બે કાંઠાની અધવચ (નવલકથા) પ્રકરણ: ૩૮ ~ પ્રીતિ સેનગુપ્તા

કેતકીનું દિલ પથ્થર થઈ ગયું હતું? અને આંખો દુકાળની ધરતી થઈ ગઈ હતી?

સુનીતા અને મહેશે કેતકીને ઘણી સમજાવી.

ભાભી, માણસ ગાંડો થઈ જશે. આમ ઘરમાંથી એને કાઢી ના મૂકો.

આપણે એવી વ્યવસ્થા કરીશું, કે એ બહારથી જ એમના રૂમમાં જતા રહે. કદિ ઘરની અંદર આવી જ ના શકે. એક બારણું બહાર તરફ કરાવી દઈશું. તમને ખબર જ નહીં પડે, કે કોઈ છે ત્યાં.

કેતકી સાંભળતી રહી. કોઈ જવાબ નહીં, સામે કોઈ દલીલ નહીં.

બાપ્સ અને માઇ વાત સાંભળીને બહુ દુઃખી થયાં.

તુકી બેટા, આવું પગલું ના ભરાય. એક માણસની જીંદગીનો નાશ ના કરાય આપણાંથી, માઇ બોલ્યાં. સુજીતકુમારનો વાંક થયો છે, એ બરાબર, પણ માફ કરી જ ના શકાય એવો ગુનો નથી થયો.

બાપ્સે સમજાવવા પ્રયત્ન કર્યો, તુકી, એ ઘર છોડી જાય એવું તું ઇચ્છતી હોઈશ, તો એ ઘર છોડી દેશે. પણ એમને થોડો સમય આપ. એમનો આઘાત શમવા દે, એમને થોડો વિચાર કરવા દે, કોઈ ઉપાય એ વિચારે, પછી જરૂર છોડાવી દઈશું ઘર, એમની પાસે.

દેવકી કહેતી ગઈ, તુકી, તુકી, મારી બહેન, બાપ્સ કહે છે એમ, તું થોડા વખત માટે તો દયા કર એમના પર.

કેતકી સાંભળતી રહી. કોઈ જવાબ નહીં, સામે કોઈ દલીલ નહીં.

બધાં જરાક વાર ચૂપ રહ્યાં, એટલે એણે સપાટ, ભાવહીન સ્વરે કહ્યું, દેવકી, બે રાત તારે ત્યાં રહું તો ફાવશે?

બપોર પછી, મહેશ સુજીતને પરાણે પોતાને ત્યાં લઈ ગયો હતો. એને એમ, કે સુનીતાને નહીં ગમે, પણ સુનીતાએ જાતે જ કહ્યું, સુજીતભાઈ, અહીં જ રહેજો થોડા દિવસ.

સુજીતને ઘરની બહાર નીકળવું નહતું. કેતકીને આવવા દો, એ હમણાં આવશે, હું એને પગે પડીશ, માફી માગીશ, એને સમજાવીશ, વિનંતી કરીશ, એ માની જશે, એ દયા જરૂર કરશે મારા પર. પાછું એ લવારા જેવું બોલવા માંડ્યો હતો.

એક વાર અંજલિને જોઈ લઉં, એને વહાલ કરી લઉં, એ હમણાં આવશે સ્કૂલેથી, ઘર ખાલી જોઈને ગભરાશે, હું રાહ જોઉં છું એની, એક વાર એ હસે મારી સામે, એક વાર બાથમાં લઈ લઉં હું એને.

બે-ત્રણ કલાકોની અંદર, એ સાવ ભાંગી ગયેલા માણસ જેવો, ચિત્તભ્રમ થયો હોય તેવા માણસ જેવો, થઈ ગયો હતો. મહેશે ઘણી અનુકંપાથી, એને બહાર લઈ જઈને પોતાની ગાડીમાં બેસાડ્યો. સાથે બેએક જોડી કપડાં લીધાં, બાકીનું પછી લેવાશે. એ માટે તો કેતકી ઘરમાં દાખલ થવાની છૂટ જરૂર આપશે. 

એ બે દિવસ કોણે કઈ રીતે પસાર કર્યા, તે કઈ રીતે કહી શકાય?

સુજીતનું શું થયું, એ ક્યાં ગયો, તેની કોઈ જાણ કેતકીએ મેળવી નહીં. કાયદાનો એક કાગળ મોજુદ હતો. એનાથી વધારે કશો સહારો કેતકીને જરૂરનો નહતો. એણે મહેશને પણ ફોન કર્યો નહીં.

દેવકીને ત્યાંથી સીધી એ અંજલિને લેવા સ્કૂલે જાય તે પહેલાં, એ બાપ્સને અને માઇને ભેટી, અને કહ્યું, કે તમે ચિંતા ના કરતાં, જીવ ના બાળતાં, ફરી મળવા આવીશ ત્યારે દિલ ખોલીશ તમારી પાસે.

