બે કાંઠાની અધવચ (નવલકથા) પ્રકરણ: ૩૬ ~ પ્રીતિ સેનગુપ્તા
એ એક દિવસમાં જે બની ગયું તે એવું હતું, જેને વિષે કોઈને વાત કરી ના કહી શકાય.
પછીના મહિનાઓમાં એવું કશું જ ના બન્યું, જેને વિષે ખાસ કશું યે કહી શકાય.
જે ઘર પોતાનું હતું એમાં, સુજીત કેતકીની દયાથી રહી શકતો હતો. જે કુટુંબ પોતાનું હતું એની સાથે, કશો પણ સંબંધ રાખવાનો એને હક્ક નહતો. જે લોકો પારકા હતા, તેમનું હિત, એમના વકીલ તરીકે એને સાચવવું પડતું હતું. જે નસીબ એનું બધું ઝુંટવી લઈ રહ્યું હતું, તેને બદલવા માટે એ અસમર્થ હતો.
કઈ રીતે કહેવું આને જીવન? જીવનના નામે આ તો શાપ હતો, શાપ. એવાં કયાં પાપ મેં કર્યાં હશે, ને ક્યારે કર્યાં હતાં એ પાપ?, ગયા જનમમાં?, કે આટલું ભોગવવાનું આવ્યું છે મારે?
મારાથી ભૂલો થઈ જ છે, એ કબૂલ, પણ મેં એ જાણી જોઈને નથી કરી. અત્યંત દુઃખજનક કમનસીબીને કારણે, વાંક થયા કરે છે મારાથી. એ માટે માફીની પણ લાયકાત નથી રહી મારી?
કેતકી પર, પાછો જરા ગુસ્સો ચઢવા લાગ્યો સુજીતને. બહુ જાણકારી આવી ગઈ કાયદાઓની. મેં ક્યાં એને વકિલાતનું ભણવા મોકલી. જે કહ્યું માનનારી વાઇફ હતી, તે હવે વેર લેનારી વ્યક્તિ બની ગઈ છે.
અલબત્ત, થોડી પળો પછી સુજીત ઠંડો પડ્યો. ના, ના, એ બહુ શાંત અને ધીરજવાળી સ્ત્રી છે. હોંશિયાર તો પહેલેથી જ છેને. તુકી તો જે ધારે તે કરી શકે તેમ છે. એ તો મારો આધાર રહી છે, આટલાં વરસ.
શું મેં ક્યારેય એને આવું બધું કહ્યું નથી? ક્યારેય એની પ્રશંસા કરી નથી?
કરી છે, એમ તો. કદાચ પૂરતી નહીં કરી હોય.
મારા નસીબનાં જાળાંમાં હું ફસાયેલો રહ્યો છું. ક્યાં ઓછા ટ્રાય કર્યા મેં, વંશમાંથી મળેલા કમનસીબને હંફાવવાના. પણ હારતો તો હું જ રહ્યો છું. ‘લક ફૅક્ટર’ ક્યારેય મારી સાથે ના રહ્યું.
હતાશાના દિવસોમાં, એક વાર સુજીતે સચિનને ફોન કર્યો, કેમ છે, બેટા?
ઓહો, કેમ છો, પાપા? આઇ ને અંજલિ કેમ છે?
બહુ દિવસથી તારા ખબર નથી, બાબા. તું મઝામાં છેને?
સચિને, ખરેખર, કેટલાય દિવસોથી ઘેર ફોન કર્યો નહતો. બહુ બિઝી થઈ ગયો એ, અને કુટુંબ સાથે અંતર પણ પડતું જતું હતું. યુવાનીનો તૉર એની ચેતના પર લાગવા માંડ્યો હતો.
પણ સુજીતના ફોનથી એ જરા હાલી ગયો. હા, ઘેર ફોન તો, થોડા થોડા દિવસે, કરવો જોઇએ મારે.
