સંતોષ (વાર્તા) ~ નીલા સંઘવી

બપોરનો સમય એટલે સીમા માટે આરામનો સમય. સંજય સવારે અગિયાર વાગ્યે ટિફિન લઈને નીકળે અને આર્યન જમીને બાર વાગે કોલેજ જવા નીકળે. બંને જાય પછી બાઇ આવે એની પાસે કામ કરાવીને લગભગ બે વાગે સીમા ફ્રી થઈ જાય પછી થોડીવાર આડી પડે..અને એકાદ ઝોકું ખાઈ લેે. બપોરના સાડા ત્રણે પોતાની મ્યુઝિક સ્કૂલમાં જાય તે રાત્રે આઠ વાગ્યે પાછી આવે. સાંજની કૂક આવીને રસોઈ કરી જતી. આર્યન કોલેજથી ઘેર આવ્યા પછી ક્લાસમાં જતો. સાંજે આઠની આજુબાજુ સીમા, સંજય અને આર્યન ઘરે પહોંચતા. આ લોકોનો રોજનો આ ક્રમ હતો.         

રોજની જેમ બપોરના સીમા  હમણાં જ આડી પડી હતી.આંખ જરા મળી જ હતી કે મોબાઈલની ટ્રીન..ટ્રીન રણકી. સરસ ઊંઘ આવવાની હતી જ ત્યાં  મોબાઈલ રણક્યો. એટલે સીમાને ગમ્યું નહીં. પણ મોબાઈલના સ્ક્રીન પર ઝબુકતું નામ વાંચ્યું- યામિની. એટલે ફટાકથી ઊભી થઈ ગઈ. યામિની એની કોલેજની બહેનપણી. કેટલા સમય પછી યામિનીનો ફોન આવ્યો.

