો ભેદ પારખીને સમાજને દિશાનિર્દેશ કરવાનું કામ કવિનું છે. એ વખતે તે કોઈ જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાય, ભાષા કે પ્રદેશનો પ્રતિનિધિ રહેતો નથી પણ ઈશ્વરી પ્રેરણા કે આત્માના અવાજને અનુસરી શબ્દની સાધના કરી સૌને પ્રેરે છે. એ વાતની પ્રતીતિ કરાવતી આ રચનાઓ સાંપ્રત સમાજ માટે પણ પ્રસ્તુત અને પ્રેરણાદાયી છે, એ દષ્ટિએ કવિ ‘દાદ’ સ્વાનુભૂતિને સર્વાનુભૂતિ સુઘી વિસ્તારી શકયા છે, જે તેમની કુદરતદત્ત કવિત્વશક્તિનું પરિણામ અને પરિમાણ છે.

કવિ ‘દાદે’ વર્ષો સુધી ડાયરાઓ ડોલાવ્યા છે. ગુજરાતના વિવિધ શહેરોમાં, દિલ્હી, મદ્રાસ, મુંબઈ અને કલકત્તા જેવા મહાનગરોમાં અને આફ્રિકામાં તેમણે સ્ટેજ કાર્યક્રમોમાં ચારણી પરંપરાના છંદોનું ગાન કર્યું છે અને અનેક મહાનુભાવોએ તેમના કંઠ, કહેણી અને કવિતાને માણી છે અને સરાહી છે. લાખો ભાવકોએ તેમનાં કાવ્યોનું આકંઠ શ્રવણ કર્યું છે. લોકગાયકોએ તેમની પાસેથી રજૂઆત કલાનું શિક્ષણ મેળવ્યું છે.

સાહિત્ય ક્ષેત્રના અનેક માલમીઓએ તેમની કવિતાને ફૂલડે વધાવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આરંભકાળે આદ્ય કુલપતિશ્રી ડોલરરાય માંકડને ચારણી સાહિત્યનું સાહિત્યિક-સાંસ્કૃતિક મહત્ત્વ સમજાવી ચારણી સાહિત્ય હસ્તપ્રત ભંડારની સ્થાપના કરવા પ્રેરેલા. તેમજ ઈ.સ. ૧૯૬૯-૧૯૭૦ સુધી શ્રી રતુદાન રોહડિયા સાથે યુનિવર્સિટી માટે ચારણી સાહિત્યની હસ્તપ્રતો મેળવવાની જવાબદારી ઉપાડેલી. ભારતીય સાહિત્યની મોંઘી મિરાત સમી અનેક હસ્તપ્રતો મેળવીને તેને સુરક્ષિત બનાવી મહામૂલી સેવા કરી છે.

ગરવા ગિરનારની ગોદમાં વસનારા કવિ ‘દાદ’ને હરિભજનની હેડકી આવે છે, જેના સુફળ રૂપે નવ કાવ્યસંગ્રહ પ્રાપ્ત થયા છે. સમાજ અને રાજ્ય સરકારે પણ ‘દાદ”ની સર્જકપ્રતિભાને દાદ આપી છે. ગુજરાત સરકાર તરફથી વર્ષ ૧૯૯૮-૯૯નો “લોકકલા’ ક્ષેત્રનો સર્વોચ્ચ ગૌરવપુરસ્કાર મળ્યો છે. તેમજ તેમની સુપ્રસિદ્ધ રચના ‘કાળજાનો કટકો’ ગીતને ગુજરાત સરકારનો એવોર્ડ મળ્યો છે. સીતારામ ટ્રસ્ટ તરફથી પૂજ્ય મોરારિબાપુના હસ્તે કવિશ્રી દુલા કાગ લોકસાહિત્ય એવોર્ડ વર્ષ ૨૦૦૪માં મળ્યો છે.

કવિ ‘દાદ’ સન્માન સમિતિ દ્વારા મુંબઈમાં તા. ૯-૩-૧૯૯૩ના રોજ પૂજ્ય મોરારિબાપુની પ્રેરક ઉપસ્થિતિ અને પૂર્વ નાણાંમંત્રી તેમ જ અખિલ ભારત ચારણ સમાજના પ્રમુખશ્રી બી. કે. ગઢવીની અધ્યક્ષતામાં ભવ્ય સન્માન સમારંભ યોજાયેલ. ‘ચારણ ચોથો વેદ’ એવા સૂચક અને સાંસ્કૃતિક શીર્ષકથી યોજાયેલ ડાયરામાં ગુજરાતના ખ્યાતનામ લોકગાયકોએ ઉપસ્થિત રહીને કવિશ્રી ‘દાદ’ની રચનાઓનું ગાન કરી વાતાવરણને દીપાવ્યું હતું, તો પ્રસિદ્ધ સાહિત્યકારો અને સુજ્ઞ સાહિત્ય રસિકોએ ઉપસ્થિત રહી સન્માન સમારંભને દીપાવ્યો હતો.

શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ ૨૦૧૭માં તેમને લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો અને ભારત સરકાર દ્વારા તા. ૨૬-૧-૨૦૨૧ના રોજ તેમને પદ્મશ્રી એવોર્ડ અર્પણ કરવાની ઘોષણા કરવામાં આવી. કવિ ‘દાદ’ના નવ કાવ્યસંગ્રહોનું પ્રકાશન પણ તેમના ચાહકોએ જ કર્યું છે, એ બાબત પણ તેમની લોકચાહનાની દ્યોતક બીના છે.

કવિશ્રી ‘દાદ’ની કાવ્યબાનીમાં લોક-સંસ્કૃતિના વિવિધ રંગ, રૂપ અને રસ સુપેરે પ્રગટે છે, આથી જ એ રચનાઓ લોકગાયકોના કંઠમાં અને સહૃદયોના કાનમાં ગૂંજે છે. કવિશ્રી ‘દાદ’ની રચનાનો ઉદ્દેશ લોકરંજન નથી, પરન્તુ લોકસંસ્કૃતિનું યથાર્થ દર્શન કરાવીને સામાજિક ચેતના પ્રગટ કરવાનો છે. વસ્તુતઃ કવિ ‘દાદે’ પોતાની આત્મચેતનાને બળે કવિતા રૂપી દીપ પ્રગટાવીને સમગ્ર સમાજ અને રાષ્ટ્રને પ્રકાશમાન કરવાનો શ્રદ્ધા દીપ પ્રગટાવ્યો છે. તેમજ લોકસમાજને લોકસંસ્કૃતિનું યથાર્થ દર્શન કરાવ્યું છે. પદ્મશ્રી કવિ ‘દાદે’ આજે આપણી વચ્ચેથી વસમી વિદાય લીધી છે ત્યારે આવો આપણે સૌ સાથે મળીને તેમની સર્જકચેતના અને દિવ્યચેતનાને વંદન સહ ભાવાંજલિ અર્પણ કરીએ.

ડૉ. અંબાદાન રોહડિયા
પ્રોફેસર, ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ-૫.
મો. ૯૪૨૬૫ ૩૦૦૦પ.

*** 

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. .
    ડૉ.અંબાદાન રોહડિયા દ્વારા સામ્પ્રત સમયના મૂર્ધન્ય ચારણકવિ : કવિશ્રી ‘દાદ’ ની રચનાઓનો સ રસ આસ્વાદ ધન્યવાદ