સૉરી, પાપા, આમ જ. ભણવામાં, ને બીજી પ્રવૃત્તિઓમાં, ક્યાં દિવસ જતો રહે છે. પણ તમારાં બધાંના ખબર કહો.
સચિનને ખબર નહતી, કે ઘરમાં શું બની ગયું હતું. સુજીતે મનોમન કેતકીનો આભાર માન્યો, કે દૂર ભણવા ગયેલા દીકરાને, આ પ્રોટેક્શન-ઑર્ડરની જાણ કરી નહતી.
હજી સુજીતની સાથે, સ્વાભાવિક રીતે, સચિન વાત કરી શકે તેમ હતો. હાશ, આટલું સુખ તો બચ્યું છે, હજી.
એક રાતે, જમવા બેસતી વખતે, અંજલિએ કેતકીને કહ્યું, આઇ, આ શાક પાપાને બહુ ભાવે છે. કઈ રીતે ખાઉં હું એકલી? તને પણ એમ નથી થતું, કે પાપા શું ખાતા હશે, ને ક્યાં ખાતા હશે?
આઇ, આપણે રાતે રાતે એમને ઘેર જમવાનું ના આપી શકીએ? આપણે બેસાડેલો કાયદો, આપણે જ થોડો તોડીએ, તો આપણને કોઈ જેલમાં નથી મોકલવાનું. ખરું કે નહીં?
મોટાંની જેમ દલીલ કરે છે અંજલિ. પણ વાત ખોટી નથી. હું સુજીતથી સુરક્શા ઇચ્છું છું, મારે કાંઈ વેર નથી લેવું એમના પર. અને એક માણસને ભૂખ્યા રાખવા જેવી ક્રૂરતા કરતાં મને શરમ આવવી જોઇએ.
કેતકીની આંખો સજળ બની. એણે જોયું, કે અંજલિ પણ આંખો લુછતી હતી.
સારું, બેટા. પાપાને જણાવી દઈશ. આપણે ખાવાનું ઢાંકીને મૂકી રાખીશું, એમને માટે.
પરિસ્થિતિ એના જીવને રુંધતી હતી, પણ એકદમ નમતું મૂકવા હજી કેતકી તૈયાર નહતી. હદની બહાર વાત પહોંચી, ત્યારે એણે કાયદાનો આધાર લીધો. શું ખાતરી, કે ઑર્ડર ઉઠાવી લેતાં જીવન સુરક્શિત રહેશે?
પણ સુજીતવાળા રૂમના બારણા પર એણે એક ચીઠ્ઠી તો લગાવી દીધી. “રાતે અહીં જમજો.” બિનઅંગત સૂર, અને ઓછામાં ઓછા શબ્દો.
આટલું પણ ઘણું હતું સુજીતને માટે. કેતકીએ કૈંક માનવીયતા બતાવી. કદાચ પરિસ્થિતિ સુધરે, એવી કૈંક આશા પણ છે, હજી.
એના પ્રોફેશનમાં, પરિસ્થિતિ જરૂર સુધરી રહી હતી. હમણાં કેસ સારા મળતા હતા, એ જીતતો હતો, અને આવક પણ થઈ રહી હતી.
જીત્યાની ખુશીમાં, પહેલાંની જેમ, એને આઇસ્ક્રીમ કે કેક લઈને ઘેર જવાની બહુ ઇચ્છા થતી, પણ પાછું બધું ડામાડોળ થઈ જાય તો?
છતાં એક વાર, એણે એક ચોકલેટ ખરીદી. એટલું તો આપું અંજલિને, એણે વિચાર્યું. જરાક વહેલો ઘેર ગયો, અને જમવા બેસે તે પહેલાં, એણે અંજલિને જોઈ.
સુજીતે ઘુંટણિયે બેસીને, બે હાથ લાંબા કર્યા, અંજલિને વહાલ કરવા. એણે માથું હલાવી ના કહી.
