‘વારતા રે વારતા’ (૨૫) ~ આઈઝેક બાવિશ સિંગર (યિડિશ) ~ બાબુ સુથાર
‘The Cat Who Thought She was a Dog & the Dog Who Thought He Was a Cat.’
– આઈઝેક બાવિશ સિંગર
“વારતા રે વારતા”- (૨૫)
(વિશ્વ સાહિત્યની વાર્તાઓનો આસ્વાદ કરાવતી શ્રેણી )

યિડિશ ભાષાના લેખક આઈઝેક બાવિશ સિંગરનું (Isaac Bashevis Singer) નામ ગુજરાતી વાચકો માટે નવું નથી. એમની ઘણી વાર્તાઓના ગુજરાતી ભાષામાં અનુવાદ થયા છે. એટલી બધી કે જો કોઈ પ્રકાશક ધારે તો એ બધી વાર્તાઓનો જ એક સંગ્રહ પ્રગટ કરી શકે.
પણ બહુ ઓછા વાચકોને ખબર હશે કે સિંગરે બાળકો માટે પણ વાર્તાઓ લખી છે. એમાંની કેટલીક વાર્તાઓ ‘Stories for Children’ નામના પુસ્તકમાં પ્રગટ થઈ છે. એમાં એક વાર્તા છે: ‘The Cat Who Thought She was a Dog & the Dog Who Thought He Was a Cat.’ એમાં એમણે એક દર્પણ કઈ રીતે એક ખેડૂત કુટુંબના સુખને છિન્નભિન્ન કરી નાખે છે એની વાત કરી છે.
વાર્તાની શરૂઆત આ રીતે થાય છે: એક વખતે એક ગરીબ ખેડૂત હતો. એનું નામ હતું યાન સ્કિબા.
આ સ્કિબા કોઈ ગામમાં નથી રહેતો. એ સીમમાં રહે છે. એમ કહો કે પોતાના ખેતરમાં. એ સીમ ગામથી દૂર આવેલી છે. એટલી દૂર કે ત્યાં વેપારીઓ પણ જતા નથી. કેમ કે એ લોકોએ સ્કિબા પાસેથી કશું ખરીદવાનું હોતું નથી અને સ્કિબાએ પણ વેપારીઓ પાસેથી કશું ખરીદવાનું હોતું નથી. એટલે કે ત્યાં બજાર જેવું કશું હતું જ નહીં. દેખીતી રીતે જ, જ્યાં એક ઘર હોય ત્યારે વળી બજાર કઈ રીતે વિકસે?
આ સ્કિબા એના કુટુંબ સાથે ત્યાં રહેતો હતો. એને એક પત્ની હતી. નામ એનું મારીયાન્ના. અને ત્રણ દીકરીઓ હતી. તદ્ઉપરાંત, એણે એક કૂતરો પણ પાળ્યો હતો અને એક બિલાડી પણ. કૂતરાનું નામ બુરેક હતું અને બિલાડીનું નામ કોટ. સ્કિબા જ્યાં રહેતો હતો ત્યાં બીજા કોઈનાં ઘર ન હતાં. એથી બીજાં કૂતરાંબિલાડાં પણ ન હતાં. લેખક કહે છે કે એને કારણે કૂતરો ઘણી વાર એવું માનતો કે એ બિલાડી છે અને બિલાડી ઘણી વાર એવું માનતી કે એ કૂતરો છે. જો કે, કૂતરો ભસતો ખરો અને બિલાડી પણ મ્યાઉં મ્યાઉં કરતી ખરી. એટલું જ નહીં, કૂતરો શિકાર કરવા સસલાંની પાછળ દોડતો ને એ જ રીતે બિલાડી પણ ઉંદર પાછળ દોડતી. આમ તો આ કૂતરા અને બિલાડીને સારું બનતું. એટલે સુધી કે જ્યારે કૂતરો ભસતો ત્યારે ક્યારેક બિલાડી પણ એની જેમ ભસવાનો પ્રયાસ કરતી. અને એ જ રીતે જ્યારે બિલાડી મ્યાઉં મ્યાઉં કરતી ત્યારે કૂતરો પણ ક્યારેક બિલાડીની જેમ મ્યાઉં મ્યાઉં કરવાનો પ્રયાસ કરતો.