અંજલિએ ચાર દિવસ મિત્રો સાથે બહુ મઝા કરેલી. આઇ, શું હિસ્ટરી છે અમેરિકાની, નહીં? બહુ જોવા જેવું છે અહીં, હોં.

કેતકી જાણતી હતી, કે અંજલિને કહેવું તો પડવાનું જ, કે પાપા કેમ હવે બિલકુલ ઘેર દેખાતા જ નથી.

એ પણ, દોઢેક વર્ષમાં તો, ઍડલ્ટ થવાની. અહીંનો સમાજ જ એ રીતનો છે, કે આ ઉંમરે છોકરાં બધું સમજતાં થઈ જતાં હોય છે.

છતાં, ઘેર પહોંચીને, વિચારી રાખેલું એ પ્રમાણે, કેતકીએ એને એટલું જ કહ્યું, કે પાપાનું કામ ન્યૂયૉર્કમાં ઘણું વધી ગયું છે, એટલે એ હમણાં એ તરફ રહેવા જવાના છે. 

ને સદ્ભાગ્યે, અંજલિ હજી ટ્રીપના અનુભવોના ઉત્સાહમાં નિરાંતે તરતી હતી, અને સામે કશા પ્રશ્નો કર્યા નહીં.

સચિનને પણ કહેવું જોઈએ ને. એને તો આટલા વખતના પ્રોટેક્શન-ઑર્ડરની પણ જાણ નહતી. એ ક્યાં ઘેર આવ્યો જ છે આ દરમ્યાન.

સચિનની આવી બેપરવાઇથી કેતકી ખૂબ દુઃખ પામી હતી. એનું મન વારંવાર આળું થઈ જતું હતું. મળવાનું તો ક્યારેય થાય, એ પહેલાં સચિનને જણાવવા એણે ફોન કર્યો.

ઓહો, કેમ છે, આઇ? તમે બધાં મઝામાં?

હા, બાબા, તું કેમ છે?

બસ, એ જ. નોકરી અને ભણવાનું. પણ હું આ વર્ષે તમને બધાંને મળવા આવવાનો છું, હોં. ગમે તે રીતે થોડો ટાઇમ તો કાઢીશ જ તમારે માટે.

પોતાનો દીકરો હતો, નહીં તો એણે સાંભળ્યું હોત કેતકી પાસેથી.

શું કરવું તો? એ ઘેર આવે ત્યારે જ  ભલે જાણવા પામતો, ત્યારે? કે પછી હમણાં કહી જ દઉં?

ચાલુ ફોને કશા નિર્ણય પર આવે તે પહેલાં સચિને કહ્યું, આપણે વાત કરી લઈએ પછી જરા પાપાને આપજે ને.

હવે નિર્ણય લેવાઈ ગયો. કેતકીએ સ્થિર અવાજે કહ્યું, પાપા હમણાં ન્યૂયૉર્ક તરફ રહેવા ગયા છે. ત્યાં કામ ઘણું વધી ગયું છે.

શું? કેવી ઠંડકથી બોલે છે તું? એવું કઈ રીતે થાય? ઘર છોડીને—? કામ વધી ગયું હોય, તો બે દિવસ હોટેલમાં રહી શકે. જુદી જગ્યા તો ભાડે ના લઈ લેવાય ને.

સચિનનો અવાજ મોટો થઈ ગયેલો. વાત શું છે આખી?

કેતકી એ જ સ્થિરતાથી બોલી, તું અહીં અમને બધાંને મળવા આવે ત્યારે, એટલો ટાઇમ લઈને આવજે, અને પૂછી લેજે પાપાને.

ચાલ ત્યારે, સચિન, હમણાં મૂકું છું, કેતકીએ કહ્યું, અને ફોન છોડી દીધો.

પૂરેપૂરી વિગતની જાણ નહીં થઈ હોય તોયે, ધીરે ધીરે, લોકોને ખ્યાલ આવવા માંડ્યો હતો, કે સુજીત હવે કુટુંબના ઘરમાં નથી રહેતો. કાર્લોસ તો વચ્ચે વચ્ચે ફોન કરતો, તેથી એને થોડો ખ્યાલ આવ્યો. એ રીતે, બીજા કેટલાક કલિગ જાણવા પામ્યા હશે.

ને એક વાર, વિશનો પણ ફોન આવ્યો. બૉસ મઝામાં છેને? વાત થઈ શકશે?

શક્ય છે, કે વિશના ધ્યાન પર વાત ગઈ હોય, પણ કેતકીએ સ્વસ્થપણે એટલું જ કહ્યું, કે હમણાં બહાર છે, પણ હું કહીશ, કે તમારો ફોન આવ્યો હતો.

