બે કાંઠાની અધવચ (નવલકથા) પ્રકરણ: ૩૫ ~ પ્રીતિ સેનગુપ્તા

બાકીની રાત શાંત વીતી. સવાર પણ શાંત પડી.

કેતકી ન્હાઇને નીકળી, ત્યારે સુજીત જાગી ગયો હતો. એણે કહ્યું, તુકી, હું જરા અંજલિની પાસે —

ના, હમણાં ના જતા.

મારે માફી માગવી છે એની.

ના, હમણાં નહીં.

તું જાણે છેને, મને, ખબર નથી, શું થઈ જાય છે. મને બહુ વહાલી છે અંજલિ. પણ અચાનક, જાણે મને કશુંક થઈ જાય છે. ગુસ્સો મારા હાથમાં નથી રહેતો.

આ બધી સમજૂતી કેતકી સાંભળતી તો હશે, પણ એણે એ અંગે કશો જવાબ ના આપ્યો. ફક્ત એમ જ કહ્યું, કે તમે તૈયાર થઈને નીકળો. નહીં તો તમને મોડું થશે. હું એને સ્કૂલે મૂકીને કામ પર જઈશ.

પછી આપણી ઑફીસે આવી જઈશ ને?

હા.

આ સંવાદના બરાબર અઢી કલાકે, સુજીતની ઑફીસના બારણા પર ટકોરા પડ્યા. આવ ને, ખુલ્લું જ છે, એણે કેતકી જ હશે, માનીને કહ્યું.

બારણું ખુલ્યું નહીં, ફરીથી ટકોરા પડ્યા.

સુજીતે ઊભાં થઈને બારણું ખોલ્યું. ત્યાં કોઈ ક્લાર્ક, કે ચોકીદાર જેવો માણસ ઊભેલો. એના હાથમાં, મોટી સાઇઝનું એક પીળું કવર હતું. આ તમારે માટે છે, કહીને એણે સુજીતની સામે ધર્યું.

સુજીતે એ પકડ્યું, કે તરત એ માણસ જવા માંડ્યો. અરે, ઊભા રહો એક મિનિટ. આ શું છે?, કોણે મોકલ્યું તે જોઈ લઉં. કદાચ જવાબ —-

અંજલિના રૂમના અંધારામાં, કેતકી કલાકો સુધી બેઠી હતી, અંજલિ એકદમ ઊંઘી ના જાય ત્યાં સુધી. એની આંખો સૂકી હતી. સુજીત પર ક્રોધ થવો જોઇએ, પણ એને બદલે, કેતકી સ્થિર અને શાંત હતી.

અંજલિએ બહુ ડિગ્નિટી બતાવી. તમાચો ખાઈને પણ ના ચીસ પાડી, ના જોરથી રડી ઊઠી. આટલી અમથી છોકરી, પણ એના બાપ કરતાં વધારે સ્વસ્થ નીકળી.

એ પોતે, ઘણા લાંબા વખતથી, એક ઊંચા મેદાન પર ચાલતી આવેલી હતી. દૂરથી પહાડો દેખાતા, દૂરથી ખાઈ દેખાતી. કેતકીને લાગ્યું, કે હવે એ એક છેડાની પાસે પહોંચી હતી.

ચાલતાં ચાલતાં, સફર કરતાં કરતાં, એ એક ઊંચી ધાર પર આવી ગઈ હતી. જો હવે એ આગળ વધશે, તો પડશે; ખાઈને તળિયે છેક નીચે પછડાશે, તે નક્કી. 

હવે એ નહીં અટકે, તો બચી નહીં શકે.

હાય ભગવાન, શું મૉડર્ન જમાનામાં રહેવાનું આ પરિણામ હશે?- આવા વિચાર પણ કરી શકાય તે?

અટકવાના આ વિચારનો અર્થ હતો, લગ્ન-જીવનના માર્ગ પર અટકવાનો, તે કેતકીની બુદ્ધિ જાણતી હતી. વર્ષો પહેલાં, વામાએ એને સ્ત્રીઓની મદદ માટેની સંસ્થાઓનો ઉલ્લેખ કરેલો. ત્યારે એના માનવામાં પણ આવ્યું નહતું, કે સ્ત્રીઓને એવી જરૂર પડે, અમેરિકા જેવા દેશમાં.

પણ હવે કેતકી જાણતી હતી, કે હા, અહીં, આ દેશમાં પણ, સ્ત્રીઓને બચવા માટે જરૂર પડે જ છે – કોઈની, કે કોઈ બીજી વ્યવસ્થાની.

સુજીત શું એવો અસહ્ય થઈ ગયો છે?

