બે કાંઠાની અધવચ (નવલકથા) પ્રકરણ: ૩૯ ~ પ્રીતિ સેનગુપ્તા

વકિલાતનું ભણવા માટેનાં જે થોથાંની સામે પણ કેતકી જોવા નહતી માગતી, તે બધાંને કાર્ડબૉર્ડ બૉક્સમાં મૂકીને નજીકની લાયબ્રેરીમાં લઈ ગઈ. ત્યાં એને કહેવામાં આવ્યું, કે આ સબ્જૅક્ટનાં પુસ્તકો મોટી લાયબ્રેરીમાં જ લેવાય છે. તમારે આ ત્યાં પહોંચાડવાં પડશે.

એટલે, એક કામ તો બાકી જ રહ્યું, કેતકીએ કંટાળીને વિચાર્યું. કાંઈ નહીં, સુજીતની ઑફીસનો ચોકીદાર થોડા પૈસાની આશાએ આ ધક્કો ખાઈ આવશે.

ત્યાં જઈને આ બૉક્સ હમણાં જ ઉતારી આવું, મનમાં કહેતાં, કેતકી બહાર પાર્ક કરેલી ગાડી તરફ જવા માંડી. ત્યાં એની નજર નોટીસબૉર્ડ પર ગઈ. બે-ચાર કાગળોઓમાંના એક તરફ એનું ધ્યાન ખંેચાયું. એમાં એક નોકરી માટેની જાહેરાત હતી.

કોઈ કંપનીમાં, એવી વ્યક્તિની જરૂર હતી, જેની પાસે અકાઉન્ટીન્ગ જેવી થોડી આવડત હોય, એક કૉલૅજ-ડિગ્રી  હોય, અંગ્રેજીની જાણકારી હોય, અને પહેલાં ક્યાંક નોકરી કરેલી હોય.

આટલું તો કેતકીની પાસે હતું. કામ શું કરવાનું છે, તેનું કોઈ વર્ણન એ કાગળ પર નહતું, પણ કેતકીએ ત્યાંનું નામ-સરનામું, ફોન નંબર વગેરે નોંધી લીધું.

આખી જિંદગી જ જ્યારે બદલાઈ ગઈ છે, ત્યારે નોકરી પણ જો બદલાય તો શું વાંધો? કોઈ નવી શરૂઆત કરવા જેવું થાય, ને કદાચ એ શરૂઆત નસીબદાર પણ નીવડે.

પછીથી, એક ચાલુ દિવસે, એ ઑફીસમાં જઈને કેતકી ઍપ્લિકેશન ભરી આવી. ત્યાંથી કહ્યું, કે ક્વૉલિફિકેશન બરાબર લાગશે, તો ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.

આટલું પણ, એણે જાતે તો પહેલી જ વાર કર્યું. અત્યાર સુધી તો, સુજીત જ એને દોરી જતો. પોતાનામાં આવેલી હિંમતને, આવા આત્મ-વિશ્વાસને, એ જાણે જરા દૂરથી જોઈ રહી. આ હું જ કે? આટલું પહેલેથી જ મારામાં હતું? ને આજ સુધી મને જ ખબર નહતી?

પોતાની સગવડ પ્રમાણે સચિન ઘેર આવ્યો – બધાંને મળવા. લાગણીના ઉઝરડા વિસરીને કેતકી બહુ ખુશ થયેલી. કેટલા વખતે જોવા મળ્યો, બાબા. કેવો સૂકાઈ ગયો છું. હવે આરામથી રહેજે અહિંયાં, અને નિરાંતે રોજ ભાવતું જમ્યા કરજે.

આઇ, હું છું જ બે દિવસ ને. કેટલું ખાઈશ એટલાંમાં.

કેમ, બે જ દિવસ?

અરે, બીજાં કામ હોયને મારે. આ બે દિવસ ન્યૂયૉર્કમાં નોકરી શોધવા માટે જ રાખ્યા છે. રાતે જમવાના ટાઇમે ઘેર આવી જવા ટ્રાય કરીશ.