બાકી તમે કેમ છો? નંદાના શું ખબર છે? એને કહેજો, કોઈ વાર ફોન કરે મને.

બસ તો? આવજો, કહીને કેતકીએ ફોન મૂકી દીધો.

કેતકીની ગેરહાજરીમાં, પણ નક્કી કર્યા પ્રમાણે, મહેશ સુજીતને લઈને એક બપોરે આવ્યો હતો, અને સુજીતનાં કપડાં અને બીજી વસ્તુઓ, ત્રણેક મોટા બૉક્સમાં ભરીને બંને લઈ ગયા હતા.

ક્યાં લઈ ગયા, તે વિષે કેતકીએ પૂછ્યું નહીં.

અમુક વખત પછી મહેશે કહેલું, કે એને પણ ખબર નથી સુજીત ક્યાં રહેવા ગયો છે તેની.

હવે કેતકીએ ઘરને પદ્ધતિસર સાફ કરવા માંડ્યું. હજી કેટલીયે વસ્તુઓ હતી, કે જે એને માટે નકામી હતી.

બાથરૂમમાંનો સુજીતનો સામાન, રસોડામાંથી એને જ માટે લવાયેલાં સિરિયલ અને બીજી ખાવાની વસ્તુઓ, ફોન પાસે પડી રહેતી એની બૉલપેનો, વગેરે તો ગાર્બેજમાં મૂકી દેવાશે.

ડ્રૉઇન્ગરૂમમાંની રિક્લાઇનિન્ગ ચૅર, એ રૂમની બારીઓ પરના પડદા – બધું સુજીતના કહ્યા અને પસંદ પ્રમાણેનું જ તો હતું. પલંગ માટેની ચાદરોના બધા સેટ આપી દેવાના. અરે, પલંગને જ કાઢી નાખવાનો. એવું બધું, અને બેડરૂમમાં પાથરેલી નાની કાર્પેટ, વગેરે જેવી ભારે ચીજો આપી દેવા માટે, સાલ્વેશન આર્મિ કે એવી કોઈ ચૅરિટિ-સંસ્થાવાળાને બોલાવવા પડશે.

એ મંગાવતો હતો એ લિગલ મૅગૅઝીન નથી જોઇતાં. એ કૅન્સલ કરાવવાનાં. અને બધી ચોપડીઓ. વકિલાતનું ભણવાની બધી મોટી મોટી, જાડી જાડી ચોપડીઓ કેતકીએ ભેગી કરી, અને કોઈ લાયબ્રેરીમાં આપી આવવાનું નક્કી કર્યું. એટલી મોંઘી ચોપડીઓ કોઈને કામમાં આવી શકે, તો સારું.

એમ તો, હજી ચીજો નીકળતી જશે, ને એ બધી ફેંકાતી પણ જશે. એવી એક સૂટકેસ ખાલી કરતાં, કેતકીને એમાં પોતાનાં કપડાં દેખાયાં. એક પંજાબી ડ્રેસ. એ સ્લીવલેસ હતો, એટલે સુજીતે પહેરવાની ના પાડી હતી. અને પેલો, કેતકીએ સેલમાથી એક વાર બહુ હોંશથી ખરીદેલો, તે સરસ સ્કર્ટ-બ્લાઉઝનો સેટ પણ હતો.

એને ઇસ્ત્રી કરીને હવે હું પહેરીશ, કેતકીના મન પર ખુશીની આછી ઝલક ફરકી ગઈ. હવે શૉપિન્ગ કરવા જઈશ, અને બીજા પણ આવાં કપડાં ખરીદીશ. હજી સારાં લાગશે મને.

કરવાનાં બીજાં અગત્યનાં કામોમાં એક હતું, ટેલિફોનનો નંબર બદલવાનું. અનલિસ્ટેડ જ કરાવી લઈશ, એણે  વિચાર્યું. એ જ સારું પડશે. દેવકીને ત્યાં બધાંને, તેમજ અમુક મિત્રોને નવો નંબર આપી દેવાનો, પણ ના જોઈતા ફોન તો ના આવે. એમાં એને શાંતિ લાગી, અને સેફટિ પણ.

છેલ્લે, એની નજર ટેબલ પર મૂકેલા, અને દીવાલ પર ટાંગેલા ફોટાઓ પર પડી. એક પરણીને તરતનો હતો. સુજીત હસીને કંઇક કહેતો હતો, ને લજ્જાથી કેતકીની આંખો નીચી નમેલી હતી. હાય, મીઠાશથી ભરેલા એ દિવસો. આંખો મીંચું તો ફરી પાછા આવે?

એક ફોટામાં, સુજીતે સચિનને ખભા પર બેસાડેલો, અને અંજલિ એના હાથમાં હતી. બીજામાં, એ ત્રણે જણ શોખથી આઇસ્ક્રીમ ખાતા હતા. હજી વધારે એકમાં, એ ચારે ય જણ હસતાં ઊભાં હતાં. કેટલાં નજીક ઊભાં હતાં સુજીત અને કેતકી.