તેણે ફોન ઉપાડ્યો, “હાય, યામિની વોટ અ સરપ્રાઈઝ! ક્યાં હતી આટલો વખત? તારો અવાજ જ સાંભળવા મળતો નહોતો. દર્શન તો દુર્લભ છે તારા. બોલ કેમ છે?” 
” ધીરે-ધીરે યાર તારું સા…રે…ગા…મા.. તો ચાલુ થઈ જ જાય. એ મ્યુઝિક સ્કૂલના પ્રિન્સિપાલ જરા ધીરી પડ ધીરી.”   
” યામી, સ્કુલ કે કોલેજના ફ્રેન્ડ્સ મળે ને ત્યારે હું એકદમ ભાવુક થઈ જાઉં છું. “સીમા ચેહકી રહી હતી.  થોડા સમય પહેલા ફોનની રિંગ વાગી ત્યારે કંટાળાથી ફોનની સામે જોઈ રહેલી સીમાની ખુશીનો અત્યારે પાર ન હતો. 
“સિમી, મારી દીકરી રીચાને ડિલિવરી આવવાની હતી એટલે ઓસ્ટ્રેલિયા ગઈ હતી. ડિલિવરી પછી ત્રણ મહિના રહીને ગઈકાલે જ આવી, અને આજે તને ફોન કર્યો.”    
“ઓહ, વાહ શું આવ્યુ? બેબી ગર્લ  કે બેબી બોય?” સીમાએ પૂછ્યું.     
“અરે sweet baby girl છે. એવી મીઠડી  છે ને…” યામિની ખુશ થતા બોલી.  
“કેવી ખરાબ છે તું યામી. આવા ગુડ ન્યુઝ આપવામાં આટલુ મોડું કર્યું. હવે એટલિસ્ટ સ્વીટીનો ફોટો તો મોકલ.”         
“હા આપણી વાત થઈ જાય એટલે whats-app પર ફોટો મોકલું છું. બોલ શું છે તારા ખબર?” 
” મારા ખબરમાં તો ખાસ કાંઈ નથી રૂટિન ચાલે છે. મારો વર, મારું ઘર, મારો દીકરો અને મારી મ્યુઝિક સ્કૂલ. આર્યન ટવેલથમાં છે એટલે એના ખાવા-પીવાનું અને ભણાવવાનું વધારે ધ્યાન રાખવું પડે છે.     
” તે અલી શું તું આર્યનને ભણાવે પણ છે?”         
“અરે યાર ના, ભણાવવાનું એટલે એના ક્લાસીસમાં મોકલવાનું  વગેરે ધ્યાન રાખવું પડે છે એમ કહેવા માંગતી હતી”       
“તો ઠીક, મને થયું મ્યુઝિક તું  કોઈને પણ ભણાવી શકે પણ બારમા ધોરણનો અભ્યાસ ક્રમ તો ના જ ભણાવી શકે”         
“એ યામિ પ્રિન્સિપાલને આવું કહેવાય?”           
“ના મારા મ્યુઝિક સ્કૂલના પ્રિન્સિપાલ ને થોડું એવું કહી શકાય?”       
“ચાલ, હવે મશ્કરી છોડ અને ઓસ્ટ્રેલિયામાં મજા આવી કે નહીં તે જણાવ.”       
“હા, ઓસ્ટ્રેલિયામાં મજા આવી પણ વધુ સમય તો દીકરી અને દોહિત્રીને સંભાળવામાં જ ગયો. અરે, હા સારું યાદ અપાવ્યુ નહીં તો ખાસ વાત કરવાની ભૂલી જ જાત.”         
“શું છે ખાસ વાત?” સીમાએ આતુરતાથી પૂછ્યું        
“અરે, તને યાદ છે આપણી કોલેજમાં પેલો આશિષ ભણતો હતો… આપણા જ ક્લાસમાં હતો.”     
“કોણ આશિષ ભટ્ટ?”       
“હા, મારા ખ્યાલથી ભટ્ટ સરનેમ જ હતી.”     
“હા, તે એનું શું છે? સીમાએ પૂછ્યું.         
“અરે આશિષ મળી ગયો ઓસ્ટ્રેલિયામાં”       
“ત્યાં શું કરે છે એ? જોબ? સીમાએ પૂછ્યું.     
“ના, ના આશિષ  તો સાધુ મહાત્મા બની ગયો છે. એનું નામ છે સ્વામી શ્રીઆશિષાનંદજી.” યામિનીએ કહ્યું.       
“શું વાત કરે છે?”સીમાએ આશ્ચર્ય દાખવ્યું.       
“હા, સાચું કહું છું એના તો ત્યાં પ્રવચનો ગોઠવાય છે અને બહુ બધા ઇન્ડિયન્સ તેના ફોલોઅર્સ છે. બહુ તપ કર્યું છે. આધ્યાત્મિક પ્રવચન આપે છે. શું એની વાણી છે !આહા સાંભળ્યા જ કરો”     
“તો આટલા વર્ષ પછી આશિષને તું સાધુના વેશમાં પણ ઓળખી ગઈ?” સીમાએ નવાઈ પામતા પૂછ્યું.     
“ખરું કહું તો હું એને ઓળખી શકી ન હતી. દીકરીની પડોશમાં રહેતા પટેલ આન્ટીએ મને આગ્રહ કર્યો કે, “તમે આવો, સ્વામી આશિષાનંદજી ને સાંભળવા. બહુ સરસ બોલે છે. આપણા ભારતીયો એમને સાંભળવા દૂર દૂરથી આવે છે.” એટલે હું તો પટેલ આંટી સાથે ગઈ. સાચું કહું તો આશિષને હું જરાય ઓળખી શકી ન હતી. હા એની વાણી, એનું ગીતા પરનું પ્રવચન મને ગમ્યું. ભગવા વસ્ત્રો, તેજસ્વી આંખો, વિશાળ લલાટ, મોટી દાઢી. આવા વેશમાં હું એને ક્યાંથી ઓળખું?
“જો કે સાવ સામાન્ય વેશમાં પણ આટલા બધાં વર્ષો પછી ન જ ઓળખી શકી હોત.” યામિનીને અધવચ્ચે જ અટકાવીને સીમાએ પૂછયું,”તો પછી તને ખબર કેવી રીતે પડી કે એ આશિષ ભટ્ટ છે?”      

“એ જ વાત કરું છું યાર તું તો બહુ ઉતાવળી.”       
“વાત જ એવી છે કે ક્યુરિયોસિટી વધતી જાય છે. ચલ જલદી બોલ.”      
“પ્રવચન પૂરું થયા પછી બધા સ્વામીજીને વંદન કરવા જતા હતા એટલે હું પણ પટેલ આંટી સાથે ગઈ. બે હાથ જોડીને પ્રણામ કર્યા એટલે સ્વામીજીએ કહ્યું,”બહેન, થોડીવાર ઊભા રહેશો? મારે તમારી સાથે વાત કરવી છે.
“મને નવાઈ લાગી. પણ હું ને પટેલ આંટી સાઈડમાં ઊભા રહ્યા. બધા ભક્તો જતા રહ્યા એટલે સ્વામીજીએ અમને બોલાવ્યા અને તેમની સામે બેસાડ્યા. પ્રસાદ આપ્યો પછી મને પૂછ્યું,” યામિનીબેન મને ઓળખ્યો કે નહીં?”     