પણ સચિન, વધારે દિવસ રાખવા હતા ને, કેતકી પાછી વિનવવા લાગી હતી.

એમ તો, આઇ, થોડા વધારે દિવસ રાખ્યા જ છે, પણ તે વખતે હું અને ખલીલ યુરોપ ફરવા જવાના છીએ. મહેનતની સાથે સાથે મઝા પણ કરવી પડે ને?, સચિનની બોલવાની ઢબ સુજીતનો પડઘો પાડતી હતી.

હાય ભગવાન, સચિન પણ એવો ઘમંડી થયો છે?, કેતકીનો જીવ ચચરવા લાગ્યો.

ચાલ, તો હવે મને એમ કહે, કે પાપા ક્યારે ઘેર આવે છે? સાંજે સાંજે સાથે જમવાનું તો થતું હશે ને?

કેતકીએ હવે સ્પષ્ટતા કરવી પડી. ના, સચિન, એ જમવા ઘેર આવતા નથી.

થયું છે શું?, કોઈ કહો તો ખરાં. પણ સારું, તો મને ફોન નંબર આપ એમનો. હું વાત કરું, અને ક્યાંતો એ અહીં આવે એવું ગોઠવું, ક્યાંતો હું ન્યૂયૉર્કમાં એમને મળી લઉં.

કેતકી પાસે સુજીતના સરનામા કે ફોન નંબરની જરા પણ જાણ હતી નહીં. આટલો વખત તો એને પાપાને મળવાની કશી પડી નહતી, ને હવે જ્યારે પાપા મળી શકે તેમ નથી તે જાણ્યું, ત્યારે સચિન ભારે છંછેડાઈ ગયો.

આ તેં શું કર્યું, આઇ? પાપાની જિંદગી તંે સાવ બગાડી નાખી છે, ને તારું ચાલે તો તું અમારી જિંદગી પણ બગાડવાની. શું એવો જ ઇરાદો છે તારો? સચિનનાં જડબાં દાંત કચડતાં હતાં.

આ શું બોલે છે, બાબા?

સચિનની સાથે દલીલો કરવાની શક્તિ કેતકીમાં રહી નહતી. એ વહાલનો આશરો લેવા મથી. ચાલ, બાબા, સાથે જમી લઈએ આપણે. તું જો તો ખરો, શું શું બનાવ્યું છે.

અંજલિ પણ જાણે દાંત કચકચાવતી હતી. હા, ભઇ, એ ગમે તે કરે તો પણ, એનો બાબો એને બહુ વહાલો. ને હું શું છું ત્યારે? વધારાનો કચરો?

ક્યારથી થવા માંડ્યું આવું ભાઈ-બહેનની વચ્ચે? હરિફાઈ, ઈર્ષા, રોષ, આત્મીયતાનો અભાવ? ઉંમરનાં અગત્યનાં વર્ષો દરમ્યાન બંને છૂટાં રહ્યાં એટલે? તો હજી મોટાં થશે તેમ, વધારે મૅચ્યૉર નહીં થાય? ને ત્યારે ફરીથી, નાનપણની જેમ, સાથે હસતાં-બોલતાં નહીં થઈ જાય?

સચિન યુરોપની ટ્રીપ પર ખલીલની સાથે નીકળી ગયો. અંજલિ રજાઓ હતી, એટલે બહેનપણીઓમાં બિઝી રહેતી હશે, એવું જ કેતકીએ માન્યું હતું. પણ બે વાર, ત્રણ વાર એણે જોયું, કે એ કોઈની ગાડીમાંથી ઊતરતી હતી, અને ઘરની અંદર આવતાં પહેલાં, ગાડી ડ્રાઇવ કરનારની તરફ, એક હાથે કિસ હવામાં મોકલતી હતી.

