ઉખડેલા આંબા આભે પૂગ્યાં! (લેખ) ~ અમેરિકાનો ઇન્ડિયન ડાયસ્પોરા ~ નટવર ગાંધી

નટવર ગાંધી

ડાયસ્પોરાનો એટલે કે વિદેશગમન અને વિદેશવાસનો ઇતિહાસ બહુ મોટો છે.  યહૂદી પ્રજાએ જે રીતે અસહિષ્ણુ અને ધર્માન્ધ ત્રાસવાદીઓથી બચવા પોતાનાં ઘરબાર, માલ મિલ્કત અને દેશ છોડીને રઝળવું પડ્યું તેની યાતનામાંથી ડાયસ્પોરાની વિભાવના  શરૂ થઈ.  એના મૂળમાં યહૂદીઓની સ્વદેશ પાછા જવાની ઝંખના હતી.  યહૂદીઓ પર જે જુલમ થયો તે આજે ઓછા વત્તા પ્રમાણમાં બીજી અનેક પ્રજાઓ પર થઈ રહ્યો છે. આજે નિરાશ્રિતોની કોઈ કમી નથી કેમ કે ત્રાસવાદીઓની કોઈ કમી નથી. દુઃખની વાત એ છે કે ચોક્કસ આવી રહેલા ક્લાઈમેટ ચેન્જ, નવા પેન્ડેમિક્સ, અને ઠેર ઠેર દેખાતા સંકુચિત રાષ્ટ્રવાદ –નેશનાલિઝમને -કારણે આ નિરાશ્રિતો સંખ્યા વધતી જશે. 

બે વરસ પહેલા મિડલ ઇસ્ટમાંથી હજારો લોકો પહેર્યે કપડે નીકળી પડયા હતા.  માઈલોના માઈલો સુધી બાળબચ્ચાંઓ સાથે ચાલીને આ નિરાશ્રિતોએ યુરોપનાં બારણાં ખખડાવ્યાં હતાં.  તેવી જ રીતે આજે સેન્ટ્રલ અમેરિકામાંથી હજારો લોકો અસહ્ય હાડમારીઓ ભોગવીને પણ  અમેરિકા આવી રહ્યા છે.  

વર્તમાન ટેક્નોલોજીએ વસુધૈવ કુટુંમ્બકમની વૈદિક કલ્પનાને સાચી કરી બતાવી છે. કમ્યુનિકેશનના વિવિધ સાધનોએ તેમ જ એરટ્રાવેલની સગવડતાએ દુનિયાને નાની બનાવી દીધી છે.  વર્લ્ડવાઈડ વેબને કારણે જગતનો કોઈ પણ ખૂણો હવે નથી અજાણ્યો કે નથી અંધારો.  કોરોના પેન્ડેમિક ભલે ચીનના એક પ્રાંતમાં શરૂ થયો, પણ તે ત્યાં અટક્યો નથી. આખી દુનિયામાં પ્રસર્યો છે.

જો ટેક્નોલોજીએ આંતરરાષ્ટ્રીય સરહદો તોડી છે, તો મનુષ્ય સહજ વહેમ, સ્વાર્થ અને પૂર્વગ્રહોનો લાભ લઈ સત્તાભૂખ્યા નેતાઓએ   દેશેદેશના દરવાજા પણ બંધ કર્યા છે.  આ કારણે દુનિયામાં હાલ તુરત 80 મિલિયન નિરાશ્રિતો ઘરબાર વગરના રઝળે છે.  આવી હૃદયદાવક પરિસ્થિતિમાં એક જગત કે જય જગતની વાત કરવી યોગ્ય લાગતી નથી.

અમેરિકન ડાયસ્પોરાના મુંઝવતા પ્રશ્નો
અમેરિકન ઇતિહાસમાં દુઃખે દાઝેલી અને ભૂખે ભાંગેલી ઈમિગ્રન્ટ પ્રજાઓનું જે ચિત્ર છે, તે ભારતીય ઈમિગ્રન્ટ પ્રજાનું ચિત્ર નથી. જે દશામાં દોઢસો-બસો વર્ષો પહેલા રશિયન, ઇટાલિયન, આઈરીશ લોકો અહીં આવ્યા હતા અને આજે અસંખ્ય હિસ્પાનિક લોકો આવી રહ્યા છે, તે દશામાં આ ભારતીયો નથી આવ્યા. અહીં આવનારા ભારતીયો મોટા ભાગે દેશમાં સાધનસંપન્ન હતા. એ કાંઈ દેશમાંથી ભાગીને નથી નીકળ્યા. એ તો સ્વેચ્છાએ અમેરિકા આવ્યા છે અને અહીંના સુંવાળા જીવનથી ટેવાઈ ગયા છે.  એમાંથી ભાગ્યે જ કોઈ પાછું જવાનું નામ લે છે.