“હું આપને ક્યાંથી ઓળખું, હું  તો આજે પહેલી જ વાર આપને મળી છું. અને આપને મારું નામ કેવી રીતે ખબર પડી?” મેં  સ્વામીજીને પૂછ્યું.   
“જેવી રીતે હું તમને ઓળખું છું, તમે પણ મને ઓળખો છો. આપણે કોલેજમાં સાથે જ ભણતા હતા. હું આશિષ ભટ્ટ. ક્લાસમાં બહુ તોફાન કરતો હતો.”       
“હા, હા થોડુંક યાદ આવે છે.” મેં કહ્યું હતું.   
“મને તો બધું યાદ છે.  તમારી બહેનપણી હતા સીમાજી. તેમનો ફોટો તાજેતરમાં અખબારમાં જોયો હતો. તેઓ કંઈક મ્યુઝિક સ્કૂલ ચલાવે છે. તેમની સ્કૂલને બેસ્ટ મ્યુઝિક સ્કૂલનો એવોર્ડ મળેલો એ સંદર્ભમાં તેમનો ઇન્ટરવ્યુ પણ હતો. તેમનો ફોટો જોઈને ઓળખી ગયેલો. આજે તમને જોયા તો થયું લાવ જૂની વાતો યાદ કરી લઉં. આમ તો સાધુ માટે સાંસારિક જીવનની વાતો કરવી યોગ્ય ન ગણાય પણ કોલેજના મિત્રોને જોઈને ક્યારેક વાત કરવી ગમે છે.”       
“ઓહ સ્વામીજી, આપ મારા ક્લાસમેટ હતાં એ જાણીને આનંદ થયો”     
“તો યામિનીબેન. મને સીમાજીનો નંબર આપશો? એકાદ મહિના પછી ઇન્ડિયા આવવાનો છું. ત્યારે તેમને મળવાનું અને અભિનંદન આપવાનું પણ મને ગમશે.” અને મેં એમને તારો નંબર આપ્યો છે.     
“ઓહ ગોડ! એ આશિષ ભટ્ટ સ્વામી આશિષાનંદ બની ગયો છે?”       
“હા યાર! ઓસ્ટ્રેલિયામાં એનો મોટો આશ્રમ છે.”     
“અને પાછો એ આપણને બંનેને ઓળખે છે.”     
“યાર ‘તું’ ‘તા’ ના કર હવે, તેઓ મોટા સ્વામીજી છે.”     
“ઠીક છે. સ્વામીજી આવશે ત્યારે મળી લઈશું.”   
“તું ક્યારે મળવા આવે છે એ તો જણાવ.”     
“આવતા અઠવાડિયે ગોઠવીએ.”     
“ઓકે બાય. ફોન કરજે આવતા પહેલા.” સીમાએ કહ્યું.
“સ્યોર, બાય” કહીને યામિનીએ ફોન કટ કર્યો. 