બે વાર તો કેતકીએ કશું કહ્યું નહીં, પણ ત્રીજી સાંજે પણ આમ. આ રીતનો અર્થ એ, કે હવે એને બૉયફ્રૅન્ડ હતો, અને બંને વચ્ચે, કદાચ, કૈંક શારીરિક સંપર્ક પણ શરૂ થયો હતો.

એણે અંજલિને પૂછ્યું, આજે બહુ મોડું થયું. કોણ મૂકી ગયું, બેટા?

એક તો, તું બારીમાંથી તાકીને જુએ છે, ને પછી નિર્દોષ ભાવે આવું પૂછે છે, આઇ? જબરી છું તું તો.

આવું વાંકું મોઢું કરીને, આવું વાંકું બોલી શકે અંજલિ? મારી દીકરી? મારી સામે?

તમાચો ખાધાથી ઓછું પીડાકર નહતું આ અપમાન. છતાં, સહન કરી લઈને        , અંજલિ સૉરી કહી દેશે એ આશામાં, કેતકીએ કહ્યું, હા, બેટા, મેં જોયું બારીમાંથી. મને એમ, કે માઇકલ હોય તો અંદર જમવા બોલાવું.

બસ, બસ, રહેવા દે. હું નાની ડૉલી નથી, કે ના સમજું. પણ જો, તને કહી દઉં, કે માઇકલ તો ક્યારનો ગયો. પછી ડેવિડ હતો, ને હવે ફિલિપ બહુ ગમે છે મને. અમે હવે ‘સ્ટૅડી’ છીએ. બસ, ખુશ?

અંજલિ, અત્યારથી હજી કોઈ છોકરાની સાથે બહુ ગાઢ સંબંધ સારો નહીં. એમાં નુકસાન છે, બેટા – માનસિક રીતે, તેમજ શારીરિક હાનિ પણ —

આઇ, ત્રાસ છે તારો તો. મેં કહ્યું ને, કે બસ હવે. જો, તું બેટા-બેટા કરીશ, એટલે હું કાંઈ તારી બાળકી થઈને નથી રહેવાની. હવે હું કૉલૅજમાં જઈશ, ને શરૂ કરીશ મારી જિંદગી. કોઈની દખલ નહીં નડે હવે મને. ધડાક કરીને અંજલિએ એના રૂમનું બારણું બંધ કર્યું.

કેતકીનો જીવ મૂર્છા ખાઈ ગયો. આ શું થઈ રહ્યું છે? બંને સંતાનોને મેં આટલો પ્રેમ આપ્યો, આટલાં સંભાળ્યાં, ને એમની પાસેથી આવી કડવાશ મળે છે મને?

ખરેખર, શું બધો મારો જ વાંક હશે? આ વિચારે કેતકી ફફડી ઊઠી.

શું ખરેખર, મારી જ કારમી ભૂલ થઈ છે? શું મારે સહન કરી લેવાનું હતું લગ્નજીવનમાંનું દરેક તોફાન? એમ જ હોય દરેકના જીવનમાં, શું એમ જ માનવાનું હતું મારે? છોકરાંઓના હિતને માટે થઈને?

શું સુજીત વગર નહીં જ ઉછેરી શકાય એમને?

કે પછી, મોડું જ થઈ ગયું છે? સુજીતને પાછો બોલાવું, તો પણ હવે શું? બંને છોકરાં તો ‘ઍડલ્ટહૂડ’ પામીને, મા-બાપથી દૂર થઈ જવા માટે થનગની રહ્યાં છે. હવે એમને દાબમાં રાખવાનો કોઈ ઉપાય નથી, અને હક્ક પણ નથી મા-બાપને.

કદાચ કેતકીએ ઉતાવળ કરી હતી, સુજીતને આમ ધક્કો મારી મારીને કાઢી મૂકવામાં. એવું કરવાનો પણ શું હક્ક હતો એને? મહેશભાઈએ, બાપ્સે સાચું જ સમજાવવા પ્રયત્ન કર્યા હતા. એ કેમ માની નહીં, સમાધાન કરવા માટે?

