બે કાંઠાની અધવચ (નવલકથા) પ્રકરણ: ૩૭ ~ પ્રીતિ સેનગુપ્તા

સપાટાભેર વીંઝાતા પવનને માટે, અંગ્રેજી ભાષામાં, જુદાં જુદાં નામો છે. ઍટલાન્ટીક મહાસાગર પર થઈને આવે તેને ‘હરિકેન’કહે છે, પૅસિફિક મહાસાગર પર થઈને આવે તેને ‘તાઇફૂન’, અને ગોળ ગોળ ઘુમરાતા પવનને માટે ‘સાયક્લોન’ જેવું નામ પણ છે.

અંજલિના ભણવામાં આવું બધું આવ્યું હતું. અને કેતકી જાણતી હતી, કે ઇન્ડિયન ભાષાઓમાં કદાચ ચક્રવાત અને ઝંઝાવાત જેવાં નામ છે. પણ અંગત જીવનમાં ચઢી આવતા તોફાનને માટે કોઈ નામ છે કે નહીં, તેની જાણ અંજલિને કે કેતકીને હતી નહીં.

સુજીતને પણ નહતી. એને બિચારાને કશી જ જાણ નહતી, કે આ તોફાનને શું કહેવાય, અને ક્યાંથી ચઢી આવ્યું એ? એવું કશું કરવાનો એનો બીલકુલ ઇરાદો હતો નહીં, પણ ભાગ્યહીન સુજીત એ તોફાનના કેન્દ્રમાં આવી પડ્યો હતો.

જે રાતે આ હોનારત સર્જાઇ તે પહેલાં, આખો દિવસ તો, બહુ સરસ ગયો હતો બધાંનો.

અંજલિ સ્કૂલની ટ્રીપ પર જવા નીકળવાની હતી, એટલે એ બહુ ખુશ હતી. ચાર દિવસ અમેરિકાનાં કેટલાંક ઐતિહાસિક સ્થાનો જોવા મળવાનાં હતાં. વૅલી ફોર્જ બૅટલ-ફીલ્ડ, લિબર્ટી બૅલ, નૅશનલ મિન્ટ વગેરે. અને બૅસ્ટ તો, સાથે આવનારાં મિત્રોમાં, માઇકલ પણ હતો.

કેતકીની જૉબ પરથી, ઘણાં કલિગ, સાથે મળીને લંચ માટે જવાનાં હતાં.

સુજીતનો દિવસ કૉર્ટમાં ગયો. એક જટિલ કેસ લડવાનો હતો. છેલ્લે એ જીતી ગયો, ને એના ક્લાયન્ટને બહુ મોટું સેટલમૅન્ટ મળ્યું. સુજીતે બુદ્ધિપૂર્વક દલીલો રજૂ કરેલી. એને બહુ સંતોષ થયો, કે ઘણી મહેનત કરીને મેળવેલી જાણકારી સફળ રીતે કામમાં આવી.

આજે તો, એને આઇસ્ક્રીમ લઈને જ ઘેર જવું હતું. અંજલિને ખાતી જોઈને, એને વધારે ઊંડો સંતોષ થશે. પણ એના ક્લાયન્ટ આ જીતને ઊજવવા માગતા હતા. સુજીતને ખેંચીને રૅસ્ટૉરાઁમાં લઈ ગયા, ઘણું ખાવાનું આવ્યું, વાઇનની બૉટલો મંગાવવામાં આવી.

એક એક જણે, વારાફરતી, ગ્લાસ ઊંચા કરી કરીને, જીતને વધાવી. સુજીતને બહુ શાબાશી આપી.

સુજીતને ફી પણ સારી મળવાની હતી, આ કેસમાંથી.

એની ગાડી તો ઑફીસ પર હતી, તેથી ક્લાયન્ટ જ એને ઘેર મૂકી જવાના હતા. એ સારું જ હતું, એણે વિચાર્યું, કારણકે આલ્કોહોલ પીધા પછી ગાડી ના ચલાવવી જ સારી.