કદાચ, વધારે તો, એનો વર્તાવ જોખમી બનતો જાય છે – કેતકીને માટે તો અમુક અંશે હતો જ, ને હવે, એનો વર્તાવ બાળકોને માટે પણ  ચિંતાજનક થતો જતો લાગે છે.

આવા સંજોગોમાં શું કરવું મારે?, કેતકી મુંઝાતી હતી. સાથે જ, ગભરાતી પણ હતી.

સાથે રહીએ, અને એ વધારે હિંસક બનતો જાય તો?

અને, શું, સહન કરતાં જ રહેવાનું મારે?

ઇન્ડિયન સ્ત્રીઓને મદદ કરતી કોઈ સંસ્થાનો સંપર્ક એ કરી તો શકે, પણ એમાં, એને સામાજિક સંદર્ભ વધારે લાગતો હતો, લિગલ ઓછો.

વળી, એમ કરવામાં તો એણે ઘર છોડીને નીકળી જવું પડે. અંજલિને લઈને કેટલો વખત સેફ-હાઉસમાં રહી શકાય? નિકાલ ક્યારેય આવે. ને જો નિકાલ ના આવે તો? તો શું, એણે અંજલિને લઈને ઘેર પાછાં જવાનું? એ જ પરિસ્થિતિમાં ફરીથી ફસાવાનું?

આગલી રાતે, સુજીતે જે રીતે હાથ ઉપાડ્યો, નાની દીકરી ઉપર – ભલે એ એની કોઈ માનસિક નબળાઈને કારણે કર્યું, પણ હવે કેતકી, એની માફી માગવાની બાબતે પણ, વિશ્વાસ મૂકવા માગતી નહતી. એ પોતે તો હજીયે સહન કરી લે, સુજીતનો ગુસ્સો, એની હવસ વગેરે, પણ બાળક સાથેનો સુજીતનો આવો વર્તાવ એ કઈ રીતે સહન કરી શકે?

ના. હવે એ કોઈ મજબૂત ઉકેલ ઇચ્છતી હતી.

વક્રતા એ હતી, કે સુજીતે કેતકીને જે વિષે ભણવાનું દબાણ કર્યું હતું, તે જ વિષયની  જાણકારી, કેતકી હવે, સુજીતની સામે વાપરી શકવાની હતી.

વકિલાતનું ભણતાં ભણતાં, કેતકી ‘ડોમેસ્ટીક વાયોલન્સ’ વિષે ઘણું જાણવા પામી હતી. સાથે જ, કયા કામ માટે કઈ કૉર્ટમાં જવાનું, તે એને ખબર હતી. અમુક વિભાગોમાં કેટલીક ઓળખાણ પણ એને થઈ હતી.

અંજલિને સ્કૂલમાં ઉતારીને, કેતકી સીધી ફૅમિલિ કૉર્ટમાં ગઈ, અને સુજીતની સામે “ઑર્ડર ઑફ પ્રોટેક્શન” માટે અરજી કરી. કોઈ પણ સંબંધમાં, માનસિક તેમજ|અથવા શારીરિક ક્રૂરતાનું કારણ હોય તો, એ માટેની સાબિતી આપતાં, આ ઑર્ડર મેળવી શકાય છે, તે જાણ એને હતી.

એની સાધારણ ઓળખાણોને લીધે, બે કલાકની અંદર તો કેતકીને આવા ઑર્ડરનો કાગળ મળી ગયો. એક કૉપી પોતાને માટે રાખી, અને બીજી કૉપીને એક કવરમાં મૂકીને, ઉપર સુજીતની ઑફીસનું સરનામું લખ્યું. પછી ત્યાં જઈ, એ કવર સુજીતને પહોંચાડવા માટે બિલ્ડિન્ગના એક ચોકીદારને એણે દસ ડૉલર આપ્યા.

આમ તો એ હવે ઘેર જ જાત, પણ એને ખબર હતી, કે બાપ્સ અને માઇને આ વાત જણાવવી જરૂરી હતી. સુજીત એને શોધવા, એમને ફોન કરશે જ, એ તો નક્કી હતું. તેથી, એ સીધી દેવકીને ત્યાં ગઈ.

બાપ્સ અને માઇ પહેલાં કશું બોલી ના શક્યાં. બંનેએ કેતકીને માથે હાથ ફેરવ્યા. તુકી, તને કે અંજલિને કોઈ હાનિ નથી પહોંચીને?

અમને સુજીતકુમારના અણધાર્યા વર્તનથી ક્યારેક નવાઈ લાગતી હતી, તારે અને છોકરાંઓને માટે ચિંતા થતી હતી, પણ અમે તને કશું કહી, કે પૂછી શકતાં નહતાં.

