પુસ્તકની પીડા કોણ વાંચશે? (લેખ) ~ હિતેન આનંદપરા (ચિત્રલેખા)


હાથ હો ખાલી, ભીતરે જોજે
મૂડી ત્યાં બે-હિસાબ હોઈ શકે
વાંચે છે આ હવા સતત જેને
પાંડદા પણ કિતાબ હોઈ શકે
~ લક્ષ્મી ડોબરિયા

એક જમાનો હતો… આવો શબ્દપ્રયોગ થાય તો એના આલિંગનમાં ફીટ બેસે એવી અનફીટ સ્થિતિ ગુજરાતી સાહિત્યની દુનિયામાં સર્જાઈ છે. 

૨૩ એપ્રિલ – વિશ્વ પુસ્તક દિનના અનુસંધાનમાં કહેતા વિષાદ થાય છે કે માતૃભાષા મરવાની નથી, પણ સાહિત્ય જરૂર મરી રહ્યું છે. લોકપ્રિય લેખકો સિવાયના લેખકોના પુસ્તકો વેચવા એ મુંબઈની લોકલ ટ્રેનમાં જઈને લિજેન્ડ કવિ રમેશ પારેખનો કાવ્યસંગ્રહ વેચવા જેવું અઘરું કામ છે. ગુજરાતી સાહિત્ય વાંચનારી જાતિ ધીમે-ધીમે લુપ્ત થઈ રહી છે. 

જેઓ કક્કો જ ભણ્યા નથી તેને તમે હરીન્દ્ર દવેની ‘માધવ ક્યાંય નથી મધુવનમાં’ નવલકથા વાંચવા માટે ટોર્ચર ન કરી શકો. મેઘાણીની તળપદી માધુર્યથી પ્રચુર ‘સૌરાષ્ટ્રની રસધાર’માંથી એકાદ લગડી જેવી વાર્તા વાંચવા કાઈનેટિક સ્કૂટીની લાંચ પણ ન આપી શકો. જેણે સુખડી ચાખી જ ન હોય એની સામે સુખડીના કેટલા વખાણ થઈ શકે?   

વસતી વધવાની સાથે ગુજરાતી બોલનારા વધ્યા છે, વાંચનારા નહીં. રેશિયો મૅચ નથી થતો. બુકશૉપમાં જઈને કોઈ જ્ઞાની પુસ્તક જોડે વાત કરશો તો આનાથી પણ વધારે હળાહળ સત્ય પીવા મળશે. અસ્તિત્વ ટકાવવા પુસ્તકો ડિઝિટલ અવતાર ધારણ કરી રહ્યા છે એ ખરું, તોય ગુજરાતી ઈ-બુક્સના વેચાણમાં મહાકાય તો શું મામૂલી ઉછાળો પણ નથી આવ્યો. 

જેમને સાહિત્ય વાચનમાં રસ છે તે પચાસ ઉપરની પેઢીને સ્ક્રીન પર વાંચવું એ ફોટા જોઈને પ્રેમ કરવા જેવું લાગે છે. ગુજરાતની નવી પેઢી વાંચી શકે એમ છે, પણ તેમની પાસે ભણતરનો ભાર કારકિર્દીના ટેન્શન જેવા જડબેસલાક કારણો રસમાંથી કસ કાઢી નાખે. ટૂંકમાં ઘીના ઠામમાં ઘી નથી અને પેપ્સીની બોટલમાં છાશ નથી એ હકીકત છે.  

પુસ્તક ગુરુની ગરજ સારી શકે. એકલતાને અવરોધી શકે. જિંદગીની સાર્થકતામાં ઉન્નતિ મહત્વનો માપદંડ હોય છે, તે આર્થિક હોય, સામાજિક હોય, આધ્યાત્મિક હોય કે વૈચારિક હોય. પુસ્તક આપણી મનોભૂમિમાં વાવેતર કરવાનું તાત-કર્મ કરે છે. જો આવું ન થાય તો આપણું મન કેડીમાંથી કોંક્રિટની સડક બની જાય. કુદરતે આપણા શરીરમાં હાડકા મજબૂત બનાવ્યા છે, પણ મગજ અને હૃદય સુકોમળ જ રાખ્યા છે. પથ્થરોને ગર્ભ રહેતો નથી, માટીને રહે છે.