અમેરિકાના લાંબા વસવાટ પછી આ ભારતીય ઈમિગ્રન્ટ્સને એક વસ્તુ સ્પષ્ટ થઈ છે કે આપણે હવે અહીં અમેરિકામાં જ રહેવાનું છે. દેશમાં તો વરસે બે વરસે આંટો મારવા જવાય એટલું જ, બાકી તો અમેરિકા જ આપણો દેશ અને એ જ આપણું ઘર. ૧૯૬૦ અને ૧૯૭૦ના ગાળામાં બહુ મોટી સંખ્યામાં જે ભારતીયો અહીં આવ્યા તે હવે નિવૃત્ત થવા લાગ્યા છે. તેમના છોકરાંઓને ઘરે છોકરાંઓ રમે છે. ફૂટબોલ, એમ. ટી.વી., આઈફોન, પીઝા અને કોકાકોલા ઉપર ઊછરેલ આ બીજી ને ત્રીજી પેઢી અંશેઅંશ અમેરિકન છે. અપૂર્વ કે સોના  જેવાં એમનાં કર્ણપ્રિય નામ કે એમનો ઘઉંવર્ણો વાન જ ભારતીય છે, બાકી બીજી બધી દૃષ્ટિએ એ પ્રજા અમેરિકન છે. 

પ્રશ્ન એ છે કે આ નવી પેઢીની અસ્મિતા કઈ?  એમનું સામાજિક અને સાંસ્કૃતિક ભવિષ્ય કેવું હશે? એમના સંસ્કાર અને સંસ્કૃતિ ક્યાંનાં? એમનું ધર્માચરણ કેવું હશે? આખી દુનિયામાંથી આવેલી ભાતીગળ પ્રજાઓના વૈવિધ્યને જે રીતે અમેરિકન ભઠ્ઠી (મેલ્ટીંગ પૉટ) ધીમે ધીમે ઓગાળીને એકરસ કરી દે છે, તેવી જ દશા આપણી અહીં વસતી ભારતીય પ્રજાની થવાની છે? કે પછી આ પ્રજા ભારતની ભવ્ય સંસ્કૃતિનો વૈભવ અને વારસો જાળવી રાખીને પોતાની વિશિષ્ટતાનો ધ્વજ ફરકાવશે? વૃદ્ધ વડીલો સાથે એમનો સંબંધ કેવો હશે? આવા અનેક પ્રશ્નો અહીંના ભારતીયોના મનમાં ભારેલા અગ્નિની જેમ ભરાઈને પડ્યા છે.

ત્રણ તબક્કામાં ભારતીયોનું આગમન

અમેરિકામાં ભારતીયો ત્રણ તબક્કામાં આવ્યા. ૧૮૨૦થી માંડીને ૧૯૬૫ સુધીનો પ્હેલો તબક્કો.  ૧૯૬૫થી ૧૯૯૦ સુધીનો બીજો.  ત્યાર પછી આજ સુધીનો ત્રીજો.  પહેલા તબક્કામાં મોટા ભાગે પંજાબી ખેડિયા કામગારો આવેલા. ઓછા પગારે અને કેડતોડ કામ કરીને આ મજૂરો અમારી રોજગારી લઈ લેશે એવા ભયે હિન્દુસ્તાનીઓ અને અન્ય એશિયનો અમેરિકા ન આવી શકે એવા કાયદાઓ પસાર થયા.