પણ ઘરને રસ્તે, ક્લાયન્ટની ગાડી ઊભી રખાવીને પણ, રાતના સાડા દસેક વાગી ગયા હતા છતાં, એ આઇસ્ક્રીમ ખરીદવાનું ના ભૂલ્યો. આજે નહીં, તો કાલે તો ખાશે અંજલિ. ત્યારે, કદાચ, આ અગત્યના અને અઘરા કેસની થોડી વાત પણ કરાશે. કદાચ, કેતકી પણ એ સાંભળે. 

પોતાનો સંતોષ, પોતાનો આનંદ, સુજીત કુટુંબની  સાથે વહેંચવા માગતો હતો.

ઘર સાવ શાંત હતું. સૂઈ ગયાં લાગે છે બંને, એણે વિચાર્યું. કેતકીના રૂમનું બારણું જરાક ખુલ્લું હતું. બહુ વખતે સુજીતને, ડોકિયું કરીને, એક વખતનો પોતાનો લગ્નખંડ જોવાનું મન થયું.

પલંગ પર કેતકી સૂતી હતી. ખસી ગયેલી ચાદરની નીચેથી એના અડધા પગ દેખાતા હતા. સ્લીવલેસ નાઇટીને લીધે ખભા જોઈ શકાતા હતા. કેટલી ગોરી છે તુકી, ને કેવી સરસ લાગે છે ઊંઘમાં, સુજીત જોતો રહ્યો.

આઇસ્ક્રીમના બૉક્સવાળી પ્લાસ્ટીક-બૅગ એણે એક બાજુ પર મૂકી. એ પલંગની પાસે ગયો, કેતકીના મોંઢા પરના સહેજ સ્મિતને જોવા.

શું થયું એ જ ઘડીએ? જેટલો પીધેલો તે બધો આલ્કોહોલ, સાયક્લોનના પવનની જેમ ગોળ ગોળ ફરતો, એના માથામાં ચઢી આવ્યો? પચીસેક વર્ષથી જે એની પત્ની રહેલી હતી, તેને માટેના પ્રેમથી એનું હૃદય ભરાઈ આવ્યું? બેએક વર્ષથી સ્ત્રીના સંગથી દૂર રહેલું એનું શરીર કામાતુર થઈ ગયું?

એણે કપડાં ઉતાર્યાં, અને કેતકીની બાજુમાં સૂઈને, એને ચુંબન કરવા માંડ્યો. એકદમ જાગી જઈને, ચમકી જઈને, કેતકી ચીસ પાડી ઊઠી.

હું જ છું, તુકી. બીજું કોઈ નથી, તું ગભરાઇશ નહીં, કહીને કેતકીનાં સ્તન પર એણે હાથ મૂક્યો.

કેતકી સુજીતને ધક્કા મારવા લાગી; એની નીચેથી નીકળવા, આમથી તેમ પાસાં ફેરવવા લાગી. ને સાથે જ, જોરથી કહેતી ગઈ, આ શું કરો છો? ભાનમાં નથી તમે? છોડો, છોડો, મને. ના– ના– સ્ટૉપ. સ્ટૉપ.

તુકી, પ્લીઝ. તને પ્રેમ કરવા માગું છું. બસ. સુજીત એને મનાવવા મથતો ગયો. ને પછી, પોતાના હાથના જોરે કેતકીના હાથના ધક્કા અટકાવ્યા. એના હોઠ પર જોરથી પોતાના હોઠ મૂકીને એના શબ્દોને રોક્યા. કોઈ પણ રીતે, નાઇટીને ઊંચી કરી નાખી.

સુજીતના શરીરનો પૂરેપૂરો ભાર હવે કેતકીની ઉપર હતો.

સ્ત્રી-દેહનાં અંગોના અને ત્વચાના સ્પર્શથી, સુજીતની અતૃપ્તિ, સળગતી આગની જેમ, એનાં ગાત્રોમાં ફેલાઈ ગઈ. એનું શરીર સુખ ઇચ્છતું હતું, અને એનું મન કેતકીને સુખ આપવા ઇચ્છતું હતું.

અઘરો કેસ જીત્યાના આનંદમાં, અને આલ્કોહોલની માદક અસરમાં, સુજીતની ધુંધળી બનેલી સભાનતા, જાણે પ્રેયસીને પ્રેમ કરી રહી હતી.