પ્લીઝ, બેટા, સુજીત બોલ્યો.
એના એક હાથમાંની ચોકલેટ લેવા અંજલિનો હાથ લાંબો થયો, સુજીતે એ પકડીને ચુમ્યો, ને કહ્યું, થૅન્ક્સ —
ચોકલેટ લઈને દોડી જતી અંજલિ તરફ જોતાં, એણે નિરાંતનો શ્વાસ મૂક્યો. હમણાં ભૂલ થઈ જાત. એ થૅન્ક્સ, બાબા, બોલવાનો હતો. સદ્ભાગ્યે, એ જીભને રોકી શક્યો.
‘બાબા’ સાંભળીને અંજલિ જરૂર અપસેટ થઈ હોત. ચોકલેટ આપો છો મને, પણ યાદ તો કરો છો તમારા વહાલા બાબા સચિનને, એણે વિચાર્યું હોત. કદાચ ચોકલેટ પાછી આપી દીધી હોત અંજલિએ.
કોઈ હવે નાનું નથી રહ્યું. બંને છોકરાં મોટાં થઈ ગયાં. હવે ઍડલ્ટ થવાનાં, એટલે પછી તો એમના પર કોઈ શાસન ના કરાય.
છોકરાં મા-બાપને કૉર્ટમાં લઈ જઈ શકે, પોતાના સ્વાતંત્ર્ય પર દાબ મૂકવા બદલ. આવું પણ બને છે આ આધુનિક જમાનામાં, સુજીતે નિસાસો નાખ્યો.
ચાલો, કાંઈ નહીં, આમ ને આમ નીકળી જશે બાકીનાં વર્ષો.
અરે ના, આ તો કલ્પનામાંનો વિચાર. વાસ્તવિકતામાં તો હજી ઘણો લાંબો સમય બાકી છે. આવી જ રીતે કેટલાં વર્ષો નીકળી શકે? આમ પરણેલાં, ને આમ નહીં; આમ કુટુંબની સાથે, ને આમ એકલાં.
અંજલિ-સચિનને વહાલ કરવાનું, તુકીને પ્રેમ કરવાનું, મન થાય; કોઈ વાત કહેવાનું મન થાય, કોઈ સમાચાર પૂછવાનું મન થાય. જમવાનું પણ મુંગાં મુંગાં. કેટલાં વર્ષો પસાર કરવાનાં આવી રીતે?
છતાં, સુજીત ફરિયાદના ભાવને ખંખેરતો રહેતો. પાડ માનો, કે આટલું તો છે. રોજ રાતે ઘેર આવું છું. ક્યારેક તુકીની ઝલક મળી જાય છે, ક્યારેક અંજલિ દૂરથી આછું સ્મિત આપે છે.
બાપ્સ, માઇ, દેવકી અને જગતને તો પહેલેથી બધી જાણ હતી, અને કેતકી, લગભગ રોજ, ત્યાં વાત પણ કરી લેતી. થોડો વખત થયો, તે પછી સુનીતા અને મહેશને પણ, કેતકીએ જણાવી દીધેલું. જરૂર પડે ત્યારે, નજીકનાં મિત્રો જ મદદ કરવા આવવાનાં ને?
ઇચ્છા તો એવી જ હતી, કે બીજાં કોઈને કહીએ નહીં, ને ખબર પડવા દઈએ નહીં. પણ જો પતિ-પત્ની સાથે દેખાય જ નહીં, ને એકલાં પણ ક્યાંય જતાં ના લાગતાં હોય, તો આસ્તે આસ્તે, અંદેશો આવવા માંડતો હશે- કમ્યુનિટીમાં.
મહિનાઓ આમ વીત્યા, ને ત્યાં સુધીમાં, કેતકી કોઈ પણ વ્યક્તિની ટીકાઓનો સામનો કરવા સજ્જ બની હતી. પણ એવા સીધા પ્રસંગ આવ્યા નહીં.