૧૯૬૫માં અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાઓમાં ધરખમ  ફેરફારો  થયા. ઇમિગ્રન્ટ્સ ક્યાંથી આવે છે, તેને બદલે તેની શી લાયકાત છે, એની શી આવડત છે એ વાત ઉપર ભાર મૂકવાનું નક્કી થયું. વધુમાં એ જો ડૉક્ટર, નર્સ, એન્જિનિયર, ફાર્મસિસ્ટ, પ્રૉફેસર, વગેરે હોય તો તો એને ખાસ આવવા દેવા જોઈએ.  કારણ કે અમેરિકામાં આવા કુશળ લોકોની ખુબ જરૂર છે. આમ ૧૯૬૫માં જ્યારે અમેરિકન ઈમિગ્રેશનનાં બારણાં ઊઘડ્યાં ત્યારે ઘણા પ્રોફેશનલ ભારતીયો આવ્યા.  આ એમનો બીજો તબક્કો.

૧૯૯૦-૨૦૦૦ના ગાળામાં અમેરિકામાં “વાય-ટુ-કે” ટેક્નોલોજીનો અત્યંત જટિલ પ્રશ્ન ઉભો થયો. તેનો ઉકેલ કરવા માટે દેશમાંથી  લાખોની સંખ્યામાં ટેક્નોલોજીના નિષ્ણાત લોકો લવાયા.  આમ ભારતીય ઇમિગ્રેશનનો ત્રીજો તબ્બકો શરૂ થયો. 

૧૯૬૫ના મોકળા કાયદાને કારણે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકામાંથી મોટા પ્રમાણમાં જે ઈમિગ્રન્ટ્સ આવ્યા તેમને અનુસરીને એમના કુટુંબો પણ આવ્યા. આ કારણે અમેરિકાના રંગ રોગાન એકાએક જ બદલાવા લાગ્યા.  બિનગોરાઓની વસ્તી કૂદકે અને ભૂસકે વધવા માંડી. પરિણામે સેન્સસની ગણતરી મુજબ 2045માં અમેરિકામાં ગોરાઓની બહુમતિ નહીં રહે! 

આગવું સ્થાન
અમેરિકામાં અત્યારે ચારેક મિલિયન ભારતીયો વસે છે.  વિકસિત દેશોનો વિચાર કરીએ તો વધુમાં વધુ વિદેશવાસી ભારતીયો (એનઆરઆઈ) અમેરિકામાં છે.  અહીંની લગભગ ૩૫૦ મિલિયનની વસ્તીમાં સંખ્યાની દૃષ્ટિએ અહીંના ભારતીયોનું પ્રમાણ બહુ જ ઓછું ગણાય, પણ પોતાના કૌશલ્ય, ખંત, અને ભણતરને કારણે એમણે અમેરિકન સમાજમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. 

ઍકાઉન્ટિંગથી માંડીને ઝૂઓલૉજી સુધીના અનેક ક્ષેત્રોમાં આપણા ભારતીયો અત્યારે અગત્યનું કામ કરી રહ્યા છે.  ઘણાયને તો આંતરરાષ્ટ્રીય કીર્તિ મળી ચૂકી છે. વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં આ ભારતીયોમાંથી ભવિષ્યના નોબેલ પ્રાઈઝના વિજેતાઓ નીકળશે તેવી સમર્થ એમની સિદ્ધિઓ છે. છેલ્લા પચાસ વર્ષોમાં વિજ્ઞાન અને અર્થશાસ્ત્રમાં જે જે ભારતીઓને નોબેલ પ્રાઈઝ મળેલું છે તે બધાએ એમનું અગત્યનું કામ  મુખ્યત્વે અમેરિકામાં કરેલું છે.