સ્કિબા એક નાનકડા ઝુંપડામાં રહેતો હતો. એમાં પાંચ માણસો અને બે પ્રાણીઓ માટે આમ તો પૂરતી જગ્યા ન હતી. પણ એ બધાં સાંકડેમાંકડે હળીમળીને રહેતાં હતાં. વળી, સ્કિબા પાસે બહુ ઘરવખરી પણ ન હતી. એક ચૂલો ને એકાદ મેજ. બેત્રણ પથારીઓ. ખાટલા પણ નહીં. અને હા, દર્પણ તો એક પણ નહીં. એને કારણે સ્કિબાના કુટુમ્બના એક પણ સભ્યએ પોતાનો ચહેરો બહુ ધ્યાનથી જોયો ન હતો. એ લોકો બહુ બહુ તો પાણીના પીપડામાં કે કૂંડામાં પોતાનો ચહેરો જોતા. પણ, એમાં તો કેવો દેખાય પોતાનો ચહેરો?
એક દહાડો જોડેના ગામનો એક વેપારી સ્કિબાના ત્યાં આવી ચડ્યો. એની પાસે ભાતભાતની વસ્તુઓ હતી. સ્કિબાની પત્ની અને એની દીકરીઓને એ બધી વસ્તુઓ ખૂબ ગમી ગઈ. પણ એમાંય એમને લાકડાની ફ્રેમમાં મઢેલું એક દર્પણ તો ખૂબ ગમી ગયું. એ દર્પણ જરા મોંઘું હતું. પણ, સ્કિબાની પત્ની મારીયાન્નાએ એ દર્પણ ખરીદી લીધું. એ પણ હપ્તેથી. એણે વેપારીને કહ્યું કે હું તને દર મહિને પાંચ ગ્રોશન (સ્થાનિક ચલણ) આપીશ. વેપારીને થયું કે આમેય એ દર્પણ ખૂબ મોટું હતું. એ સાથે રાખે તો ફૂટી જાય એવી તમામ શક્યતાઓ હતી. વળી વેપારીને એ વાતની પણ ખબર હતી કે સ્કિબા કુટુંબ ખૂબ પ્રામાણિક છે એટલે એ પૈસા ચૂકવવામાં અનિયમિત નહીં રહે.
હવે થયું એવું કે મારીયાન્ના અને એની ત્રણેય દીકરીઓ દર્પણ ખરીદ્યા પછી તરત જ પોતપોતાનો ચહેરો એમાં જોવા લાગ્યાં. અને, જેમ જેમ એ લોકો એમનો ચહેરો દર્પણમાં જોતાં ગયાં એમ એમ એમને એમના ચહેરાની ખામીઓ દેખાવા લાગી. મારિયાન્ના આમ તો દેખાવડી હતી પણ હવે એને ખ્યાલ આવ્યો કે એનો એક આગલો દાંત પડી ગયો હોવાથી એ કદરૂપી લાગે છે. એની એક દીકરીને ખ્યાલ આવ્યો કે એનું નાક સપાટ અને વધારે પડતું પહોળું છે. તો બીજી દીકરીને ખ્યાલ આવ્યો કે એનું ચિબુક સાંકડું અને વધારે પડતું લાંબું છે. ત્રીજી દીકરીને લાગ્યું કે એના ચહેરા પર બદામી રંગના ડાઘા પડેલા છે. એટલું જ નહીં, સ્કિબાએ પણ પોતાનો ચહેરો દર્પણમાં જોયો અને એને લાગ્યું કે એના હોઠ વધારે પડતા જાડા છે અને એના દાંત સસલાને હોય એવા છે.