કેટલો વખત ગયો આમ?

કેતકીના શ્વાસ માંડ ચાલતા હતા.

આખરે, સુજીતને ક્યારે ઊંઘ આવી ગઈ?

કેતકીએ ક્યારે સુજીતના નિષ્ક્રીય શરીરના વજનને દૂર ધકેલી દીધું?

બહુ મોટું તોફાન આવી ગયું. હજી કારમો કાળો અંધકાર સર્વત્ર છવાયેલો હતો, હજી ઘોર કાળાં વાદળ ક્યાંકથી ગર્જન કરતાં હતાં, હયાતી પર વીજળીઓ ત્રાટકી રહી હતી.

અપમાન, લાંછન, ક્રોધ, અને અભડાઈ ગયાના ભાવથી, એ ધ્રૂજતી રહી, પણ નિસહાયતાનાં આંસુ ના વહેવા દીધાં એણે. મનમાં મક્કમ નિર્ણયો લેવાતા ગયા.

એની ઇચ્છા તો હતી શાવરમાં ઊભાં રહીને, ઠંડા પાણીથી આખા શરીરને, અને એ અસહ્ય સ્પર્શને ધોઈ નાખવાની. પણ લિગલ પ્રૂફ માટે, એના શરીર પરનાં, સુજીતનાં નિશાન અને વાસ જરૂરી હતાં. સવારનું અજવાળું પ્રગટ થવા લાગ્યું, ત્યારે તો એ ઘરની બહાર નીકળી ગઈ હતી.

સૌથી પહેલાં, એ નજીકની હૉસ્પિટલમાં ગઈ. આ હતો તો બળાત્કાર, પણ અમેરિકામાં પણ, પતિના આવા વર્તાવને બળાત્કાર સાબિત કરવો સહેલો નથી હોતો, તે એ જાણતી હતી. તેથી, સમય વેડફ્યા વગર, તરત હૉસ્પિટલમાં જઈને એ, સુજીતના હાથના જોરને કારણે પોતાના બાહુ, સ્તન, ગાલ અને ગળા પર થયેલા સૉળ અને ઉઝરડા બતાવવા માગતી હતી.

ઑફિશિયલિ એ લાલ-કાળાં નિશાનોના ફોટા લેવાઈ જાય, અને એનો રિપૉર્ટ મળી જાય, એ બહુ અગત્યનું હતું. એ બધું મેળવવા માટે એણે ઉતાવળ કરાવી, અને બધી કૉપી મેળવીને જ રહી.

આ પછી, એ ફૅમિલિ કૉર્ટમાં ગઈ. અત્યાર સુધી જે પ્રોટેક્શન-ઑર્ડર ટૅમ્પૉરરિ હતો, તેને પર્મેનન્ટ કરાવડાવ્યો.  ‘ફીઝિકલ ક્રુઅલ્ટિ’ – શારીરિક ક્રૂરતાનાં નિશાનો તો એના શરીર પર સ્પષ્ટ દેખાતાં હતાં. અને અનિચ્છા છતાં,  તેમજ પુરુષને રોકવા છતાં, બળાત્કાર થયો, તે માનસિક ક્રૂરતામાં ગણાય.

આમ, બંને બાબતો કેતકીના પક્શે હતી.

ઉપરાંત, આગલો એ ઑર્ડર સુજીતે તોડ્યો હતો. એ ઑર્ડર પ્રમાણે, કેતકીની સાથે, કોઈ પણ સંપર્કની એને છૂટ નહતી, પણ એણે ઊંઘતી કેતકીની ઉપર હુમલો કર્યો.

અત્યાર સુધી, સુજીત લગ્નના ઘરમાં, એટલેકે કુટુંબવાળા ઘરમાં રહી શક્યો હતો, પણ હવે એને એમાંથી બાકાત કરવામાં આવ્યો. એણે કાયદાનો ભંગ કરેલો, અને એ માટે, એને સજા પણ થઈ શકે, કદાચ જેલમાં પણ મોકલી શકાય એને.

