શ્રીમદ્ ભાગવત કથા ~ સ્કંધ ત્રીજો ~ અધ્યાય આઠમો ~ જયશ્રી વિનુ મરચંટ
સ્કંધ ત્રીજો – આઠમો અધ્યાય – ““બ્રહ્માજીની ઉત્પત્તિ”
ૐ નમો ભગવતે વાસુદેવાય
(ત્રીજા સ્કંધના અધ્યાય સાતમો – “વિદુરજીના વિશેષ પ્રશ્નો” અંતર્ગત આપે વાંચ્યું કે, મૈત્રેયજીની અસ્ખલિત જ્ઞાનગંગા સમી વાણી દ્વારા વિદુરજીના સંશયો દૂર થઈ રહ્યાં છે. એમને ધીરેધીરે એ સમજાઈ રહ્યું છે કે મન, ચિત્ત, બુદ્ધિ, અને અહંકારથી પર થયા વિના આત્મસ્થ થવાનો એટલે કે ભગવાનને પામવાનો રસ્તો મળતો નથી અને મૈત્રેયજી સમા મહાત્માઓ તો ભગવાનને પામવાનો સાક્ષાત માર્ગ છે કારણ એમનો જીવ હંમેશાં જ દેવોના દેવ શ્રી હરિના ગુણગાનમાં જ મગ્ન હોય છે. મૈત્રેયજીએ એમને કહ્યું કે વિરાટ પુરુષને ઉત્પન્ન કર્યા પછી ભગવાન સ્વયં તેનામાં પોતાના એક અંશરૂપે પ્રવેશ્યા. એમાંથી જ બ્રહ્માજી, પ્રજાપતિ, મનુઓ વગેરે ઉત્પન્ન થયા. વિદુરજીને હવે આ વિજ્ઞાનને સમજવાની ઉત્કંઠા થઈ છે કે એ સહુના વંશો અને ભૂલોકના અન્ય પ્રાણીઓ જેવા કે જરાયુજ, (ગર્ભાશયમાંની ગર્ભને વીંટળાઈને કે ઓર સાથે જન્મ લેનારું, દા.ત. માનવ, પશુ વગેરે પ્રાણી), સ્વેદજ (પરસેવાથી પેદા થતાં), અંડજ (ઈંડામાંથી જન્મ પામતાં) અને ઉદ્ભિજ્જ (ઝાડ, વનસ્પતિ, જમીન ફોડીને બહાર આવનારી કે જન્મનારી) કઈ રીતે ઉત્પન્ન થયાં? શ્રી હરિએ સર્જન કરતી વખતે જગતના ઉદ્ભવ, સ્થિરતા અને સંહાર માટે પોતાના અંશાવતાર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના રૂપમાં કેવી લીલાઓ કરી? આ સાથે જ્ઞાનમાર્ગ, યોગમાર્ગ અને તેના સાધનભૂત સાંખ્યમાર્ગ, વેદ, ગ્રહો, નક્ષત્રો અને તારાગણ ને સમજવાની ગતિ સમા ખગોળશાસ્ત્ર સહિત અન્ય શાસ્ત્રો દ્વારા ગુણ ને કર્મોથી થતી ગતિ વિષે પણ વિદુરજીને જાણવું છે. વિદુરજી મૈત્રેયજીને પ્રશ્ન પૂછે છે કે “હે દ્વિજોત્તમ, જીવનું તત્વ, પરમેશ્વરનું સ્વરૂપ, ઉપનિષદ્ પ્રતિપાદિત જ્ઞાન તથા ગુરૂ-શિષ્યનું પ્રયોજન શું છે? હે પુણ્યમય મૈત્રેયજી, મારા મોહમાયાના આવરણો સંપૂર્ણપણે નાશ પામે અને હું જ્ઞાનમાર્ગે આગળ વધી શકું એ માટે હે વિદ્વન! મને શ્રી બ્રહ્માજીની ઉત્પત્તિથી માંડીને શ્રી હરિની સર્વ લીલાઓનું સંપૂર્ણ જ્ઞાન આપો. હું આપને વંદન કરીને વિનંતી કરું છું. મૈત્રેયજી પ્રસન્ન થઈને એમને એ વિષે ઉત્તર આપવા ઉદ્યત થયા.” હવે અહીંથી વાંચો આગળ, સ્કંધ ત્રીજાનો અધ્યાય આઠમો, “બ્રહ્માજીની ઉત્પત્તિ”)
સૂતજી કહે – હે શૌનકાદિ મુનિઓ, રાજા પરીક્ષિત શુકદેવજીને પૂછે છે કે “હે વ્યાસપુત્ર, મૈત્રેયજી સમા મહાત્મા કેવી રીતે વિદુરજીની શંકાનું નિવારણ કરે છે એ વિષે મને વિસ્તારથી કહો.