એ દિવસે સ્ત્રીવર્ગ દર્પણમાં જોવામાં એટલો બધો ખોવાઈ ગયો કે એ લોકો જમવાનું પણ બનાવવાનું ભૂલી ગયાં. એટલું જ નહીં, એ લોકો બીજું ઘરકામ પણ ન કરી શક્યાં. મારીઆન્નાએ સાંભળેલું કે શહેરમાં એક દાંતનો દાક્તર છે. એ નવા દાંત નાખી આપે છે. પણ ખૂબ મોંઘો. ત્રણેય છોકરીઓ પણ એકબીજાને આશ્વાસન આપતાં કહેવા લાગી કે ગમે તેમ હોય, આપણે દેખાવડાં છીએ એટલે આપણને સારા મૂરતિયા મળી રહેશે. પણ, એ ત્રણેય પહેલાંની જેમ આનંદથી જીવી શકતી ન હતી. પછી બન્યું એવું કે જેનું નાક ચપટું હતું એ છોકરી સમય મળે એનું નાક દબાવી વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કરતી. જેની ચિબુક લાંબી હતી એ વારંવાર મુઠ્ઠીથી ચિબુકને નાનું બનાવવાનો પ્રયાસ કરતી. જેને ચહેરા પર ડાઘ હતા એ વિચારતી હતી કે શહેરમાં એવું કોઈ છે ખરું જે મારા ચહેરા પરના ડાઘ દૂર કરી આપે. એ સાથે જ સ્કિબા કુટુંબને પહેલી વાર એવું લાગ્યું કે એમનું કુટુંબ ગરીબ છે. દર્પણે એમને આ પણ બતાવ્યું.
કેવળ સ્કિબાના કુટુંબના માણસો જ નહીં, પેલું કૂતરું અને પેલી બિલાડી પણ દર્પણને કારણે દુ:ખી થઈ ગયાં. બિલાડીએ જ્યારે પહેલી વાર અકસ્માતે પોતાની જાતને દર્પણમાં જોઈ તો એ ગૂંચવાઈ ગયેલી. કેમ કે એણે કદી પણ પોતાનો ચહેરો આ પૂર્વે જોયો ન હતો. એ એના પ્રતિબિંબ સામે જોઈને પોતાની પૂંછડી હલાવવા લાગેલી અને મિયાઉ મિયાઉ કરવા લાગેલી. એ જ રીતે, કૂતરાએ પણ જ્યારે અકસ્માતે પોતાનું પ્રતિબિંબ દર્પણમાં જોયું તો એ પણ અકળાઈ ગયેલો અને ત્યાં દર્પણમાં બીજો કૂતરો વસે છે એમ માનીને પોતાના પ્રતિબિંબ સાથે ઘૂરકિયાં કરવા માંડેલો. દેખીતી રીતે જ, પેલા પ્રતિબિંબે પણ એને એ રીતે વળતો જવાબ આપેલો. એને કારણે કૂતરા અને બિલાડી બન્ને માનસિક સંતાપનો ભોગ બનેલાં. એથી એ બન્ને પ્રાણીઓ હવે એકબીજાની સામે જુદી રીતે જોવા લાગ્યાં. કૂતરો હવે બિલાડી સામે જોઈને ભસતો ને બિલાડી કૂતરા સામે જોઈને મિયાઉં મિયાઉં કરતી.
એક વાર તો એ બન્ને એકબીજા પર એટલાં બધાં આક્રમક બની ગયાં કે ન પૂછો વાત. કૂતરાએ બિલાડી પર હુમલો કરીને એને ગળેથી પકડેલી. એને કારણે બિલાડીના ગળામાંથી લોહી નીકળવા લાગેલું. વળતા જવાબમાં બિલાડીએ પણ કૂતરાને બચકું ભરેલું. સ્કિબાનાં કુટુંબીઓએ એ બન્નેને જુદાં પાડવાનો ખૂબ પ્રયાસ કરેલો. પણ, વ્યર્થ. આખરે એ લોકોએ કૂતરાને ઘરની બહાર અને બિલાડીને ઘરની અંદર રાખવાનું નક્કી કરેલું. કૂતરો આખો દિવસ ઘર સામે જોઈને ભસ્યા કરતો. અને બિલાડી આખો દિવસ ઘરની બહાર જોઈને મિયાઉં મિયાઉં કર્યા કરતી. એક તબક્કે એ બન્ને એટલા બધા માનસિક સંતાપમાં આવી ગયાં કે એમણે ખાવાનું બંધ કરી દીધેલું.