આ પછી, ડિવૉર્સ લેવા હોય, તો અરજી કરી શકાય. એમાં પણ હવે કેતકીને કોઈ વાંધો ના નડી શકે. જરૂરી બધી જ સાબિતી, એની પાસે આવી ગઈ હતી. 

કાયદેસરના બધા દસ્તાવેજ મેળવી લેવામાં એણે જરા પણ વાર કરી નહતી. હજી તો, સવારના અગિયાર વાગવામાં હતા, ને કેતકીએ પરિણામ મેળવી લીધાં હતાં.

કૉર્ટમાંથી નીકળીને, સીધી એ સુનીતાને ત્યાં ગઈ. મહેશની ઑફીસે ફોન કરીને, એને ઘેર આવી જવા વિનંતી કરી. બાપ્સને તો વાત કરશે જ, પણ પહેલાં મહેશની મદદ લેવી પડે તેમ હતી.

કેતકીએ કલ્પના પણ નહતી કરી, કે સુનીતા અને મહેશને જ્યારે પ્રોટેક્શન-ઑર્ડરની વાત કરી ત્યારે સહેજ વિચાર્યું હતું તેમ, એ બંનેની મદદની જરૂર ખરેખર ક્યારેય પડશે.

કેતકીએ બંને આત્મીય મિત્રોને, રાતે બની ગયેલી હોનારતની વાત કરી. સુજીત માટે એ બંનેનો જીવ બળ્યો. આવા સરસ માણસ, આટલા હોશિયાર, અને આ કેવી ટ્રૅજૅડિ થઈ ગઈ.

પણ કેતકીએ જ્યારે મહેશને કહ્યું, કે હવે સુજીતે ઘર છોડીને જતાં રહેવું પડશે, ત્યારે બંને જણને ખૂબ આઘાત લાગ્યો. બંનેએ કેતકીને બહુ સમજાવી, કે આવું ના કરે તો સારું.

ભાભી, મહેશે કહ્યું, નક્કી સુજીતની ભૂલ થઈ છે. નક્કી એમણે આવું કશંુ કરવા ધાર્યું તો ના જ હોય. અમુક નબળાઈ, અને અમુક કમનસીબ છે, એમની જિંદગીમાં.

કેતકી, તું જાણે તો છેને, કે સુજીતભાઈને તમારાં ત્રણેય માટે બહુ જ પ્રેમ છે?, સુનીતા બોલી. એમને માટે તમે ત્રણ, એમનું કુટુંબ, એટલે એમનું સર્વસ્વ છે. અમે પણ જોઈ શક્યાં છીએ, એમનો તમારે માટેનો પ્રેમ. તું એક વધારે તક સુજીતભાઈને આપ.

આ વાતો સાંભળી જ ના હોય, તેમ કેતકીએ કહ્યું, વધારે સમય ના બગાડો, મહેશભાઈ. પહેલાં તમે ઘેર જાઓ, સુજીત હજી ત્યાં જ છે, તમે એને આ પેપર્સ આપો, અને કહો, કે ચોવીસ કલાકની અંદર એણે ઘર છોડવું પડશે. નહીં તો, એ જેલમાં જશે.

સુજીતની આંખો ખુલી, ત્યારે એનું માથું ધમધમ થતું હતું. આગલી રાતે પીધેલા આલ્કોહોલનું પાચન હજી શરીરમાં થયું નહતું. એણે ટાઇમ જોયો, તો લગભગ અગિયાર વાગવામાં હતા.

સવારના અગિયાર?

ઓહો, આટલું મોડું?

એણે કેતકીને બૂમ પાડી. કોઈએ જવાબ ના આપ્યો. ઘર સાવ ખાલી હતું.

ક્યાં છું હું?, કહેતાં, એણે આસપાસ નજર ફેરવી. આ તો મારો ને કેતકીનો બેડરૂમ છે. અહીં ક્યાંથી સૂતો છું હું? એણે ફરી કેતકીને બૂમ પાડી. એના અવાજનો પડઘો પણ ના પડ્યો.