પછીના અઠવાડિયે સીમા અને યામિની મળ્યા. કોલેજની અને સ્વામીજીની વાતો કરી અને પછી પોતાના રૂટિનમાં ગોઠવાઈ ગયા. સ્વામીજીને તો ભૂલી પણ ગયા હતા. પણ લગભગ ત્રણેક મહિના બાદ એક દિવસ સવારે ફોનની રીંગ વાગી. સીમાએ ફોન ઉપાડ્યો, “હલ્લો”   
“હલ્લો, સીમાજી. સ્વામી આશિષાનંદજી  બોલું છું. યામિનીબેને  મારા વિશે વાત કરી હશે આપને.”     
“હા, જી. હા જી. સ્વામીજી પ્રણામ.”   
“પ્રણામ આપ ખુબ સરસ કાર્ય કરો છો. સંગીત પણ એક સાધના છે. મને રૂબરૂ મળીને આપને અભિનંદન આપવાની ઇચ્છા છે, જો આપને અનુકુળતા હોય તો.”     
“મોસ્ટ વેલકમ. આપને ક્યારે આવવાનું ફાવશે? કહો તો આપને લેવા માટે ગાડી મોકલું.”સીમાએ વિવેક કર્યો.   
“ના, એ બધી વ્યવસ્થા મારા અહીંના ભક્તોએ કરી છે. તમે મને ફક્ત એડ્રેસ whatsapp કરી દેજો. મને આવતીકાલે ત્રણ વાગ્યે ફાવશે. આપને અનુકૂળ છે?” સ્વામીજીએ પૂછ્યું.     
“હા, હા પધારો. આપની રાહ જોઇશ.”     
સીમાએ પોતાના પતિ સંજયને આશિષ વિશે બધી વાત કરી હતી. રાત્રે તેણે સંજયને જણાવ્યું કે સ્વામીજી કાલે ઘરે આવવાના છે. સંજયને કાંઈ સ્વામીજી કે અધ્યાત્મમાં રસ નહિ. તેથી તેને કહી દીધું, “સીમા  તેમના આશ્રમ માટે ડોનેશન આપવાનું હોય તો ચેક આપી દેજે.”
સીમાએ ડોકું ધુણાવ્યું. તેણે સવારથી જલદી  કામ આટોપવા માંડ્યું. બદામ, પિસ્તા અને કેસરવાળું દૂધ બનાવી એક પ્લેટમાં થોડા ડ્રાય ફ્રુટ અને ફ્રુટસ રાખ્યા. બરાબર ત્રણને ટકોરે સ્વામીજી પધાર્યા. સીમાએ સ્વામીજીને આવકાર આપીને પ્રણામ કર્યા.  સ્વામીજીએ સોફા ઉપર આસન ગ્રહણ કર્યું. પછી સીમા સામે જોઇને પૂછ્યું, “ઓળખાણ પડે છે?” 
” યામિનીએ વાત કરી હતી એટલે ખબર છે. બાકી આમ ને આમ આપ મળ્યા હોત તો હું ના ઓળખી શકી હોત.” સીમાએ સ્વામીજીને દૂધ, ફ્રુટ ધર્યા.     
” આપ સંગીત સ્કૂલના પ્રિન્સિપાલ છો અને ખુબ સારું કામ કરો છો. બાળકોને સંગીતની સાધના કરાવો છો.” સ્વામીજીએ કહ્યું.  “અમે તો સંસારી. સાચી સાધના તો આપની.” સીમાએ  કહ્યું.       
“સીમાજી, આપ હજુ એવા ને એવા જ લાગો છો”                 
“આભાર સ્વામીજી”.       
” જુઓ સીમાજી મારે તમારી સાથે બહુ જ અંગત વાત કરવી છે. એક સાધુ સન્યાસી આવી વાત કરે એ ઠીક ન લાગે પણ મજબુરી છે. વાત એમ છે કે કોલેજમાં આપણે સાથે ભણતા હતા ત્યારે તમે મને બહુ જ ગમતા હતા. તમે મારા સપનામાં પણ આવતા, પણ હું તમને ક્યારેય કહેવાની હિંમત ન કરી શક્યો. તમારી પાછળ પાગલ હતો. તમારી સાથે લગ્ન કરવાના સપના જોતો હતો. ઘરે બેસીને તમારા પર કેટલાય પત્રો લખ્યા પણ ક્યારેય કહી ન શક્યો. કાયર હતો હું. મને રિજેક્શનનો ડર હતો. એમ ને એમ કોલેજ પૂર્ણ થઇ અને આપણે બધા છૂટા પડી ગયા.

મારો રાહ પણ બદલાઈ ગયો. એક સ્વામીજી મને મળ્યા. એમનો હું  શિષ્ય બની ગયો. એમણે મને બહુ જ્ઞાન આપ્યું. મેં બહુ  આકરી સાધના કરી. વેદ, ઉપનિષદો, પુરાણોનો અભ્યાસ કર્યો. પ્રવચન આપવા શરૂ કર્યા. નામના વધતી ગઈ. અમેરિકા, જર્મની, ફ્રાન્સ બધી જગ્યાએ મારા લેક્ચર્સ થવા લાગ્યા. છેલ્લે ઓસ્ટ્રેલિયામાં આશ્રમ બનાવ્યો. મારા લાખો ફોલોઅર્સ છે. ખરેખર મારું મન સંસારમાં નથી, પણ ફક્ત એક જગ્યાએ અટકેલું છે-તમારામાં.આટલું બધું કર્યું…સાધના, અભ્યાસ પણ દરેક ક્ષણે તમે યાદ આવતા રહ્યા છો. તમારા સમાચાર વર્તમાનપત્રો દ્વારા જાણતો રહ્યો. બધી સમજ છે છતાં તમારો મોહ છૂટી શકતો નથી.