જોકે, વચમાં, કેતકી પર સુરેશનો ફોન એક વાર આવેલો. કાંઈ કામ હોય તેવું પહેલાં તો લાગ્યું નહીં, પણ જાણે કશા ખબર જાણવા હોય તેમ સુજીતને માટે, છોકરાંઓને માટે, એણે થોડી પૂછપરછ કરી. કેતકીએ સાધારણ ભાવે જવાબ આપ્યા.
છેવટે સુરેશ કહે, કે આપણી કૉલૅજનું એક રિયુનિયન કરવાનું વિચાર્યું છે, ને એમાં તમારે ચોક્કસ આવવાનું છે.
આપણી કૉલૅજનાં એટલાં તે કેટલાં જણ છે અહીં? મને તો ક્યારેય કોઈ મળ્યું નથી, ભઇ. કેતકીએ નવાઈ પામીને કહ્યું.
વીસેક તો હશે. અને એમનાં કુટુંબો આવશે, એટલે પૂરતાં જણ થશે, એક ઊજવણીને માટે.
પછી કહે, તમારે એક ગીત ગાવાનું છે. તમે એક બંગાળી ગાશો ને?
બંગાળી? કેતકી ચમકી. એવું કોણે કહ્યું, કે મને બંગાળી ગીત આવડે છે?
સુરેશે એનો જવાબ આપ્યો નહીં.
રવીન્દ્રનાથની “ગીતાંજલિ”માં કેતકીને બહુ રસ હતો, તે વાત તો એક જ જણ જાણતો હતો. એ કહેવા ગયો હશે સુરેશને? કે પછી ફેંકી સુરેશે જ?
કોણ જાણે કેમ, પણ કેતકીને બહુ ચીડ ચઢી સુરેશ પર. ખોટી મગજમારી કરતો લાગે છે, મારી સાથે. કશીક રમત ચલાવતો લાગે છે, મને તો.
ફરી ક્યારેય વિકાસનું નામ તો એણે દીધું નહીં. મને એનો નંબર આપવાનો હતો, તે વાત જાણે એણે ક્યારેય કહી જ નહતી.
ને મારે, હવે પૂછવું યે નથી વિકાસને માટે. કયા કારણે એ કૉલૅજમાંથી જતો રહ્યો હતો, તે જાણવું નથી મારે.
બહુ થયું. ભૂતકાળના દસ્તાવેજને ફાડીને ફેંકી દેવો છે મારે.
ભૂતકાળની કઈ યાદો છે રાચવા જેવી? લગ્ન-જીવનના આરંભની હશે થોડી, પણ એમનું યે હવે શું? ક્યાં સુધી લટકેલાં રહેવાનું, એ કાચા તાંતણા પર?
કેતકીના મનની આવી ચીડના કારણમાં, ખરેખર તો, હતો સચિન.
હમણાં વૅકૅશન શરૂ થશે, ને પછી સચિન ઘેર આવવાનો, એવી કેતકીની અપેક્શા હતી. એને ભાવતું રોજ બનાવવાના પ્લાન એણે ઘડી રાખ્યા હતા.
છેક સુધી સચિનનો ફોન આવ્યો નહીં, એટલે કેતકીએ જ કર્યો.
ઓહ આઇ, કેમ છે? આ હું આજકાલમાં કરવાનો જ હતો ફોન, તમને બધાંને.
આ વખતે ઘેર આવવાનું તો નહીં બને, આઇ. મને તો ‘સમર જૉબ’ મળી ગઈ છે, એટલે હું તો મિશિગન જઈશ.
મિશિગન રાજ્ય? એ તો ક્યાંનું ક્યાં છે, બાબા.
હા, પણ હું તો કૉલૅજ પણ ત્યાં જ કરવાનો, એટલે અત્યારથી નોકરીનું, રહેવાનું, બધું નક્કી થઈ જાય, તો પછી નિરાંત ને. સળંગ કોર્સ લેવા મંડાય ને.