ફ્રેમ સાથેના આ ફોટાઓ કેતકીએ ભેગા કર્યા, અને અંદરના રૂમના ખૂણામાં પડેલા ટેબલના ખાનામાં મૂકી દીધા. ફેંકી દેવાનો એનો જીવ ના જ ચાલ્યો.

પેલી બાજુ, વામાને ત્યાં ચંદાબહેન હજી બહુ શોખથી જતાં હતાં. વામાબેનની કોઈ કચકચ નહીં, અને રૉબરભઈનું તો કહેવું પડે, હોં. હું જે બનાવું તેનાં વખાણ કરે જ.

એક વાર, અચાનક, ચંદાબહેને કહ્યું, તમારા પેલા ભઇબંધને જોયલા હિન્દુ મંદિરમાં.

ભઇબંધ? ભાઇબંધ વળી કોણ?

એટલેકે, તમારા ફ્રેન્ડ. પેલા ભઈ આવતા’તા ને? તમારી બહુ કાળજી લેતા’તા તે. મને તો એમ, કે તમે એમની સાથે — ચંદાબહેન જરા ગભરાયાં. તરત બદલીને કહે, અરે, પેલા માંજરી આંખોવાળા ભઇ નો’તા?

વામાને હવે ખ્યાલ આવ્યો, કે એ સુજીતની વાત કરતાં લાગે છે.

તો એમનું શું છે?

ચંદાબહેને કહ્યું, હા, એ ભઇને હિન્દુ મંદિરમાં જોયલા.

તે જોયા હશે. કેમ, કોઈ ના જાય મંદિરમાં?

પણ વામાબેન, એ ભઇ તો જોર જોરથી ભજન કરતા’તા, ને કેવા થૈ ગયા છે.

કેવા એટલે?

અરે, બેન, એમના વાળ લાંબા રાખ્યા છે, ને થોડી દાઢી પણ ઊગેલી. તાળી પાડતા જાય, ને માથું હલાવતા જાય. આંખો હતી ખુલ્લી, પણ જાણે કશું જોતા નો’તા લાગતા એ. સૂકઈ ગયેલા ય લાગ્યા.

ઓહો, ફરી પાછો કેટલો વખત થઈ ગયો, ને કેતકી-સુજીત સાથે મળવાનું થયું નથી. તેથી ક્યાંથી હોય મને એ લોકોના કશા ખબર.

વામા કદિ સુજીતને ફોન કરતી નહતી, પણ એ દિવસે એણે સુજીતની ઑફીસનો નંબર જોડ્યો. પાંચેક વાર ઘંટડી વાગી, પછી બંધ થઈ ગઈ, ને પછી ફોન કંપનીમાંથી રૅકૉર્ડેડ મૅસૅજ હતો, કે આ નંબર કપાઈ ગયો છે, આ નંબર ચાલુ નથી.

વામાએ ફરી એક વાર, એ જ નંબર જોડી જોયો, કદાચ પહેલી વાર ખોટો જોડાયો હોય, પણ એ જ રીતે ઘંટડીઓ, અને પછી એ જ શબ્દો બોલાયા.

તો શું સુજીતે એની વકિલાતની ઑફીસ બંધ કરી દીધી? વકિલાત પણ બંધ કરી હશે?

પછી, એણે કેતકીનો ઘરનો નંબર જોડ્યો. તે પણ ના લાગ્યો. ક્યાંથી લાગે? કેતકીએ ક્યારનો બદલાવી દીધેલો, અને વામાને આપવાનું તો ભૂલી જ ગઈ હતી. સંપર્ક ઓછો થઈ ગયો હતો, અને એના મનની સ્થિતિ કેવા અજંપાની હતી.

વામાને બહુ નવાઇ લાગી, ને કોણ જાણે કશો ડર પણ લાગ્યો. શું થયું હશે? સુજીતનો કોઈ પ્રૉબ્લૅમ થયો હશે? છોકરાંઓ તો સારાં હશે ને.

રૉબર્ટને પણ વાત સાંભળીને નવાઇ લાગી. એણે કહ્યું, આપણે જઈ આવીશું એમના ઘર તરફ, ક્યારેક.

પણ, એમ હવે ન્યૂજર્સી જવાનું સહેલાઈથી થવાનું નહતું.

ન્યૂયૉર્ક શહેરમાં બંનેનાં કામમાં, પ્રોગ્રામોમાં, કલ્ચરલ પ્રવૃત્તિઓમાં, અને મિત્રોમાં એમને ફાજલ સમય ક્યાં બહુ મળે તેમ હતો?

(ક્રમશઃ)

આપનો પ્રતિભાવ આપો..