એવામાં તે દિવસે યામિનીબેન મળી ગયા. અને તમને મળવાનું નક્કી થયું. જુઓ સાધુ છું એટલે સીધેસીધું તમને કહી દઉં છું કે મારો મોક્ષ નિશ્ચિત છે અને નજીક જ છે. પણ તેમાં એક જ નડતર છે અને એ નડતર છે મારી ઈચ્છા. એકવાર તમારી સાથે સહશયન કરવાની. કૉલેજના સમયથી એ મારી ઝંખના હતી જે આજે મારી સાધનામાં બાધારૂપ બની ગઈ છે. મારો મોક્ષ અટકેલો છે.  સીમાજી, તમે મને મારી સાધનામાં સફળ થવામાં મારા મોક્ષના માર્ગને મોકળો કરવા માં મદદ કરશો?”     

સીમા તો સ્વામીજીની વાત સાંભળીને ધ્રુજી ગઈ. કેવી વાત કરે છે આ માણસ. સાલા બધા સ્વામી, બાપુ, ગુરુ, પંડિતો અંતે તો આવા ને આવા જ. સ્વામીજી સમજતા હતા કે સીમાના પ્રત્યાઘાત આવા જ હોય. એટલે તેમને હાથ જોડ્યા, “સીમાજી આપને આજીજી કરું છું. મને આપના મોહપાશથી મુક્ત કરવાનો એક જ ઉપાય સૂઝે છે. એકવાર એકવાર જો આપને મેળવી લઉં તો મારો મોક્ષ નજીકમાં જ છે. ત્યાર બાદ ક્યારેય આપણે મોઢું નહિ દેખાડું. પ્લીઝ આટલી મદદ મને કરો. મારી વાતથી આપને ગુસ્સો આવતો હશે તે હુ જાણું છું . પણ મારી વાત સમજો. આજનો દિવસ વિચાર કરી લો. કાલે હું આ જ સમયે આવીશ. તમે મને મદદ કરવા ઇચ્છતા હશો તો આભારી થઈશ. નહીં તો તમને પ્રણામ કરીને ચાલ્યો જઈશ.” કહીને સ્વામીજી સીમાના ઘરની બહાર નીકળી ગયા. સીમા જડવત  ઊભી રહી.       

સાંજે સંજયે પૂછ્યું સ્વામીજી વિશે. સીમાએ કહ્યું, “કોલેજની વાતો કરી. એમની સાધના વિશે જણાવ્યું.” કોણ જાણે કેમ પણ સીમાએ સ્વામીજીએ કરેલ સહશયનની  માગણી વિશે સંજયને કાંઈ ન કહ્યું. તેણે કહ્યું,” કાલે ફરીથી આવશે, ડોનેશનનો ચેક લેવા.”  

રાતના સૂતા પહેલા સીમાએ ગુગલ પર સ્વામીજી વિશે સર્ચ કરી. તેમના નામ પર ક્યાંય ધબ્બો ન હતો. ખૂબ સારી રિમાર્ક હતી. ક્યારેય કોઈ સ્ત્રી સાથે દુષ્કર્મ કર્યું હોય તેવા સમાચાર ન હતા. ક્લીન ઈમેજ હતી. તે વિચારી રહી – તો શું ખરેખર તેમની સાધનામાં હું બાધારૂપ છું. તો શું મારે એમને મુક્ત કરી દેવા જોઈએ? વિચારતા વિચારતા તે નિંદ્રાધીન થઇ.       

બીજે દિવસે નિયત સમયે સ્વામીજી આવ્યા બેઠા. સીમા પણ સામે બેઠી પણ કંઈ બોલી નહીં. સ્વામીજીએ પૂછ્યું કે, “સીમાજી પ્લીઝ કરશો મને મદદ?”       