આજે કોઈ પણ ક્ષેત્રનું પ્રોફેશનલ સામયિક ઉઘાડો તો તેમાં એકાદ ભારતીયનો મહત્ત્વનો લેખ તમને જરૂર જોવા મળે. અમેરિકામાં ભાગ્યે જ એવી હૉસ્પિટલ હશે કે એમાં ભારતીય ડૉક્ટરો ન હોય, કે કોરોના વાયરસની વિશેના ટીવી ઉપર આવતા ભાગ્યે જ કોઈ પ્રોગ્રામમાં ઇન્ડિયન ડોક્ટર ન હોય,  કે ભાગ્યે જ એવી કોઈ યુનિવર્સિટી હશે જેમાં ભારતીય પ્રૉફેસરો ન હોય. અહીંની મહત્ત્વની એન્જિનિયરિંગ કન્સલ્ટિંગ કંપનીઓમાં ભારતીય એન્જિનિયરો મોટી સંખ્યામાં હોય જ.  અમેરિકાની મોટેલોની ત્રીજા ભાગની  આપણા વાણિજ્ય કુશળ પટેલ ભાઈઓએ કબજે કરી છે, તો ઘણી બધી નાની ફાર્મસીઓ પણ આપણા ભારતીયોના હાથમાં છે.  વેપાર ધંધે હુંશિયાર ભારતીય એન્જિનિયરોએ પોતાની નાની મોટી કન્સલ્ટિંગ કંપનીઓ ખોલી છે. ટીવી, રેડિયો, એપલાયન્સ, ગ્રોસરી, ન્યૂઝસ્ટોલ, ધોબી, ઘરેણાં, સાડીઓ, આઈસ્ક્રીમ, કન્સ્ટ્રક્શન, ઇન્સ્યોરન્સ, રીઅલ એસ્ટેટ,  વગેરેના નાનામોટા ધંધાઓમાં ભારતીયો, મુખ્યત્વે ગુજરાતીઓ, ખૂબ આગળ આવ્યા છે. 

આ ભારતીયોની આર્થિક સિદ્ધિઓ એટલી તો નોંધપાત્ર છે કે  ભણતર, આવક, મિલકત , અને સામાજિક માન સનમાન ની દૃષ્ટિએ એમની ગણતરી અહીંના ટોપ વન પર્સન્ટમાં થાય છે.  અહીં બે લાખથી યે વધુ ઇન્ડિયન  મિલિયોનેર વસે છે. તો અમેરિકાના ૪૦૦ અત્યંત  ધનિકોમાં, –બિલિયોનેર્સમાં–નવ ભારતીય છે. આ લિસ્ટમાં બે તો ભારતીય મહિલાઓ છે!  અત્યારે માસ્ટર કાર્ડ, માઈક્રોસોફ્ટ, આઇબીએમ, હારમન ઇન્ટરનેશનલ અને ગૂગલ જેવી મહાન આંતરરાષ્ટ્રીય કંપનીઓના ચેરમેન ભારતીય ઇમિગ્રન્ટ્સ છે.

આ બધું પહેલી પેઢીની ઈમિગ્રન્ટ પ્રજાથી શક્ય બન્યું એ એક અસાધારણ ઘટના છે.  વર્ષો સુધી અમેરિકામાં રહેલા કવિશ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીએ વિદેશવાસની વ્યથા વ્યક્ત કરતા લખેલું કે “ઉખડેલા નહીં આંબા ઊગે, ઘરે ઊગેલા આભે પૂગે.”  પ્રથમ પેઢીના ભારતીયોની અમેરિકામાં થયેલી આ અસાધારણ ઉન્નતિ જોતાં  એમ લાગે છે કે  શ્રીધરાણીની નિરાશાજનક આગાહી અહીંના ભારતીય ઈમિગ્રન્ટ્સને લાગુ ન પડે!

પહેલી પેઢીની સામાજિક વ્યથા
આપણા ભારતીયો જો આર્થિક રીતે અહીં ઠરીઠામ થયા છે, તો સામાજિક દૃષ્ટિએ અકળામણ અનુભવે છે. અમેરિકામાં આવેલી બધી ઈમિગ્રન્ટ પ્રજાની પ્રથમ પેઢીની દશા ત્રિશંકુ જેવી હોય છે. ધોબીનો કૂતરો નહીં ઘરનો કે નહીં ઘાટનો, એમ પહેલી પેઢીની ઈમિગ્રન્ટ પ્રજા જન્મભૂમિની મમતા મૂકે નહીં અને અમેરિકાનું આકર્ષણ છોડે નહીં. અને જો અમેરિકા ન છોડી શકાતું હોય તો પેલી દરિયાપારની  જન્મભૂમિને કોઈ ચમત્કારથી અમેરિકા લાવી શકાય કે? પરદેશવાસની આ સામાજિક વ્યથાને કારણે આપણને ન્યૂ યૉર્કમાં ‘લિટલ ઈટલી’ કે માયામીમાં ‘લિટલ હવાના’ જોવા મળે છે. આ જ પ્રમાણે આજે  શિકાગોમાં ડેવન એવન્યુ, ન્યૂ યોર્કમાં જેક્સન હાઈટ્સ અને ન્યૂ  જર્સીમાં ઓક ટ્રી રોડ વગેરે “લિટલ ઇન્ડિયા” તરીકે ઓળખાય છે.