તું જે કરીશ, તેને અમે સ્વીકારીશું. અમે હંમેશાં તારા જ પક્શમાં છીએ, બેટા.

બાપ્સ કહે, તુકી બેટા, હું માફી માગું છું, કે તને અમારી પસંદગીને કારણે, આવી મુશ્કેલીઓ પડી.

અરે બાપ્સ, પ્લીઝ, આવું ના બોલો. ને મને સુખનો સમય નથી મળ્યો, એવું નથી. વાંક કદાચ સુજીતનો ય નહીં હોય. એના નસીબનો વાંક, ને એનાં મા-બાપનો વાંક કહેવાય, કે જેમણે ભાગ્યે જ એને સ્નેહ આપ્યો.

આગલી રાતથી સ્થિર અને શાંત થઈને રહેલી કેતકી, હવે ભાંગી પડી. બાપ્સ અને માઇની સહાનુભૂતિ, અને સ્નેહ મળતાં, પોતાના ભાગ્યની કરુણતા પર, આંસુ વહેવા લાગ્યંા. માઇના ખોળામાં મોઢું નાખી, એ મોટે મોટેથી રડી.

ડુસકાંની વચમાં એ બોલી, આઇ ઍમ સૉરી, બાપ્સ, કે મારે લીધે તમારે આવું જોવાનું આવ્યું.

એના કપાળે ચુમી ભરીને, બાપ્સે એનાં આંસુ લુછ્યાં.

બંનેએ કહ્યું, કે અંજલિને લઈને, એ હવેથી દેવકીને ઘેર રહેવા આવી જઈ શકે છે. પરંતુ એ તો ટૂંકા જ સમયનો ઉપાય છે, તે એ ત્રણેય સમજતાં હતાં.

તમે ચિંતા ના કરતાં, માઇ. હું પહોંચી વળીશ, કારણકે કાયદો મારી તરફેણમાં છે. મારે જે પરાણે ભણવું પડ્યું, તે જુઓ, હવે મને કેવું કામમાં આવવાનું છે. આંસુની વચમાં પણ, એ કટાક્શ કરીને હસી.

આ દરમ્યાન, સુજીતનો ફોન દેવકીને ત્યાં ગયો જ હતો. કોઈ ઘરમાં ના હોય તે રીતે, કોઈએ એ ઉપાડ્યો જ નહીં. આન્સરિન્ગ મશીન ચાલુ થઈ ગયું. સુજીતના શ્વાસની ધમણનો અવાજ રૅકૉર્ડ થતો ગયો, પણ એણે કશું કહ્યા વગર ફોન મૂકી દીધો. એને ખબર નહીં પડી હોય, કે શું કહેવું.

કેતકીને જરાક ડર હતો, કે કદાચ છે ને સુજીત અંજલિની સ્કૂલે ના પહોંચી જાય. અંજલિને આવી કોઈ જાણ ક્યાંથી હોય? સાંજે, કેતકી એને મળે, ત્યારે બધું સમજાવીને કહેવાની હતી.

સદ્ભાગ્યે, સુજીત સ્કૂલે ગયો નહતો. કેતકીને સ્કૂલમાં આવેલી જોઈને અંજલિ બહુ ખુશ થઈ ગઈ. એને એમ, કે આઇ એનું રિહર્સલ જોવા આવી છે. ટીચર પણ ખુશ થયા, કે અંજલિનાં મૉમ બાળકોને પ્રોત્સાહન આપવા, રિહર્સલમાં  આવ્યાં.

પછી કેતકીએ, ગાડીમાં બેસીને જ, અંજલિને બધી વાત કરી લીધી – એમ, કે હવે પાપા ઘરમાં રહેશે ખરા, પણ તારી કે મારી સાથે, વાત પણ કરવાની છૂટ એમને નથી. તારે હવે એમનાથી ગભરાવાનું નથી. સમજી કે?

પણ આઇ, પાપા ખાશે પણ નહીં? એ ભૂખ્યા રહેશે? ને કોઈ એમની સાથે વાત નહીં કરે, તો એ સાવ એકલા નહીં પડી જાય?

દીકરીના આવા ખ્યાલ પર, કેતકીને પાછું રડવું આવી ગયું. કેટલી નિર્દોષ છે, હજી આ બાળકી. ને એના પર હાથ ઉગામ્યો એ માણસે.

અંજલિને સમજાવતાં એણે કહ્યું, પાપા તો મોટા છે, એ બધું સંભાળી લેશે, બરાબરને? તું એમની ચિંતા ના કરીશ. તું હવે નાટકમાં સરસ કામ કરજે, એટલે બહુ તાળીઓ મળે તને, હોંકે.