સચિન, કોઈ પારકા માણસની જેમ, વાત કરવા લાગેલો. એની માને, એનાં મા-બાપને, મળવાની ઇચ્છા નથી એને? કેતકીએ સમજાવ્યો, દલીલો કરી, દાખલા આપ્યા, પણ સચિન હવે પુખ્ત વયનો થઈ ગયો હતો, અને પોતાના નિર્ણય લેવા માટે મુક્ત હતો – કાયદાની આંખે પણ.
કેતકીનું મન ઉદાસ થઈ ગયું હતું. એને સરખી ઊંઘ પણ આવતી નહતી.
જીવનની વક્રતા એને ડંખતી રહેતી – બાળકને કેટલો પ્રેમ આપો, એની કેટલી ચિંતા કરો, પણ બસ, એ ઍડલ્ટ થઈ ગયા પછી, એની જિંદગી છૂટી થઈ જાય છે મા-બાપની જિંદગીથી.
વળી એ પોતાને આશ્વાસન પણ આપતી, કે કાંઈ નહીં, પાછો એવો સમય આવશે, કે જ્યારે સચિનને પોતાની જવાબદારીનું ભાન થશે. ત્યારે એ જ ઘેર આવવા, અને પૅરન્ટ્સની હુંફ મેળવવા ઇચ્છશે.
ભલે ત્યારે, જવા દો વીતી ગયેલા કાળને. અને જવા દો જેની ખબર નથી તેવા આવનારા કાળને. અત્યારનો એક એક દિવસ આમ શાંતિમાં નીકળે તો બહુ છે.
આર્ટિફિશિયલ હશે, ‘સ્ટેટસ ક્વો’ જેવી હશે, પણ શાંતિ તો ખરીને. પ્રોટેક્શન-ઑર્ડર શરૂ કર્યો તે પહેલાંની જેમ, અત્યારે, દિવસે સતત મતભેદનું ટૅન્શન, અને રાતે પરાણે શય્યાસંગની ચિંતા તો નથી.
બધાં કામોની વચમાં, કેતકીના અજંપો ઓછો કરવાના વિચારો ચાલુ રહેતા.
સુજીત પણ એની મેળે આ જ પ્રયત્ન કરતો રહેતો હતો.
ઉદ્વેગથી ભરેલા જીવનની અંદર, બંને જણ સુખી નહીં, તોયે સ્વસ્થ રહેવા મથતાં હતાં.
આમ ને આમ દોઢેક વર્ષ તો પસાર થઈ ગયું. બધાં જાણે ટેવાઈ ગયાં, એકબીજાં સાથે ચૂપચાપ રહેવાની આ પદ્ધતિથી.
ક્યારેક ક્યારેક, કેતકીએ વિચાર પણ કર્યો, કે શું હવે પ્રોટેક્શન-ઑર્ડર નાબુદ કરાવી લેવો જોઈએ? આટલા સમયમાં સુજીત બદલાયા હશે જ, અને પોતાના ગુસ્સા પર સંયમ રાખતા પણ થયા જ હશે. ભલે એ રહે જુદા રૂમમાં, પણ ઘરમાં હરફર કરી શકે, સામાન્ય વાતચીત કરી શકે, અંજલિને હોમવર્ક કરાવી શકે.
આવું કેતકી ધીરે ધીરે વિચારવા માંડી હતી.
ઑર્ડર નાબુદ કરવા અંગે પગલાં લે, એ પહેલાં, એક મોટો ઝંઝાવાત ચઢી આવ્યો.
એક કાળી રાત એવી આવી, કે જ્યારે, છેલ્લાં દોઢેક વર્ષમાં જેના પર એકલવાયી મજલ થતી રહી હતી, તે સૂના, સૂકા માર્ગ પર ઘોડાપૂર ફરી વળ્યું.
(ક્રમશઃ)