અમેરિકામાં ઉછરેલી પેઢી
જો કે પરદેશવાસનો આ જે તરફડાટ છે તે પહેલી પેઢીના ઈમિગ્રન્ટ ભારતીયોનો છે. અહીં ઊછરતાં એમનાં સંતાનો તો અંશેઅંશ અમેરિકન જ છે. આ બાળકો બ્લોટિંગ પેપરની જેમ એમની આજુબાજુના અમેરિકન વાતાવરણને આત્મસાત્ કરે છે. એમની ભાષા અને ઉચ્ચારો, ભાવ અને પ્રતિભાવ, વાતો અને વિચારો, સંસ્કારો અને સંસ્કૃતિ—એ બધું અમેરિકન છે. જ્યારથી એ બાળક ટીવી જોવાનું શરૂ કરે ત્યારથી જ એ ભારતીય મટીને અમેરિકન બનવાનું શરૂ કરે. ટીવીથી શરૂ થયેલું એનું અમેરિકનાઈઝેશન પાડોશ અને સ્કૂલમાં આગળ વધે છે. ખાસ કરીને તો સ્કૂલમાં જ ભારતીય કિશોરને એની અમેરિકન અસ્મિતા મળે છે. એ કિશોરને પૂછશો તો એ ગર્વથી પોતાનું અમેરિકન અસ્તિત્વ જાહેર કરશે.

ભારતીય માબાપોનાં આ અમેરિકન સંતાનોને ભારત સાથે બહુ લાગતુંવળગતું નથી. અમેરિકન અસ્મિતાનાં બાહ્ય લક્ષણો એમને જેટલાં સહજ છે, તેટલાં ભારતીય જીવનનાં પ્રતીકો એમને સહજ નથી. આ સંતાનો પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ વ્યક્ત કરવામાં પણ કોઈ સંકોચ નથી રાખતા.  લગ્નજીવન, પ્રણય, જાતીય સંબંધો, કૌટુંબિક સંબંધો, કારકિર્દી વગેરેના તેમના ખ્યાલો અને વિચારો બહુધા અમેરિકન જ છે, અને તે ભારતીય વિચારસરણીથી ઘણા જુદા પડે છે.

આનો અર્થ એ નથી કે આ પ્રજા સ્વચ્છંદી કે અવિવેકી છે. પ્રથમ પેઢીની લાક્ષણિકતાઓ એમનાં સંતાનોમાં પણ ઊતરી  આવી છે. મોરનાં ઈંડાં કંઈ ચીતરવાં પડતાં નથી.  

આ અહીં ઉછરેલી પેઢીની સિદ્ધિઓ અસાધારણ છે. જેમ કે અત્યાર સુધીમાં લુઇઝિઆના અને સાઉથ કેરોલિનામાં બે ઇન્ડિયન્સ ગવર્નર થઈ ચૂક્યા છે. હાલ તુરત અમેરિકન કોંગ્રેસમાં ચાર ઇન્ડિયન અમેરિકન બેસે છે. તો જે એક સેનેટર તરીકે ચૂંટાયેલ હતા તે કમલા હેરિસ આજે અમેરિકાના ઉપપ્રમુખ છે!  અને ભવિષ્યમાં એ અમેરિકાના પ્રમુખ બનશે એવી શક્યતા છે. અત્યારના પ્રમુખ જોસેફ બાયડનના એડ્મીનીસ્ટ્રેશનમાં લગભગ પચાસેક ઇન્ડિયન અમેરિકન ઊંચી કક્ષાના હોદ્દાઓ સાંભળે છે. આ તો માત્ર વોશિંગટનની  ફેડરલ ગવર્નમેન્ટની વાત થઈ. સ્ટેટ અને લોકલ ગવર્નમેન્ટમાં, યુનિવર્સીટીઓમાં, ફાઉન્ડેશનોમાં, સચિવાલયોમાં, જ્યુડિસરીમાં, સાહિત્ય, સંગીત અને અન્ય કલાક્ષેત્રે –આમ વિધવિધ જગ્યાઓએ બીજી પેઢીના ઇન્ડિયન અમેરિકોની સિદ્ધિઓ ખુબ જ નોંધપાત્ર છે.