હાય રામ, ક્યાં હતી, ને ક્યાં આવી પડી એ પોતે પણ? શું હતી, ને કેવા ફેરફાર આવી ગયા એના પોતાનામાં પણ? કેટલું કઠિન હોય છે જીવવું.

ગરમ આંસુ વહેવા લાગ્યાં હતાં. આટલા દિવસથી સૂકી રહેલી મનની ધરતી છેવટે ભિંજાવા લાગી, છાનાં ધ્રુસકાંથી ધ્રુજવા લાગી.

કોઈ વહારે આવવાનું નહતું. પણ કેતકી સમજી, કે એની અને સુજીતની, બંનેની હાલત સરખી જ હતી. બંને અજાણ્યા અવકાશમાં ફંગોળાઈ ગયાં હતાં. બંને જિંદગીના પ્રવાહમાં અસહાય રીતે તણાતાં ગયાં હતાં.

ફરી એને પ્રશ્ન થયો, એને પોતાને જ વાંકે?

સચિન અને ખલીલ – બે યુવાનોને યુરોપની ટ્રીપમાં મઝા કેમ ના આવે? હજી જીવનની સમસ્યાઓ એમને ક્યાં નડતી હતી? હજી તો મઝા જ કરવાનો સમય હતો.

વૅકૅશન પત્યું કે સચિન પાછો મિશિગન જતો રહ્યો, અને ખલીલ ન્યૂયૉર્ક શહેરમાં પાછો નોકરી પર જોડાઈ ગયો.

થોડા વખત પછી, એક સાંજે ખલીલને કોઈ મીટિન્ગમાં જવાનું હતું. ઑફીસ દ્વારા હંમેશાં ભાડે કરાતી, એક લિમોઝીનમાં એ બેઠો. રસ્તા પર આવતાં ડ્રાયવરે પૂછ્યું, ક્યાં જવાનું છે, સર?

અવાજમાં કશો અણસાર લાગ્યો હશે, તેથી ખલીલે મોઢું  ઊંચું કરીને ડ્રાયવર તરફ જોયું. ઓહો, આ તો— હું ઓળખું છું એમને, એને લાગ્યું.

ને એણે તરત કહ્યું, કેમ છો, અંકલ?

મને કાંઈ કહ્યું, સર?

અરે, અંકલ, મને ‘સર’ ના કહો. હું તો ખલીલ છું, તમારા સચિનનો જીગરી ફ્રૅન્ડ. ભૂલી ગયા મને?

સુજીતનો હાથ સ્ટિયરિન્ગ વ્હીલ પરથી જરા છટકી ગયો. હા, ખલીલ, હવે ઓળખ્યો તને. કેમ છે, ભાઈ?

તમે કેમ છો, અંકલ? આ કામ કરો છો સાઇડમાં? સારું મળે છે, નહીં?, ખલીલે વિવેકથી પૂછ્યું.

દીકરાની ઉંમરનો છોકરો હવે સાહેબ થઈ ગયો હતો, ને પોતે નોકરની જગ્યાએ કામ કરતો હતો. સુજીત અસહ્ય શરમથી ધરબાઈ ગયો.

ઊતરવાની જગ્યા આવતાં, એણે પૈસા લેવાની ના પાડી. તારી પાસેથી તે લેવાય, ભાઈ?

અરે, અંકલ, મારે ક્યાં આપવાના છે તે? આ તો કંપનીના પૈસા છે. અને તમારે લેવા જ પડે, કારણકે કાલે મારે આની રિસિપ્ટ અકાઉન્ટિન્ગમાં પહોંચતી કરવી પડશે ને.

એ રાતે જ, ખલીલે સચિનને ફોન કરેલો, ને એના પાપાને જોયાની વાત કરેલી.