પછી સ્કિબાએ વિચાર્યું કે આ ઘરમાં માણસો અને પશુઓ પણ સંપથી રહેતાં હતાં. બધાંને શાંતિ હતી. આ દર્પણ આવ્યા પછી બધાં અશાન્તિમાં રહેવા લાગ્યાં છે. એને થયું: “શા માટે આપણે આપણી જાતને દર્પણમાં જોવી જોઈએ? તમે આકાશ સામે જુઓ. આકાશનાં વખાણ કરો. સૂર્ય સામે જુઓ. ચંદ્ર સામે જુઓ. તારાઓ સામે જુઓ. પૃથ્વી સામે જુઓ. જંગલ સામે જુઓ. સીમ સામે, નદીઓ સામે, છોડવાઓ સામે જુઓ અને એમનાં વખાણ કરો. એ બધું મૂકીને શા માટે પોતાનો ચહેરો જોવો જોઈએ?” પછી એણે દર્પણ ભીંત પરથી ઉતારીને ઘરની બહાર મૂકી દીધું અને જ્યારે પેલો વેપારી એના દર્પણનો હપ્તો લેવા આવ્યો ત્યારે એણે એને દર્પણ પાછું આપી દીધું અને એના બદલામાં ઘરના સ્ત્રી વર્ગ માટે હાથરૂમાલ અને સ્લિપર્સ ખરીદ્યાં.
સ્કિબાના ઘરમાંથી દર્પણ ગયું અને પાછી શાન્તિ ધીમે ધીમે પાછી આવવા લાગી. સૌ પહેલાં તો કૂતરો અને બિલાડી રાબેતા મુજબનું જીવન જીવવા લાગ્યાં. પછી, કેટલીક શારીરિક ખામીઓ હોવા છતાં એની ત્રણેય દીકરીઓને સારા મૂરતિયા મળ્યા. જ્યારે ગામના પાદરીને આ દર્પણવાળી ઘટનાની ખબર પડી ત્યારે એણે કહ્યું, “દર્પણ કેવળ ત્વચા બતાવી શકે. માણસનું સાચું પ્રતિબિંબ તો એ પોતાને, પોતાનાં કુટંબીઓને, તથા જે કોઈ એના સંપર્કમાં આવે એને કેવી મદદ કરે છે એમાં પડતું હોય છે. આવાં દર્પણ જ માણસના આત્માને પ્રગટ કરતાં હોય છે.”
*********
ફિલસૂફીમાં ‘તમારી જાતને ઓળખો’ની વાત વારંવાર કરવામાં આવતી હોય છે. પણ એ ‘જાત’ એટલે શું? વાર્તાલેખક ‘જાત’ને કેવળ શારીરિક સ્વરૂપમાં ન્યૂન કરવા નથી માગતા. એટલું જ નહીં, એ ‘જાત’ને આપણા અંદરના જગત સાથે પણ જોડવા નથી માગતા. એ ‘જાત’ને આપણે પોતાને અને બીજાને કેટલી અને કેવી મદદ કરીએ છીએ એની સાથે જોડે છે.
એટલું જ નહીં, લેખક કદાચ આડકતરી રીતે, market કઈ રીતે એક કુટુંબના સભ્યોને consumers બનાવી દે છે અને કઈ રીતે એમને એમની ગરીબાઈનો અહેસાસ કરાવે છે એની પણ વાત કરી રહ્યા છે. અહીં દર્પણ તો કદાચ marketનો એક એજન્ટ બનીને આવે છે. એ કેવળ માણસોના જ નહીં, પ્રાણીઓના જગતમાં પણ અશાંતિ ઊભાં કરી દે છે. બાકી, જે કૂતરો ક્યારેક પોતાને બિલાડી સમજતો હોય એ ક્યારેય બિલાડીને ગળે બચકું ભરે ખરો?
ત્રીજા પુરુષમાં લખવામાં આવેલી આ વાર્તામાં લેખકે વાચકોને બોધ આપ્યો છે ખરો પણ એ બોધ નૈતિક નથી. એ બોધને માનવજીવન સાથે સંબંધ છે. એને કારણે આ વાર્તા કેવળ બાળકોની વાર્તા બની રહેવાને બદલે મોટેરાંની વાર્તા પણ બની જાય છે. એથી જ તો વાર્તા વાંચતાં ક્યારેક આપણે આપણી જાતને સ્કિબા સમજી લેતા હોઈએ છીએ.
~ બાબુ સુથાર
Very nice story and very well translated .Congratulations to Babubhai
VERY GOOD STORY. HOW ONE MIRROR BROKE HAPPINESS OF THE FAMILY.
અભિનંદન અને આભાર, એક સરસ વાર્તા આપવા બદલ.
બહુજ સરસ વાર્તા સાથે ઉપદેશ 👌👍🌹🌹
આઈઝેક બાવિશ સિંગર (યિડિશ) વાર્તા અંગે મા. બાબુ સુથાર નો અભ્યાસપુર્ણ આસ્વાદ