સીમા ઊભી થઇ અને બેડરૂમ તરફ વળી. સ્વામીજી તેની પાછળ ગયા. બેડરૂમનો દરવાજો બંધ કર્યો અને પછી વર્ષોથી જે શરીરને સપનામાં જોયું હતુ, જે શરીર હરવખતે સાધનામાં બાધારૂપ બનતું હતું તેને પોતાના મૃદુ સ્પર્શ વડે પંપાળ્યું. લાવ્યું સહેલાવ્યુંઅને વર્ષોની મનમાં ધરબાયેલી પ્યાસ બુઝાવી. સીમા પણ આંખ બંધ કરીને સ્વામીજીના વહાલ અને સ્પર્શને, ઉષ્માને માણી રહી.

સમાગમ પછી સ્વામીજી ઊભા થયા, વસ્ત્રો ધારણ કર્યા. સીમાએ પણ વસ્ત્રો પહેર્યા એટલે સ્વામીજી સીમાના ચરણોમાં ઢળી પડ્યા અને બોલ્યા, “આપ મારા માટે ભગવાનથી કમ નથી. આજે તમે મને સંસારના મોહમાંથી પૂર્ણપણે મુક્ત કર્યો છે.”

પછી પાછળ નજર પણ કર્યા વિના સ્વામીજી સીમાના ઘરેથી સડસડાટ બહાર નીકળી ગયા. સીમા પણ તૈયાર થઈને મ્યુઝિક સ્કૂલ જવા નીકળી. એના ચહેરા પર સંતોષની રેખા અંકાઈ ગઇ હતી. આ સંતોષની રેખા શેના માટે હતી? સ્વામીજીને મોક્ષનો માર્ગ મોકળો કરી આપ્યો તેની કે પછી છેલ્લા દસ વર્ષથી કોરીકટ રહેલી કાયા સંતોષાઇ તેની?

***

આપનો પ્રતિભાવ આપો..

4 Comments

  1. સુ શ્રી નીલા સંઘવીની ‘સંતોષ’ ગુઢ મનોવિજ્ઞાન વાર્તા
    મનોવિજ્ઞાનના અભ્યાસમાં જ્ઞાન, લાગણી અને પ્રવૃતિનો સમાવેશ થાય છે. આ ત્રણેય બાબતો મનની ક્રિયા છે. ભૌતિકવાદીઓ પ્રમાણે મન એ મગજની એક પ્રવૃતિ છે, અનુભવવાદીઓ મનને ચેતનાનો સમૂહ ગણે છે. અને બુધ્ધિવાદીઓ મનને માનિસક શકિતઓ, ક્રિયાઓ અને મનોવ્યપારનો સમૂહ માને છે. ભારતીય તત્ત્વજ્ઞોએ સુષુપ્તિ, સ્વપ્ન, જાગૃતિ અને તુર્ય એમ ચાર અવસ્થાઓનું અસ્તિત્વ સ્વીકાયું છે અને બહુ લાંબા સમય પછી ફ્રોઈડ, યુંગ અને બીજા મનોવૈજ્ઞાનિકોએ આ ખ્યાલ સ્વીકાર્યો છે. આ લોકોના મતે બોધ સ્તરની તુલનામાં અબોધ સ્તર વિશાળ, ઊંડુ અને અગાધ છે. આ અબોધ મનમાં મૂળ વૃતિઓ, સામાજીક જરૂરતો, આવેગો, વર્તન પાછળની કામના, વિનાશવૃતિ વગેરે રહેલા હોય છે. આ તમામ બાબતો થકી સાહિત્યકારો, કવિઓ, લેખકો, સર્જકો પોતાની સર્જનાત્મકતા સમાજમાં રજૂ કરતા હોય છે. મનોવિજ્ઞાનની ભાષામાં આ વર્તનનો એક પ્રકાર જ છે.આમા-પરિવર્ત્યો વચ્ચેના સંબંધોને સમજાવતી કલ્પનાને પુરાવાઓનો ટેકો મળતો હોય તો તે કલ્પનાને સિધ્ધાંતનો દરજજો મળે છે.
    દર્દી કોઈની પ્રત્યે જે માન, પ્રેમ, ધિક્કાર કે વિરોધની લાગણીઓ અનુભવતો હતો તે ભાવગ્રંથિઓની અભિવ્યકિત સાહિત્યમાં વિવિધ કથાઓ કે પાત્રોમાં સંક્રમિત થતી. આપણે જોઈ શકીએ છીએ જેનો ઉકેલ મનોવિશ્લેષણમાં ઉપચાર દરમ્યાન લાવવામાં આવે છે આ રીતે આ વાર્તામા સમજવા પ્રયત્ન કર્યો.
    ધન્યવાદ