અમેરિકાનો મેલ્ટીંગ પૉટ
દેશમાંથી ઊછરીને અમેરિકામાં આવી વસેલા ભારતીયો પોતાનાં મૂળિયાં પકડી રાખે અને અમેરિકન ન બને તે સમજી શકાય છે, પણ તેઓ જ્યારે અહીં ઊછરતી પેઢીને ભારતીય બનાવવા મથે છે ત્યારે વિચિત્ર પરિસ્થિતિ ઊપજે છે. અમેરિકામાં ઊછરીને અમેરિકન ન થવું અને ભારતીય બની રહેવું તે પાણીમાં પલળ્યા વગર તરવા જેવી વાત છે. આવા પ્રયત્નો જરૂર થયા છે, પણ એ પ્રયત્નો જોખમી નીવડ્યા છે.

સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે અમેરિકામાં વસતા ભારતીયોનું ભવિષ્ય શું ? અન્ય ઇમિગ્રન્ટ પ્રજાનો ઇતિહાસ એમ કહે છે કે અહીં વસતા ભારતીયોની ભવિષ્યની પેઢીઓ ભારતીય નહીં હોય પણ અમેરિકન હશે. એમના આચાર અને વિચાર, સંસ્કાર, અસ્તિત્વ અને અસ્મિતા એ બધું અમેરિકન જ હશે. એનો અર્થ એ નથી કે એ પેઢીઓ ભારતીય સંસ્કૃતિને ભૂલી જશે. આજે જે રીતે અહીંની અન્ય ઇમિગ્રન્ટ પ્રજા પોતાના પૂર્વજોનાં મૂળ–રૂટ્સ–શોધવા એમની  જન્મભૂમિની યાત્રાએ જાય છે તેવી જ રીતે અહીં ઉછરેલા ભારતીયો પણ તેમના પૂવર્જોની સંસ્કૃતિ અને જીવન વિશે સંશોધન કરીને તેનું ગૌરવ કરશે.

દૂર દૂરથી વહી આવતી અનેક નદીઓ જેમ સમુદ્રને મળે છે તેમ દુનિયાને ખૂણેખૂણેથી અનેક પ્રજાઓ અમેરિકામાં આવીને વસે છે. નદીના મુખ આગળ સમુદ્રનાં પાણી ભલે નદીનો રંગ બતાવે પરંતુ જેમ જેમ સમુદ્રમાં દૂર જઈએ તેમ બધું એકરસ થાય છે. એ પાણી નદીનાં મટીને સમુદ્રનાં બને છે. પહેલી પેઢીના ભારતીય ઈમિગ્રન્ટ્સ આજે નદીના મુખ આગળનાં પાણી સમા છે એટલે એમના જુદા રંગો—એમની ભારતીયતા—હજી સ્પષ્ટ દેખાય છે. પણ એમની ભવિષ્યની પેઢીઓ તો અમેરિકન મહાસમુદ્રમાં ક્યાંય એકાકાર થઈ ગઈ હશે. અન્ય પ્રજાઓ આ રીતે જ ધીમે ધીમે અમેરિકન બની છે. અમેરિકનાઈઝેશનના આ ઐતિહાસિક સત્યને અહીં સ્થાયી થઈને વસતા ભારતીયોએ નાછૂટકે સ્વીકારવું જ પડશે.

~ નટવર ગાંધી
April ૧૮, ૨૦૨૧
(ઓપિનિયન સામયિકની ઝુમ મિટિંગમાં આપેલું વક્તવ્ય)

આપનો પ્રતિભાવ આપો..

2 Comments

  1. every time somthing new for indian American that’s shri natwar bhai. never forget davdaji lekh ek ajanya gandhi ni atamkatha. it’s must necessary indian generation come a head in every fields.

  2. મા નટવર ગાંધીની ‘ઉખડેલા આંબા આભે પૂગ્યાં! (લેખ) ~ અમેરિકાનો ઇન્ડિયન ડાયસ્પોરા ~’
    .
    વાતો વારંવાર માણતા દરેક વખતે કોઇ નવા પ્રશ્નનો ઉતર સમજાય છે.ધન્યવાદ