ત્યારે શુકદેવજી કહે છે – હે રાજન્, મહાત્મા મૈત્રેયજી વિદુરજીને પરમ પ્રભુમાં લીન થઈને આ વિશિષ્ટ જ્ઞાન આપે છે.
મૈત્રેયજી કહે – હે વિદુરજી, તમારી આ જ્ઞાનપિપાસાથી હું પ્રસન્ન થયો છું. તમે ભગવાનના સાચા ભક્ત છો. તમારા સર્વ સવાલોના જવાબ શ્રી હરિની આ પરમ સુખકારક શ્રીમદ્ ભાગવત પુરાણની કથામાં છે. પોતાના લોકમાં વિરાજમાન અખંડ જ્ઞાન સંપન્ન આદિદેવ ભગવાન અનંત સંકર્ષણને સનતકુમારોએ પરમ બ્રહ્મનું તત્વ જાણવા માટે વંદન કરીને પ્રાર્થના કરી. શેષ ભગવાન શ્રી સંકર્ષણે સનતકુમારો પર અસીમ કૃપા કરીને આ ભાગવત કથા સંભળાવી. એમણે આ ભાગવત પછી પરમ વ્રતધારક એમના શિષ્ય સાંખ્યાયનને (બ્રહ્મર્ષિ, સનકાદિકોના શિષ્ય અને પરમહંસ ધર્મના પ્રવર્તક. તે ગાયત્રી મંત્રના અધિષ્ઠાતા દેવતાના ઉત્પાદક હોવાથી ગાયત્રીના ગોત્રનું નામ સંખ્યાયન પડયું છે.) વિસ્તારથી સંભળાવ્યું. એ બ્રહ્મર્ષિએ પોતાના અનુયાયી અને અમારા ગુરુ, શ્રી પરાશરજીને અને બૃહસ્પતિજીને આ પુરાણ સંભળાવ્યું. ત્યાર પછી પરમ દયાળુ પરાશરજીએ પુલત્સ્ય મુનિના કહેવાથી એ આદિ પુરાણનું જ્ઞાન મને આપ્યું. હે વત્સ! તમને આટલા શ્રદ્ધાળુ અને જિજ્ઞાસુ જોઈને હવે હું એ પુરાણ અવશ્ય કહીશ. એની સાથે તમને તમારા સવાલોના જવાબો પણ મળતા જશે. સૌ પ્રથમ બ્રહ્માજીની ઉત્પત્તિ કઈ રીતે થઈ એ તમને કહું છું. આ સૃષ્ટિ-રચના પહેલાં સમસ્ત વિશ્વ જળમાં ડૂબેલું હતું. તે સમયે એકમાત્ર શ્રી નારાયણદેવ શેષશય્યા પર પોતાની જ્ઞાનશક્તિને જાગૃત રાખીને યોગનિદ્રામાં પોઢેલા હતા. તેમનામાં કોઈ પણ ક્રિયા પ્રગટ થઈ નહોતી. શ્રી ભગવાને બધાં જ યોનિના પ્રાણીઓને પોતામાં સમાવી લીધાં હતાં અને ફરી સૃષ્ટિકાળ આવતાં બ્રહ્માંડના સર્જન માટે તેઓ પોતે જાગી શકે એ માટે કાળશક્તિને પોતામાં સતત જીવતી રાખી હતી. આમ પોતાના ચેતોવિસ્તારમાં આ કાળશક્તિને રાખીને એક હજાર ચતુર્યુગો સુધી જળમાં શયન કર્યા પછી જ્યારે કાળશક્તિએ એમને જગાડ્યાં તો ભગવાને પોતાના શરીરમાં લીન થયેલાં અનેક અનંતલોક જોયા. આ અંતર દર્શન પછી શ્રી ભગવાનને થયું કે હવે સૃષ્ટિ રચનાનો સમય આવી ગયો છે. આ જ કારણસર, શ્રી હરિની નાભિમાંથી સર્જન માટેનું સૂક્ષ્મ તત્વ સૃષ્ટિ-રચના નિમિત્તે તેમના નાભિ-પ્રદેશમાંથી બહાર નીકળ્યું. આમ વિષ્ણુ ભગવાનની નાભિમાંથી પ્રગટ થયેલું તે સૂક્ષ્મતત્વ કમળકોશ રૂપે ઉન્નત થયું અને તેણે પોતાના તેજથી અપાર જળરાશિને દેદિપ્યમાન કરી દીધો. દિવ્ય પ્રકાશથી સમસ્ત જળરાશિને ઝળહળ કરનારા, તે સર્વલોકમય કમળમાં ભગવાન વિષ્ણુ જ અંતર્યામીરૂપે પ્રવેશ્યા. ત્યારે તેમાંથી ભણાવ્યા વિના જ સ્વયં સંપૂર્ણ વેદોના જ્ઞાતા સાક્ષાત વેદમૂર્તિ શ્રી બ્રહ્માજી પ્રગટ થયા. આથી જ બ્રહ્માજીને સ્વયંભૂ કહેવામાં આવે છે.