એનાં કપડાં, પલંગની પાસે, કાર્પેટ પર વિખેરાયેલાં પડ્યાં હતાં. એક બાજુ પ્લાસ્ટીકની બૅગ પડી હતી. એમાંથી, ઓગળી ગયેલા આઇસ્ક્રીમનું પ્રવાહી થોડું બહાર નીકળ્યું હતું.

એની યાદદાસ્ત હજી પૂરી પાછી આવી નહતી.

રાતે, એ ઘેર આવીને, આ રૂમમાં તુકીને ઊંઘતી, બે ઘડી જોવા આવ્યો હતો. પછી ઍક્ઝૅટલિ શું થયું, તે હજી એને યાદ આવતું નહતું.

પણ શું મેં જગાડી હશે તુકીને? તો તો એ ચિડાઈ જ હશે.

મોટા કડાકા સાથે એનું બધું ભાન પાછું આવ્યું. એણે કેતકીને ચુમી હતી, એને આખા શરીરે સ્પર્શી હતી, એની સાથે સંભોગ પણ —. મેં એના પર બળજબરી તો નહીં જ કરી હોય. ના, એવું તો —

ઓહ નો. ના, ના, ના, ભગવાન, મેં એવું કશું જ —

ઓ ભગવાન, આ શું થઈ ગયું? મારે તો, કેસ જીત્યાની ખુશી જ જણાવવી હતી. અંજલિને આઇસ્ક્રીમ ખાતી જોવી હતી. મારે, કોઈ પણ રીતે પેલા ઑર્ડરનો ભંગ નહતો કરવો. કોઈ પણ રીતે કેતકીને હેરાન નહતી કરવી.

આ શું કર્યું મેં? હાય હાય, હવે શું થશે? ક્યાં છે કેતકી? શું કરશે એ હવે?

મને માફ કરશે? કે —

સુજીતે બે હાથે માથું કૂટ્યું. આ કેવું પતન છે મારું? ક્યાંથી છેક ક્યાં ફેંકાઈ પડ્યો છું હું?

માંડ માંડ ઊભાં થઈને એણે કપડાં પહેર્યાં, મોઢું ધોયું, સાવ હારી ગયેલા સૈનિકની જેમ આગલા રૂમમાં આવ્યો, ત્યાં જ બારણું ખોલીને મહેશ અંદર આવ્યો.

સુજીતની હાલત જોઈને એને દુઃખ થયું. એના વાળ અસ્તવ્યસ્ત હતા; એનું શર્ટ અડધું લટકતું હતું, અડધું ખોસેલું હતું; એની આંખોમાં ગભરાટ હતો. અરે, આવા ખરાબ સમાચાર આપવાનું મારે ભાગે ક્યાં આવ્યું?, મહેશને બહુ પસ્તાવો થઈ આવ્યો.

એણે સુજીતના હાથમાં પેપર્સ મૂક્યા, ને કહ્યું, સુજીત, કોર્ટ તરફથી તમને ચોવીસ કલાક મળ્યા છે, ઘર છોડીને જવા માટે.

ના, ના, ભાઈ, એવું ના થવા દઈશ. સમજાવ તારી ભાભીને. આવું ના કરે, એમ સમજાવ એને, ભાઈ.

હું ક્યાં જઈશ ઘર છોડીને, મારું કુટુંબ છોડીને?

હાહાકાર થઈ જશે મારા જીવનમાં. ના, મારા જીવન જેવું કાંઈ રહેશે જ નહીં.

મને બચાવ, ભાઈ. તારો ઉપકાર નહીં ભૂલું.

હું ગાંડો થઈ જઈશ, હું મરી જઈશ, કશું જ નહીં રહે મારી પાસે, હું ક્યાં જઈશ? દયા કરો મારા પર. માફ કરો મને. મારા કમનસીબની દયા ખાઓ.

ભાઈ, બચાવ મને.

ગાંડા માણસની જેમ સુજીત લવારા કરતો રહ્યો. મહેશે એને પાણી આપ્યું, પછી સોફા પર સુવડાવી દીધો. એને થોડો આરામ મળી જાય, તો એ થોડો સ્વસ્થ થશે, અને બચાવી શકશે પોતાને – આ કારમી હોનારતમાં.

(ક્રમશઃ)

આપનો પ્રતિભાવ આપો..