સુજીત ઘેર રાહ જોતો હતો. અંજલિને જલદીથી એના રૂમમાં ગોઠવીને કેતકી બહાર આવી. મિજાજના સૂરમાં સુજીતે પૂછ્યું, આ શું છે? કેતકીના મોઢા સામે એણે પેલું કવર હલાવ્યું.

તમે જોયું અંદર? વાંચ્યો એ કાગળ? સમજ્યા કાયદેસરના એ ઑર્ડરને?, કેતકીએ સામે પ્રશ્ન કર્યા.

સુજીતે કહ્યું, આટલું એવું ભણી ના ભણી એમાં બધી ખબર પડી ગઈ તને? ને હવે તું માને છે, કે હું ગભરાઈશ તારાથી? કે આવા ખોટા આક્શેપોથી?

બરાબર છે. હું નથી માનતી, કે તમે ગભરાશો. ગભરાયેલાં તો અમે છીએ. પણ કાયદો મારી સાથે છે, તે હું સારી રીતે જાણું છું.

જો, કેતકી, કૉર્ટના ખટલામાં પડવું સારું નથી?

કૉર્ટનો ખટલો, એટલે?

એટલે એમ, કે તને હું કૉર્ટે લઈ જઈ શકું છું. હું તારો આ મિથ્યા કેસ જીતી લઈ શકું છું. પછી શું કરીશ તું? પછી ક્યાં જઈશ તું?

સુજીતના આ શબ્દો, જેટલા ઝેરી હતા તેટલા જ બાલિશ પણ હતા.

સુજીત, તમે ચોક્કસ કૉર્ટે જઈ શકો છો. પણ તમને ખબર છેને, કે ત્યારે સાક્શી બોલાવવા પડશે? ત્યારે કોને બોલાવીશું? સાક્શી તો, આપણાં બંનેનાં, એનાં એ જ હશે. મારાં મા-બાપ, તમારા કલીગ, કાર્લોસ, વિશ અને નંદા, સુનીતા અને મહેશ, વામા અને રૉબર્ટ —

વામાને શું કામ?

કેતકી જવાબમાં ફક્ત હસી. એણે પોતે પણ નોંધ્યું, એ કઢંગું હાસ્ય.

ને એવા જ જુદા, કઠોર અવાજે કેતકીએ કહ્યું, આ પ્રોટેક્શન-ઑર્ડરનો અર્થ તમે બહુ સારી રીતે જાણો છો. તેથી હવે સાચવજો, કે મારી અને અંજલિની સાથે એક શબ્દની પણ આપ-લે ના થાય. બલ્કે, સામે જોવાનું પણ ટાળજો.

આ આપણું લગ્નનું ઘર છે, તેથી, એમાં તમને રહેવાની છૂટ હમણાં આપી છે. પણ અમારી સાથે કોઈ પણ, જરા પણ, સંપર્ક કરવાની છૂટ નથી. એક શબ્દથી નહીં, ને એક ચીઠ્ઠીથી પણ નહીં. તમે તો બહુ હોંશિયાર વકીલ છો, તમે તો આ બધું જાણો જ છો.

અને હા, હમણાં તો આ ઑર્ડર ટૅમ્પૉરરિ છે. મને ભાન છે એનું. પણ એનો અર્થ એ નહીં, કે એને પર્મેનન્ટ ના બનાવી શકાય. કેતકીના શબ્દો સ્પષ્ટ હતા.

સુજીતને હિન્દી ફિલ્મના ખલનાયકનો ઢીશૂમ ઢીશૂમ માર પડ્યો હોત, તો પણ કદાચ, એ આટલો મૂઢ ના થઈ ગયો હોત.

કેતકીના કઠોર શબ્દોએ એને પૂરેપૂરો તોડી નાખ્યો.

તુકી — એના ગળામાંથી, માંડ એક શબ્દ નીકળ્યો.

બસ, સુજીત, તમને આ વૉર્નિન્ગ આપી – એમ સમજજો. આ ઘરમાં તમને રહેવા દઈએ છીએ, પણ એનાથી વધારેની અપેક્શા, હવે ક્યારેય, તમે રાખતા નહીં.

હું – અને વધારે તો, નાની અંજલિ તમારાથી સેફ રહેશે, બસ, એટલો વિશ્વાસ તમારા પર રાખું છું. પછી તમે જાણો. કારણકે પછી, કૉર્ટ તો છે જ.

( ક્રમશઃ)

આપનો પ્રતિભાવ આપો..