તે સમયે કમળની ગાદી પર બેઠેલા બ્રહ્માજીને વિસ્ફારિત નજરે આકાશમાં ચારે દિશામાં જોતાં તેમને ચાર મુખ થઈ ગયા. તે સમયે પ્રલયકારી મોજાંઓથી ઉછળતા આ જળને ચારે તરફ જોઈને કમળ પર વિરાજેલા આદિદેવ બ્રહ્માજીને લોક-તત્વરૂપી કમળનું કશું જ રહસ્ય સમજાયું નહીં. તેઓ વિચારમાં પડ્યા; “આ કમળ કર્ણિકા પર બેઠેલો હું કોણ છું? આ કમળ આટલા પ્રચંડ પ્રલયકારી જળમાં કેવી રીતે પેદા થયું? આ કમળ શેના આધારે ટકી રહ્યું છે?” તેઓ આ સવાલોના જવાબો શોધવા કમળની નાળના સૂક્ષ્મ છિદ્રોમાં થઈને પાણીમાં ગયા અને નાળના આધારને શોધતા-શોધતા નાભિ-પ્રદેશની નજીક પહોંચ્યા પણ અપાર અંધકાર જ ચારે બાજુ મળ્યો. આમ પોતાના ઉદ્ભવસ્થાનને શોધતાં બ્રહ્માજીને ઘણો કાળ વિતી ગયો. (આ જ એ કાળચક્ર બન્યો કે જે પ્રાણીઓના આયુષ્યને નિયંત્રિત કરે છે.)
અંતે થાકી હારીને બ્રહ્માજી પાછા બહાર આવીને કમળ કર્ણિકા પર બેઠાં અને પોતે કોણ છે એ જાણવા ધીરેધીરે પોતાના ચિત્તને એમણે સંકલ્પશૂન્ય કર્યું અને સમાધિમાં લીન થઈ ગયા. આમ તપના સો દિવ્ય વર્ષો વિતી ગયા પછી બ્રહ્માજી એમની અંદર પોતાના અધિષ્ઠાનને જોઈ શક્યા. તેમણે જોયું કે પ્રલયકારી જળમાં શેષજીના કમળનાળ જેવા શ્વેત અને વિશાળ વિગ્રહની શય્યા પર પુરુષોત્તમ ભગવાન એકલા જ સૂતેલા છે. શેષજીની દસ હજાર ફેણાઓ છત્રની જેમ ફેલાયેલી છે. તેનામાં જડેલા મણિઓની કાંતિથી ચારે તરફનો અંધકાર દૂર થઈ ગયો છે. શ્રી ભગવાનના મુખ પર અદ્ભૂત તેજ અને શોભા છે. એમની હાજરીની લંબાઈ અને પહોળાઈ સર્વ લોકને પોતામાં સમાવી રહી છે. એમણે અનેક ભક્તોને પ્રભુના ચરણ કમળોના દર્શન કરતાં જોયાં અને એ પણ જોયું કે હરિ લોકોની પીડા હરનારા અને શીતળતા અર્પનારા સ્મિત સાથે બધાં ભક્તોનું અભિવાદન કરી રહ્યા છે. શ્રી ભગવાનનું આ અમાપ, વિરાટ, અનેક દિવ્ય શસ્ત્રધારી, આભૂષણોથી સુશોભિત રૂપ જોઈને બ્રહ્માજી ગદ્ગદ્ થઈ ગયા. બ્રહ્માજીને દિવ્ય સો વર્ષોના તપ થકી એટલું સંજ્ઞાન થઈ ચૂક્યું હતું કે એમનો ઉદ્ભવ વિશ્વ-રચના માટે જ થયો છે. પણ એ સમયે બ્રહ્માજીને નાભિ-સરોવરમાંથી પ્રગટેલું કમળ, જળ, આકાશ, વાયુ, અને નિજ-શરીર – આ જ કેવળ પાંચ વસ્તુઓ દેખાઈ. પોતે પોતાની ચેતનાના જન્મના કારણરૂપ વિશ્વ-સર્જનનું કામ કરી શકે એનું આત્મજ્ઞાન લાધવા વિશ્વ-રચના ઉત્સુક બ્રહ્માજી પછી શ્રી હરિમાં એક ચિત્ત થઈને પરમ પૂજ્ય પ્રભુની સ્તુતિમાં લીન થઈ ગયા.