પુસ્તકનું કવરપેજ પ્રિયજનની ત્વચા છે જેના ઉપર હાથ ફેરવી તમે વ્હાલ, વાત્સલ્ય કે અહોભાવ વરસાવી શકો. પુસ્તકની અનુક્રમણિકા બાજનજરે ધરતી કેવી દેખાય એની અનુભૂતિ કરાવે છે. પુસ્તકની પ્રસ્તાવના હયાતીને હાશકારો આપે છે. સર્જકીય નિવેદન એવું મનોગત છે જે પોતાના પેસિફિક ઊંડાણોમાંથી સ્પેસિફિક મોતી લઈને આવે. શીર્ષકો આપણને મંદિરની પરસાળમાંથી ગર્ભગૃહમાં જવાનો રસ્તો કરી આપે છે. 

પુસ્તક માત્ર વિચારોનું જ પ્રતિબિંબ નથી, એ અવલોકનની અલકનંદા બની શકે, સર્જકતાનો સાગર બની શકે, સંવેદનોની સંહિતા બની શકે. સાહિત્ય સાથે જો વ્યવહારિક ઉપયોગિતા, ઈકોનોમિક્સ, ટેકનોલોજી અને માર્કેટિંગ જોડાય તો પુસ્તકનું પંચામૃત બને. આ પંચામૃત બને પછી પણ આચમન કરનારા ભક્તોની ભક્તિ  ઉપર બધું નિર્ભર રહેવાનું. પુસ્તકને ખપ પૂરતા વાચકો મળતા રહે તો એ જરૂર વાચકને ઉદ્શીને આ ગીત ગાશેઃ
તુમ જો મિલ ગયે હો,
તો યે લગતા હૈ કે જહાં મિલ ગયા.  

(સૌજન્ય: ચિત્રલેખા)

આપનો પ્રતિભાવ આપો..

6 Comments

 1. સાવ સાચી વાત છે
  પુસ્તક વાંચવાનું ઘટતું જાય છે પણ બંધ નહીં થાય કારણકે નવી પેઢીનો ટેસ્ટ બદલાય છે માધ્યમ બદલાતા જાય છે તેની અસર તો રહેવાની જ

 2. હિતેન, આથી વધુ સરસ લેખ પુસ્તકો વિષે હોઈ શકે નહીં. એક એક શબ્દ હ્રદય સોંસરવો ઊતરી ગયો.

 3. વાહ..
  પુસ્તક માત્ર વિચારોનું જ પ્રતિબિંબ નથી, એ અવલોકનની અલકનંદા બની શકે, સર્જકતાનો સાગર બની શકે, સંવેદનોની સંહિતા બની શકે. ..

 4. સ્નેહવંદન સાહેબ🙏
  આપનો લેખ વાંચ્યો, સચોટ અને વ્યવહારિક વાત કરી છે આપે. કે જેને કક્કો ન આવડે……… પણ મને સહજ વિચાર આવ્યો કે જો આ પ્રમાણે થાય તો ગુજરાતી સાહિત્યની પીડા કોણ સમજી શકશે?????

 5. ‘પુસ્તક માત્ર વિચારોનું જ પ્રતિબિંબ નથી, એ અવલોકનની અલકનંદા બની શકે, સર્જકતાનો સાગર બની શકે, સંવેદનોની સંહિતા બની શકે’ સટિક વાત સાથે સાથે અમે માનીએ
  ‘And this our life, exempt from public haunt, Finds tongues in trees, books in the running brooks, Sermons in stones, and good in everything.’