કેવા થઈ ગયા છે અંકલ. સૂકાયેલા અને ફીક્કા લાગ્યા. દાઢી પણ થોડી વધેલી હતી. ને હાથ પણ જરા ધ્રૂજતા હોય, એવું લાગ્યું. કોણ પૅસૅન્જર છે, એ જોયું જ નહીં હોય, નહીં તો મને તરત ઓળખત. મેં વાત કરવા માંડી, ત્યારે એમણે ઊંચું જોયું.

પાપાના ખબર મળ્યા, એમનો પત્તો મળ્યો, એટલે સચિનને કૈંક નિરાંત લાગી, પણ એમની હાલત વિષે જાણીને ખૂબ દુઃખ થયું. પાપાને ડ્રાયવરી કરવાનો વખત આવ્યો છે? વકિલાત બીલકુલ બંધ કરી દેવી પડી હશે? તે શું કારણે?

હવે સચિન દુનિયાને કૈંક જાણતો થયો હતો. હવે એને ખ્યાલ આવ્યો, કે પાપા કેટલી મહેનત કરતા હતા, અમારાં બધાંને માટે. એ ક્યારેક અકળાયા હોય, ક્યારેક કડક બન્યા હોય, તો શું? એનાથી યે વધારે પ્રેમ નહતા આપતા એ, અમને?

અમે કોઈ એમને સમજ્યાં નહીં. આઇ પણ ના સમજી. એણે તો બહુ જ મોટો અન્યાય કર્યો પાપાને. અમારાં બધાંથી થયેલી ભૂલોનો પશ્ચાત્તાપ મારે તો કરવો જ પડશે.

સૌથી પહેલાં તો, ખલીલ સાથે પાપાને પૈસા મોકલું, પછી ન્યૂયૉર્ક જાઉં એમને મળવા. ને હવેથી એમને મારી સાથે જ રાખીશ, પેલા ઘરમાં પાછા મોકલીશ જ નહીં.

એમને કશું કરવા પણ નહીં દઉં. ચાલવા જાઓ, વાંચો, આરામ કરો, બસ. હું જ વધારે મહેનત કરીશ, ને બધી સગવડ આપીશ મારા પાપાને.

સચિનને કેતકી પર એવો ગુસ્સો આવતો હતો, કે થયું કે એને પાપા વિષે જણાવે જ નહીં.

જોકે, છેવટે, એણે કેતકીને ફોન કર્યો. આઇ —

ઓહ, બાબા, કેમ છે? બહુ ગમ્યું તેં ફોન કર્યો તે.

સાંભળ, આઇ, કહીને, સચિને પાપાના ખબર આપ્યા.

હાય હાય, કેતકીથી બોલાઈ ગયું.

હવે કશું બોલ્યાથી શું ફાયદો? જે નહતું કરવું જોઇતું તે કરવામાં તું ના અચકાઈ, ને હવે —

ખલીલે લિમોઝીન કંપનીમાં ફોન કર્યો. ત્યાંથી સુજીતના રહેઠાણનું સરનામું ના મળ્યું, પણ એક કવર સુજીતને પહોંચાડવાની એ લોકોએ હા પાડી.

કવરની ઉપર સચિનનું નામ જોઈને સુજીત હરખથી છલકી પડ્યો. ખલીલ પાસેથી જાણ્યું કે તરત, બાબાએ ચીઠ્ઠી લખીને મોકલી. નક્કી એણે મને ઘેર આવી જવા માટે જ આગ્રહ કર્યો હશે. પાપા, કેટલી વાતો કરવાની છે તમારી સાથે, જલદી ઘેર આવી જશો ને? – નક્કી આવું જ બધું લખ્યું હશે એણે.

ધ્રૂજતા હાથે, બહુ આશાથી, સુજીતે પરબીડિયું ખોલ્યું, ક્યાં હતી ચીઠ્ઠી અંદર? ના, કોઈ ચીઠ્ઠી નહતી. એક ચેક જ હતો, સચિનની સહીવાળો.

( ક્રમશઃ)

આપનો પ્રતિભાવ આપો..