શ્રીમદભાગવત મહાપુરાણનો ત્રીજા સ્કંધ અંતર્ગત, આઠમો અધ્યાય – “બ્રહ્માજીની ઉત્પત્તિ” સમાપ્ત થયો.
શ્રીમન્ નારાયણ, નારાયણ, નારાયણ. ભગવદ્ નારાયણ, નારાયણ, નારાયણ.
(વિકિપીડિયાના સૌજન્યથી નીચેની માહિતી મૂકી છે.
** કલ્પ – સૃષ્ટિની ઉત્પત્તિથી વિનાશ સુધીના સમયને એક બ્રહ્મદિન (કલ્પ) કહેવાય છે. કોઈ પણ બે મનુ વચ્ચેનો વખત; એક મનુની કારકિર્દીનો સમય; બ્રહ્માના એક દિવસનો એટલે કલ્પનો ચૌદમો ભાગ. એક કલ્પના ચૌદ મન્વન્તર ગણવામા આવે છે. દરેક મન્વન્તરમા ૭૧ ચતુર્યુગીનો સમાવેશ થાય છે. જે પૈકી હાલમાં સાતમા વૈવસ્વત મન્વંતરમાં અઠ્યાવીસમી ચતુર્યુગીનો કલિયુગ ચાલી રહ્યો છે. આ મુજબ અત્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થયાને ૧,૯૭,૨૯,૪૯,૧૧૭ વર્ષ થાય. કલ્પના ચૌદ મનુ માંહેના કોઈ પણ બે મનુ વચ્ચેનો વખત; એક મનુની કારકિર્દીનો સમય; બ્રહ્માના એક દિવસનો એટલે કલ્પનો ચૌદમો ભાગ. ચાર યુગ મળીને એક મહાયુગ એટલે ચોકડી થાય છે. તેને ચતુર્યુગી પણ કહે છે. તે કલિયુગથી દશગણી છે. કલિયુગ ૪,૩૨,૦૦૦ વર્ષનો છે, દ્વાપરયુગ ૮,૬૪,૦૦૦ વર્ષનો છે, ત્રેતાયુગ ૧૨,૯૬,૦૦૦ વર્ષનો છે, સતયુગ ૧૭,૨૮,૦૦૦ વર્ષનો છે અને તે ચારેનાં એટલે ૪૩,૨૦,૦૦૦ વર્ષનો એક મહાયુગ ગણાય છે. આવા ૭૧ મહાયુગનો એક મન્વંતર છે. તેનાં ૩૦,૬૭,૨૦,૦૦૦ માનુષ વર્ષો થાય છે. એવા ચૌદ મન્વંતરનો એક કલ્પ અથવા બ્રહ્માનો દહાડો થાય છે. મન્વંતર હમેશા છ વસ્તુઓથી પૂર્ણ કહેવાય છે. જેવી કે, મનુ, દેવો, મનુના પુત્રો, ઇંદ્ર, સપ્તર્ષિઓ અને ભગવાનનો અવતાર. આ છ વસ્તુઓથી સ્વાયંભુવ મનુનો મન્વંતર પણ પૂર્ણ હતો. તે સમયમાં સ્વાયંભુવ પોતે મનુ હતા, તુષિત નામે દેવો હતા, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામના પુત્રો હતા, યજ્ઞ ભગવાન પોતે ઇંદ્ર હતા, મરીચિ વગેરે સપ્તર્ષિઓ હતા અને યજ્ઞ ભગવાન પોતે ભગવાનના અવતારરૂપ હતા.)
(યુગ – હિંદુ ધર્મ પ્રમાણે, યુગ એ સમયનું એક માપ છે. યુગ ચાર છે – સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ – જે દરેક તેના પછીના યુગ કરતા ૧/૪ ભાગનો સમય, ૪:૩:૨:૧ પ્રમાણમાં ધરાવે છે. આ ચારેય યુગ મળીને એક મહાયુગ ચક્ર પૂર્ણ કરે છે.)
શ્રીમદ્ ભાગવત કથા ~ સ્કંધ ત્રીજો ~ અધ્યાય આઠમો નો સુ શ્રી જયશ્રી વિનુ મરચંટ દ્વારા સરળ ભાષામા રજુ કર્યુ